૫૬ ઈંચની છાતીવાળો બદલોઃ પહેલાં પાક.માં ઘુસીને માર્યા, પછી ભારતમાં ઘુસ્યા તો માર્યા

Wednesday 27th February 2019 05:06 EST
 
 

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ મંગળવારે મળસ્કે સરહદપાર બોમ્બ વરસાવી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને તેને છત્રછાયા પૂરી પાડી રહેલા પાકિસ્તાનને જડબાતોડ પાઠ ભણાવ્યોને કલાકો પણ નથી વીત્યા ત્યાં ભારતે પાક. સેનાનું એક યુદ્ધવિમાન તોડી પાડ્યું છે. ભારતીય વાયુસેનાની મંગળવારની કાર્યવાહીનો ‘બદલો’ લેવાના ઇરાદે બુધવારે સવારે ભારતીય હવાઇ સીમામાં પ્રવેશેલા પાક. યુદ્ધ વિમાનને ભારતીય સુરક્ષા દળોએ તોડી પાડ્યું હતું. આ પછી સરહદી ક્ષેત્રમાં વાતાવરણ વધુ તનાવપૂર્ણ બનતાં ભારતે દિલ્હીથી ઉત્તર ભારત તરફ જતી - પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશની હવાઇ સેવા ઉપરાંત વૈષ્ણોદેવીમાં યાત્રિકો માટે ચાલતી હેલિકોપ્ટર સેવા બંધ કરી દીધી છે. ભારતીય વાયુસેનાને સરહદી ક્ષેત્રમાં પૂરતી એર સ્પેસ મળી રહે અને તેમની કામગીરીમાં કોઇ અવરોધ ન સર્જાય તે માટે આ નિર્ણય લેવાયો હોવાનું સુરક્ષા નિષ્ણાતોએ જણાવ્યું હતું. 

બીજી તરફ, પાકિસ્તાની સેનાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભારત સાથે કોઇ પણ પ્રકારે યુદ્ધ ઇચ્છતા નથી. જોકે વાસ્તવિક્તા એ છે કે અંકુશ રેખા વિસ્તારમાં પાક. તરફથી સતત યુદ્ધવિરામનો ભંગ થઇ રહ્યો છે અને તીવ્ર તોપમારો ચાલુ જ છે. આમ તો પુલવામા હુમલા બાદ પાક. અંકુશ રેખા વિસ્તારમાં સતત તોપમારો કરતું જ રહ્યું છે, પરંતુ ભારતીય વાયુસેનાના આક્રમણ બાદ તોપમારાની તીવ્રતા વધી ગઇ છે.
ભારતીય વાયુસેનાએ મંગળવારે કરેલી આક્રમક કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદનો બાલાકોટમાં આવેલો સૌથી મોટો આતંકી કેમ્પ તહસનહસ થઇ ગયો છે તો ૩૦૦ કરતાં વધુ આતંકી માર્યા ગયા છે. આમાં આતંકી વડા મસુદ અઝહરના સાળા ને ઉસ્તાદ ઘોરીના નામે કુખ્યાત આતંકી મૌલાના યુસુફ અઝહર પણ સામેલ છે.

મળસ્કે ઓપરેશન

ભારતીય વાયુસેનાના મિરાજ-૨૦૦૦ અને સુખોઇ-૩૦ના ૧૨ ફાઇટર જેટનો કાફલો મંગળવારે મળસ્કે ૩.૪૫ કલાકે અંકુશ રેખા ઓળંગીને પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં પ્રવેશ્યો હતો. અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખૈબર પખ્તુનવાના બાલાકોટમાં આવેલા જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈઇબા અને હિઝબુલ મુજાહિદ્દીનના ટ્રેનિંગ કેમ્પ તબાહ કરી નાંખ્યા હતા. આ કેમ્પો પર ૧૦૦૦ કિલોના બોમ્બ ઝીંકાયા હતા.
ભારતની આ કાર્યવાહીથી જૈશનો જુસ્સો ઠંડો પડી ગયો તો પાકિસ્તાન આંચકો ખાઇ ગયું હતું. બીજી તરફ, ભારતમાં જશ્નનો માહોલ છવાયો હતો.
ઓપરેશન દરમિયાન નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન, ગૃહપ્રધાન રાજનાથ સિંહ વગેરે સાથે બેઠા હતા અને પળેપળની જાણકારી મેળવી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલે તેમને બ્રિફિંગ કર્યું હતું.

લોકોમાં આનંદનું મોજું

પાક.-પ્રેરિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ૧૨ દિવસ પહેલાં દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આત્મઘાતી હુમલો કર્યો હતો, જેમાં ૪૦ ભારતીય જવાનો શહીદ થયા હતા. આ પછી દેશભરમાં પાક. સામે આક્રોશ હતો. ભારતીયોની એક જ માગ હતીઃ પાકિસ્તાનને તેની જ ભાષામાં પાઠ ભણાવો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જાહેરાત કરી હતી કે હુમલાનો બદલો લેવા ભારતીય સૈન્યને સંપૂર્ણ છુટ અપાઇ છે. યોગ્ય સ્થળે, યોગ્ય સમયે અને યોગ્ય દિવસે જરૂરી કાર્યવાહી કરાશે.
આમ ભારતીય વાયુસેનાએ પાડોશી દેશમાં ઘુસી આક્રમક કાર્યવાહી કર્યાના અહેવાલ આવતાં જ લોકોમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું. સહુ કોઇએ સુરક્ષા દળોના શૌર્યને પ્રશંસાના ફુલડે વધાવી લીધું હતું. ક્યાંક ફટાકડા ફોડીને તો ક્યાંક મીઠાઇ વહેંચીને તો ક્યાંક તિરંગા સાથે સરઘસ યોજી આ કાર્યવાહીને વધાવાઇ હતી. લોકોએ ભારત માતા કી જયના નારા સાથે આસમાન ગજાવી મૂક્યું હતું.

૧૯૭૧ બાદ પહેલી વખત

ભારતીય વાયુસેનાએ ’૭૧ના યુદ્ધ બાદ પહેલી વખત પાક.માં ઘુસીને હુમલો કર્યો હતો. જેમાં બાલાકોટમાં બનેલો જૈશનો ફાઇવ સ્ટાર રિસોર્ટ જેવો ટ્રેનિંગ કેમ્પ તબાહ થઇ ગયો હતો. ભારત બદલો લેશે તેવી આશંકાથી તાજેતરમાં જ પીઓકે સ્થિત કેમ્પમાંથી આતંકવાદીઓને અહીં શિફ્ટ કરાયા હતા. આતંકી વડો મસૂદ અઝહરનો સાળો મૌલાના યુસુફ અઝહર આ કેમ્પનો વડો હતો. તે પણ આ હવાઇહુમલામાં માર્યો ગયો છે.

એબોટાબાદથી નજીક

બાલાકોટ અંકુશ રેખાથી ૮૦ કિલોમીટરના અંતરે અને એબોટાબાદ પાસે આવેલું છે. આ જ સ્થળે અમેરિકી કમાન્ડોએ અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનને ઠાર માર્યો હતો. પહેલાં બાલાકોટમાં બોમ્બમારો કર્યા બાદ ભારતીય વાયુસેનાએ બાદમાં મુઝફ્ફરાબાદ અને ચીકોટીને નિશાન બનાવ્યા હતા. આ ત્રણેય વિસ્તાર આતંકવાદીઓની તાલીમી છાવણીઓ અને આતંકી ગતિવિધિઓ માટે જાણીતા છે.

પાક.સેના ગૂંચવાઇ ગઇ

પાક. સેના અને એજન્સીઓ સાવ અંધારામાં જ રહી હતી. પાક. સેનાને આશંકા હતી કે ભારત અંકુશ રેખા નજીક પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇક કરશે, પરંતુ આ વખતે ભારતે વ્યૂહ બદલ્યો હતો. ભારતીય યુદ્ધ વિમાનોએ વેસ્ટર્ન અને સેન્ટ્રલ કમાન્ડ પરથી એક સાથે ટેઇક-ઓફ કર્યું તો પાક. અંદાજ ન લગાવી શક્યું કે બધા વિમાન ક્યાં જાય છે. આમાંથી પ્લેનના એક સમૂહે બાલાકોટનો રસ્તો પકડ્યો અને થોડીક મિનિટોમાં તો તેઓ હુમલો કરી પાછા ફરી ગયા હતા.

‘જાણે ભૂકંપ આવ્યો...’

ફાઇટર જેટની ઘરઘરાટી અને ભારે બોમ્બાર્ડિંગના કારણે આસપાસના વિસ્તારમાં લોકોમાં ભયનું મોજું ફરી વળ્યું હતું. કેટલાકને શું થઇ રહ્યું છે તે જ સમજાયું નહોતું. બાલાકોટમાં આ ઘટનાના સાક્ષીએ કહ્યું હતું કે ‘એવું લાગ્યું કે જાણે ભૂકંપ આવ્યો...’ લોકોના કહેવા પ્રમાણે, મંગળવારે વહેલી સવારે ભયાનક ધડાકા સંભળાયા હતા, જેના કારણે એવું લાગ્યું હતું, જાણે ભૂકંપ આવ્યો હતો. આવા જ એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે નજીકમાં ચાર-પાંચ ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી.
ભારત સરકારે કહ્યું હતું કે બાલાકોટમાં જૈશના કેમ્પ ઉપર હુમલો કર્યો છે, જેમાં સંગઠનની ભારે ખુવારી થઈ છે. માત્ર જૈશના તાલીમ કેમ્પોને ટાર્ગેટ કરાયા છે, આ સિવાય કોઈ સૈન્ય થાણાં કે નાગરિક વિસ્તાર પર હુમલા નહોતા થયા.

ભારતનું નિવેદન

ભારતીય વાયુસેનાએ કરેલી લશ્કરી કાર્યવાહીની સત્તાવાર જાહેર કરતા વિદેશ સચિવ ગોખલેએ એક નિવેદનમાં જણાવ્યું હતુંઃ ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯નાં રોજ પાકિસ્તાનનાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (જેઇએમ)એ આત્મઘાતી આતંકી હુમલો કર્યો હતો, જેમાં સીઆરપીએફનાં ૪૦ બહાદુર જવાન શહીદ થયા હતાં. જેઇએમ પાકિસ્તાનમાં બે દાયકાથી સક્રિય છે અને એનું સુકાન મસૂદ અઝહર બહાવલપુરના મુખ્યાલયમાંથી કરે છે.
આ સંગઠનને યુનાઇટેડ નેશન્સ (યુએન)એ પ્રતિબંધિત જાહેર કર્યું છે. આ સંગઠન ડિસેમ્બર ૨૦૦૧માં ભારતીય સંસદ અને જાન્યુઆરી ૨૦૧૬માં પઠાણકોટમાં વાયુદળનાં મથકો પર હુમલા ઉપરાંત અનેક આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર છે.
પાકિસ્તાન અને તેના કબજામાં રહેલા કાશ્મીરમાં તેમની તાલીમ છાવણીનાં સ્થાનની જાણકારી સમયે-સમયે પાક.ને અપાઇ હતી. જોકે પાકિસ્તાન એમનાં અસ્તિત્વનો ઇનકાર કરી રહ્યું છે. ભારત વારંવાર પાકિસ્તાનને આગ્રહ કરતું રહ્યું છે કે તે જેઈએમ સામે કાર્યવાહી કરે, જેથી જેહાદીને પાક.ની અંદર તાલીમ લેતા બંધ કરી શકાય અને તેમને હથિયારો મળતાં અટકાવી શકાય. પાકિસ્તાને પોતાની જમીન પર આતંકવાદીઓનાં આધારભૂત માળખાને ખતમ કરવા માટે કોઈ નક્કર પગલા લીધા નથી.
વિશ્વસનીય જાણકારી મળી હતી કે, જેઈએમ દેશનાં અન્ય વિસ્તારોમાં વધુ એક આત્મઘાતી આતંકવાદી હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આ માટે ફિદાઇન જેહાદીને તાલીમ અપાઇ રહી છે. સંભવિત જોખમને ટાળવા આ હુમલો અનિવાર્ય હતો.
ગુપ્ત જાણકારીને આધારે ભારતે આજે વહેલી સવારે બાલાકોટમાં જેઈએમની સૌથી મોટી તાલીમ છાવણી પર હુમલો કર્યો છે. જેમાં મોટી સંખ્યામાં જેઈએમ આતંકવાદી, તાલીમ આપનારા, વરિષ્ઠ કમાન્ડર અને જેહાદીઓનાં એવા જૂથોનો સફાયો કરાયો છે, જેમને ફિદાઇન કાર્યવાહીની તાલીમ અપાતી હતી. આ છાવણી વડો મૌલાના યુસુફ અઝહર (ઉર્ફે ઉસ્તાદ ઘોરી), જેઈએમનાં પ્રમુખ મસૂદ અઝહરનો સાળો હતો.
સરકાર આતંકવાદનો ખાતમો કરવા પ્રતિબદ્ધ છે. આથી આ અસૈનિક કાર્યવાહી વિશેષ સ્વરૂપે જેઈએમ કેમ્પોને નિશાન બનાવવા માટે કરાઇ છે. આ છાવણીની પસંદગી વેળા ધ્યાન રખાયું છે કે નાગરિકોને મુશ્કેલી ન પડે. આ છાવણીઓ નાગરિક વસ્તીથી દૂર પહાડી વિસ્તારમાં ગાઢ જંગલોમાં છે.
પાક. સરકારે જાન્યુઆરી ૨૦૦૪માં કટિબદ્ધતા દર્શાવી હતી કે, એ તેનાં નિયંત્રણમાં રહેલી જમીન કે વિસ્તારનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંકવાદ માટે નહીં થવા દે. અમને આશા છે કે, પાકિસ્તાન પ્રતિબદ્ધતા જાળવશે અને જેઇએમ અને અન્ય છાવણીને નષ્ટ કરશે.

પાક.માં બેઠકોનો દોર

મંગળવારે ભારતીય વિદેશ મંત્રાલયના નિવેદન બાદ પાકિસ્તાનમાં નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની બેઠક ઇસ્લામાબાદમાં મળી હતી. બેઠક બાદ પાકિસ્તાને કહ્યું હતું કે ‘અમારી પસંદના સમય અને સ્થળે અમે હુમલો કરીશું.’ પાકિસ્તાનનું કહેવું છે કે જે સ્થળે હુમલો થયો હોવાનો દાવો કરાય છે, તે સ્થળે ‘ખાસ કંઈ’ નુકસાન નથી થયું, જેની ખાતરી કરાવવા આંતરરાષ્ટ્રીય મીડિયાને એ સ્થળ પર લઈ જવાશે.

પાકિસ્તાનની શેખી

પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે મંગળવારે પત્રકારોને વાતચીતમાં કહ્યું હતું: ‘અમે ભારતની આ કાર્યવાહીનો ચોક્કસથી જવાબ આપીશું, રાહ જુઓ. સ્થળ અને સમય અમે પસંદ કરી લીધા છે.’
‘ભારત દાવો કરે છે કે તેમના વિમાન ૨૦ મિનિટ સુધી પાકિસ્તાની સરહદમાં રહ્યા હતા, હું તેમને પડકાર ફેંકુ છું કે તેઓ રહી દેખાડે. અમે જવાબ આપીશું ત્યારે તમે જોશો, ભારત જોશે અને વૈશ્વિક સમુદાય પણ જોશે, તેમની જેમ જૂઠાણું નહીં હોય. ૩૫૦ના મૃત્યુ થયા હોય તો કાટમાળ, લોહી, ઘાયલ કંઈક તો હોય.’ તેમણે દેશ-વિદેશના પત્રકારોને હુમલાના સ્થળને જોવાનું આમંત્રણ આપ્યું હતું.
મેજર જનરલ ગફૂરે ઉમેર્યું હતું કે ભારતીય વિમાનો ચાર મિનિટથી ઓછા સમય માટે પાકિસ્તાની સીમામાં રહ્યા હતા એટલે તેમને તોડી પાડવા શક્ય ન હતા. તેમણે સૈન્ય રાજકીય તથા કૂટનીતિક રીતે જવાબ આપવાની વાત કહી હતી.

બધા તૈયાર રહોઃ ઇમરાન

બેઠક બાદ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને દેશના સશસ્ત્ર દળો અને નાગરિકોને ગમે તે સ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવા આહવાન કર્યું છે. પાકિસ્તાની વાયુદળે તત્કાળ કરેલી કાર્યવાહીને કારણે જાનમાલનું નુકસાન નહોતું થયું, તે વાતની ઇમરાન ખાને પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના સંયુક્ત સંસદીય સત્રની બેઠક બોલાવાઇ છે. આ ઉપરાંત બુધવારે નેશનલ કમાન્ડ ઓથોરિટીની બેઠક યોજાઇ છે.

ઇમરાને નાક રગડ્યું હતું

ભારતીય વાયુસેનાના હવાઇહુમલાના ૨૪ કલાક પૂર્વે જ પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને ભારતને વિનંતીના સૂરે કહ્યું હતું કે શાંતિ માટે અમને એક તક આપો. અગાઉ ભારત પર હુમલાની ધમકી આપનાર ઇમરાન ખાન ભારતના વલણના કારણે બેકફૂટ પર આવી ગયા હતા. ઇમરાને શાંતિની વાતો શરૂ કરી હતી. રાજસ્થાનમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ત્રાસવાદીઓ સામે પગલાં ભરવા ભારત કટિબદ્ધ છે. આ વખતે હિસાબ થશે અને બરાબર થશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter