યુવરાજના શિરે કોંગ્રેસનો તાજ

Wednesday 06th December 2017 06:09 EST
 
 

નવી દિલ્હીઃ વંશવાદના આક્ષેપોની ભરમાર વચ્ચે યુવા નેતા રાહુલ ગાંધી ભારતના સૌથી જૂના રાજકીય પક્ષનું નેતૃત્વ સંભાળવા સજ્જ થઇ ગયા છે. હાલ પક્ષના ઉપાધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળતા રાહુલ ગાંધીએ સોમવારે ૧૩૨ વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીના પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવી હતી. કોઇ અન્ય ઉમેદવારે પ્રમુખપદની ચૂંટણી માટે ફોર્મ ભર્યું ન હોવાથી તેમની બિનહરીફ વરણી નિશ્ચિત છે. રાહુલ ગાંધી પક્ષ પ્રમુખ તરીકે સૌથી વધુ લાંબો સમય સેવાઓ આપનાર માતા સોનિયા ગાંધીના અનુગામી બનશે.
કોંગ્રેસ પર ફક્ત ગાંધી પરિવારના આધિપત્ય મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની હાજરીમાં વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી, કમલ નાથ, શીલા દીક્ષિત, મોતીલાલ વોરા અને તરુણ ગોગોઇએ કોંગ્રેસના પ્રમુખપદ માટે રાહુલ ગાંધીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. સોમવારે ઉમેદવારીપત્ર ભરવાની અને ઉમેદવારની તરફેણમાં નોમિનેશન દાખલ કરવાની અંતિમ સમયમર્યાદા હતી.
ઉમેદવારી નોંધાવતા પહેલાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાહુલના કપાળે રાજતિલક લગાવીને આશીર્વાદ આપ્યા હતાં. મનમોહન સિંહે જણાવ્યું હતું કે, રાહુલ કોંગ્રેસના ડાર્લિંગ છે.
કોંગ્રેસ ઇલેક્શન ઓથોરિટીના ચેરમેન મુલ્લાપ્પલ્લી રામચંદ્રને કોંગ્રેસ વડા મથકે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણી માટે સોમવારે રાહુલ ગાંધી માટે ૮૯ નોમિનેશન સેટ દાખલ કરાયા છે. જો પક્ષમાંથી રાહુલ ગાંધીને અસામાન્ય પડકાર મળ્યો હશે તો ૧૬ ડિસેમ્બરના રોજ મતદાન થશે અને ૧૯ ડિસેમ્બરે મતગણતરી યોજાશે. દરેક રાજ્યના કોંગ્રેસ એકમના ૧૦ ડેલિગેટ્સને નોમિનેશન પેપર્સનો એક-એક સેટ મોકલવાનો આદેશ અપાયો હતો જેમાં રાહુલ ગાંધીને કોંગ્રેસ પ્રમુખ બનાવવાનો પ્રસ્તાવ હોય. પક્ષની ચૂંટણી સમિતિને અન્ય કોઇ ઉમેદવારનું ફોર્મ મળ્યું ન હોવાથી રાહુલ ગાંધીની વરણી નિશ્ચિત છે.

રાહુલ ૯૨મા અધ્યક્ષ

કોંગ્રેસના અધ્યક્ષપદે રાહુલ ગાંધીની પસંદગી નક્કી જ છે. વર્ષ ૧૮૮૫માં રચાયેલી કોંગ્રેસ દેશનો સૌથી જૂનો એટલે કે ૧૩૨ વર્ષ જૂનો પક્ષ છે. અત્યાર સુધી કોંગ્રેસનું અધ્યક્ષપદ ૯૧ નેતાઓએ સંભાળ્યું છે. સોનિયા ગાંધીએ સૌથી વધુ વર્ષ એટલે કે ૧૯ વર્ષ સુધી સતત પક્ષનું સુકાન સંભાળ્યું છે. તેમના સિવાય કેટલાય નેતાઓએ એક કરતાં વધુ વખત પક્ષનું પ્રમુખપદ સંભાળ્યું છે. જેમાં રાજીવ ગાંધી, ઇંદિરા ગાંધી, જવાહરલાલ નેહરુ અને મોતીલાલ નેહરુ ઉપરાંત બીજા નેતાઓ પણ સામેલ છે. રાહુલ, નેહરુ-ગાંધી પરિવારના છઠ્ઠા સભ્ય છે, જેઓ કોંગ્રેસના પ્રમુખ બનશે.

ભાજપની આગેકૂચ, કોંગ્રેસની પીછેહઠ

દાયકાઓ સુધી દેશ પર રાજ કરનારો પક્ષ ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં બેઠકની સંખ્યાની દૃષ્ટિએ ત્રણ આંકડામાં પણ પહોંચ્યો નથી. કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં માંડ ૪૪ બેઠક મળી છે. એ બાદ યોજાયેલી વિવિધ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસને આસામ, કેરળ, મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરની સાથે સાથે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુરમાં પરાજયનો સામનો કરવો પડયો છે. આ તમામ રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં પણ કોંગ્રેસની સામે મોટો પડકાર છે. બંને રાજ્યોમાં ચૂંટણીના પરિણામો ૧૮ ડિસેમ્બરે આવશે. એ તો સ્પષ્ટ છે કે કોંગ્રેસ ત્રણ વર્ષમાં ૧૦ રાજ્યોમાં સત્તા ગુમાવી ચૂકી છે. બે રાજ્યો ગોવા અને મણિપુરમાં સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટાઇ આવવા છતાં સરકાર બનાવવામાં નિષ્ફળ રહી છે.

૧૩૨ વર્ષમાં ૪૩ વર્ષઃ કોંગ્રેસનું અધ્યક્ષપદ અને નેહરુ-ગાંધી પરિવાર

૧૩૨ વર્ષના સમયગાળામાં ૪૩ વર્ષ સુધી નેહરુ-ગાંધી પરિવારના હાથોમાં જ પક્ષનું નેતૃત્વ રહ્યું છે. કોંગ્રેસનાં પહેલાં ભારતીય મહિલા પ્રમુખ સરોજિની નાયડુ (૧૯૨૫માં) હતાં. અત્યાર સુધી પાંચ મહિલાઓ – સરોજિની નાયડુ, નેલી સેનગુપ્તા, ઇંદિરા ગાંધી અને સોનિયા ગાંધી કોંગ્રેસ પક્ષનું સુકાન સંભાળી ચૂક્યા છે. ૧૯૯૧-૧૯૯૮ સુધી કોંગ્રેસનું અધ્યક્ષપદ બિન ગાંધી પાસે રહ્યું છે. ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા થઇ હતી. દેશની આઝાદીના ૭૦ વર્ષોમાંથી ૩૭ વર્ષ ગાંધી પરિવારના સભ્યનો જ કોંગ્રેસના અધ્યક્ષ પદ ઉપર કબ્જો રહ્યો છે.

મોતીલાલ નેહરુઃ નેહરુ- ગાંધી પરિવારના પહેલાં સભ્ય છે, જેઓ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. તેઓ બે વખત આ પદ માટે ચૂંટાયા હતા, પહેલી વખત ૧૯૧૯માં અને બીજી વખત ૧૯૨૮માં.
જવાહરલાલ નેહરુઃ મોતીલાલ નેહરુ બાદ જવાહરલાલ નેહરુએ કોંગ્રેસનું સુકાન સંભાળ્યું. જવાહરલાલ નેહરુ ૮ વખત કોંગ્રેસના અધ્યક્ષ ચૂંટાયા હતા. પહેલી વખત ૧૯૨૯માં કોંગ્રેસના લાહોર અધિવેશનમાં તેમને પ્રમુખ બનાવાયા હતા. એ બાદ ૧૯૩૦, ૧૯૩૬, ૧૯૩૭, ૧૯૫૧, ૧૯૫૨, ૧૯૫૩ અને ૧૯૫૪માં તેઓ પક્ષના અધ્યક્ષ બન્યા હતા.
ઇંદિરા ગાંધીઃ જવાહરલાલ નેહરુ બાદ તેમની પુત્રી ઇંદિરા ગાંધીએ પણ પક્ષનું અધ્યક્ષ પદ સંભાળ્યું હતું. ઇંદિરા ગાંધીને ૪ વખત કોંગ્રેસનું અધ્યક્ષ બનવાની તક મળી હતી. તેઓ પહેલી વખત ૧૯૫૯માં કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતાં. તેઓ પાંચ વર્ષ બાદ બીજી વખત ૧૯૭૮થી ૧૯૮૩ સુધી અધ્યક્ષ બન્યા હતા. આ બાદ ૧૯૮૩ અને ૧૯૮૪માં પણ તેમણે અધ્યક્ષપદ સંભાળ્યું હતું.
રાજીવ ગાંધીઃ ગાંધી પરિવારની ચોથી પેઢીના સભ્ય રાજીવ ગાંધી કોંગ્રેસનું સુકાન સંભાળનાર પરિવારના સૌથી યુવાન વ્યક્તિ હતા. તેઓ ૧૯૮૫થી ૧૯૯૧ સુધી પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા.
સોનિયા ગાંધીઃ રાજીવ ગાંધીની હત્યા બાદ સોનિયાને ઉતાવળે પક્ષના પ્રમુખ બનાવી દેવાયા હતા. જોકે સોનિયા ગાંધીએ એ વખતે પદનો સ્વીકાર કર્યો ન હતો. આખરે, પક્ષના નેતાઓના દબાણમાં સોનિયા ગાંધીએ કોંગ્રેસનું અધ્યક્ષપદ સંભાળવું પડયું હતું. તેમણે ૧૯૯૭માં કોલકાતામાં કોંગ્રેસના પ્રાથમિક સભ્ય બનીને રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. ૧૯૯૮માં તેમને કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા હતા. સોનિયા ગાંધી ૧૯૯૮થી કોગ્રેસના અધ્યક્ષ છે.
રાહુલ ગાંધીઃ વર્તમાન સમયમાં કોંગ્રેસ માટે ઇતિહાસનો સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે, એમ કહી શકાય. એક પછી એક ચૂંટણીમાં પરાજય અને મોટા નેતાઓનો પક્ષથી મોહભંગ એ કોંગ્રેસ સામેનો મોટો પડકાર છે. એ સંજોગોમાં કોંગ્રેસનું નેતૃત્વ અને તેનું ભવિષ્ય રાહુલ ગાંધીના હાથમાં રહેશે.


comments powered by Disqus


The Expansion of Heathrow Airport


Dear valued reader,

Here at Gujarat Samachar, we are conducting an investigation in to the potential impacts of the expansion of London's Heathrow Airport. Following Parliaments' approval of the construction of a third runway, we are seeking to gain a better understanding of how the public feels regarding this sizeable proposal. We ask that you reply to our questionnaire so that we can get a feel of how our readers view the potential expansion. Views of those local to West London are particularly welcome.to the free, weekly Gujarat Samachar email newsletter