સોજિત્રા સમાજની AGM માં 50 વર્ષના સંઘર્ષ અને સફળતાની યાત્રાના સ્મરણ સાથે ભાવિ 50 વર્ષની ભવ્ય કલ્પના

હર મેજેસ્ટી ક્વીનની યાદમાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યુંઃ સોજિત્રા ગામની તમામ બહેન-દીકરીઓ અને 6 ગામના પ્રમુખો ખાસ આમંત્રિત

Wednesday 21st September 2022 08:33 EDT
 
(ડાબેથી જમણે) સોજિત્રા સમાજના ટ્રસ્ટી વાસુદેવભાઇ પટેલ, ચેતનભાઇ પટેલ, કાંતિભાઇ નાગડા - એમબીઇ, સ્થાપક સભ્ય અને સોજિત્રા સમાજના ભિષ્મ પિતામહ જનકભાઇ પટેલ, સી.બી. પટેલ, પી.જી. પટેલ, સુમનભાઈ દેસાઈઅને મંદાબહેન પંડ્યા
 

લંડનઃ સોજિત્રા સમાજ (યુકે)ના સુવર્ણજયંતી વર્ષમાં રવિવાર, 18 સપ્ટેમ્બરે કેન્ટનના કડવા પાટીદાર હોલ ખાતે વાર્ષિક સામાન્ય સભા (AGM) યોજાઈ હતી. સોજિત્રા ગામની તમામ બહેન-દીકરીઓ અને 6 ગામના પ્રમુખોને આ કાર્યક્રમમાં ખાસ આમંત્રિત કરાયા હતા. સોજિત્રા સમાજની ગત 50 વર્ષના સંઘર્ષ, કઠોર પરિશ્રમ અને પરિણામસ્વરૂપ સફળતાને યાદ કરવા સાથે ભાવિ 50 વર્ષના આયોજનની રૂપરેખા અને કલ્પના સમાજના અગ્રણીઓ દ્વારા જાહેર કરાઈ હતી. કાર્યક્રમના આરંભે અને સમગ્ર દેશની સાથે રાત્રે 8 વાગ્યે હર મેજેસ્ટી ક્વીનની યાદમાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અતિથિવિશેષ અને ગુજરાત સમાચાર-એશિયન વોઈસના એડિટર-ઈન-ચીફ શ્રી સી.બી. પટેલે જણાવ્યું હતું કે વર્ષો પહેલા આપણા પૂર્વજોએ કઠોર પરિશ્રમ કર્યો હતો. તેઓની દૂરદૃષ્ટિના પરિણામે જ આપણે બધા આ દેશમાં આ તબક્કે પહોંચ્યા છીએ. આ દેશે આપણને ઘણું આપ્યું છે અને હજુ પણ વિકાસ અને વૃદ્ધિની તક આપી રહેલ છે. હવે આપણી એ ફરજ બને છે કે આપણે બધા એકસંપ થઈને સમાજ, આપણા દેશ અને આપણી માતૃભૂમિના વિકાસ માટે કાર્ય કરીએ.

ડેપ્યુટી મેયર રામજીભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે યુકેમાં કોમ્યુનિટીની સેવા માટે 50 વર્ષનો સમયગાળો ઘણો લાંબો કહેવાય. સોજિત્રા સમાજ દ્વારા કરાયેલું કાર્ય તમામ માટે પ્રેરણા સમાન છે.

સોજિત્રા સમાજ (યુકે)ના પ્રેસિડેન્ટ ભદ્રેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગત 50 વર્ષમાં આપણે ભારે મહેનત કરી છે અને હવે આપણે સ્થિર-સ્થાપિત થયા છીએ. હવે આગામી 50 વર્ષ માટે રૂપરેખા ઘડવાનો સમય આવી ગયો છે.

જયરાજભાઈ ભાદરણવાલાએ કહ્યું હતું કે આપણા પૂર્વજો ભારત-આફ્રિકાથી આવ્યા હતા અને કોમ્યુનિટીના ઉત્થાન માટે ભારે મહેનત કરી હતી. હું સમાજના યુવા સભ્યોને દરેક પ્રવૃત્તિમાં ભાગ લેવા અને તેમની કુશળતાનું યોગદાન આપવા અનુરોધ કરું છું. આપણી પાસે ગૌરવશાળી ઈતિહાસ અને ઉજ્જ્વળ ભવિષ્ય છે.

ભાદરણ ગામના પ્રેસિડેન્ટ બિમલભાઈ પટેલે સંબોધનમાં કહ્યું હતું કે આ પ્રકારના મેળાવડાથી નવી તાકાત સાંપડે છે અને કોમ્યુનિટી તરીકે આગળ વધવા અને સિદ્ધિ હાંસલ કરવાનો માર્ગ મળે છે. તેમણે તમામ 6 ગામને ભાદરણ ગામની 6 નવેમ્બરે યોજાનારી AGM માટે આમંત્રણ આપ્યું હતું.

શ્રી જી.પી. દેસાઈએ લાયન્સ ક્લબની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી.

કાર્યક્રમના આરંભે સમાજના વડીલ શ્રી લલિતભાઈ પંડ્યાએ પ્રાર્થાઓ કરવા સાથે સોજિત્રા સમાજના ઈતિહાસ વિશે જણાવ્યું હતું. સર્વશ્રી વિનયભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ પંડ્યા, દિલિપભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ દ્વારા દીપપ્રાગટ્ય કરાયું હતું. રાજેન્દ્રભાઈ પંડ્યાએ સોજિત્રા સમાજની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી અને ટ્રસ્ટીઓ અને પ્રમુખોનો નામોલ્લેખ કરી યાદ કર્યા હતા.

એરોનોટિકલ એન્જિનીઅરીંગમાં ફૂલ સ્કોલરશિપ સાથે ફર્સ્ટ ક્લાસ (ઓનર્સ) ઉત્તીર્ણ થયેલાં પ્રાશિતા જયંતભાઈ પટેલ, બેચલર ઓફ સાયન્સમાં કેમિસ્ટ્રીમાં ફર્સ્ટ ક્લાસ (ઓનર્સ) ઉત્તીર્ણ થયેલાં દ્રિષ્ટિ નિમેષભાઈ પટેલ, બેચલર ઓફ સાયન્સમાં ફીઝિક્સ અને મેથેમેટિક્સમાં ફર્સ્ટ ક્લાસ (ઓનર્સ) ઉત્તીર્ણ થયેલા વંદન નિમેષભાઈ પટેલને શૈક્ષણિક એવોર્ડ્સ એનાયત કરાયા હતા. સર્વશ્રી વાસુદેવભાઈ, નીલકંઠભાઈ અને જનકભાઈ પટેલના હસ્તે ટ્રોફીઝ એનાયત કરાઈ હતી.

શ્રી ભદ્રેશભાઈ પટેલના હાથે ડેપ્યુટી મેયર શ્રી રામજીભાઈ ચૌહાણને શાલ ઓઢાવી સન્માન કરાયું હતું. શ્રી જનકભાઈ પટેલના હાથે શ્રી જીતુભાઈ પટેલ, શ્રી જયંત પટેલના પટેલના હાથે શ્રી વાસુદેવભાઈ પટેલ, શ્રી વિનયભાઈ પટેલના હાથે શ્રી નીલકંઠભાઈ પટેલ, શ્રી નિમેષભાઈ પટેલના હાથે શ્રી મહેશભાઈ પટેલ, શ્રી જયેશભાઈ પટેલના હાથે શ્રી લલિતભાઈ પંડ્યા તેમજ શ્રીમતી કલાબહેન પટેલના હાથે શ્રીમતી રસિકાબહેન પટેલને શાલ ઓઢાવી સન્માનિત કરાયા હતા.

જીવંત ગીતો અને નૃત્ય પરફોર્મન્સીસ તેમજ રેફલ ટિકિટ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં હતાં. ‘એકતામાં જ શક્તિ છે’ના સંદેશા સાથે સુવર્ણજયંતી વર્ષની AGMનું સમાપન કરાયું હતું.

કાર્યક્રમના અંતે આભારવિધિ સોજિત્રા સમાજના ટ્રસ્ટી જિતુભાઇ પટેલે કરી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter