વાઇબ્રન્ટ ગુજરાત સમિટ હવે ખરા અર્થમાં ગ્લોબલ ઇવેન્ટઃ વડા પ્રધાન

Wednesday 23rd January 2019 06:26 EST
 
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મહાનુભાવોનું લાક્ષણિક મુદ્રામાં અભિવાદન ઝીલતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ તસવીર લંડનના જાણીતા ફોટોગ્રાફર રાજ બકરાણિયાએ ઝડપી છે. રાજ બકરાણિયા વાઇબ્રન્ટ ગુજરાત   સહિતના કેટલાક મહત્ત્વના એસાઇનમેન્ટ કવર ગુજરાત પ્રવાસે આવ્યા હતા. 
 

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ હવે ખરા અર્થમાં ગ્લોબલ ઇવેન્ટ બની ગયો છે. વિદેશી કંપનીઓ પહેલા દેશની રાજધાનીમાં નવા એકમો નાખવા માટે આવતી હતી. હવે આ મૂડીરોકાણકારો ૮ રાજ્યોની રાજધાની સુધી પહોંચી ગયા છે. દેશના આઠ રાજ્યોએ વાઇબ્રન્ટ સમિટનું અનુકરણ કર્યું છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા સાડા ચાર વર્ષમાં તેમની સરકારે કરેલા ફેરફારોને પરિણામે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ)ને આકર્ષવાની બાબતમાં ભારત વિશ્વનો સૌથી વધુ ઓપન (ઉદાર શરતો ધરાવતો) દેશ બની ગયો છે.
પાટનગર ગાંધીનગરમાં ‘શેપિંગ એ ન્યૂ ઇંડિયા’ના સૂત્ર સાથે યોજાયેલી ગુજરાત ગ્લોબલ સમિટ - ૨૦૧૯ના ઉદ્ઘાટન સત્રને સંબોધતા તેમણે આ શબ્દો ઉચ્ચાર્યા હતા.
વડા પ્રધાને કહ્યું હતું કે દેશના મોટા ભાગના સેક્ટરમાં સીધા વિદેશી મૂડીરોકાણ એફડીઆઈને છૂટ આપી દેવામાં આવી છે. ભારતનું અર્થતંત્ર અત્યારે હાઈગ્રોથ પીચ પર આવી ગયું છે. છેલ્લા સાડા ચાર વર્ષમાં ૨૬૩ બિલિયન યુએસ ડોલરનું રોકાણ ભારતમાં આવ્યું છે. આ જ બતાવે છે કે ભારતમાં બિઝનેસ કરવાની વિદેશી કંપનીઓ માટે એક મોટી તક છે. સ્ટાર્ટ અપના સાહસ માટે પણ એક સારું સ્ટેજ ભારત અને ગુજરાત પૂરું પાડી રહ્યો છે.
તેમણે કહ્યું હતું કે ભારતના ઉદ્યોગોને ડિજિટલ પ્રોસેસ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તથા સિંગલ પોઈન્ટ ઇન્ટરફેસ તરફ લઈ જવામાં સફળતા મેળવી છે. તેમજ સરકારી નિયંત્રણો ઓછા કરી દીધા છે. આ રીતે દેશ અને દુનિયાના ઉદ્યોગ સાહસિકોને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડી છે અને ભારતના વેપાર ઉદ્યોગને વૈશ્વિક ફલક પર વધુ કોસ્ટ કોમ્પિટીટીવ બનાવ્યો છે. તેમણે કહ્યું હતું કે દેશમાં છેલ્લા ચાર વર્ષનો સરેરાશ જીડીપી દર ૭.૩ ટકાની આસપાસ રહ્યો છે, જે ૧૯૯૧ પછીનો સારામાં સારો દર છે.
દેશવિદેશના પ્રતિનિધિઓ અને ભારતના ઉદ્યોગપતિઓએ મૂડીરોકાણની તેમજ હાલમાં કાર્યરત પ્રોજેક્ટના વિસ્તરણની કરેલી જાહેરાતોને આવકારતા વડા પ્રધાને દેશ અને દેશના વહીવટી તંત્રને રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ એન્ડ ફર્ધર પરફોર્મનો નવો મંત્ર આપ્યો હતો. ઔદ્યોગિક સાહસ કર્યા પછી પરિસ્થિતિ પ્રતિકૂળ બને ત્યારે ઉદ્યોગોને કાયદાની કડાકૂટમાં વરસો સુધી અટવાવું ન પડે તે માટે એનસીએલટી - નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ તેમજ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડના માધ્યમથી એક્ઝિટ રૂટ આપ્યો હોવાનો તેમણે ભારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો.

કોર્પોરેટ્સ દ્વારા વચનો

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં દેશના જુદા જુદા ઉદ્યોગપતિઓએ મળીને રૂ. ૪.૨૫ લાખ કરોડના મૂડીરોકાણોની જાહેરાતો કરી હતી. તેઓ આગામી પાંચથી દસ વર્ષમાં ગુજરાતમાં આ મૂડીરોકાણ કરશે. દેશના ટોચના ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી (રિલાયન્સ), ગૌતમ અદાણી (અદાણી), સુધીર મહેતા (ટોરેન્ટ), કુમાર મંગલમ્ (બિરલા), એન. ચંદ્રશેખરન્ (ટાટા)એ રૂ. ૩.૮૦ લાખ કરોડના રોકાણની જાહેરાત કરી હતી. તો ચીનની કંપની ટિન્સાન ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શાંગેએ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજયનમાં રૂ. ૨૧,૦૦૦ કરોડનું મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી હતી. મુકેશ અંબાણીએ રૂ. ૩ લાખ કરોડના, ગૌતમ અદાણીએ રૂ. ૫૫,૦૦૦ કરોડના અને બિરલા ગ્રૂપે રૂ. ૧૫,૦૦૦ કરોડની અને ટોરેન્ટ ગ્રુપે રૂ. ૧૦,૦૦૦ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. ટાટા ગ્રૂપે પણ તેમના વિસ્તરણની યોજના જાહેર કરી હતી. જ્યારે સુઝુકી મોટર્સે ૨૦૨૦ સુધીમાં તેમનો ત્રીજો ઓટોમોબાઈલ પ્લાન્ટ ગુજરાતમાં ધમધમતો કરી દેવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ જ રીતે બંદર વિકાસ સેમિનારમાં રૂ. ૩૬,૧૨૮ કરોડના કરાર થયા હતા.

ચૂંટણી પ્રચારનો પ્રારંભ

વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો ઉદ્ઘાટન સમારોહ ત્રણ કલાક કરતાં વધુ ચાલ્યો હતો, જેમાં કોર્પોરેટ જગતના માંધાતાઓથી માંડીને વિવિધ પાર્ટનર દેશના રાજકીય મહાનુભાવોએ પ્રવચન કર્યું હતું. ૨૮થી વધુ વક્તાઓના ભાષણ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માઇક સંભાળ્યું હતું. તેમણે વાઇબ્રન્ટ સમિટના અત્યાર સુધીના સૌથી ટૂંકા - ૨૩ મિનિટના સંબોધનમાં એનડીએ સરકારના સાડા ચાર વર્ષના શાસનમાં હાંસલ કરેલી સિદ્ધિઓ ગણાવી હતી. આમ તેમણે વાયબ્રન્ટ ગુજરાતના મંચ પરથી જ જાણે લોકસભા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા.
વક્તાઓની ભાષણબાજીથી ડેલિગેટ્સ એટલા કંટાળ્યા હતા કે એક સમયે તેઓ મહાત્મા મંદિરના પરિસરની લોન્જમાં જઇને બેસી ગયા હતા. ઘણાંએ સેલ્ફી પડાવીને સમય વિતાવ્યો હતો તો ઘણાંએ મહિલા બેન્ડના સૂરનો આનંદ માણ્યો હતો. જોકે નરેન્દ્ર મોદીનું પ્રવચન શરૂ થતાં જ તેઓ ફરી હોલમાં પહોંચી ગયા હતા.
મોદીએ ટૂંકું, પણ ચોટદાર અને મુદ્દાસર સંબોધન કર્યું હતું. તેમણે ગુજરાતના વિકાસના બદલે તેમની કેન્દ્ર સરકારે કરેલાં કાર્યોની વાત વિગતવાર જણાવી સાડા ચાર વર્ષનો હિસાબ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઉદ્ઘાટન સમારોહને સંબોધનારા મહાનુભાવો

એન. ચંદ્રશેખર (ચેરમેન, તાતા સન્સ), ડીડીઅર કાસિમિરો (વાઇસ પ્રેસિ. રોસનેટ), સોરેન સ્કોવ (સીઇઓ, મર્સ્ક), કુમાર મંગલમ્ બિરલા ( ચેરમેન, બિરલા ગ્રૂપ), ગ્વાંન્ઝા શિઆંગ (ચેરમેન, શિંગશેંગ હોલ્ડિંગ ગ્રૂપ), જોન ચેમ્બર્સ (ચેરમેન, USIBC), સુધીર મહેતા (ચેરમેન, ટોરેન્ટ), લોર્ડ જોનાથન્ (ચેરમેન, કોમનવેલ્થ એન્ટરપ્રાઇસ), ગૌતમ અદાણી (ચેરમેન, અદાણી જૂથ), ડેવિડ ફેરર (ચેરમેન, ઇમરસન ઇલેક્ટ્રિક), તોશિહિરો સુઝુકી (સીઇઓ, સુઝુકી મોટર્સ), માર્ટિન બ્રડરમુલર (ચેરમેન, BASF), મુકેશ અંબાણી (ચેરમેન, રિલાયન્સ), જિન લિક્વન (પ્રેસિડેન્ટ, AIIB), યોશિહિરા ઇસોઝાકી (પ્રધાન, જાપાન), રાકિયા એડ્ડરહેમ (પ્રધાન, મોરક્કો), મેન્નો સ્વેલ (પ્રધાન, નેધરલેન્ડ), ચુતિમા બન્યાપ્રાફાસરા (નાયબ પ્રધાન, થાઇલેન્ડ), કિમ યોંગ રે (નાયબ પ્રધાન, સાઉથ કોરિયા), જેકેરો વેયા (પ્રધાન, નામિબિયા), ડો. થાની બિન અહેમદ અલ યેદ્દી (પ્રધાન, યુએઇ), મેથ્યુ બેવિન (ગવર્નર, કેન્ટકી-યુએસ), જેનર થાઉ (ગવર્નર ઓસ્ટ્રેલિયા), એન્ડેરેજ બાબીસ (વડા પ્રધાન, ચેક રિપબ્લિક), લાર્સ લોક્કે રાસમુસેમ (વડા પ્રધાન, ડેન્માર્ક), જોસેફ મસકેટ (વડા પ્રધાન, માલ્ટા) શૌક્ત મિરઝીયોયેવ (રાષ્ટ્ર પ્રમુખ, ઉઝબેકિસ્તાન), ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહૂની રેકોડેર્ડ સ્પીચ.

દિગ્ગજોના દાવા અને રોકાણના વચનો

રિલાયન્સ ગ્રૂપઃ અત્યાર સુધીમાં રૂ. ૩ લાખ કરોડના રોકાણ, ૧૦ લાખને રોજગારીનો દાવો કર્યો. ૧૦ વર્ષમાં રોકાણ બમણું કરવાની જાહેરાત.
અદાણી ગ્રૂપઃ છેલ્લા ૫ વર્ષમાં રૂ. ૫૦ હજાર કરોડના રોકાણનો દાવો. આગામી ૫ વર્ષમાં રૂ. ૫૫ હજાર કરોડના રોકાણની જાહેરાત.
બિરલા ગ્રૂપઃ કુમારમંગલમ્ બિરલાએ અત્યાર સુધીમાં રૂ. ૩૦ હજાર કરોડનું રોકાણ કર્યાનો દાવો કર્યો. હવે વધુ રૂ. ૧૫ હજાર કરોડના રોકાણની જાહેરાત.
ટોરેન્ટ ગ્રૂપઃ અત્યાર સુધી રૂ. ૩૦ હજાર કરોડના રોકાણનો દાવો. એનર્જી, પાવર-ગેસ ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રે રૂ. ૧૦ હજાર કરોડના રોકાણની જાહેરાત.
ટાટા ગ્રૂપઃ રાજ્યમાં રૂ. ૧૮ હજાર કરોડના રોકાણની જાહેરાત. રાજ્યમાં લીથિયમ આયન બેટરી પ્લાન્ટની સ્થાપના કરશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter