પુલવામા હુમલા માટે પાકિસ્તાન જવાબદાર નથીઃ સામ પિત્રોડા

Saturday 23rd March 2019 07:34 EDT
 
 

નવી દિલ્હીઃ ઓવરસીઝ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ચેરમેન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ખાસ વિશ્વાસુ સામ પિત્રોડાએ પુલવામા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં આતંકી તાલીમ છાવણીઓ પર કરેલા હુમલા સામે સવાલ ઉઠાવતાં વિવાદનો વંટોળ ઉઠ્યો છે. એટલું જ નહીં, તેમણે આતંકવાદી તાલીમ કેમ્પ પર હુમલામાં માર્યા ગયેલા આતંકીઓના આંકડા અંગે પણ આશંકા વ્યક્ત કરી છે. એક આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીને આપેલી મુલાકાતમાં પિત્રોડાએ એર સ્ટ્રાઈકના પુરાવા માંગતા જણાવ્યું હતું કે પુલવામા આતંકી હુમલા માટે સમગ્ર પાકિસ્તાનને જવાબદાર ઠેરવી શકાય નહીં.
પિત્રોડાએ સીધા સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે, શું આપણે ખરેખર પાકિસ્તાન પર હુમલો કર્યો હતો? શું આપણે ખરેખર ૩૦૦ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યાં હતાં? હું આ મુદ્દે કંઇ જાણતો નથી. તેથી એક નાગરિક તરીકે મને તેની માહિતી મેળવવાનો અધિકાર છે, સવાલ પૂછવાની મારી ફરજ છે. જોકે આનો મતલબ એ નથી કે હું રાષ્ટ્રવાદી કે દેશભક્ત નથી. ભારતની જનતાને તે જાણવાનો પૂરો અધિકાર છે. આંતરરાષ્ટ્રીય મીડિયા પણ એમ કહી રહ્યું છે કે બાલાકોટના હુમલામાં કોઈ માર્યું ગયું નથી.

પિત્રોડાએ આ મુલાકાતમાં જણાવ્યું હતું કે, કેટલાક લોકોએ ભારતમાં આવીને આતંકવાદી હુમલો કર્યો તેથી આખા દેશના નાગરિકોને તેના માટે જવાબદાર ઠેરવવાનું વલણ ખોટું છે. મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો. તે સમયની સરકાર પણ હવાઈ હુમલા કરાવી શકી હોત, પરંતુ મારા મતે તે યોગ્ય વિકલ્પ નથી. આઠ ત્રાસવાદીઓ આવ્યા અને મુંબઈમાં હુમલો કર્યો તેના માટે સમગ્ર દેશને જવાબદાર ગણાવી શકાય નહીં.
બીજી બાજુ, સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે પુલવામા આતંકવાદી હુમલાને કાવતરું ગણાવતાં જણાવ્યું હતું કે, અર્ધ-લશ્કરી દળો ભાજપના શાસનમાં દુઃખી છે. મત માટે પુલવામામાં જવાનોને મારી નંખાવ્યા છે. સરકાર બદલાશે ત્યારે આ પ્રકરણની તપાસ થશે અને તેમાં મોટા માથાઓ ફસાશે.

‘હું ગાંધીવાદી છું, દયા-કરુણામાં માનું છું’

પાકિસ્તાન સાથે મંત્રણાની માગ કરતા સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે, ‘હું એક ગાંધીવાદી છું અને દયા તથા કરુણામાં માનું છું. વ્યક્તિગત રીતે હું મંત્રણાઓમાં વધુ વિશ્વાસ ધરાવું છું. મારું માનવું છે કે, આપણે દરેક દેશ સાથે મંત્રણા કરવી જોઈએ. તો પછી પાકિસ્તાન સાથે કેમ નહીં?’ 

‘હું વૈજ્ઞાનિક છું...’

પુલવામા હુમલા અને બાલાકોટ એર સ્ટ્રાઇક પરના મંતવ્યો અંગે સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે ‘આ મારા અંગત મંતવ્યો છે અને તેની સાથે કોંગ્રેસ પક્ષને કોઈ લેવાદેવા નથી. હું વ્યક્તિગત ધોરણે આ વાત કરી રહ્યો છું, એક વૈજ્ઞાનિક તરીકે વાત કરી રહ્યો છું. હું પુરાવામાં માનું છું. હું તર્કમાં વિશ્વાસ ધરાવું છું. હું માહિતીમાં માનું છું. હું લાગણીઓમાં તણાઈ જતો નથી.’ સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે, હવાઈહુમલો અલગ વાત છે અને ૩૦૦ લોકોનાં મોતનો દાવો અલગ બાબત છે. આપણે લાગણીશીલ બની શકીએ નહીં. માહિતી નિષ્પક્ષ હોવી જોઈએ. તમે કહો છો કે અમે ૩૦૦ને મોતને ઘાટ ઉતાર્યા, પરંતુ વિશ્વ તો અલગ જ વાત કહે છે.

‘નરેન્દ્ર મોદી સાથે સંમત નથી’

સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે, મનમોહન સિંહ દેશના શ્રેષ્ઠ વડા પ્રધાનો પૈકીના એક છે. ઘણા લોકો તેમની ટીકા કરે છે, લેખો લખે છે, ફિલ્મો બનાવે છે, પરંતુ તે બધા બકવાસ છે. પુલવામા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લીધેલાં પગલાં સાથે હું સંમત નથી.

૧૩૦ કરોડ ભારતીયો માફ નહીં કરે: મોદી

સામ પિત્રોડાના આ વિવાદાસ્પદ નિવેદન બાદ ૨૨ માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પસ્તાળ પાડતાં જણાવ્યું હતું કે, ભારતની ૧૩૦ કરોડની જનતા વિરોધ પક્ષને ક્યારેય માફ નહીં કરે. વિપક્ષ વારંવાર સશસ્ત્ર દળોનું અપમાન કરી રહ્યો છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખના સૌથી વધુ વિશ્વાસપાત્ર સલાહકાર અને માર્ગદર્શક સામ પિત્રોડાએ ભારતની સશસ્ત્ર સેનાઓનું અપમાન કરીને કોંગ્રેસ વતી પાકિસ્તાનના નેશનલ ડેની ઉજવણી શરૂ કરી દીધી છે. શરમ આવવી જોઈએ.
મોદીએ જણાવ્યું હતું કે, વિપક્ષ વારંવાર આપણા સશસ્ત્ર દળોનું અપમાન કરી રહ્યો છે. ૧૩૦ કરોડ ભારતીયો વિપક્ષને તેમને આ પ્રકારની નિવેદનબાજી માટે માફ નહીં કરે. ભારત દેશ તેના સશસ્ત્ર દળોની પડખે ઊભો છે. દેશ જે વાત સારી રીતે જાણે છે તે કોંગ્રેસના રાજઘરાનાના વફાદાર દરબારીએ નકારી છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે, વિપક્ષને આતંકવાદીઓનું સમર્થન કરવાની અને સશસ્ત્ર દળોને સવાલ કરવાની આદત પડી ગઈ છે. રામગોપાલ યાદવ જેવા વરિષ્ઠ નેતા દ્વારા અપાયેલું નિવેદન કાશ્મીરની સુરક્ષા માટે પોતાના જીવનની આહુતિ આપનાર જવાનોનું અપમાન છે. તે આપણા શહીદોના પરિવારોને અપમાનિત કરે છે. આ નવો ભારત છે. અમે આતંકવાદીઓને તેઓ સમજી શકે એવી તેમની જ ભાષામાં વ્યાજ સહિત જવાબ આપીશું. વડા પ્રધાને કહ્યું હતું કે, જનતા ચૂંટણીમાં કોંગ્રેસને પાઠ ભણાવશે.

પાક. જે કહે છે એ જ કોંગ્રેસ કહે છે: જેટલી

નાણાંપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, પિત્રોડા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના ગુરુ છે. સામ પિત્રોડા જે કહે છે તે ઇસ્લામિક દેશોના સંગઠને પણ કહ્યું નથી. ફક્ત પાકિસ્તાને જ આવું કહ્યું છે. જો કોઇ આવા વિચારો સાથે આપણા દેશમાં એક પાર્ટીના વિચારક બને છે તો તે આપણા દેશનું દુર્ભાગ્ય છે. જો ગુરુના આ પ્રકારના વિચાર હોય તો તેના ચેલાના વિચાર કેવા હશે? ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે, વિપક્ષ સેના સામે શંકા કરે છે જ્યારે અમે આપણી સેના પર ગૌરવ કરીએ છીએ. વિપક્ષના હૃદય આતંકવાદીઓ માટે ધબકે છે જ્યારે અમારા હૃદય ત્રિરંગા માટે ધબકે છે. આ ચૂંટણી છે. તમારા મતની શક્તિથી કોંગ્રેસી સંસ્કૃતિ પર સર્જિકલ સ્ટ્રાઇક કરો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter