મોતનું તાંડવઃ બિહારમાં ઝેરી તાવ ૧૨૫થી વધુ બાળકોને ભરખી ગયો

Wednesday 19th June 2019 05:16 EDT
 
 

મુઝફ્ફરપુરઃ બિહારમાં મગજના તાવનો વાવર કાળ બનીને ત્રાટક્યો છે. સ્થાનિક ભાષામાં ‘ચમકી તાવ’ તરીકે ઓળખાતી આ બીમારી એક પખવાડિયામાં જ ૧૨૫થી વધુ બાળ-જિંદગી ભરખી ગઇ છે, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. તબીબી ભાષામાં એક્યુટ એન્સેફિલિટાઇસ સિન્ડ્રોમ (એઇએસ) તરીકે ઓળખાતા આ જીવલેણ વ્યાધિએ જે પ્રકારે માથું ઉંચક્યું છે તે જોઇને મોદી સરકારના સ્વાસ્થ્ય પ્રધાન ડો. હર્ષવર્ધન તેમ જ ટોચના તબીબોની ટીમ બિહાર દોડી ગઇ છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, શહેરની બે મોટી હોસ્પિટલો શ્રીકૃષ્ણા મેડિકલ કોલેજ અને કેજરીવાલ હોસ્પિટલમાં ૬૫થી વધુ બાળકો મૃત્યુ પામ્યા છે. આ સિવાય અન્ય હોસ્પિટલોમાં મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા અલગ.

એક તરફ, સતત થઇ રહેલાં મોતનાં કારણોની તપાસ માટે તબીબી નિષ્ણાતોની ટીમે મુઝ્ઝફરપુરમાં ધામા નાંખ્યા છે તો બીજી તરફ, સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્તારમાં કાળઝાળ ગરમી, ભેજ અને વરસાદના અભાવે હાઇપોગ્લાઈસીમિયાની સ્થિતિ સર્જાતાં બાળકોના મૃત્યુ નીપજી રહ્યા છે. તો કેટલાક રિપોર્ટસમાં એમ પણ જણાવાયું હતું કે ચમકી તાવના કારણે થઇ રહેલાં મોતનું કારણ લીચી પણ હોઈ શકે છે. કહેવાય છે કે મુઝફ્ફરપુરની આજુબાજુ ઉગાડવામાં આવતી લીચીમાં ઝેરી તત્વો મળી આવ્યાં છે.

એક તરફ, સતત થઇ રહેલાં મોતનાં કારણોની તપાસ માટે તબીબી નિષ્ણાતોની ટીમે મુઝ્ઝફરપુરમાં ધામા નાંખ્યા છે તો બીજી તરફ, સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્તારમાં કાળઝાળ ગરમી, ભેજ અને વરસાદના અભાવે હાઇપોગ્લાઈસીમિયાની સ્થિતિ સર્જાતાં બાળકોના મૃત્યુ નીપજી રહ્યા છે. તો કેટલાક રિપોર્ટસમાં એમ પણ જણાવાયું હતું કે ચમકી તાવના કારણે થઇ રહેલાં મોતનું કારણ લીચી પણ હોઈ શકે છે. કહેવાય છે કે મુઝફ્ફરપુરની આજુબાજુ ઉગાડવામાં આવતી લીચીમાં ઝેરી તત્વો મળી આવ્યાં છે.

થોડાક કલાકોમાં તો મુન્ની મોતની ગોદમાં પોઢી ગઇ

શ્રીકૃષ્ણા મેડિકલ કોલેજમાં તો સતત રોકકળના જ દૃશ્યો જોવા મળી રહ્યા છે. માસુમ બાળકોના માતા-પિતાની આંખોના આંસુ સુકાતા નથી. એક પછી એક બાળકના મૃત્યુના સમાચાર આવી રહ્યા છે. શ્રીકૃષ્ણા મેડિકલ કોલેજના ચાઇલ્ડ કેર ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઇસીયુ)માં સારવાર લઇ રહેલા બે બાળકોએ તો કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડો. હર્ષવર્ધનની નજર સામે જ અંતિમ શ્વાસ લીધા હતા.
આઠ બેડના આ સ્પેશિયલ વોર્ડના ખૂણામાં માથું ઝૂકાવીને બેઠેલાં બબિયા દેવી સતત રડી રહ્યાં છે. તેમની નજીક સૂતેલી પાંચ વર્ષીય દીકરી મુન્ની જીવન-મૃત્યુ વચ્ચે ઝોલાં ખાઇ રહી હતી. તેના બેડની ઉપર લગાવવામાં આવેલા મોનિટરોમાં ટું-ટું અવાજ સાથે લાલ-પીળી રેખાઓ ઉપર-નીચે થઇ રહી હતી તેમ બબિયા દેવીનું રુદન પણ વધતું જઈ રહ્યું હતું. વીતેલા દિવસો દરમિયાન આ વોર્ડમાં જીવ ગુમાવી ચૂકેલાં બાળકોના ડરનો ઓછાયો બબિયા દેવીના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. ડોક્ટરો હિંમત હારે એ પહેલાં જ તેમણે માની લીધું હતું કે મુન્ની હવે જીવીત નહીં રહે. અને એવું જ થયું.
અચાનક ટું-ટું અવાજ બંધ થઇ ગયો અને ડોક્ટરો મુન્નીના ધીમા પડી રહેલા શ્વાસોચ્છ્વાસને ફરી સામાન્ય કરવા ઝઝૂમવા લાગ્યા. પરંતુ તેમની મહેનત નિષ્ફળ રહી. કોઇએ ડોક્ટરને પૂછ્યું તો એટલો જ જવાબ મળ્યો કે ‘મુન્ની હવે નહીં બચે.’ તેના હોઠ પીળા પડી ગયા હતા અને આંખમાંથી પાણી વહેવા લાગ્યું હતું. થોડીક મિનિટોમાં તો મુન્નીનું નામ મૃત બાળકોની યાદીમાં ઉમેરાઇ ગયું. આવા કરુણ દૃશ્યો દર થોડા કલાકે જોવા મળી રહ્યા છે.

હસતીરમતી મુન્નીને આખરે શું થયું હતું?

ડોક્ટર નક્કી કરી શકતા ન હતા કે મુન્ની એઈએસનો ભોગ બની હતી કે કોઇ અન્ય બીમારીની. માતા બબિયા દેવીને માત્ર એટલું જ યાદ હતું કે તેમની દીકરી એક દિવસ પહેલાં ઠીક હતી. હસતીરમતી હતી. આંસુઓથી પલળેલા ચહેરાને પાલવમાં છૂપાવતાં બબિયા દેવી કહે છે, ‘અમે કોદરિયા ગોસાઈપુરના રહેવાસી છીએ. શનિવારની સવારે દસ વાગ્યે અમે મુન્નીને અહીં હોસ્પિટલ લાવ્યા હતા. શુક્રવાર સાંજ સુધી તો તે એકદમ ઠીક હતી. રમી રહી હતી. રાત્રે દાળ-ભાત ખાઈને સૂઈ ગઈ. જ્યારે હું સવારે ઊઠી તો જોયું કે તેને ખૂબ તાવ હતો. અમે દોડતા-ભાગતા હોસ્પિટલે આવ્યા. થોડે દૂર સુધી તો પગપાળા જ મુન્નીને લઈને દોડતા રહ્યા. આ પછી ખાલી ગાડી મળી તો ભાડું આપીને ત્યાં સુધી પહોંચ્યા. હોસ્પિટલમાં તેની હાલતમાં કોઈ સુધારો ન થયો. તેની હાલત કથળી. બસ, મુન્નીએ ત્યારથી આંખો જ ખોલી નથી.’

બીમારીના કારણ અંગે નિષ્ણાતોમાં મતમતાંતર

મુઝ્ઝફરપુર અને તેની આસપાસના જિલ્લાઓમાં ફેલાયેલી મગજના તાવની બીમારી પાછળના કારણો અંગે તબીબી નિષ્ણાતોમાં અલગ અલગ મત છે. એક તરફ જ્યાં આ મુદ્દે લીચી નામના ફળમાં જોવા મળતાં ઝેરી પદાર્થોને બાળકોની અંદર ફેલાતા એઇએસ માટે જવાબદાર ગણાવવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક ચિકિત્સા વિશેષજ્ઞોનું માનવું છે કે બાળકોના શરીરમાં ગ્લુકોઝનું સ્તર ઓછું હોવાના કારણે મગજનો તાવ તેમના પર વધુ જીવલેણ અસર કરે છે.
સંભવતઃ આ જ કારણ છે કે હોસ્પિટલમાં દાખલ તમામ બાળકો મૃત અવસ્થામાં જ ઘરે પરત ફર્યા છે. લાંબા સમયથી વાઇરસ અને ઇન્ફેક્શન અંગે સંશોધન કરી રહેલા વરિષ્ઠ ડોક્ટર માલા કનેરિયાના મતે મુઝ્ઝફરપુરમાં થઈ રહેલા બાળકોનાં મૃત્યુ પાછળ એક નહીં, અનેક કારણો જવાબદાર હોઈ શકે છે.
તેઓ કહે છે, ‘જુઓ બાળકોનાં મૃત્યુ એઈએસના કારણે થઈ રહ્યાં છે. આના મૂળમાં મગજનો સામાન્ય તાવ છે કે પછી જાપાની એન્સેફિલિટાઇસ એ સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે. આ મૃત્યુની પાછળ ઘણાં કારણ હોઈ શકે છે. કાચા લીચી ફળમાંથી નીકળતા ટોક્સિક, બાળકોમાં કુપોષણ, તેમના શરીરમાં સુગરની સાથે સાથે સોડિયમનું ઓછું પ્રમાણ વગેરે કોઇ પણ કારણ મૃત્યુ માટે જવાબદાર હોઇ શકે છે.’
ડો. કનેરિયા કહે છે કે જ્યારે બાળકો રાત્રે ભૂખ્યા પેટે સૂઈ જાય છે અને સવારે ઊઠીને એક સાથે ઘણી બધી લીચી ખાઈ લે તો મુશ્કેલી થઇ શકે છે. આ સમયે શરીરમાં ગ્લૂકોઝનું સ્તર ઓછું હોવાના કારણે તેઓ સહેલાઈથી આ તાવનો શિકાર બની જાય છે. જોકે આ તો માત્ર એક જ કારણ છે.
ઉલ્લેખનીય છે કે મુઝ્ઝફરપુર લીચીના પાક માટે પ્રખ્યાત ક્ષેત્ર છે અને અહીંના ગ્રામીણ વિસ્તારમાં લીચીના બાગ સામાન્ય બાબત છે.

પણ મારી દીકરીએ લીચી ખાધી જ નથીઃ રુબી

નિષ્ણાતોનો એક વર્ગ ભલે મગજના તાવ માટે લીચીને જવાબદાર ઠરાવતો હોય, પણ રુબી ખાતૂન અલગ જ વાત કરે છે. એઇએસ બીમારીથી થોડીક મિનિટો પૂર્વે જ પોતાનું સંતાન ગુમાવી દેનાર રુબી ખાતૂન રડતાં રડતાં કહે છે, ‘છેલ્લા બે દિવસોમાં આ હોસ્પિટલમાંથી એક પણ બાળક સ્વસ્થ પરત ફર્યું નથી. બધાં બાળકો મૃત અવસ્થામાં જ પરત ફર્યાં છે. મારી દીકરીએ કોઈ લીચી ખાધી જ નથી. અમે ઘરે રોટી બનાવી હતી, તેને ખાઈને સારી રીતે ઊંઘી ગઈ હતી. પછી સવારે ઉઠાડી તો ઊઠી નહીં. અમે વિચાર્યું કે તેને મોડે સુધી ઊંઘવું એટલે અમે તેમને સુવા દીધી. થોડી વાર બાદ જોયું તો તે ઘૂંટણ વાળીને બેઠી હતી. તેના હાથ-પગ ધ્રુજી રહ્યા હતા. અમે તેને તુરંત હોસ્પિટલ લાવ્યા, પરંતુ હોસ્પિટલમાં પણ પરિસ્થિતિ ન સુધરી. ડોક્ટર પણ વાતો કરતા અને જતા રહેતા. મેં શું મારી દીકરીને આજના દિવસ માટે મોટી કરી હતી કે તે એક દિવસ આ રીતે જતી રહે?’

માત્ર મુઝફ્ફરપુર આસપાસ જ આ તાવ કેમ?ઃ ડો. સાહની

મુઝફ્ફરપુરની શ્રીકૃષ્ણ મેડિકલ કોલેજ હોસ્પિટના બાળ રોગ વિભાગના વડા ડો. ગોપાલશંકર સાહની બીમારીના મૂળમાં લીચી હોવાની વાત ભારપૂર્વક નકારે છે. તેમનું કહેવું છે, ‘જો લીચીનો જ પ્રભાવ હોય તો લીચી પાકે છે તે તમામ વિસ્તારમાં આ બીમારીનો પ્રભાવ જોવા મળે, માત્ર મુઝફ્ફરપુર આસપાસના જ વિસ્તારમાં જ આ તાવ કેમ?’ તેઓ કહે છે કે સતત વધી રહેલું તાપમાન અને હવામાં વધેલો ભેજ ચમકી તાવ માટે જવાબદાર છે. આ વાતાવરણમાં જીવલેણ બીમારી ઝડપથી ફેલાય છે. મૂળ વાત એટલી જ છે કે બીમારીનો કોઇ ઉકેલ લાવતું નથી, પણ તેના કારણોની ચર્ચા કરતા રહે છે. 

ખાલી પેટે લીચી ખાવાથી થાય છે બીમારી?

પટણાઃ ‘લીચીનો કટોરો’ ગણાતા મુઝફ્ફરપુરમાં આ તાવનું પ્રમાણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ બિહારમાં ૨૦૧૭માં ત્રણ લાખ મેટ્રિક ટન લીચીનું ઉત્પાદન થયું હતું. દેશભરમાં લીચીનો પુરવઠો આ પ્રદેશમાંથી પહોંચે છે.
રાજ્યના ૧૨ જિલ્લામાં એઇએસ બીમારી જોવા મળી રહી છે. આ બીમારીના લક્ષણોમાં ભારે તાવ આવવા ઉપરાંત ઉલટી થવી, મૂર્છિત થવું જેા લક્ષણો જોવા મળે છે. હોસ્પિટલોમાં થઇ રહેલાં મૃત્યુની સંખ્યાએ બિહારની આરોગ્ય સેવાની પોલ ખોલી નાંખી છે. રાજ્યની નીતિશ કુમાર સરકારે વીતેલા સપ્તાહમાં એક પરિપત્ર બહાર પાડીને વાલીઓને બાળકોને ખાલી પેટે લીચી ના ખવડાવવા સલાહ આપી હતી. આરોગ્ય વિભાગે પણ જણાવ્યું હતું કે બાળકોને કાચી કે અધપાકેલી લીચી ના ખવડાવવી જોઇએ. નિષ્ણાતોનું કહેવું છે કે લીચીમાં જોવા મળતા કેટલાક તત્વો ૧૫ વર્ષથી નાની વયના બાળકોના મગજમાં સોજો વધારી દે છે.
વાસ્તવમાં આ વિસ્તારમાં મે-જૂન મહિનામાં લીચી પાકવા લાગે છે. તે વેળા ખાસ કરીને લીચીની ખેતી કરતા કુટુંબોના બાળકો ખેતરોમાં હરતાફરતાં લીચી ખાવા લાગે છે. વધુ પડતી લીચી ખાવાના લીધે આ બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. તેને બાદ કરતાં આ બીમારી અંગેના પ્રશ્નોના સંતોષકારક જવાબ મળતા નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter