પનામા પેપર્સઃ ભારતીયોની રૂ. ૨૦,૦૦૦ કરોડની બેનામી સંપત્તિ મળી

Wednesday 07th July 2021 03:49 EDT
 
 

નવી દિલ્હીઃ દુનિયાભરના ધનિકો અને સત્તાધારીઓ તેમના કમાણીના નાણાં કરચોરોના સ્વર્ગ ગણાતા દેશોમાં કેવી રીતે ગોઠવે છે તેને ઉઘાડું પાડનારા પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા સંશોધન પનામા પેપર્સમાં જાહેર થયેલી વિગતોને આધારે ભારતીય કરવેરા અધિકારીઓએ રૂ. ૨૦,૦૦૦ કરોડ કરતાં પણ વધારે મૂલ્યની બેનામી સંપત્તિ ઓળખી કાઢી છે.
રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ કરાયેલી અરજીનો જવાબ આપતાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ જણાવ્યું હતું કે જૂન ૨૦૨૧ સુધીમાં આ તપાસને અંતે દેશ અને વિદેશમાં ૨૦,૦૭૮ કરોડ રૂપિયાની અઘોષિત સંપત્તિ ઓળખી કાઢવામાં આવી છે.
એપ્રિલ ૨૦૧૬માં પનામાની લો ફર્મ મોસેક ફોન્સેકામાંથી મેળવવામાં આવેલા ૧૧.૫ મિલિયન ગુપ્ત દસ્તાવેજોનો અભ્યાસ કરી ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટસ (આઇસીઆઇજે) દ્વારા ૧૦૦ મીડિયા પાર્ટનર્સની સહાયથી આ કૌભાંડની વિગતો બહાર પાડવામાં આવી હતી. ભારતમાં આ કૌભાંડની વિગતો ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ દૈનિક દ્વારા પ્રકાશિત કરાઇ હતી.
રસપ્રદ બાબત એ છે કે સીબીડીટીના જણાવ્યા અનુસાર એપ્રિલ ૨૦૧૮માં ૧૦૮૮ કરોડ રૂપિયાની અને જૂન ૨૦૧૯માં ૧૫૬૪ કરોડ રૂપિયાની અઘોષિત સંપત્તિ ઓળખી કાઢવામાં આવી હતી. આની સરખામણીએ આ વખતે મોટા પ્રમાણમાં આવી અઘોષિત સંપત્તિ ઓળખી કાઢવામાં આવી છે. સીબીડીટીએ આ મામલે શું પગલાં ભરવામાં આવ્યા છે તે માહિતી આપતાં અહેવાલમાં જણાવ્યું હતું કે બ્લેક મની એક્ટ અને ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ દેશની વિવિધ અદાલતોમાં ૪૬ કેસ નોંધાવવામાં આવ્યા છે અને ૮૩ કેસમાં સર્ચ એન્ડ સર્વે કરવામાં આવ્યા છે.
નોંધપાત્ર બાબત એ છે કે સીબીડીટીએ જણાવ્યું છે કે આ કેસોમાં કરવેરાની વસૂલાત પણ કરવામાં આવી છે. જેમની સામે કેસ કરવામાં આવ્યા છે તેમની પાસેથી ૧૪૨ કરોડ રૂપિયાનો ટેક્સ પણ વસૂલવામાં આવ્યો છે. જેમ જેમ અદાલતોમાં કેસ ચાલતા જશે તેમ વસૂલ થનારી કરવેરાની રકમનો આંકડો પણ વધતો જશે.
આંતરરાષ્ટ્રીય સ્તરે આચરવામાં આવતા કૌભાંડને ખોલનારી આ પનામા પેપર્સની તપાસને પાંચ વર્ષ થયા તે નિમિત્તે આઇસીઆઇજે દ્વારા કરવામાં આવેલી ગણતરી અનુસાર દુનિયામાં કરવેરા અધિકારીઓએ ૧.૩૬ બિલિયન ડોલર્સ કરતાં વધારે રકમ કરવેરા અને દંડ પેટે વસૂલી છે. કરવેરા વસૂલાતનો સૌથી વધારે આંકડો યુકે, જર્મની, સ્પેન, ફ્રાન્સ અને ઓસ્ટ્રિયામાં નોંધાયો હતો.
પનામા પેપર્સમાં દુનિયાભરની સેલિબ્રિટીના નામ
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૬માં અમેરિકામાં આવેલા દુનિયાના ૧૦૦થી વધુ જાણીતા અખબારો અને મીડિયા ફર્મના સંગઠન આઈસીઆઈજે દ્વારા પનામાની લો ફર્મ પાસેથી દસ્તાવેજો મેળવવામાં આવ્યા હતા. આ દસ્તાવેજોએ સમગ્ર દુનિયાના મોટા મોટા દેશોના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો હતો. આ પનામા પેપર્સના કારણે ભારતમાં પણ મોટા આંચકા આવ્યા હતા. આ પેપર્સમાં ભારતના સેલેબ્સ, ઉદ્યોગપતિઓ, ટીવી સેલેબ્સ, વકીલો, નેતાઓ, સ્પોર્ટ્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સહિત ૫૦૦ લોકોના નામ સામે આવ્યા હતા. આ યાદીમાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા બચ્ચન, ઉદ્યોગપતિ સમીર ગેહલોત, ડીએલએફના વડા કે.પી.સિંહના નામ પણ બહાર આવ્યા હતા.
ચર્ચાસ્પદ બનેલા કેટલાક નામો
• અમિતાભ બચ્ચન (અભિનેતા) • ઐશ્વર્યા રાય બચ્ચન (અભિનેત્રી) • કે. પી. સિંહ અને તેમના પરિવારના ૯ સભ્યો (ડીએલએફના માલિક) • એપોલો ટાયર અને ઈન્ડિયા બુલ્સના પ્રમોટરો • શિશીર બાજોરીઆ (રાજકીય નેતા) • અનુરાગ કેજરીવાલ (નેતા) • ઈકબાલ મિરચી (ગેંગસ્ટર)

પનામા પેપર્સ કૌભાંડ શું હતું?

પનામા પેપર્સ નામથી જારી કરાયેલા અહેવાલમાં અનેક દેશોના નેતાઓ, ફિલ્મ સ્ટારો અને ખેલાડીઓની નાણાકીય લેવડદેવડનો ખુલાસો કરી હોબાળો મચાવ્યો હતો. આ પેપર્સમાં ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (આઈસીઆઈજે)ની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. આ સંગઠને ૧૯૭૭થી લઈને ૨૦૧૫ સુધીના વર્ષોના ડેટાની તપાસ કરી હતી. કેટલાક અજ્ઞાત સૂત્રોએ આ સંગઠનને ડેટા ઉપલબ્ધ કરાવ્યો હતો.
આ સંગઠને અનેક જાણીતી હસ્તીઓની છૂપાયેલી સંપત્તિનો ખુલાસો કર્યો હતો. આ દસ્તાવેજોમાં ૫૦૦ ભારતીયોની સંપત્તિનો પણ ઉલ્લેખ છે. જે હસ્તીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમના વિદેશી બેંક ખાતાઓમાં થયેલી નાણાકીય લેવડદેવડ સંપૂર્ણ ગેરકાયદે હતી તે સ્પષ્ટ થતું નથી.
જોકે એક વાત સ્પષ્ટ થઈ હતી કે તેમણે ટેક્સ બચાવવા માટે વિદેશી ખાતાઓમાં જમા કરાવેલી રકમ જાહેર કરી ન હતી. નાણાંકીય અને કાયદાકીય લાભો મેળવવા માટે વિદેશમાં ખાતા ખોલાવવામાં આવે છે. આ વિદેશી ખાતાઓ એવા દેશમાં રાખવામાં આવે છે જે ટેક્સ હેવન ગણાય છે. આ પેપર્સના ખુલાસા પછી જે તે દેશના આવકવેરા વિભાગ અને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter