વાયનાડમાં વેરાયો વિનાશઃ ભૂસ્ખલનથી 123નાં મોત, હજુ અનેક લાપતા

Wednesday 31st July 2024 06:40 EDT
 
 

વાયનાડઃ કેરળના વાયનાડમાં મેપ્પાડી પાસે મંગળવારે ભૂસ્ખલન થવાને કારણે 123 લોકોનાં મોત થયાં છે અને 100થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને જણાવ્યું છે કે દુર્ઘટનામાં લાપતા લોકોની સંખ્યા 93 થઈ ગઈ છે. મુખ્યમંત્રી કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે સાંજ ઢળી ગયા બાદ પણ સેના, નૌસેના, વાયુસેના, એનડીઆરએફ તથા ફાયરવિભાગના કર્મચારીઓની મદદથી બચાવ અભિયાન ચાલી રહ્યું હતું. આ પૂર્વે કેરળના ચીફ સેક્રેટરી ડો. વી. વેણુએ જણાવ્યું હતું કે, ‘સ્થિતિ સતત ગંભીર છે. હોસ્પિટલોમાં 70થી વધારે મૃતદેહો પહોંચાડવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ અને તપાસ માટેનાં પગલાં ભરવામાં આવી રહ્યાં છે.’ વનમંત્રી એ.કે. શશીધરણે જણાવ્યું હતું કે એનડીઆરએફની ટીમો બચાવકાર્યમાં જોડાયેલી છે અને બચાવ અભિયાનમાં 250થી વધારે લોકોને બચાવી લેવાયા છે.
ઉલ્લેખનીય છે કે વાયનાડ કેરળનો પહાડી વિસ્તાર છે અને અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા માટે આવતા હોય છે. કોઝીકોડ એરપોર્ટથી વાયનાડ અંદાજે 86 કિમી દૂર છે.
સ્વાસ્થ્યમંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું છે કે ભૂસ્ખલનની ઘટના મંગળવારે વહેલી સવારે ત્રણ વાગ્યે બની હતી. ભૂસ્ખલનને કારણે હાલમાં કેટલા લોકો ફસાયેલા છે, તેના વિશે કહેવું મુશ્કેલ છે. મદદ માટે સ્થાનિક વહીવટી તંત્ર, એનડીઆરએફ સહિત સશસ્ત્ર બળો કામે લાગી ગયાં છે. ભારતીય વાયુદળ દ્વારા બે હેલિકોપ્ટરને રાહત અને બચાવ કામગીરી માટે કામે લગાડવામાં આવ્યાં છે. અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવા માટે ભારતીય સેનાને હંગામી પુલ બનાવવા માટે કહેવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કેરળના મુખ્યમંત્રી સહિતના નેતાઓએ આ કુદરતી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
મૃત્યુઆંક હજુ વધવાની આશંકા
ડો. વેણુએ કહ્યું હતું કે અમને જાણવા મળ્યું છે કે કેટલાય લોકો હજુ પણ ગુમ છે અને મૃતકોનો આંક વધી શકે છે. એક મુશ્કેલી એ પણ છે કે સમગ્ર વિસ્તાર સંપૂર્ણ રીતે અલગથલગ છે. અમે એ વિસ્તારના મોટા ભાગમાં પહોંચવા માટે સક્ષમ નથી. ભૂસ્ખલનમાં મોટી સંખ્યામાં લોકો ફસાયેલા હોવાની આશંકા છે અને મૃતકોની સંખ્યા વધી શકે છે. હાલમાં એનડીઆરએફ, કન્નુર ડિફેન્સ સિક્યોરિટી તેમજ એરફોર્સના હેલિકોપ્ટરો બચાવકાર્યમાં જોતરાયેલાં છે પણ વરસાદને પગલે બચાવકાર્યમાં મુશ્કેલી પડી રહી છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જણાવાયું છે કે ભૂસ્ખલનવાળી જગ્યા સુધી પહોંચવા માટે સૈન્યને એક અસ્થાયી પુલ બનવવામાં મદદ કરવા માટે કહેવાયું છે. મહત્ત્વપૂર્ણ છે કે કેરળમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન કેટલીય જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે. આ વિસ્તારોમાં મુંડક્કઈ, અટ્ટામાલા અને કુહોમ જેવા વિસ્તારો સામેલ છે.
વડા પ્રધાન મોદી, રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂસ્ખલનમાં મૃત્યુ પામનારાના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે. તેમણે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન્ સાથે પણ વાત કરી હતી. વડા પ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, મૃતકોના પરિવારજનોને રૂ. બે-બે લાખ આપવામાં આવશે, આ સિવાય ઘાયલોને રૂ. 50-50 હજાર આપવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને ઈજાગ્રસ્ત જલદીથી સાજા થાય તથા રેસ્ક્યૂ ઓપરેશન સફળ રહે તે માટે કામના કરી છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા લખ્યું હતું, ‘વાયનાડના મેપાડીમાં ભૂસ્ખલન વિશે જાણીને દુખ થયું. આ અકસ્માતમાં જીવ ગુમાવનારાના પરિવારજનો પ્રત્યે સંવેદના. આશા છે કે જેઓ ફસાયેલા છે, તેમને સલામત રીતે બહાર કાઢી લેવાશે. મેં કેરળના મુખ્ય મંત્રી તથા કલેક્ટર સાથે વાત કરી છે, જેમણે મને જણાવ્યું હતું રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. મેં તેમને તમામ એજન્સી વચ્ચે સંકલન તથા કંટ્રોલરૂમ શરૂ કરવાનું કહ્યું છે. હું કેન્દ્રીય મંત્રીઓ સાથે વાત કરીશ અને તેમને વાયનાડ માટે શક્ય તમામ સહાય માટે વિનંતી કરીશ.’
વ્યાપક સ્તરે રાહત-બચાવકાર્ય
આરોગ્યમંત્રી વીણા જ્યોર્જે કહ્યું હતું કે, ‘વૈથિરી, કાલપટ્ટા, મેપાડી, મનનથાવાડીની હોસ્પિટલો કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. સોમવાર રાત્રિથી જ આરોગ્યકર્મીઓ ત્યાં પહોંચી ગયા હતા અને સેવાકાર્યમાં લાગી ગયા હતા. આરોગ્યકર્મીઓની વધુ ટીમોને વાયનાડ મોકલવામાં આવશે.’ ફાયરબ્રિગેડ તથા બચાવદળ, સિવિલ ડિફેન્સ, સ્થાનિક ઇમર્જન્સી દળ તથા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના 250થી વધુ કર્મીઓ ચોરાલમાલા પહોંચીને રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગયા છે. આ સિવાય એનડીઆરએફની વધુ એક ટુકડીને ત્યાં પહોંચવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.’ કેરળના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં ચોવીસ કલાકમાં વધુ વરસાદની આગાહી કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter