વાઇબ્રન્ટ સફળતાઃ ૨૮,૩૬૦ સમજૂતી કરાર પર હસ્તાક્ષર

૧૫ સહભાગી દેશઃ ૧૩૫ દેશના મહેમાનોની હાજરી

Wednesday 23rd January 2019 05:13 EST
 
 

ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિના પંથે હરણફાળ ભરી રહેલા ભારતમાં, વાઇબ્રન્ટ ગુજરાતમાં મૂડીરોકાણ કરવા માટે આપેલા આમંત્રણને ઉદ્યોગજગતે પ્રોત્સાહક પ્રતિસાદ આપ્યો હોય તેમ લાગે છે. રાજ્યના પાટનગરમાં યોજાયેલી ‘શેપિંગ અ ન્યૂ ઈંડિયા’ થીમ આધારિત નવમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં દેશવિદેશના મૂડીરોકાણકારો અને રાજ્ય સરકાર વચ્ચે કુલ ૨૮,૩૬૦ સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થયા છે. સમજૂતી કરારનો આ આંકડો ગત સમિટ કરતાં ૨૭૮૨ વધુ છે. અલબત્ત, આમાંથી કેટલા સમજૂતી કરાર ખરા અર્થમાં સાકાર થાય છે કે કરાર અનુસાર રાજ્યમાં કેટલું મૂડીરોકાણ વાસ્તવમાં આવે છે એ તો આગામી સમય જ કહેશે, પરંતુ અત્યારે તો વિકાસનું ભાવિ ઉજળું જણાય છે એમ અવશ્ય કહી શકાય.

સમિટના સમાપન બાદ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે આ સમજૂતી કરાર (એમઓયુ)ને કારણે આગામી સમયમાં રાજ્યના ૨૧ લાખ યુવાનોને રોજગારી મળશે. જોકે આ એમઓયુ દ્વારા કેટલા રૂપિયાનું મૂડીરોકાણ થશે એ વિશે પૂછતા તેમણે ગુજરાતી કહેવત ટાંકતા કહ્યું હતું કે ‘તમે રોટલાથી મતલબ રાખો, ટપટપથી નહીં.’
મુખ્ય પ્રધાન રૂપાણીએ તેમના સંબોધનમાં કહ્યું કે ૨૦૦૨ના રમખાણોના લીધે ખરડાયેલી રાજ્યની છબી વાઇબ્રન્ટના લીધી સુધરી છે. જ્યારે નીતિન પટેલે કહ્યું હતું કે વૈશ્વક પ્લેટફોર્મ ઉપર ૧૩૫ દેશોના પ્રતિનિધિઓ અને આટલી મોટી સંખ્યામાં કંપનીઓએ એક સાથે ભાગ લીધો અને વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી એ જ મહત્ત્વનું છે.
નાયબ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે એમઓયુ થાય એટલે બીજા દિવસથી જ એકમનો પાયો ખોદાવા લાગે તેવું ન હોય, તેના અમલીકરણમાં સમય લાગતો હોય છે. અત્યાર સુધીમાં ૭૦ ટકા એમઓયુનું અમલીકરણ થયું છે. અહીં આવીને મૂડીરોકાણની જાહેરાત કરવાનું ફરજિયાત હોતું નથી જેથી એમઓયુ થયા એટલે તેનો અમલ થાય જ તેવી ફરજ ઉદ્યોગને પાડી શકાય નહીં. ઉદ્યોગગૃહોને પણ અનેક કારણો, સંજોગો નડતા હોય છે અને તે પ્રમાણે પોતાના પ્રોજેક્ટમાં ફેરફાર કરતા હોય છે.

અર્થતંત્રનું કદ ૪૦ લાખ કરોડ રૂપિયા થશેઃ રૂપાણી

વાઇબ્રન્ટ ગુજરાત સમિટના બીજા દિવસે વિકાસની ભાવિ રૂપરેખા રજૂ કરતી ‘ગુજરાતઃ સ્પ્રિન્ટ ટુ ૨૦૨૨ એન્ડ બિયોન્ડ’ ઇવેન્ટમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૩૦ સુધીમાં રાજ્યની માથાદીઠ આવક હાલના ૧.૫૦ લાખથી ૫.૨ લાખ રૂપિયા થઈ જશે. તેમજ રાજ્યના અર્થતંત્રનું કદ ૧૧ લાખ કરોડથી વધીને ૪૦ લાખ કરોડ રૂપિયા થઈ જશે. સ્પ્રિન્ટ ૨૦૨૨ દ્વારા આપણે આવતીકાલના ગુજરાતનું સર્જન કરવા ઇચ્છીએ છીએ. રૂપાણીએ કહ્યું હતું કે સ્પ્રિન્ટ (સ્પ્રિન્ટ એટલે અત્યંત તેજ ઝડપે ટૂકું અંતર કાપવું) ૨૦૨૨ એ સરકારની કામગીરી પૂરતું સીમિત નથી, પણ તે સામાન્ય લોકોની જિંદગીને સ્પર્શનારો વિષય છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે આજે ગુજરાતની ઇકોનોમી વિયેતનામ, ન્યુઝીલેન્ડ અને યુક્રેન જેવા દેશના અર્થતંત્ર કરતાં પણ મોટી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter