હિંસા અને અરાજકતાનું પુનરાવર્તન અટકાવો

લંડનના મેયર સાદિક ખાનને નવીન શાહનો પત્ર

Wednesday 23rd October 2019 03:44 EDT
 
 

૧૭ ઓક્ટોબર ૨૦૧૯

માનનીય મિ. મેયર

વિષયઃ ૨૭ ઓક્ટોબર ૨૦૧૯ના દિવસે કાશ્મીર વિરોધકૂચ અને રેલી

હું આપને આ પત્ર મારા મતદારો અને ઉપરોક્ત સૂચિત કૂચ/રેલી સંદર્ભે મારો સંપર્ક કરનારા કેટલાક સંગઠનો વતી લખી રહ્યો છું. કૂચ/રેલી સંદર્ભે સંપૂર્ણ વિગતો માટે આ સાથે સામેલ મેટ પોલીસ દ્વારા પ્રસિદ્ધ અપડેટ જોવા વિનંતી.

પોલીસ અપડેટમાં ઉલ્લેખ અનુસાર અંદાજે ૫૦૦૦થી ૧૦,૦૦૦ વિરોધકારો રિચમન્ડ ટેરેસ ખાતે એકત્ર થઈ એલ્ડીચમાં ભારતીય હાઈ કમિશનની બહાર કૂચ સ્વરુપે આવવાનું આયોજન છે.ભારતીય હાઈ કમિશનની બહાર ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ના દિવસે જે અરાજકતા અને ઉત્પાત જોવાં મળ્યા તેને ધ્યાનમાં લેતાં આ નવા વિરોધ પ્રદર્શન બાબતે મારી સમક્ષ ગંભીર ચિંતા તેમજ લોકો અને પ્રોપર્ટીને નુકસાન કરી શકે તેવા ભયાનક દૃશ્યોનું પુનરાવર્તન થવાનો ભય રજૂ કરાયો હતો. સમુદાયમાં મોટા ભાગના લોકોની લાગણી એ છે કે દીવાળીના પવિત્ર દિવસે જ આવી કૂચનો સમય પસંદ કરાયો તે સંવેદનહીન અને ઉશ્કેરણીકારક છે તે કહેવામાં શંકા નથી.

હું બરાબર સમજું છું કે ઓપરેશનલ બાબતોનો નિર્ણય મેટ પોલીસ હસ્તક છે અને કૂચ/રેલી પર પ્રતિબંધ તમારા કે મેટ પોલીસના નહિ પરંતુ, સંપૂર્ણપણે હોમ સેક્રેટરીના અધિકારક્ષેત્રમાં છે. આમ છતાં, મેટ પોલીસ સર્વિસ અવ્યવસ્થાના જાહેર ભય વગેરેના કારણોસર વિરોધ અટકાવવાની પરવાનગી માટે અરજી કરી શકે છે. દિવાળીના દિવસે જ કૂચનું આયોજન કરાયાની હકીકત છે ત્યારે મેટ પોલીસ દ્વારા આ બાબતે વિચાર કરાયો છે ખરો? આ ઉપરાંત, લંડનમાં પોલીસિંગ અને ગુનાખોરી મુદ્દે તમારી નેતાગીરીની ભૂમિકાને ધ્યાનમાં લેતાં ભારતીય હાઈ કમિશનની બહાર ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ના દિવસે જે અસ્વીકાર્ય ઘટનાઓ જોવા મળી તેમાંથી મેટ પોલીસે શું બોધપાઠ લીધો તેમજ કૂચ અટકાવી ન શકાય તો ૨૭ ઓક્ટોબરે કોઈ અપ્રિય ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેના માટે શાંતિપૂર્ણ રીતે એકત્ર થવામાં મદદ કરવાં શું પગલાં લેવાયાં છે તે મને સમજાવી શકશો તો હું આપનો આભારી રહીશ. હાઈ કમિશન પ્રીમાઈસિસ તેમજ તેના સ્ટાફ અને સામાન્ય જનતાના રક્ષણ માટે સંબંધિત સત્તાવાળા ભારતીય હાઈ કમિશનની સાથે મળીને કામ કરે છે તે બાબતે હું આપના તરફથી ખાતરી ઈચ્છું છું.

જો મદદરુપ થાય તો હું આપને, ડેપ્યુટી મેયર ફોર પોલીસિંગ એન્ડ ક્રાઈમ તેમજ પોલીસિંગ એન્ડ ક્રાઈમ કમિટીના અધ્યક્ષને મળવામાં ભારે ખુશી અનુભવીશ. આપના તરફથી વહેલી તકે પ્રતિભાવ મેળવવા ઉત્સુક છું જેથી, હું સંબંધિત વ્યક્તિઓ અને સંસ્થાઓને સલાહ અને આશ્વાસન આપી શકું.

શુભેચ્છા સહ,

નવીન શાહ AM


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter