નવી પાર્લામેન્ટમાં વંશીય લઘુમતી પશ્ચાદભૂ સાથેના ૬૫ સાંસદ ચૂંટાયા

વંશીય લઘુમતીની ૩૭ મહિલા સામે પુરુષોની સંખ્યા ૨૮ઃ ૨૦૧૭માં ૫૨ સાંસદ BAME જૂથના હતા

Wednesday 18th December 2019 02:22 EST
 
 

લંડનઃ ટોરી પાર્ટીએ ૧૯૮૭ પછી સૌપ્રથમ વખત ૩૬૫ મત સાથે સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે. આ જનાદેશ સાથે લેબરનેતા જેરેમી કોર્બીને નેતાપદેથી રાજીનામું આપવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. લિબરલ ડેમોક્રેટ્સ નેતા જો સ્વિન્સન તો પોતાની બેઠક પરથી જ ચૂંટાઈ શક્યાં નથી અને તેમણે રાજીનામાંની જાહેરાત પણ કરી દીધી છે. નાઈજેલ ફરાજના નેતૃત્વ હેઠળની બ્રેક્ઝિટ પાર્ટીને તો એક પણ બેઠક મળી નથી. જ્હોન્સનની સાથે પ્રીતિ પટેલ, સાજિદ જાવિદ, આલોક શર્મા, રિશિ સુનાક, શેલેશ વારા સહિતના વર્તમાન સાઉથ એશિયન સાંસદો પણ ચૂંટાઈ આવ્યાં છે.

થિન્કટેન્ક ‘ બ્રિટિશ ફ્યુચર’ના માનવા અનુસાર ૨૦૧૯ની ચૂંટણીએ અત્યાર સુધી સૌથી વૈવિધ્યસભર પાર્લામેન્ટની રચના કરી છે. હાલ ૧૦માંથી એક સાંસદ વંશીય લઘુમતી પશ્ચાદભૂ ધરાવે છે. તે જણાવે છે કે એક દસકા અગાઉ તો દર ૪૦ સાંસદમાંથી એક BAME સાંસદ હતો. નવી પાર્લામેન્ટમાં વંશીય લઘુમતી પશ્ચાદભૂ સાથેના ૬૫ સાંસદ હશે, જે ૨૦૧૭ની ચૂંટણી પછી ૫૨ (બાવન) સાંસદ હતા. નવી પાર્લામેન્ટમાં BAME જૂથના ૨૨ કન્ઝર્વેટિવ, ૪૧ લેબર અને ૨ લિબ ડેમ્સ સાંસદ છે. નવા હાઉસ ઓફ કોમન્સમાં વંશીય લઘુમતીના માત્ર છ ટકા કન્ઝર્વેટિવ સાંસદની સરખામણીએ લેબર પાર્ટીના૨૦ ટકાથી વધુ સાંસદ છે.

અન્ય નોંધપાત્ર બાબત એ છે કે સામાન્ય ચૂંટણીમાં વંશીય લઘુમતીના પુરુષોની સરખામણીએ મહિલાઓ વધુ ચૂંટાઈ આવી છે. પાર્લામેન્ટમાં વંશીય લઘુમતીની ૩૭ મહિલાએ સ્થાન મેળવ્યું છે જ્યારે પુરુષોની સંખ્યા ૨૮ છે.

ચાન્સેલર સાજિદ જાવિદની સરસાઈ વધી

કન્ઝર્વેટિવ ચાન્સેલર સાજિદ જાવિદે બ્રોમ્સગ્રોવ બેઠક પરથી પુનઃ વિજય મેળવ્યો છે. તેમણે લેબર પાર્ટીના ઉમેદવાર રોરી શેનોનને ૨૩,૧૦૬ મતથી પરાજિત કર્યા હતા. આમ. ૨૦૧૭ની ચૂંટણીની સરખામણીએ તેમની સરસાઈમાં ૬,૫૩૩ મતનો વધારો થયો છે.

લેસ્ટર ઈસ્ટમાં લેબરનો ખોડંગાતો વિજય

વર્ષોથી લેસ્ટર ઈસ્ટનું પ્રતિનિધિત્વ કરતા ભારતીય મૂળના કિથ વાઝના સ્થાને મૂકાયેલા લેબર ઉમેદવાર ક્લૌડિયા વેબ ૨૫,૦૯૦ મત મેળવી બેઠક જીતી શક્યાં હતાં. કન્ઝર્વેટિવ પાર્ટીના મૂળ ભારતીય ઉમેદવાર ભૂપેન દવે ૧૯.૦૭૧ મત મેળવી શક્યા હતા. કિથ વાઝની ગેરહાજરીમાં લેબર પાર્ટીએ ૬૦૦૦ મતની સરસાઈ હાંસલ કરી હોવાં છતાં, ૨૦૧૭ની સરખામણીએ વોટ શેરમાં ૧૬.૨ ટકાનો ભારે ઘટાડો જોવાં મળ્યો છે જેમાંથી ૧૪ ટકા થી વધુ મતહિસ્સો ટોરી પાર્ટીએ મેળવ્યો હતો.

હેરો ઈસ્ટમાં બ્લેકમેને પ્રભુત્વ વધાર્યું

કન્ઝર્વેટિવ પાર્ટીના બોબ બ્લેકમેને હેરો ઈસ્ટની બેઠક પર સતત ચોથી વખત વિજય હાંસલ કર્યો છે. તેમની સરસાઈ ૨૦૧૭માં ઘટીને આશરે ૧,૭૫૭ જેટલી ઓછી થઈ હોવાથી લંડનમાં ટોરી પાર્ટી માટે તે માર્જિનલ સીટ ગણાઈ હતી. જોકે, બ્લેકમેન તેમની સરસાઈ વધારીને ૮,૧૭૦ સુધી લઈ ગયા છે. લેબર પાર્ટીના કાશ્મીર ઠરાવના કારણે અહીંની કોમ્યુનિટીને ધારણા કરતાં વધુ વિભાજિત કરી હતી. કાશ્મીરી પંડિતોના અધિકારો વિશે સતત અને સક્રિય હિમાયત કરનારા બ્લેકમેન આગળ નીકળી ગયા હતા.

બેરી ગાર્ડિનરે બ્રેન્ટ નોર્થ જાળવ્યું

વર્તમાન લેબર સાંસદ બેરી ગાર્ડિનરે સતત ત્રીજી વખત બ્રેન્ટ નોર્થ બેઠક જાળવી છે. તેમણે મૂળ ભારતીય અને કન્ઝર્વેટિવ ઉમેદવાર અંજના પટેલને ૮૦૭૯ મતની સરસાઈથી પરાજિત કર્યા હતા. પ્રથમ વખત ચૂંટણી લડતાં અંજના પટેલને ૧૮,૮૩૨ મત મળ્યાં હતાં. બીજી તરફ, ગાર્ડિનરને પ્રાપ્ત મતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમણે ૨૦૧૭માં ૩૫,૪૯૬ અને ૨૦૧૫માં ૨૮,૩૫૧ મત મેળવ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter