ભારતીય સેનાની દિવાળીઃ પાકિસ્તાનમાં ‘ફટાક્ડા ફોડ્યા’

Wednesday 23rd October 2019 06:00 EDT
 
 

શ્રીનગરઃ છેલ્લા લાંબા સમયથી સરહદે ભારે ગોળીબાર - તોપમારો કરીને ભારતમાં આતંકવાદીઓ ઘુસાડવા પ્રયત્નશીલ પાકિસ્તાનને ભારતીય સુરક્ષા દળોએ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સુરક્ષા દળોએ શનિવારે રાત્રે હાથ ધરેલી ‘મિની સર્જિકલ સ્ટ્રાઇક’ સમાન આ કાર્યવાહીમાં પાક.માં ધમધમતા આતંકી કેમ્પો અને સૈન્ય પોસ્ટનો ખાત્મો થઇ ગયો છે તો ૧૦ પાક. સૈનિકો અને ૩૫ આતંકીઓ પણ માર્યા ગયા છે. ભારતે આ અગાઉ ગયા ફેબ્રુઆરીમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી પાકિસ્તાનમાં ધમધમતા આતંકી કેમ્પોનો સફાયો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ની નાબૂદી બાદ ભારતની પાકિસ્તાન સામેની આ સૌથી આક્રમક લશ્કરી કાર્યવાહી છે. ભારતના ચીફ ઓફ આર્મી સ્ટાફ બિપિન રાવતે આ લશ્કરી કાર્યવાહીને સમર્થન આપતાં ચીમકી ઉચ્ચારી હતી કે જો પાકિસ્તાન હજુ પણ આમાંથી બોધપાઠ નહીં લે તો હજુ વધુ આકરા પગલાં લેવાશે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન લાંબા સમયથી ખીણ પ્રદેશમાં બરફવર્ષા શરૂ થાય તે પહેલા ભારતમાં આતંકીની ઘુસણખોરી કરાવવા પ્રયત્નશીલ છે. 

ભારતીય લશ્કરે આ આક્રમક કાર્યવાહી પાક. કબ્જાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં કરી હતી, જેમાં ભારતે પાક.ના ૩૫ આતંકીઓને પણ ઠાર માર્યા હોવાના અહેવાલો છે. ભારતીય સૈન્ય વડા બિપિન રાવતના જણાવ્યા મુજબ ભારતે પાક.ના ૧૦ સૈનિકોને પણ ઠાર માર્યા છે અને અનેક ચોકીઓ અને આતંકી કેમ્પો ઉડાવ્યા છે.
ભારતીય ગુપ્તચર તંત્રને અહેવાલો મળ્યા હતા કે પુલવામા હુમલા બાદ ભારતે બાલાકોટ એરસ્ટ્રાઇક કરી ત્યારે તો પાકિસ્તાને સરહદેથી આતંકીઓને હટાવી લીધા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ આતંકીઓ ફરી સરહદે સક્રિય થયા હતા.ખાસ કરીને પીઓકેમાં પાકિસ્તાનના આતંકી કેમ્પો સક્રિય હોવાના અહેવાલો મળ્યા હતા. આ પછી ભારતે કાર્યવાહી શરૂ કરી હતી. ભારતીય સૈન્ય દ્વારા પાક. ચોકીઓ અને કેમ્પો એમ બન્નેને નિશાન બનાવી ભારેથી અતિ ભારે તોપમારો જારી રાખ્યો હતો.
ભારતીય સુરક્ષા દળોના વડા બિપિન રાવતે જણાવ્યું હતું કે ભારતીય સૈન્યે ભારે તોપો વડે પીઓકેમાં ધમધમતા પાક.ના આતંકી કેમ્પોને ઉડાવ્યા છે, જેમાં પાક. ચોકીઓને પણ નિશાન બનાવી છે, અમારી પાસે પ્રાપ્ત રિપોર્ટ અનુસાર આ હુમલામાં પાક.ના ૩૫ આતંકીઓ માર્યા ગયા હોવાની શક્યતાઓ છે જ્યારે પાક.ના ૬થી ૧૦ સૈનિકો પણ માર્યા ગયાના અહેવાલો અમને મળ્યા છે.
સૈન્યના અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સૈન્યે તંગધારમાં કેટલાક આતંકીઓને ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો. જેની જાણકારી ભારતીય સૈન્યને મળી જતાં આતંકી કેમ્પો અને પાક. સૈન્યની ચોકીઓને નિશાન બનાવી જવાબી કાર્યવાહી કરી હતી.

પાકિસ્તાનનું જૂઠાણું

ભારતની લશ્કરી કાર્યવાહી બાદ પાકિસ્તાની સૈન્યે દાવો કર્યો હતો કે અમારા ગોળીબારમાં ભારતના આશરે નવ જેટલા સૈનિકો માર્યા ગયા હતા અને અનેક ઘવાયા હતા. જોકે પાકિસ્તાની સૈન્યના આ દાવાને ભારતીય સૈન્યે નકાર્યા છે. પાકિસ્તાન સૈન્યના પ્રવક્તા આસિફ ગફૂરે જણાવ્યું હતું કે આ ગોળીબારમાં પાકિસ્તાને પણ એક જવાન અને ત્રણ નાગરિકોને ગુમાવ્યા છે.
ભારતીય સૈન્યે કરેલા ભારે ગોળીબાર અને તોપમારામાં પીઓકેના મુઝફ્ફરાબાદ અને નીલમ ઘાટીને સૌથી વધુ અસર થઇ હતી. પાકિસ્તાને પીઓકેમાં ફરી આતંકી કેમ્પોને સક્રિય કરી દીધા છે જેને પગલે ભારત આગામી દિવસોમાં હજુ વધુ મોટી કાર્યવાહી કરી શકે છે.
એવા અહેવાલો છે કે ભારતે તંગધારમાં ચાર આતંકી કેમ્પોને સંપૂર્ણપણે નાશ કર્યા હતા. જોકે પાકિસ્તાનનો દાવો છે કે અમારા સૈનિકો નહીં, પણ નાગરિકો માર્યા ગયા છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરના કઠુઆમાં ભારે તોપમારો કરાયો હતો.
જેમાં એક ભારતીય નાગરિક પણ ગંભીર રીતે ઘવાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાને કથુઆમાં ભારે તોપમારો કર્યો હતો તેવી જ રીતે તંગધારમાં પણ શનિવારે રાત્રે પાકિસ્તાને ગોળીબાર કર્યો હતો જેમાં ભારતના બે જવાન શહીદ થયા હતા. સાથે એક નાગરિકનું પણ મોત નીપજ્યું હતું જ્યારે એક ઘવાયો હતો.
પાક.ના આ ગોળીબારનો બદલો લેવા જ ભારતે પીઓકે અને તંગધારમાં પણ પાક.ની ચોકીઓને ફૂંકી મારી હતી. પાકિસ્તાન કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ની નાબૂદી બાદ સતત ગોળીબાર કરતું આવ્યું છે જેમાં અનેક નાગરિકો અને જવાનો પણ માર્યા ગયા છે. દરરોજ પાક. ગોળીબાર કરી રહ્યું હોવાથી ભારતીય સૈન્યે આક્રમક કાર્યવાહી કરીને જડબાતોડ જવાબ આપ્યો હતો.

પી-૫ દેશોને બોલાવ્યા

ભારતીય સૈન્યના વડા રાવતના જણાવ્યા અનુસાર ભારતે પાક.ના છથી ૧૦ જવાનો અને અનેક આતંકીઓને માર્યા છે. જોકે પાકિસ્તાને કહ્યું છે કે ભારતીય સૈન્ય વડા જુઠ બોલી રહ્યા છે. અમારા જવાનો નહીં પણ પાંચ નાગરિકો માર્યા ગયા છે. બીજી તરફ, પાકિસ્તાને પોતાના આ દાવાઓને સાબિત કરવા માટે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલના પાંચ દેશો અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન વગેરેને બોલાવ્યા છે. હવે પાક. આ દેશોના પ્રતિનિધિઓ સમક્ષ ભારતને જૂઠું સાબિત કરવા પોતાના જુઠાણાના ગાણા ગાશે. આ ઉપરાંત પાકિસ્તાને ભારતીય રાજદુત ગૌરવ અહલુવાલિયાને સમન પાઠવ્યા હતા અને તેમની સમક્ષ દાવો કર્યો હતો કે અમારા પાંચ નાગરિકો ભારતીય સૈન્યના ગોળીબારમાં માર્યા ગયા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter