મેહુલ ચોકસી હનીટ્રેપમાં ફસાયો?!

Wednesday 02nd June 2021 04:17 EDT
 
 

એન્ટીગુઆઃ ભારતીય બેન્કોના અબજો રૂપિયા ઓળવીને એન્ટીગુઆમાં આશરો લઇને બેઠેલો મેહુલ ચોકસી અચાનક લાપતા થયા બાદ હવે તેનું પગેરું પડોશી કેરેબિયન દેશ ડોમિનિકામાં મળ્યું છે. આ સાથે જ તેના ગળા ફરતે કાનૂની સકંજો પણ કસાયો છે. એક તરફ તે જે દેશનું નાગરિકત્વ ધરાવે છે તે એન્ટીગુઆએ તેનો કબજો સ્વીકારવા ઇન્કાર કર્યો છે તો બીજી તરફ ભારત સરકારે તેનો કબજો મેળવવા ડોમિનિકા સરકાર સમક્ષ રજૂઆત કરી છે. ભારત સરકારે આ કેસ સંબંધિત દસ્તાવેજો ચાર્ટર્ડ પ્લેનમાં ડોમિનિકા પહોંચાડ્યા છે જે દર્શાવે છે કે તે આ મામલે કેટલી ગંભીર છે. આગળ કૂવો અને પાછળ ખાઇ જેવી સ્થિતિમાં મૂકાયેલો મેહુલ ચોકસી હાલ ડોમિનિકાની કસ્ટડીમાં છે અને પોતાનો કેસ લડવા માટે લંડનના ટોચના કાનૂનવિદોને મેદાનમાં ઉતાર્યા છે, જેથી ભારત પ્રત્યર્પણથી બચી શકાય.
પણ તે ડોમિનિકા પહોંચ્યો કઇ રીતે?
જોકે અહીં લાખ રૂપિયાનો સવાલ એ છે કે મેહુલ ચોકસી ડોમિનિકા પહોંચ્યો કઇ રીતે? એક અહેવાલ એવા છે કે તે હનીટ્રેપમાં ફસાયો અને ડોમિનિકા જઇ પહોંચ્યો. તેને એન્ટીગુઆમાંથી બહાર કાઢવા માટે જ હનીટ્રેપ ગોઠવાયું હતું. અહેવાલ મુજબ મેહુલ ચોકસી જે મહિલા સાથે રોમેન્ટિક ટ્રિપ પર ડોમિનિકા પહોંચ્યો હતો તે મહિલા એન્ટીગુઆમાં રહેતી હતી. ઇવિનિંગ વોક વખતે તેણે ચોકસીને મળવાનું શરૂ કર્યું હતું. ૨૩ મેના રોજ મહિલાએ ચોકસીને એક એપાર્ટમેન્ટમાં મળવા બોલાવ્યો હતો. ચોકસી જ્યારે એપાર્ટમેન્ટ પહોંચ્યો ત્યારે ત્યાં અનેક લોકો હાજર હતા. આ અપહરણકારો મેહુલનું અપહરણ કરીને ડોમિનિકા લઈ ગયા અને ડોમિનિકામાં મેહુલ ચોકસીની ધરપકડ થઈ હતી. આમ આ મહિલા જ મેહુલના અપહરણનું માધ્યમ બની.
ગર્લફ્રેન્ડ સાથેની ઐયાશી ભારે પડી
કેટલાક અન્ય અહેવાલો મુજબ મેહુલ ચોકસી એન્ટીગુઆમાં તેની હોટ અને રહસ્યમય ગર્લફ્રેન્ડ બાર્બરા ઝરાબિકા સાથે રહીને ઐયાશી કરતો હોવાનું જાવા મળ્યું છે. અગાઉ એન્ટીગુઆના વડા પ્રધાન ગેસ્ટોન બ્રાઉન પણ આક્ષેપ કરી ચૂક્યા છે કે મેહુલ યાટમાં ઐયાશી કરવા તેની ગર્લફેન્ડ સાથે ડોમિનિકા ભાગી ગયો હોવો જોઈએ. મેહુલ ચોકસી ફરતે કાનૂની ગાળિયો ફસાતા તેની ગર્લફ્રેન્ડ પણ લાપતા થઈ ગઈ છે. બાર્બરા ઝરાબિકા પ્રોપ્રર્ટી ઈન્વેસ્ટમેન્ટ એડવાઇઝર છે અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે. બંને પ્રેમીઓ એન્ટીગુઆ અને બરમુડાની આસપાસ મળતા રહેતા હતા. બાર્બરા ઝરાબિકા પણ ઐયાશીભરી જિંદગી જીવે છે. મોંઘીદાટ યોટ અને હેલિકોપ્ટરમાં ફરવાની શોખીન છે.
પંજાબ નેશનલ બેન્ક સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનારા અને ભારત છોડીને નાસતાફરતા મેહુલ ચોકસીએ કાયદાથી બચવા માટે જે મરણિયા પ્રયાસો શરૂ કર્યા છે તે જોતાં લાગે છે કે તેનું ભારત પ્રત્યાર્પણ વિલંબમાં મુકાઇ શકે છે. તેને નાદુરસ્ત તબિયતને કારણે ડોમિનિકા ચાઇના ફ્રેન્ડશીપ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેને શું બીમારી કે શું તકલીફ છે એ તો જાણવા મળ્યું નથી, પણ તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ છે. હાલ તેને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવ્યો છે. ડોમિનિકાના સ્થાનિક અખબારોમાં પ્રકાશિત તેની કેટલીક તસવીરોમાં તેના હાથ અને ચહેરા પર ઇજાના નિશાન જોવા મળે છે. આ ઇજા તેને કઇ રીતે થઇ છે તેની કોઇ માહિતી અપાઇ નથી, પરંતુ મેહુલના વકીલનો દાવો છે કે તેને અપહરણ વેળા આ ઇજા થઇ છે.
મેહુલ ચોકસીને ફરી એન્ટીગુઆ મોકલવો કે ડોમિનિકામાં જ રાખવો કે પછી ભારતને પ્રત્યર્પણ કરવું તે મુદ્દે બીજી જૂને ડોમિનિકા કોર્ટ દ્વારા નક્કી કરાશે.

લંડનના ચાર ખ્યાતનામ વકીલ ડોમિનિકામાં
મેહુલ ચોકસીનું ભારતમાં પ્રત્યર્પણ રોકવા માટે લંડનના ચાર ખ્યાતનામ વકીલો સ્પેશિયલ વિમાનમાં ડોમિનિકા પહોંચ્યા છે. તેઓ બીજી જૂને કેસની સુનાવણી વખતે ચોક્સી વતી દલીલો કરશે.
ડોમિનિકાની કોમનવેલ્થ કોર્ટ ઓફ જસ્ટિસમાં ચોકસીએ હેબિયસ કોપર્સ રિટ કરી છે. આ સમયે ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોર્ટમાં રજૂઆત કરાશે કે તેણે કેટલું મોટું આર્થિક કૌભાંડ આચર્યું છે અને એન્ટીગુઆનો પાસપોર્ટ હોવા છતાં તેની પાસે ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ બજાવાઈ છે. આથી તેને દેશનિકાલ કરીને ભારતને સોંપવામાં આવે. ચોક્સી ભારતનો નાગરિક છે તે સાબિત કરવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) તેના ૩ બેન્ક ખાતાની વિગતો, તેનાં પાન કાર્ડની તેમજ પાસપોર્ટની વિગતો રજૂ કરશે. ચોક્સીના વકીલ માર્શ વેન દ્વારા ફરી એક વાર દાવો કરાયો છે કે, મેહુલ ચોક્સીનું અપહરણ કરીને તેને ડોમિનિકા લાવવામાં આવ્યો છે. બે ભારતીય એજન્ટ દ્વારા ચોક્સીનું અપહરણ કર્યા પછી બને એજન્ટો લંડન ભાગી ગયા છે. ચોક્સીના બીજા વકીલ દ્વારા તે એન્ટીગુઆથી ભાગી જવાની ફિરાકમાં હતો તેવા દાવા ફગાવાયા છે અને તેનું અપહરણ કરીને ડોમિનિકા લઈ જવાયો હોવાનો દાવો કરાયો છે.
મેહુલ એન્ટીગુઆને હવાલે જ કરાશેઃ ડોમિનિકા
પંજાબ નેશનલ બેન્ક સાથે લોન છેતરપિંડી કરવાના આરોપી મેહુલ ચોક્સીને ડોમિનિક રિપબ્લિક એન્ટીગુઆને જ સોંપશે.
ડોમિનિકા પોલીસે એક ન્યૂઝ પોર્ટલને કહ્યું હતું કે તે એન્ટીગુઆથી ગેરકાયદે આવ્યો હતો, આથી આંતરરાષ્ટ્રીય નિયમો અને કાયદા મુજબ એન્ટીગુઆને સોંપાશે. આ પહેલાં મેહુલને સીધો ભારત લાવવામાં આવી શકે છે એવી સંભાવના મીડિયા રિપોર્ટ્સમાં વ્યક્ત કરાઈ હતી. ભારત સરકારે પ્રયાસો પણ શરૂ કરી દીધા હતા.
મેહુલ ચોક્સી ગેરકાયદે રીતે ડોમિનિકા પહોંચી ગયો હતો. ત્યાં ભારતીય તપાસ એજન્સીના આગ્રહ પર ઈન્ટરપોલે તેની ધરપકડ કરી હતી. હવે તેને ભારત લવાઈ શકે છે. તેના કેટલાક મજબૂત આધાર પણ છે. જેમાં પ્રથમ છે કે તે મૂળરૂપે ભારતીય નાગરિક છે.
બીજો ડોમિનિકામાં તેણે ગેરકાયદે રીતે પ્રવેશ કર્યો હતો એટલા માટે ત્યાંની સરકાર તેને ભારત કે તેની વર્તમાન નાગરિકતાવાળા દેશ એન્ટીગુઆને સોંપી શકે છે. જોકે એન્ટીગુઆના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉને પાડોશી ડોમિનિકાની સરકારને સ્પષ્ટ કહી દીધું છે કે ચોક્સીને સીધો ભારતને સોંપી દેવામાં આવે. જ્યારે ચોક્સીના વકીલ વિજય અગ્રવાલની અલગ જ દલીલો છે. અગ્રવાલે આરોપ મૂક્યો કે ચોક્સીને ફસાવી ડોમિનિકા મોકલી દેવાયો. ત્યાં તેની ધરપકડ કરી લેવાઈ. એના પછી તેમણે કહ્યું હતું કે કાયદાનો હવાલો આપી ચોક્સીને સીધો ભારતને ન સોંપી શકાય, કેમ કે તે હાલમાં એન્ટીગુઆનો નાગરિક છે.
મેહુલ મરજીથી ડોમિનિકા નહીં પહોંચ્યા હોયઃ વકીલ
એન્ટીગુઆથી ભાગીને ક્યૂબા જઇ રહેલો પીએનબી ગોટાળાનો આરોપી મેહુલ ચોક્સીને ડોમિનિકામાં પકડી લેવામાં આવ્યો છે અને એન્ટીગુઆના વડા પ્રધાને પણ તેને સીધો ભારતને સોંપવાની વાત કરી છે ત્યારે મેહુલ ચોક્સીના વકીલ વિજય અગ્રવાલને આ સમગ્ર ઘટનાક્રમમાં ગરબડ થઇ હોવાની શંકા થવા લાગી છે. અગ્રવાલે જણાવ્યું હતું કે મારા મત અનુસાર તે પોતાની જાતે ડોમિનિકા નહીં પહોંચ્યા હોય. મને કોઈ ગરબડ લાગી રહી છે. જેના પર કોઈ ધ્યાન આપી રહ્યું નથી તે મૂળ બાબત એ છે કે તે ડોમિનિકા પહોંચ્યા કેવી રીતે.
તે કોઈ ચેસનું પ્યાદું નથી: અગ્રવાલ
ચોક્સીના વકીલ અગ્રવાલે જણાવ્યું હતું કે સોંપણીની કામગીરી કાયદેસર રીતે થવી જોઈએ. આ કોઇ ચેસની ગેમ નથી. આ એક માણસની વાત છે કોઇ પ્યાદાની વાત નથી કે તેને અહીંથી ત્યાં કરી શકીએ. આ કામગીરી કોઇની ઇચ્છા અનુસાર ના થઇ શકે. તેણે માનવઅધિકારનો હવાલો આપતાં જણાવ્યું હતું કે એક વ્યક્તિને ફક્ત એ દેશમાં જ પ્રત્યાર્પિત કરી શકાય કે જે દેશનો તે નાગરિક હોય. ભારતની નાગરિકતા તો ત્યારે જ ખતમ થઇ ગઈ હતી જ્યારે ચોક્સીને એન્ટીગુઆની નાગરિકતા મળી હતી. વિજય અગ્રવાલે જણાવ્યું હતું કે મેં ચોક્સીના પરિવાર સાથે વાત કરી છે અને તેમને હવે રાહત થઇ છે કે મેહુલ ચોક્સીની ભાળ મળી છે. મેહુલ સાથે વાત કરવાના સતત પ્રયાસો કરી રહ્યો છું કે જેથી તે કેવા સંજોગોમાં એન્ટીગુઆથી ડોમિનિકા પહોંચી ગયો તેની જાણ થઇ શકે.
મેહુલ બીચ પર દસ્તાવેજોનો નિકાલ કરતો હતો
પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. ૧૪,૫૦૦ કરોડનું કૌભાંડ આચરનાર હીરાનો ભાગેડુ વેપારી મેહુલ ચોક્સી એક અહેવાલ અનુસાર અનુસાર એન્ટીગુઆથી ડોમિનિકા થઈને ક્યૂબા જવાની ફિરાકમાં હતો. તે વિમાનને બદલે કોઈ પ્રાઈવેટ બોટમાં ડોમિનિકા આવ્યો હતો. ડોમિનિકાની રાજધાની રોસેયુ ખાતે કેનફિલ્ડ બીચ પર તે કેટલાક મહત્ત્વના દસ્તાવેજો ફાડીને તેનો નિકાલ કરી રહ્યો હતો ત્યારે તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. જેટલી નાટકીય રીતે જે એન્ટીગુઆથી લાપતા થયો હતો તેટલી જ નાટકીય રીતે તે ડોમિનિકાથી પકડાઈ ગયો હતો. તે એન્ટીગુઆ બારમુડાથી લાપતા થયા પછી ઈન્ટરપોલ દ્વારા તેના માટે યલો નોટિસ બજાવવામાં આવી હતી. ડોમિનિકાની પોલીસે કહ્યું હતું કે મેહુલ ચોક્સી તેમની કસ્ટડીમાં છે. ડોમિનિકામાં પ્રવેશવા માટે તેણે બોટનો ઉપયોગ કર્યો હોવો જોઈએ તેમ પોલીસનું માનવું છે. એન્ટીગુઆનાં વડા પ્રધાન દ્વારા તેને સીધો પ્રત્યાર્પણ દ્વારા ભારત મોકલી આપવા ડોમિનિકાને કહેવાયું છે પણ ડોમિનિકા પોલીસે કહ્યું હતું કે તેને મૂળ દેશમાં મોકલી આપવામાં આવશે.
બીચ પર શકમંદ હાલતમાં પકડાયો
ડોમિનિકા પોલીસે કહ્યું હતું કે તે કેનફિલ્ડ બીચ પર શકમંદ હાલતમાં ફરતો હતો. તે દરિયાકિનારે કેટલાક દસ્તાવેજો ફાડીને તેનો નિકાલ કરવાની ફિરાકમાં હતો તે વખતે પોલીસે તેને ઝડપી લીધો હતો. તેને જ્યારે ડોમિનિકા આવવાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબ આપવા ઈનકાર કર્યો હતો. તેણે જે દસ્તાવેજોની દરિયામાં નિકાલ કર્યો છે તેને શોધવા માટે સ્કૂબા ડાઈવર્સની મદદ લેવામાં આવશે.
ખોટા એલઓયુ મારફત કૌભાંડ થયું
હીરા વેપારી મેહુલ ચોક્સી અને તેના ભાણેજ નીરવ મોદીએ પીએનબી બેન્ક સાથે રૂ. ૧૩,૦૦૦ કરોડથી વધુની છેતરપિંડી કરી હતી. નીરવ મોદી અને મેહુલ ચોક્સીની ત્રણ કંપનીઓ ડાયમંડ્સ આર અસ, સોલાર એક્સોપર્ટ્સ અને સ્ટેલર ડાયમંડ્સે પીએનબી બેન્કની મુંબઈ ખાતેની ફોર્ટમાં આવેલી બ્રાડી હાઉસ બ્રાન્ચના બે કર્મચારીઓ સાથે મળીને ખોટા એલઓયુ મારફત ભારતીય બેન્કોની વિદેશી બ્રાન્ચમાંથી નાણાં ઉપાડયા હતા. આ કૌભાંડ પ્રકાશમાં આવતાં પીએનબીએ ૨૯મી જાન્યુઆરી ૨૦૧૮ના રોજ નીરવ મોદી અને મેહુલ ચોક્સી સામે સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, આ પહેલાં નીરવ મોદી અને મેહુલ ચોક્સી દેશ છોડી ભાગી છૂટયા હતા. નીરવ મોદી હાલ લંડનમાં જેલમાં છે જ્યારે મેહુલ ચોક્સી ૨૦૧૮થી એન્ટીગામાં રહેતો હતો.
મેહુલ અમને સોંપી દોઃ ભારત
પંજાબ નેશનલ બેન્ક સાથેનું કૌભાંડ આચરીને ભારતમાંથી વિદેશ ભાગી ગયેલા હીરાના વેપારી મેહુલ ચોકસીને ભારતનો ભાગેડુ નાગરિક ગણીને તેનો દેશનિકાલ કરો તેવી માગણી ભારત સરકાર દ્વારા ડોમિનિકાને કરવામાં આવી છે. ભારતે જાહેર કર્યું છે કે મેહુલ ચોકસીનાં પ્રત્યાર્પણ માટે ટ્રિનિદાદ એન્ડ ટોબેગો ખાતેનાં ભારતનાં હાઈ કમિશનર ૩ જૂને ડોમિનિકા જશે. કેન્દ્ર સરકારે ડોમિનિકાના સત્તાવાળાઓને જણાવ્યું હતું કે, ભારતનાં નાગરિક તરીકે મેહુલ ચોકસીએ દેશમાં મોટો ગુનો આચર્યો છે આથી આ ભાગેડુ હીરાના વેપારીને ભારતને સોંપવામાં આવે. ડોમિનિકામાં ગેરકાયદે પ્રવેશ પછી ત્યાંની પોલીસે મેહુલ ચોકસીને શકમંદ હાલતમાં દરિયાકિનારેથી પકડીને જેલમાં પૂર્યો હતો. ઈન્ટરપોલ દ્વારા તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરાઈ છે.
કેન્દ્ર સરકારે કહ્યું છે કે તેને ડોમિનિકામાંથી દેશનિકાલ કરીને ભારતને સોંપવામાં આવે જેથી કરોડોનાં પીએનબી કૌભાંડમાં તેની સામે ભારતમાં કાનૂની કાર્યવાહી કરી શકાય.
મેહુલ બોજ બની ગયો છેઃ એન્ટીગુઆના વડા પ્રધાન
મેહુલ ચોકસી ફરાર હોવાના સમાચાર વહેતા થયા પછી એન્ટીગુઆ અને બર્મુડાના વડા પ્રધાન ગાસ્ટોન બ્રાઉને જણાવ્યું છે કે એન્ટીગુઆ મેહુલ ચોકસીને દેશમાંથી બહાર કાઢવા ઇચ્છે છે, કારણ કે તે દેશ પર બોજ બની ચૂક્યો છે અને દેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે. વડા પ્રધાન ગાસ્ટોન બ્રાઉને જણાવ્યું હતું કે તેમને દેશ મેહુલ ચોકસીનું ભારતમાં પ્રત્યાર્પણ થાય તેમ ઇચ્છી રહ્યા છે. એન્ટીગુઆ દેશ નથી ઇચ્છી રહ્યો કે મેહુલ ચોકસી ત્યાં રહે. અમે સતત ભારતના અધિકારીઓના સંપર્કમાં છીએ. ગ્લોબલ એલર્ટ જારી કરીને ઈન્ટરપોલને પણ તેની જાણ કરવામાં આવી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter