મોદી પર ભરોસો નથીઃ ટિકૈતનો ટોણો

Wednesday 24th November 2021 04:23 EST
 
 

મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને વચન આપ્યું છે કે તે ત્રણેય કૃષિ કાયદાઓને પરત લઇ લેશે. બીજી તરફ મોદીના આ વચનને ૧૫ લાખ રૂપિયા દરેકના ખાતામાં આવશે તે વચન સાથે સરખાવીને ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે અમે અમારું આંદોલન પરત નહીં લઇએ.
ટિકૈતે માગણી કરી હતી કે તાત્કાલીક ધોરણે સંસદમાં આ કાયદા પરત લઇ બતાવો અને ટેકાના ભાવ (એમએસપી) મુદ્દે કાયદાકીય ખાતરી આપો પછી આંદોલન પરત લઇશું. રાકેશ ટિકૈતે કહ્યું હતું કે મોદી સરકારે કૃષિ કાયદા પરત લેવાની જે જાહેરાત કરી છે તેનાથી ખુશ થઇને ઉજવણી કરવાની જરૂર નથી. જ્યાં સુધી સંસદમાં આ કાયદાઓને રદ ન કરાય અને ટેકાના ભાવ મુદ્દે કાયદાકીય ખાતરી ન આપવામાં આવે ત્યાં સુધી આ આંદોલનને ચાલુ રાખવામાં આવશે.
શુક્રવારે વડા પ્રધાન મોદીની જાહેરાત વેળા ટિકૈત મહારાષ્ટ્રના પાલઘરમાં એક કાર્યક્રમમાં હાજર હતા. કાર્યક્રમ બાદ તરત જ તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે અમે આ આંદોલન હાલ પરત નહીં લઇએ. અમે તે સમયની રાહ જોઇ રહ્યા છીએ જ્યારે સંસદમાં આ કાયદાને પરત લેવામાં આવશે. અમને મોદી પર વિશ્વાસ નથી, મોદીએ અગાઉ ૧૫ લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું જે હજુ પુરુ નથી કર્યું.
આ સાથે ટિકૈતે માગણી કરી હતી કે ટેકાના ભાવની કાયદેસરની ખાતરી આપવામાં આવી નથી. આ ખાતરી ન આપવામાં આવે અને ટેકાના ભાવ માટે કાયદો ઘડવામાં ન આવે કે કાયદામાં તેની જોગવાઇ ન કરવામાં આવે ત્યાં સુધી પણ આ આંદોલન ચાલુ રાખવામાં આવશે અને દિલ્હી બોર્ડર પર ધરણા પર બેઠેલા ખેડૂતો ત્યાં સુધી પરત ઘરે નહીં જાય.
જોકે સંયુક્ત કિસાન મોરચા કે જે પહેલાથી જ આ આંદોલન ચલાવી રહ્યુ છે તેણે કહ્યું છે કે અમે નિર્ણયનું સ્વાગત કરીએ છીએ પણ સંસદમાં તેનો અમલ થાય તેવી અમારી માગ છે. અમારું આ આંદોલન માત્ર કૃષિ કાયદા રદ કરવા પુરતું નથી અમે ટેકાના ભાવની માગણી સાથે આંદોલન ચાલુ રાખીશું.
માફીથી નહીં, એમએસપીથી ખેડૂતોનું ભલું થશે
ઉત્તર પ્રદેશના લખનઉમાં ખેડૂતોની મહાપંચાયત ભરાઈ હતી, જેમાં ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે વડા પ્રધાનની માફીથી કંઈ નહીં થાય, એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇસ)ના કાયદાથી જ ખેડૂતોનું ભલું થશે.
યુદ્ધવિરામની ઘોષણા સરકારે કરી છે, પરંતુ ખેડૂતોએ હજુ સુધી લડાઈ પૂરી કરી નથી.
સંયુક્ત ખેડૂત મહાપંચાયતમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ટિકૈતે કહ્યું હતું કે આ એકતરફી યુદ્ધવિરામ જેવી સ્થિતિ છે. ખેડૂતોએ લડત પૂરી જાહેર કરી નથી. માત્ર જાહેરાતો થઈ જવાથી ખેડૂતો આંદોલન સમેટી લેશે નહીં. ખેડૂતો સાથે સીધી વાત કરવી પડશે.
રાકેશ ટિકૈતે કહ્યું હતું કે ખેડૂતો છેલ્લાં એક વર્ષથી લડત આપી રહ્યા છે. મુદ્દો માત્ર કૃષિ કાનૂનો પૂરતો જ મર્યાદિત ન હતો. એમએસપી ગેરંટી, દૂધ પોલિસી, વીજળી બિલ જેવા કેટલાય ખેડૂતોના પ્રશ્નો હજુ વણઉકેલ્યા રહ્યા છે. તેનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter