રોહિત વઢવાણાનો વિદાય સમારંભઃ કોમ્યુનિટીએ પાઠવેલી શુભેચ્છા

Tuesday 14th June 2022 15:51 EDT
 
 

લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં ફર્સ્ટ સેક્રેટરી તેમજ એશિયન વોઈસ અને ગુજરાત સમાચારના પ્રિયપાત્ર કટારલેખક શ્રી રોહિત વઢવાણા (IFS)ના વિદાય સમારંભનું આયોજન કોમ્યુનિટીના સભ્યો અને શુભેચ્છકો દ્વારા સોમવાર, 30 મેએ ધ વોશિંગ્ટન મેફેર હોટેલ ખાતે કરવામાં આવ્યું હતું. રોહિતભાઈ વઢવાણાને રિપબ્લિક ઓફ કેન્યા ખાતે ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે બઢતી મળી છે.

એશિયન વોઈસ અને ગુજરાત સમાચારના પ્રકાશક અને એડિટર ઈન ચીફ સી.બી. પટેલે જણાવ્યું હતું કે,‘ રોહિતભાઈ, ભારતીય સમુદાય માટે તમારું નોંધપાત્ર યોગદાન પ્રશંસાને પાત્ર રહ્યું છે. ભારતીય કોમ્યુનિટી આ માટે તમારો અને તમારા પત્ની ફેમિદા પ્રત્યે વિશેષ લગાવ ધરાવે છે. તમારી રાજદ્વારી જવાબદારીઓ ઉપરાંત, તમે ઉત્તમ અને સફળ લેખક તેમજ ભારે માગ ધરાવતા મીડિયા કોલમિસ્ટ બની રહ્યા છો. તમારા દ્વારા લખાયેલા પુસ્તકો તેમજ ભારતના અગ્રણી પ્રકાશનોમાં અને યુકેમાં એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર વીક્લીઝમાં પ્રકાશિત તમારી કોલમ્સની વિશ્વભરના વાચકોએ સરાહના કરી છે. તમારી ઉદાહરણીય કારકિર્દી અને તમારી અનેક સિદ્ધિઓ તમારી બહુમુખી પ્રતિભાઓ તેમજ સફળતાનું આકાશ આંબવાના મક્કમ નિર્ધાર અને જોશના સ્પષ્ટ પ્રતિબિંબ છે. મિત્ર, ફિલોસોફર અને માર્ગદર્શક બની રહેવા માટે અમે હાર્દિક ભાવપૂર્ણ આભાર વ્યક્ત કરીએ છીએ. અમે આપની આગળની યાત્રા અને તમારા તમામ કાર્યોમાં સફળતાની શુભકામના કરીએ છીએ.’

આ વિદાય સમારંભનું આયોજન ભારતીય વિદ્યા ભવનના ચેરમેન જોગીન્દર સાંગેરની હોટેલમાં કરવામાં આવ્યું હતું. સી.બી. પટેલે 50 થી વધુ વર્ષના સંબંધથી તેમની સાથે સંકળાયેલા સાંગેરના પત્ની સુનિતા, પુત્ર ગિરિશ અને પુત્રી રીમા પ્રત્યે આભારની લાગણી પ્રદર્શિત કરી હતી.

સુરેન્દ્ર પટેલે (ભારતીય વિદ્યા ભવન) રોહિત વઢવાણા માટે સી.બી. પટેલ અને એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર પરિવાર દ્વારા અપાયેલા ‘રાષ્ટ્રદૂત સન્માન’નું વાંચન કર્યું હતું. ડો. નંદકુમારે ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર રુચિ ઘનશ્યામ દ્વારા અપાયેલા વિશેષ પ્રશસ્તિપત્રનું વાંચન કર્યું હતું.

લોર્ડ રેમી રેન્જર CBE એ જણાવ્યું હતું કે,‘તમે તમારી કામગીરી શ્રેષ્ઠ રીતે બજાવી છે. તમે ભારતમાતાને અઢળક આદર આપ્યો છે. હું હંમેશાંથી માનતો રહ્યો છું કે જો તમે નાની કામગીરી માટે યોગ્ય ન હો તો મોટી ભૂમિકા માટે પણ તમે યોગ્ય રહેતા નથી. તમે IFS તરીકે શ્રેષ્ઠતમ સેવામાં છો. તમે અન્યોથી ઘણા ઊંચેરા હોવાનું દર્શાવ્યું છે. બીજું એ છે કે જે રીતે તમને પ્રમોટ કરાયા છે તે તમારી યશકલગીમાં વધુ એક પીંછું છે અને તે ભારત માટે વધુ મહત્ત્વપૂર્ણ, ભારે લોકપ્રિય અને સંવેદનશીલ દેશ છે. આપણે આફ્રિકામાં પ્રભાવ વધારવાની જરૂર છે કારણકે ચાઈનીઝ દરરોજ શક્તિપ્રદર્શન કરતા રહે છે. આથી, તમારી પસંદગી સારા હેતુ સાથે થઈ છે. તમે તમારી ટીમ, સમુદાય અને રાષ્ટ્ર માટે જમા પાસું છો. અમને તમારા માટે ગર્વ છે. હું જાણું છું કે તમે કેન્યામાં ભારતીય ડાયસ્પોરા સાથે સંવાદ રચશો અને મોદીજીની માફક તેમને સાંકળી લેશો. મોદીજીએ ભારતના સંતાનોને ભારતમાતા સાથે જોડી દીધા છે.’

સાંસદ વિરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે,‘ રોહિતભાઈની પ્રભાવિત કરી દેનારી વાત તેની બુદ્ધિપ્રતિભા અને વિવિધ વિષયોનું જ્ઞાન છે. તેઓ પરિણામ આપવામાં માને છે. તેમણે હાઈ કમિશન ખાતે જે મૂલ્યોનું સર્જન કર્યું છે તે ચોક્કસપણે અહીં સ્થાયી રહેશે. અમે બધા તમને અહીં ફરી જોવા ઈચ્છીએ છીએ, માત્ર મુલાકાત લેવા આવો તેમ નહિ પરંતુ, બધા કહે છે તેમ હાઈ કમિશનર તરીકે આવો તેમ ઈચ્છીએ છીએ.’

લોર્ડ જિતેશ ગઢિયાએ જણાવ્યું હતું કે,‘ અહીં આટલી મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે તેનું પાયારુપ અને સાચું કારણ એ જ છે કે રોહિતભાઈએ અહીં તેમના કાર્યકાળ દરમિયાન કરેલો સારો વ્યવહાર છે. મેં તેમની 24X7ની દેખરેખ અને સમર્પિત કામગીરી, ખાસ કરીને ઓક્સિજન કટોકટીના ગાળામાં નજરે નિહાળી છે. તે સાબિત કરે છે કે ઝડપી અને સમર્પિત એક્શન હજારો લોકોની જિંદગી બચાવી શકે છે. અમને તમારી ખોટ સાલશે પરંતુ, તમે અન્ય એ ઈસ્ટ આફ્રિકા અને કેન્યાના પ્રદેશમાં જઈ રહ્યા છો જ્યાં, અમારા જેવા ઘણાં લોકો ભારતથી આવ્યા છે. ભારત અને આફ્રિકા વચ્ચે સંપર્કો મજબૂત બનાવવાનો આ ઉત્તેજનાપૂર્ણ સમય છે. આ ઉપરાંત, તમે ત્યાં યુનાઈટેડ નેશન્સના ભાગ તરીકે પણ રહેશો જે આપણી સમક્ષના સૌથી કપરાં વિષયોમાં એક, પર્યાવરણના સંદર્ભે છે. આથી, હું માનું છું કે આ પ્લેટફોર્મ તમને વધુ ઊંચાઈ પર લઈ જશે. આગામી વર્ષોમાં અમે ચોક્કસપણે અહીં સર્વોચ્ચ સ્થાને તમારા આગમનની અપેક્ષા રાખીએ છીએ.’

અલ્પેશ પટેલ OBE એ જણાવ્યું હતું કે,‘હું માનું છું કે હાઈ કમિશનમાં કામ કરતી દરેક વ્યક્તિ દેશનું મૂર્ત સ્વરૂપ છે. રોહિતભાઈ કોઈ કાર્યને પરિણામ આપવા માટે સખત કામગીરી બજાવવા માટે જાણીતા છે. આ ભારત માટેના આપણા સ્નેહનું પ્રતિબંબ છે. તમે જ્યારે ભારતીય વિદેશ સેવા- Indian Foreign Service વિશે વિચારતા હો ત્યારે તમે અસરકારક પ્રતિભાવને વિચારો છો. આ માપદંડોને જાળવવા અને તેમને કેન્યા લઈ જવા અને ફરી અહીં આવવાની આશા રાખીશું. હું જાણું છું કે રોહિતભાઈ જેવા વ્યક્તિઓની હાજરી ન હોય તો કોમ્યુનિટીને ઓક્સિજન અથવા અન્ય લાખો કારણો-બાબતો માટે મદદ થઈ શકી ન હોત.’

સંગત એડવાઈઝ સેન્ટરના CEO શ્રી કાન્તિભાઈ નાગડાએ જણાવ્યું હતું કે,‘રોહિતભાઈ હાઈ કમિશન અને કોમ્યુનિટીને નિકટ લાવ્યા છે. તેમણે અદ્ભૂત ન્યૂઝલેટર પણ પ્રકાશિત કર્યા છે જે દર સપ્તાહે પ્રસિદ્ધ થાય છે અને ભારત સરકારમાં શું ચાલી રહ્યું છે તેમજ ભારતની વિશિષ્ટ વાતો અને માહિતી વિશે જણાવે છે.’

ગ્રાન્ટ થોર્ન્ટન યુકે LLP ના પાર્ટનર અને સાઉથ એશિયા ગ્રૂપના વડા અનુજ ચંદેએ જણાવ્યું હતું કે, હું દર સપ્તાહે રોહિતભાઈની ‘ઈન્ટ્રોસ્પેક્શન’ કોલમને વાંચવા ઉત્સુક રહું છું. એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર (આરોહણ કોલમ)માં તેમની કોલમ્સ વિચારપ્રેરક અને અર્થપૂર્ણ હોય છે. બીજી વાત એ પણ છે કે, રોહિતભાઈ વિના અમે FICCI સાથે જે કાર્યમાં સંકળાયેલા છીએ તે શક્ય બન્યું ના હોત.’

ભારતીય હાઈ કમિશનમાં ફર્સ્ટ સેક્રેટરી, (ઈકોનોમિક અને પ્રેસ અને ઈન્ફોર્મેશન) શ્રી રોહિતભાઈ વઢવાણાએ જણાવ્યું હતું કે,‘ તમે મને જે પ્રેમ અને આદર આપ્યા છે તેનાથી હું ખરેખર ગદ્ગદ્ થઈ ગયો છુ. વ્યાવસાયિક મોરચે મને ઘણો સંતોષ છે. આપણી કોમ્યુનિટીના જીવંત -સક્રિય સહકાર સાથે હાઈ કમિશનમાં અમે શ્રેષ્ઠ કામગીરી બજાવી શક્યા છીએ. આ સાથ-સહકાર વિના મજબૂત દ્વિપક્ષી સંબંધો શક્ય ન હતા. આપણા બધા માટે કોવિડ કટોકટી ઘણી મુશ્કેલ બની રહી હતી. ઘણા બધા રઝળી પડેલા ભારતીયો, પર્યટકો અથવા અજાણ્યા લોકો પણ અહીં ફસાઈ ગયા હતા. આપણા સંયુક્ત પ્રયાસોએ માનવતાનું એક ઉદાહરણ સ્થાપિત કર્યું હતું.’

વઢવાણાએ જણાવ્યું હતું કે,‘ તમે જ્યારે કહો છો કે દરેક સફળ પુરુષની પાછળ એક મહિલા હોય છે પરંતુ, અત્યારે બે દયાળુ સ્ત્રીઓ મને સફળ બનાવી રહી છે. વ્યાવસાયિક તખ્તા પર હાઈ કમિશનર શ્રીમતી ગાયત્રી ઈસ્સાર કુમાર અને સામાજિક તખ્તા પર મારી પત્ની ફેમિદા છે. આ બંનેના સપોર્ટ, માર્ગદર્શન અને નેતાગીરી વિના હું હંમેશાં જે કરવા માગતો હતો તે કરી શક્યો ન હોત. હું સારા મિત્રો બનાવું છું તેથી મને લોકોની ખોટ સાલે છે. આમ છતાં, મને એક અફસોસ છે કે હું તમને સહુને વધુ અને વધુ મળી શક્યો નથી. તમારી સાથે રહેવાના વધુ પ્રસંગો મને મળી શક્યા નથી.’

ધ ભવનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. એમ.એન. નંદકુમારે પ્રાર્થના કરતા કહ્યું હતું કે,‘સમગ્ર વિશ્વ એક પરિવાર છે. તમામ દિશાઓમાંથી વૈશ્વિક વિચારો આપણા તરફ વહેતા રહે. જેવી રીતે સુંદર પુષ્પની સુવાસ પવન મારફત તમામ તમામ સ્થળોએ પ્રસરે છે તેવી જ રીતે વ્યક્તિનું સારું કાર્ય લોકોને પહોંચે છે. શ્રી રોહિત વઢવાણાએ કોમ્યુનિટીના કલ્યાણ માટે ઉમદા કામગીરી કરી છે.’

બેન્ક ઓફ બરોડા યુકેના MD, ચીફ એક્ઝિક્યુટિવ (યુરોપિયન ઓપરેશન્સ) મધુર કુમાર, FICCI ના ડાયરેક્ટર ડો. પરમ શાહ, સુભાષ ઠકરાર, સોલિસિટર નયનેશ દેસાઈ, શશી વેકરીઆ, વેલજી વેકરીઆ, કપિલ દૂદકીઆ, શરદ પરીખ, જિતુ પટેલ, સુભાષ પટેલ, વિવેક સારાઓગી, હિરલ શાહે રિપબ્લિક ઓફ કેન્યા માટે ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર તેમજ યુએન એન્વિરોન્મેન્ટ એજન્સી અને યુએન હેબિટેટમા ભારતના ડેપ્યુટી કાયમી પ્રતિનિધિ તરીકે પ્રમોશન-બઢતી થવા બદલ શ્રી રોહિત વઢવાણાને અભિનંદન પાઠવ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter