યુકેમાં દર ૧૩ મિનિટે ૧ મોતઃ મૃતાંક ૧૨૨૮, ચેપગ્રસ્તોની સંખ્યા ૧૯૫૨૨

Monday 30th March 2020 05:44 EDT
 

લંડનઃ યુકેમાં કોરોના વાઈરસથી થતાં મોતમાં સતત વધારો થઈ રહ્યો છે. દર ૧૩ મિનિટે એક પેશન્ટનું મોત થઈ રહ્યું છે. ગુરુવારે ૧૧૩ મોતના ઉછાળા સાથે કુલ મૃત્યુઆંક ૭૫૯નો થયો હતો. આરોગ્ય અધિકારીઓ ૨૧૦૦થી વધુ પેશન્ટ જીવલેણ વાઈરસ માટે ટેસ્ટ પોઝિટિવ થયા હોવાને કન્ફર્મ કરી રહ્યા છે ત્યારે કોવિડ-૧૯ના ચેપગ્રસ્તોની સંખ્યા ૧૯,૫૨૨ અને મત્યુઆંક ૧૨૨૮ જેટલી થયો છે.

બુધવારે દેશમાં માત્ર ૪૩ મૃત્યુ થયા હોવાનું બહાર આવતા વડા પ્રધાન જ્હોન્સને જાહેર કરેલા અભૂતપૂર્વ લોકડાઉનની અસર થઈ હોવા સંબંધે લોકોમાં આશાનો સંચાર થયો હતો પરંતુ, સત્તાવાળાઓએ મૃત્યુની ગણતરી માટેનો સમય બદલી નાખ્યો હોવાથી આમ થયું છે. અગાઉ આઠ કલાક મુજબ ગણતરી કરાતી હતી તે હવે ૨૪ કલાકના ધોરણે ગણતરી કરાઈ રહી હોવાથી ૧૧૩નો આંકડો તે મુજબનો છે. સરકારના વિજ્ઞાનીઓએ સ્વીકાર્યું છે કે બ્રિટનમાં નોંધાયેલા દરેક મોત સામે ૧૦૦૦ ચેપગ્રસ્ત પેશન્ટ હોઈ શકે છે. આનો અર્થ એ થાય કે અંદાજે ચેપગ્રસ્તોની સંખ્યા ૬૦૦,૦૦૦ હોઈ શકે છે.

દરમિયાન, ચાન્સેલર રિશિ સુનાકે આખરે લાખો સેલ્ફ એમ્પ્લોઈડ વર્કર્સ માટે કોરોના વાઈરસ બેઈલઆઉટ પેકેજ જાહેર કર્યું છે. નોકરિયાતો માટે જંગી પેકેજ જાહેર કર્યાના સપ્તાહ પછી ચાન્સેલરે ટેક્સી ડ્રાઈવર્સ, મ્યુઝિશિયન્સ, ગિગ ઈકોનોમી વર્કર્સ અને ફ્રીલાન્સર્સ માટે સપોર્ટ જાહેર કર્યો હતો. લોકો પોતાની નોકરી અને આવક વિશે ચિંતા કરી રહ્યા છે તે પોતે જાણતા હોવાનું કહી સુનાકે ઉમેર્યું હતું કે અમે તમને બૂલી ગયા નથી. જોકે, ડાઉનિંગ સ્ટ્રીટની પ્રેસ કોન્ફરન્સમાં તેમણે સ્પષ્ટ ચેતવણી આપતા એમ પણ જણાવ્યું હતું કે સરકાર ‘દરેક નોકરી અથવા તો દરેક બિઝનેસને બચાવી શકશે નહિ’ કારણકે જીવલેણ રોગચાળો અર્થતંત્રને ઠપ કરી રહ્યો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter