નાના પરદાના ‘બિગ બોસ’ સિદ્ધાર્થ શુક્લાની અલવિદાઃ શું ફિટનેસનું વળગણ નડી ગયું?

Tuesday 07th September 2021 09:26 EDT
 
 

નાના પરદાના મોટા અભિનેતા સિદ્ધાર્થ શુકલાની માત્ર ૪૦ વર્ષની યુવા વયે અણધારી વિદાયથી ટીવી-ફિલ્મના ચાહકોમાં શોકનું ફરી વળ્યું છે. તેમની અંત્યેષ્ટિ મુંબઇના ઓશિવારા સ્મશાનઘાટ ખાતે સંપન્ન થઇ હતી. ત્રીજી સપ્ટેમ્બર - શુક્રવારે સિદ્ધાર્થના પાર્થિવ દેહને પરિવારજનો હોસ્પિટલેથી સીધો જ ઓશિવારા સ્મશાન ઘાટ ખાતે લાવ્યા હતા, જ્યાં અંતિમક્રિયાની તમામ વિધિ તેની ખાસ મિત્ર શેહનાઝ ગિલના હસ્તે સંપન્ન કરાઇ હતી. આ સમયે સિદ્ધાર્થના માતા રીતા અને બે બહેનો ઉપરાંત નિકટના પરિવારજનો, મિત્રો તેમજ ટીવી-ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા કલાકારો અને ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે પણ સ્મશાનગૃહ પહોંચ્યા હતા. સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર બ્રહ્માકુમારીની પરંપરા મુજબ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ બાળપણથી જ આ સંસ્થા સાથે જોડાયેલા હતા.
તબીબી નિષ્ણાતો સિદ્ધાર્થના મૃત્યુ માટે તીવ્ર હાર્ટ એેટેકને જવાબદાર ગણાવે છે, અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ પ્રાથમિક તબક્કે કંઇક શંકાસ્પદ જણાયું નથી, પરંતુ પોલીસે આ કેસમાં વિશેષ તપાસ ચાલુ રાખી છે. તેના વિસેરાની એફએસએલમાં તપાસ કરાશે, જેથી મૃત્યુનું કારણ સ્પષ્ટ થઇ શકે.

૪૦ વર્ષની ઉંમરે તીવ્ર હાર્ટ એટેક
‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી ઘરે ઘરે જાણીતા બની ગયેલા ટીવી સ્ટાર અને બિગ બોસ સિઝન–૧૩નાં વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું બીજી સપ્ટેમ્બરે તીવ્ર હાર્ટ એટેકથી ૪૦ વર્ષની વયે નિધન થયું હતું. તેમણે મધરાત્રે ઉઠીને પોતાને છાતીમાં દુઃખાવો થતો હોવાનું માતાને જણાવ્યું હતું. આ પછી ઠંડુ પાણી પીને સૂઇ ગયા હતા, અને તેઓ સવારે ઊંઘમાંથી ઊઠયા જ નહીં. તેમને તત્કાળ સારવાર માટે કૂપર હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કૂપર હોસ્પિટલમાં તેમનું નિષ્ણાત તબીબોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરાયું હતું, જેમાં મૃત્યુનું પ્રાથમિક કારણ ગંભીર હાર્ટ એટેક જણાવાયું છે.
મોડી રાત્રે સૂતા પહેલાં તેમણે કેટલીક દવાઓ લીધી હોવાનું જાણવા મળ્યું હતું. સવારે તેમને ઊંઘમાંથી ઉઠાડવા કોશિશ કરાઈ હતી પણ તેઓ ઊઠયા જ ન હતા. આ પછી તેમને હોસ્પિટલે લઈ જવાયા હતા. હોસ્પિટલના ડીન ડો. શૈલેશ મોહિતેના જણાવ્યા પ્રમાણે સિદ્ધાર્થ શુક્લાને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા તે પહેલાં જ તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. તેમનાં શરીર પર ઈજાનાં કોઈ નિશાન ન હતાં. સિદ્ધાર્થ શુક્લાનાં અવસાનના સમાચાર વાયુવેગે ફેલાતાં તેમનાં નિવાસે સગાંસંબંધીઓ તેમજ ચાહકોનાં ટોળેટોળાં ઊમટી પડયાં હતાં. સૌના ચહેરા પર શોક અને ગ્લાનિ ફરી વળ્યાં હતાં. તેઓ તેમની પાછળ માતા અને બહેનને કલ્પાંત કરતા છોડી ગયા છે.

કોઈની સામે શંકા હોવાનો ઇનકાર
સિદ્ધાર્થના મૃત્યુ અંગે લોકોમાં ભલે શંકા-કુશંકા વ્યક્ત થતી હોય, પરંતુ તેના પરિવારજનોએ આ મામલે કોઈની સામે શંકા હોવાનો ઇનકાર કર્યો છે. પરિવારે મુશ્કેલના સમયમાં ચાહકોને સંયમથી વર્તવા અપીલ કરી છે. પ્રાઈવસીનું સન્માન જાળવવા કહ્યું છે. સિદ્ધાર્થ ત્રીજી સપ્ટેમ્બરે એક શૂટિંગ માટે જવાના હતા અને એક ઇવેન્ટમાં હાજર રહેવાના હતા. સિદ્ધાર્થે રાત્રે સાડા ત્રણ કલાકે બેચેની થતાં તેમના માતા પાસે પાણી માગ્યું હતું. તેમણે છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. તેઓ પાણી પીધા પછી સૂઈ ગયા હતા. સવારે તેમના માતાએ તેમને ઉઠાડવા કોશિશ કરી હતી, પણ તેઓ નહીં ઊઠતા તેમનાં બહેન અને બનેવીને ફોન કરીને બોલાવ્યાં હતાં. તેમનાં ફેમિલી ડોક્ટરે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હોવાનું જાણવા મળે છે. મુંબઈ પોલીસે તેમનાં ઘરની પણ તપાસ કરી હતી. સિદ્ધાર્થ શુક્લાની કારનો પાછળનો કાચ તૂટેલો જણાયો હતો તેની તપાસ ચાલી રહી છે.

ઊંડા આઘાતમાં ગર્લફ્રેન્ડ શેહનાઝ
સિદ્ધાર્થ હાલના દિવસોમાં શેહનાઝ સાથે રિલેશનશીપમાં હતો. સિદ્ધાર્થના નિધન બાદ શેહનાઝ ભાંગી પડી હતી. સિદ્ધાર્થના પરિવારજનોની ઇચ્છા અનુસાર શેહનાઝના હાથે જ સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર કરાયા હતા. એક સમયે તો શેહનાઝ બેભાન થઇને ઢળી પડી હતી. સિદ્ધાર્થ-શેહનાઝની જોડીને ચાહકો ‘સિડનાઝ’ના નામે ઓળખતા હતા. સિદ્ધાર્થના મોત બાદ શેહનાઝને ઊંડો આઘાત લાગ્યો છે. જ્યારે સિદ્ધાર્થ બેહોશ થઇ ગયો ત્યારે શેહનાઝ પણ ત્યાં હાજર હોવાના અહેવાલ છે. તે ઘણી વખત સિદ્ધાર્થને મળવા તેમના ઘરે જતી હતી. શેહનાઝ પણ બિગ બોસ-૧૩માં સિદ્ધાર્થ સાથે હતી, જેથી બંને વચ્ચે અફેરની અફવાઓ ઉડી હતી. શો પુરો થયો બાદમાં શેહનાઝે કહ્યું હતું કે તેને સિદ્ધાર્થ બહુ જ પસંદ છે, જોકે સિદ્ધાર્થે ક્યારેય આ વાતનો જાહેરમાં સ્વીકાર કર્યો નહોતો કે તે રિલેશનશીપમાં છે.

મોડેલીંગથી લઇને બોલિવૂડ સુધીની સફર
મુંબઇમાં ૧૨ ડિસેમ્બર ૧૯૮૦ના રોજ જન્મેલા સિદ્ધાર્થ શુક્લે તેમની કેરિયરની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. ૨૦૦૪માં તેમણે ટીવી પર ડેબ્યુ કર્યું હતું. ૨૦૦૮માં તેઓ ‘બાબુલ કા આંગન છુટે ના’ નામની ટીવી સિરિયલમાં જોવા મળ્યા હતા, પરંતુ તેને ખરી ઓળખ ‘બાલિકા વધૂ’ સિરીયલથી મળી હતી, જેનાથી તે દરેક ઘરોમાં જાણીતો બની ગયા હતા. ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં જ્વલંત સફળતા મેળવ્યા બાદ તેમણે બોલીવૂડ તરફ પ્રયાણ કર્યું હતું. વર્ષ ૨૦૧૪માં આવેલી ‘હંપટી શર્મા કી દુલ્હનિયાં’ ફિલ્મમાં તે જોવા મળ્યા હતા. ચાલુ વર્ષે જે તેમની પહેલી વેબસિરીઝ ‘બ્રોકન બટ બ્યૂટીફૂલ’ નામની વેબસિરીઝ આવી હતી, જેમાં તેમના અભિનયની ઘણી પ્રશંસા થઇ હતી.

ફિટનેસનું સ્ટ્રેસ ભારે પડ્યું
શારીરિક ચુસ્ત-દુરસ્ત સિદ્ધાર્થ શુક્લાના માત્ર ૪૦ વર્ષની વયે અવસાને ફરી એક વખત બોલિવૂડની સ્ટ્રેસફૂલ લાઈફસ્ટાઈલ સામે આંગળી ચિંધી છે. લોકોમાં ચર્ચા છે કે, ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે તથા ફિઝિકલી ફિટ રહેવા અને દેખાવા માટે સિદ્ધાર્થ સહિત અનેક સ્ટાર્સ સખત વર્કઆઉટ કરતા હોય છે, હેલ્થ સપ્લિમેન્ટ લેતા હોય છે અને ઘણી વખત દવાઓ પણ લેતા હોય છે. ફિઝિકલ ફિટનેસનું આ ઝનૂન જ સિદ્ધાર્થના મોતનું કારણ બન્યું હોવાની ચર્ચા ચાલી છે અને તેના મિત્રોની વાતો પણ આ તરફ જ આંગળી ચીંધી રહી છે.
નજીકના મિત્રોના મતે સિદ્ધાર્થે લોકડાઉન ખૂલ્યા બાદ ફિટનેસ માટે પોતાના વર્કઆઉટમાં ઘણો ફેરફાર કર્યો હતો તથા તે કેટલીક દવાઓ અને સપ્લિમેન્ટ્સનું પણ નિયમિત સેવન કરતો હતો. તેણે મૃત્યુની આગલી રાત્રે પણ કેટલીક દવાઓ લીધી હતી. જાણકારોના મતે એક્ટરની ખાનપાનની આદતો પણ યોગ્ય નહોતી અને તેને ડોક્ટરોએ વધુ પડતી કસરત કરવાની પણ ના પાડી દીધી હતી. તેના ડાયટમાં ફેરફાર કરવા માટે પણ સુચન આપવામાં આવ્યું હતું, છતાં તેણે કોઈ ફેરફાર કર્યા નહોતા. તેના મિત્રના મતે આ ફિટનેસનું પ્રેસર જ તેના મોતનું કારણ બન્યું છે.

વર્કઆઉટ અને હાઇ પ્રોટીન ડાયેટ
સિદ્ધાર્થના મોત બાદ તેમના હેલ્થ રૂટિન અને વર્કઆઉટને લઇને ઘણી બાબતો સામે બહાર રહી છે. અહેવાલો અનુસાર, સિદ્ધાર્થની ખાનપાનની આદતો આરોગ્યની દૃષ્ટિએ યોગ્ય નહોતી. તે ઘણી વખત હાઇ પ્રોટીન ડાયેટ પર રહેતો હતો. આ સિવાય તેણે ફક્ત બોડી પર જ કામ કર્યું હતું અને એક્સેસ વર્કઆઉટ કરીને આંતરિક શક્તિ ગુમાવી દીધી હતી. તેમને અનિયમિત સૂવાની આદત હતી. આથી અંગત જીવનમાં તેનો સ્વભાવ ગુસ્સાવાળો અને ચીડચીડીયો થઇ ગયો હતો. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જ તેમના ફેમિલી ડોકટરે તેમને ૩-૪ કલાકથી વધુ કસરત ટાળવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મૃત્યુની આગલી રાત્રે જ તેણે લાંબો સમય રનિંગ કર્યું હતું.

છેલ્લી પોસ્ટમાં પણ ‘હાર્ટલાઇન’
સિદ્ધાર્થે તેમની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ #TheHeroesweOwe કરી હતી. આ પોસ્ટ ફ્રંટલાઇન વોરિયર્સ માટે કરી હતી, અને તેની નીચે હાર્ટલાઇન બનેલી હતી. આ પોસ્ટ સાથે તેણે આ અંગેનું કેપ્શન પણ લખ્યું હતું. તો ટ્વિટરમાં તેણે ૩ દિવસ પહેલા એક પોસ્ટ કરી હતી, જેમાં ટોક્યો પેરાલિમ્પિકમાં દેશને ગૌરવ અપાવનાર સુમિત અંટિલ અને અવની લેખારાની સિદ્ધિ સંદર્ભે તેમણે લખ્યું હતું કે ‘આ ભારતીયો આપણને વારંવાર ગૌરવની લાગણીની અનુભૂતિ કરાવી રહ્યા છે.’

બોલિવૂડ – ટીવી ઇન્ડસ્ટ્રીઝની શ્રદ્ધાંજલિ
સિદ્ધાર્થના મોતના સમાચાર મળતાંની સાથે બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીઝના કલાકારોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સલમાન ખાને તેમના નિધન પર ટ્વિટ કરતાં લખ્યું હતુંઃ બહુ જલ્દી ચાલ્યો ગયો સિદ્ધાર્થ, તને યાદ કરવામાં આવશે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. જ્યારે અક્ષય કુમારે લખ્યું હતુંઃ હું તેમને પર્સનલી જાણતો નથી, પરંતુ એક ટેલેન્ટેડ વ્યક્તિનું આટલા જલ્દી જતા રહેવાના સમાચાર દિલ તોડી નાંખનારા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter