ઢાકાઃ બાંગ્લાદેશમાં હિંદુઓની વિરુદ્ધ વધતા અત્યાચારના અહેવાલો વચ્ચે સોમવારે ચટગાંવ ઈસ્કોન પુંડરીક ધામના અધ્યક્ષ ચિન્મય કૃષ્ણન દાસ (ચિન્મય પ્રભુ)ની ધરપકડ થતાં હિન્દુ સમુદાયમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. હિંદુઓ સડકો પર ઉતરીને મોટા પાયે દેખાવો કરી રહ્યાં છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર એક રેલીમાં બાંગ્લાદેશના રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવાના આરોપસર ચિન્મય પ્રભુની ધરપકડ કરાઇ છે.
ઇસ્કોન મંદિરના જણાવ્યા અનુસાર, ચિન્મય પ્રભુની ઢાકા પોલીસની જાસુસી શાખાના અધિકારીઓએ ઢાકા ઇન્ટરનેશનલ એરપોર્ટથી ધરપકડ કરી હતી. નોંધનીય છે કે ચિન્મય પ્રભુ શેખ હસીના સરકારના પતન પછી હિંદુઓ પર થઇ રહેલા અત્યાચારો અંગે પોતાનો અવાજ ઉઠાવતા રહ્યાં છે.
લઘુમતીઓનું રક્ષણ કરોઃ ભારત
ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, ‘અમે બાંગ્લાદેશના સમ્મિલિત સનાતન જાગરણ જોટના પ્રવક્તા શ્રી ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડ અને તેમના જામીન નામંજૂર કરવાના મુદ્દે ચિંતિત છીએ. અમે શ્રી દાસની ધરપકડ સામે શાંતિપૂર્વક વિરોધ કરી રહેલા લઘુમતીઓ પરના હુમલાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરીએ છીએ. અમે બાંગ્લાદેશી સત્તાવાળાઓને હિન્દુઓ અને તમામ લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરીએ છીએ, જેમાં તેમના અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનો સમાવેશ થાય છે.’
નિવેદનમાં એમ પણ જણાવાયું છે કે ‘બાંગ્લાદેશમાં લઘુમતીઓનાં ઘરો અને દુકાનો લૂંટી લેવાયા છે. આ સાથે જ ચોરી, મંદિરોમાં તોડફોડ અને દેવી-દેવતાઓને અપવિત્ર કરવાના ઘણા કિસ્સા જોવા મળ્યા છે. આ ઘટનાના અપરાધીઓ હજી પણ મુક્ત રીતે ફરે છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. એક ધાર્મિક વડા સામે આરોપો લગાવાઈ રહ્યા છે. આ નેતા શાંતિપૂર્ણ સભાઓ દ્વારા તેમની માગણી કરી રહ્યા હતા.’
ચિન્મય પ્રભુઃ લઘુમતીઓનો અવાજ
શુક્રવારે ચિન્મય પ્રભુએ રંગપુરમાં એક વિશાળ વિરોધ રેલીને સંબોધી હતી. બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલનને કારણે શેખ હસીનાની સરકારના પતન પછી ત્યાં રહેતા લઘુમતી હિંદુઓને નિશાન બનાવાઇ રહ્યાં છે. વિદ્યાર્થી આંદોલન દરમિયાન હિંદુઓ અને તેમના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતાં. બાંગ્લાદેશના ખુલના, મેહરપુર સ્થિત ઈસ્કોન મંદિરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું.
હુમલા અંગે ચિન્મય પ્રભુએ હિંદુ મંદિરોની સુરક્ષા પર ઉંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે તે વખતે જણાવ્યું હતું કે ચટગાંવમાં ત્રણ મંદિર ખતરામાં છે. જોકે હિંદુ સમુદાયે મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો સાથે મળીને તમને બચાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં હિંદુઓએ અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો છે અને અનેક વખત દેખાવો પણ કર્યા છે. ઓક્ટોબરમાં ચટગાંવમાં હજારો બાંગ્લાદેશી હિંદુઓ પોતાના અધિકાર અને સુરક્ષાની માંગ સાથે સડકો પર ઉતરી આવ્યા હતાં. બાંગ્લાદેશ સનાતન જાગરણ મંચના બેનર થયેલા આ દેખાવોમાં હજારો હિંદુઓએ ભાગ લીધો હતો અને પ્રો. મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર સમક્ષ આઠ માંગો રજૂ કરી હતી.
હિંદુઓએ માંગ કરી હતી કે લઘુમતીઓ પર થતા અત્યાચારના કેસોની ઝડપી સુનાવણી માટે ટ્રાયલ કોર્ટની રચના કરવામાં આવે અને દોષિતોને કડક સજા કરવામાં આવે. પીડિતોને યોગ્ય વળતર અને પુનર્વાસની સુવિધાની પણ માંગ કરવામાં આવી હતી.