વૈષ્ણોદેવીમાં નાસભાગઃ ૧૨નાં મોત

Thursday 06th January 2022 04:06 EST
 
 

કટરાઃ વિશ્વભરમાં નવા વર્ષના આગમનની ધમાકેદાર ઉજવણી થઇ રહી હતી ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ વૈષ્ણોદેવીમાં નાસભાગથી ૧૨ યાત્રાળુના મૃત્યુની આઘાતજનક ઘટના નોંધાઇ હતી. ૨૦૨૨ના નૂતન વર્ષની વહેલી સવારે વૈષ્ણોદેવી મંદિરના પ્રાંગણમાં બનેલી આ દુર્ઘટના માટે એક વર્ગ મંદિર વહીવટી તંત્રના અણઘડ વહીવટને જવાબદાર ઠેરવે છે તો બીજી તરફ મંદિર મેનેજમેન્ટ આ ઘટના માટે યાત્રાળુઓના પ્રચંડ ધસારાને કારણભૂત ગણાવે છે. હૈયુ હચમચાવી નાંખતી આ ઘટનાના મૂળમાં રહેલા કારણો જાણવા તપાસના આદેશ અપાયા છે. નાસભાગની આ ઘટના ત્રિકુલા હિલ પર મંદિરની બહાર થઈ હતી. ઉલ્લેખનીય છે કે કટરાસ્થિત વૈષ્ણોદેવી મંદિર દર્શનાર્થીઓ માટે ચોવીસેય કલાક ખુલ્લું રહેતું હોય છે. શનિવારે નવા વર્ષનો પ્રથમ દિવસ હોવાથી શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા પ્રચંડ સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

જમ્મુ-કાશ્મીરના પોલીસ વડા દિલબાગ સિંહે કહ્યું હતું કે કેટલાક દર્શનાર્થીઓ વચ્ચે ઝઘડો થવાથી ધક્કામુકી થઈ અને પરિણામે નાસભાગ મચી ગઇ હતી. વર્ષ ૨૦૨૨ના પ્રથમ દિવસે જ થયેલી આ દુર્ઘટના બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોકની લાગણી વ્યક્ત કરી હતી અને દરેક મૃતકના પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. જ્યારે રાજ્ય સરકારે મૃતકો પ્રતિ સંવેદના વ્યક્ત કરીને તેમના પરિવારજનોને રૂ. ૧૦-૧૦ લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.
નવા વર્ષના પહેલા દિવસે જ જમ્મુના રહેણાક વિસ્તારમાં ત્રિકુટા પર્વત પર આવેલા મા વૈષ્ણોદેવીના મંદિરમાં નાસભાગની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરાઈ છે. પ્રત્યક્ષદર્શીઓના મતે, દુર્ઘટનાનું કારણ અનિયંત્રિત ભીડ હતી જેને મંદિર મેનેજમેન્ટ દ્વારા અટકાવી શકાઈ હોત. ભીડને યોગ્ય સમયે નિયંત્રિત ન કરાતા મોટી સંખ્યામાં યાત્રિકો ભવન પરિસરમાં પહોંચી ગયા હતા. ઓછી જગ્યાને કારણે બંને તરફથી શ્રદ્ધાળુઓ પહેલા નીકળવા માગતા હતા, જ્યારે પોલીસે કાર્યવાહી શરૂ કરી ત્યારે સ્થિતિ કાબૂમાં રહી નહોતી. એક અન્ય અહેવાલ અનુસાર ભીડ વચ્ચે અમુક લોકોનો ઝઘડો થઈ ગયો હતો. આ સમયે ધક્કામુક્કી થતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનો પણ દાવો કરાયો છે.
વૈષ્ણોદેવી ભારતમાં સૌથી પ્રતિષ્ઠિત હિન્દુ મંદિરોમાંથી એક છે જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો પૂજા કરવા પહોંચે છે. મંદિરના મુખ્ય પૂજારી પંડિત સુદર્શને તીર્થયાત્રીઓને શાંત રહેવા અને અરાજકતા ફેલાવતા બચવાની અપીલ કરી છે.
​​​​​​​માતા વૈષ્ણોદેવી મંદિરમાં શનિવારે સવારે નાસભાગમાં ઘવાયેલા ૧૫ લોકોમાંથી ચાર લોકો જમ્મુ-કાશ્મીરના કટરામાં હાલ ગંભીર સ્થિતિમાં અને વેન્ટિલેટર પર છે. શ્રી માતા વૈષ્ણોદેવી નારાયણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ન્યૂરોસર્જન ડો. જે.પી. સિંહે જણાવ્યું કે પહેલા ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં લગભગ ત્રણેક વાગ્યે આવ્યા હતા. અહીં ૧૫ દર્દી આવ્યા હતા, પણ તેમાંથી ચારની હાલત ગંભીર હતી.
લોકોમાં આક્રોશ - વિરોધ પ્રદર્શન
વૈષ્ણોદેવી દુર્ઘટના બાદ લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તતો હતો. તેમણે વિરોધ પ્રદર્શન યોજીને તેમની નારાજગીને વાચા આપી હત. લોકોનો આરોપ હતો કે શ્રાઇન બોર્ડ તરફથી કોઈ વ્યવસ્થા કરાવાઈ નહોતી. મોટી સંખ્યામાં લોકોને રજિસ્ટ્રેશન વિના જ જવા દેવાયા હતા, જેના કારણે ભીડ વધી હતી. ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીઓ લોકો પાસેથી પૈસા લઈને જલદી દર્શન માટે તેમને આગળ મોકલી રહ્યા હતા. જે કારણે ભીડ અનિયંત્રિત થઈ હતી.
શ્વાસ રુંધાવાથી - એકમેક પર પડવાથી મૃત્યુ
કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે શનિવારે નાસભાગ બાદની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું કે નવા વર્ષે વૈષ્ણોદેવી મંદિરમાં મોટી સંખ્યામાં યુવાઓ આવી રહ્યા છે. એવામાં ભીડ મેનેજમેન્ટ કરવા વિશેષ પગલાં ભરવાની જરૂર છે. પરંપરાગત રીતે નવરાત્રિ, દશેરા અને દિવાળી જેવા તહેવારોના દિવસોમાં શ્રદ્ધાળુઓ આવતા હતા પણ આ એક નવું ચલણ છે અને આપણે તેના જ ઉપાયો શોધવા પડશે. આપણે ઈનોવેશન અને ટેક્નોલોજી વિશે વાત કરવી પડશે. સરકારે તપાસના આદેશ આપ્યા છે. પોલીસે પર્યાપ્ત ઉપાયો કર્યા છે પણ અમે ચર્ચા કરીશું કે બીજું શું કરી શકાય છે. રાજ્યના પોલીસ વડા દિલબાગ સિંહે જણાવ્યું કે મોટા ભાગનાં મૃત્યુ શ્વાસ રુંધાવા અને લોકોના એકબીજા પર પડવાને કારણે થયાં હતાં. મોટા ભાગે ઈજા પણ આ કારણે જ થઇ હતી.
હવે સંપૂર્ણપણે ઓનલાઇન બુકિંગ
વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગની સમીક્ષા માટે રવિવારે ઉપરાજ્યપાલ મનોજ સિંહાની અધ્યક્ષતામાં રાજભવનમાં શ્રાઇન બોર્ડની બેઠક મળી. તેમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા સંદર્ભે અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતા. ઉપરાજ્યપાલ બોર્ડના અધ્યક્ષ પણ છે. બેઠકમાં નાસભાગના કારણોની સમીક્ષા કરાઈ અને મેનેજમેન્ટ દ્વારા દુર્ઘટના તરત બાદ ઉઠાવેલા વિવિધ પગલાંની સમીક્ષા કરી હતી. જોકે ગેરવહીવટ અને બેદરકારીના જવાબદાર અધિકારીઓને કડક સંદેશ આપવાને બદલે બેઠકમાં શ્રાઇન બોર્ડ, જિલ્લા તંત્ર અને પોલીસના કામની પ્રશંસા કરાઈ હતી. બેઠકમાં કહેવાયું કે, સતર્કતાના કારણે અનેકના જીવ બચાવી શકાયા.
બેઠકમાં શ્રાઇન બોર્ડના સીઇઓને ભીડનું સંચાલન કરવા તેમજ મૂળભૂત માળખામાં સુધારાના નિર્દેશ અપાયા. આ સાથે યાત્રાનું બુકિંગ ૧૦૦ ટકા ઓનલાઇન કરવાનું પણ કહેવાયું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter