મહારાષ્ટ્રમાં પવારનો પાવરઃ હવે ઠાકરેની સરકાર

Wednesday 27th November 2019 04:57 EST
 
 

મુંબઇઃ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા રાજકીય દાવપેચમાં મંગળવારે નાટ્યાત્મક વળાંક આવ્યો છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સરકારનું રાજીનામું આપી દીધું છે. બીજી તરફ, શિવસેના, એનસીપી અને કોંગ્રેસે મહાવિકાસ અઘાડી નામથી યુતિ રચીને ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રધાન પદે સરકાર રચવાની જાહેરાત કરી છે.
ફડણવીસ સરકારના પતનનો અને મહાવિકાસ અઘાડીના ઉદયનો જશ જાય છે મરાઠા નેતા શરદ પવારની રાજકીય કૂનેહને. ચાણક્ય, કિંગમેકર, રાજનીતિજ્ઞ, પીઢ નેતા, રાજકીય રમતના પાવરધા ખેલાડી, અનુભવી રાજકારણી... આમાંનું એકાદું વિશેષણ પણ રાજનેતા માટે આગવી ઓળખ સમાન ગણાય. પરંતુ મરાઠા નેતા શરદ પવારની રાજકીય વ્યૂહરચનાએ આ બધા શબ્દોને વામણા સાબિત કરી દીધા છે.

કથિત બહુમતીના દાવા સાથે રાતોરાત મુખ્ય પ્રધાન પદે બેસી ગયેલા દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે નાકલીટી તાણી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તેમણે બુધવારે સાંજ સુધીમાં વિધાનસભા ગૃહમાં વિશ્વાસ મત લેવાનો હતો. જોકે ૨૪ કલાક પૂર્વે જ તેમણે બહુમતી ન હોવાનું કબૂલીને હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું.
શામ-દામ-દંડ-ભેદના પ્રયાસ વચ્ચે શરદ પવાર એનસીપીના તમામ ધારાસભ્યોને એકતાંતણે બાંધી રાખવામાં સફળ થયા છે. એક સમયે એનસીપીના તમામ ૫૪ ધારાસભ્યો પોતાની સાથે હોવાનો દાવો કરીને ફડણવીસ સાથે સરકારમાં જોડાઇ ગયેલા અજિત પવાર સાથે એનસીપીનો એક પણ ધારાસભ્ય ગયો નથી.

હવે પવારના હાથમાં રિમોટ

એક સમયે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર હતી ત્યારે ઠાકરે પરિવાર માતોશ્રી (બાળ ઠાકરેના નિવાસસ્થાન)થી રિમોટ કંટ્રોલ વડે સરકાર ચલાવતા હતા અને મુખ્ય પ્રધાન તેમના ઇશારે કામ કરતા હતા. પણ હવે એવું નહીં થાય. હવે એનસીપીના હાથમાં રિમોટ કંટ્રોલ છે. એનસીપી સિલ્વર ઓક (શરદ પવારના નિવાસસ્થાન)થી સરકાર ચલાવશે.

‘જનાદેશ ભાજપ માટે...’

દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું હતું કે અજિત પવારે મને જણાવ્યું છે કે હું યુતિમાં રહી નહીં શકું અને રાજીનામું આપું છું. આ પત્રકાર પરિષદ બાદ ફડણવીસે પણ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું, ‘હું રાજ્યપાલને રાજીનામું આપવા જઈ રહ્યો છું. અજિત પવારે રાજીનામું આપ્યું ત્યારે અમે નક્કી કર્યું કે અમે પણ રાજીનામું આપીશું. અમે ક્યારેય કોઈ ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ નથી કર્યો.’ તેમણે કહ્યું કે ‘અમે વિપક્ષમાં બેસીશું, પણ આ ત્રણ પૈડાંવાળી સરકાર વધારે લાંબી ચાલવાની નથી. અમે સંઘર્ષ ચાલુ રહેશે.’ ફડણવીસે એમ પણ કહ્યું હતું કે ‘શિવસેનાનો વિજય અમારા સાથેના ગઠબંધનના કારણે હતો. શિવસેના કરતાં ભાજપનો સ્ટ્રાઇક રેટ સારો હતો, વિજય ગઠબંધનને મળ્યો, પરંતુ જનાદેશ ભાજપ માટે હતો.’

ત્રણેય પક્ષમાં મતભેદ

રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે ભાજપે જેવું ધાર્યું હતું એવું મહારાષ્ટ્રમાં શક્ય બન્યું નથી. ભાજપે ધારાસભ્યોના સમર્થન માટે તમામ પ્રયાસો કર્યા હતા પણ જ્યારે અજિત પવારે રાજીનામું આપ્યું તે પછી ફડણવીસ પાસે રાજીનામું આપવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો નહોતો. પત્રકાર પરિષદમાં ફડણવીસે કહ્યું હતું કે હવે અમારી તાકાત સીમિત થઈ ગઈ છે. ભાજપને લાગતું હતું કે અજિત પવારના સમર્થનથી ઘણા ધારાસભ્યો સમર્થન આપશે, પરંતુ ધીમે ધીમે ધારાસભ્યો અજિત પવારને છોડીને ચાલ્યા ગયા અને ભાજપને લાગ્યું કે હવે સરકાર બનાવી શકાય તેમ નથી.
હવે શિવસેના, એનસીપી અને કોંગ્રેસને સરકાર રચવા માટે રસ્તો સાફ થઇ ગયો છે તે વાતનો ઉલ્લેખ કરતા નિષ્ણાતો કહે છે કે આ જોડાણ કેટલું ટકે છે તે જોવું રહ્યું. આ ત્રણેય પક્ષમાં વૈચારિક મતભેદ છે. ખાસ કરીને શિવસેના અને કોંગ્રેસ વચ્ચે. આથી સરકારને ઘણી મુશ્કેલી આવશે એવું લાગી રહ્યું છે.

શિવસેના ગુજરાતને નડશે?

નિષ્ણાતોના એક વર્ગનું માનવું છે કે શિવસેનાના નેતૃત્વમાં સરકાર રચાતા હવે ભાજપના ઘણા બધા પ્રોજેક્ટ પર અડચણો આવી શકે છે. ખાસ કરીને ગુજરાત સાથે જોડાયેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કેમ કે શિવસેનાએ અગાઉ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો.
શિવસેનાની મહારાષ્ટ્રમાં સરકાર બનતાં મુંબઈમાં રહેતા ગુજરાતીઓને શું અસર થશે તેવા સવાલના જવાબમાં નિષ્ણાતો કહે છે કે ગુજરાતીને કોઇ મુશ્કેલી નહીં પડે કેમ કે શિવસેના ગુજરાતી વિરુદ્ધ નથી. તેણે કદી ગુજરાતીઓનો ખુલીને વિરોધ નથી કર્યો.

સવાર ભત્રીજો, સાંજે કાકા

મહારાષ્ટ્રના રાજકારણે શનિવારે સવારે લોકોને ચોંકાવી દીધા. દેશભરના અખબાર કહેતા હતા કે, ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન બની શકે છે. જોકે ટીવી પર સમાચારો હતા કે, દેવેન્દ્ર ફડણવીસે ફરી એક મુખ્ય પ્રધાન પદે શપથ લીધા છે. આ રાજકીય દાવપેચના અસલી ખેલાડી હતા અજિત પવાર. તેમણે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. અજિત પવાર એનસીપી ધારાસભ્ય દળના નેતા છે એટલે ૫૪ ધારાસભ્યનો સમર્થન પત્ર રાજ્યપાલને મોકલ્યો. જોકે બાદમાં તમામ ધારાસભ્યો તેમની સાથે ન આવ્યા. પછી સ્પષ્ટ થયું કે, અજિત પવાર પક્ષમાં બળવો કરીને સરકારમાં સામેલ થયા છે. આ પછી એનસીપી જ નહીં, પરંતુ પરિવારમાં પણ ભાગલા પડી ગયા હતા. જોકે મોડી સાંજે રાજકીય માહોલ ફરી પલટાયો કેમ કે, શરદ પવારે યોજેલી ધારાસભ્યોની બેઠકમાં ૫૪માંથી ૫૦ ધારાસભ્ય પહોંચ્યા હતા.

સુપ્રીમ કોર્ટે પુરાવા માગ્યા

મહારાષ્ટ્રમાં મધરાત્રે સરકાર રચવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. મહારાષ્ટ્રમાં ફડણવીસને સરકાર રચવા રાજ્યપાલ દ્વારા જે આમંત્રણ અપાયું તેને તેને શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ સુપ્રીમમાં પડકાર્યું હતું. સુપ્રીમમાં આ મામલે રવિવારે વિશેષ સુનાવણી થઈ હતી, જેમાં કોર્ટે અવલોકનમાં જણાવ્યું હતું કે દરેક બાબતોનો એક નિયમ હોય છે, મહારાષ્ટ્રમાં પણ બહુમત તો સાબિત કરવી જ પડશે. બાદમાં સુપ્રીમે ફડણવીસ અને અજિત પવારને નોટિસ પાઠવી ગવર્નર સમક્ષ રજૂ થયેલા સમર્થન પત્ર સહિતના દસ્તાવેજો સોમવાર સવાર સુધીમાં રજૂ કરવા જણાવ્યું હતું. સોમવારે સુનાવણી બાદ કોર્ટે મંગળવારે સવાર સુધી ચુકાદો અનામત રાખ્યો હતો.
મંગળવારે સવારે કોર્ટે ફડણવીસ સરકારને બુધવાર સાંજના પાંચ વાગ્યા સુધીમાં વિધાનસભા ગૃહમાં વિશ્વાસમત હાંસલ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત મતદાન ઓપન બેલેટ પેપર પર કરવા તેમજ કાર્યવાહીનું લાઇવ ટેલિકાસ્ટ કરવા જણાવ્યું હતું. જોકે ફડણવીસે ગૃહમાં મતદાન પૂર્વે જ રાજીનામું આપી દીધું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter