‘ઈસરો’ની સિદ્ધિઃ ભારત હવે અંતરીક્ષમાંથી પડોશી દેશો પર નજર રાખશે

Friday 29th November 2019 07:11 EST
 
 

શ્રીહરિકોટાઃ ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો)એ આસમાનને આંબતી વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ‘ઈસરો’એ અર્થ ઓબ્ઝર્વેશન પ્રકારનો સેટેલાઈટ ‘કાર્ટોસેટ-૩’ લોન્ચ કર્યો છે, જેની સૌથી મોટી વિશેષતા તેમાં ફીટ થયેલો વિશ્વનો સૌથી શક્તિશાળી અને હાઇટેક કેમેરા છે. આ કેમેરા ૨૫ સેન્ટિમીટરનું રિઝોલ્યુશન ધરાવે છે. મતલબ કે તે ૫૦૯ કિલોમીટર કરતાં પણ વધુ ઊંચાઇએથી ધરતી પર રહેલી ૨૫ સેન્ટિમીટર સુધીની ચીજવસ્તુનો ફોટો લઇ શકે છે.

શ્રીહરિકોટા સ્થિત લોન્ચિંગ સેન્ટરથી ૨૭ નવેમ્બરે પીએસએલવી રોકેટ રવાના થયું હતું અને ૧૭ મિનિટ ૩૮ સેકન્ડ બાદ તેણે ઉપગ્રહને ૫૦૯ કિલોમીટર ઊંચી ભ્રમણકક્ષામાં તરતો મૂક્યો હતો. અંતરીક્ષ વિજ્ઞાનીઓ આ સેટેલાઇટ અને તેના કેમેરાને ‘અંતરીક્ષમાં ભારતની આંખ’ તરીકે ઓળખાવી રહ્યા છે. આ ઉપગ્રહ ભારતના પડોશી દેશોમાં થતી હિલચાલ પર ચાંપતી નજર રાખવાનું કામ કરશે.

‘ઈસરો’એ પીએસએલવી-સી-૪૭ રોકેટ સાથે ભારતના ઉપગ્રહ ઉપરાંત અમેરિકાના ૧૩ નેનો સેટેલાઈટ પણ અંતરીક્ષમાં મોકલ્યા હતા. એ બધાને પણ સફળતાપૂર્વક લોન્ચ કરી દેવાયા છે. કાર્ટોસેટ સિરીઝનો આ નવમો ઉપગ્રહ અર્થ ઓબ્ઝર્વેશન માટેનો છે, એટલે તેનો ઉપયોગ નકશા, અર્બન પ્લાનિંગ, સમુદ્રકાંઠાનો વિસ્તાર, સરહદી વિસ્તાર વગેરેનું અવલોકન કરી શકાશે અને તેના પર સતત નજર રાખી શકશે. વિકાસ કાર્યો ઉપરાંત આ ઉપગ્રહ સરહદી સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે. અત્યાર સુધી અમેરિકન ઉપગ્રહ ‘વર્લ્ડવ્યુ-૩’નો કેમેરા સૌથી શક્તિશાળી હતો. તેનું રિઝોલ્યુશન ૩૧ સેન્ટિમીટર સુધીનું છે. આમ, હવે નંબર વનનું સ્થાન કાર્ટોસેટ ઉપગ્રહે લીધું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘કાર્ટોસેટ-૩’ના સફળ લોન્ચિંગ પર કહ્યું હતું કે ‘ઈસરો’ની ટીમને ફરી એક મોટા મિશનની સફળતા માટે અભિનંદન આપું છું. એક રોકેટ દ્વારા ફરી ૧૪ સેટેલાઇટને ઓર્બિટમાં સફળતાપૂર્વક લોન્ચ કરાયાં છે. ‘કાર્ટોસેટ-૩’ આપણી ઇમેજિંગ ક્ષમતાને વધારશે. ‘ઈસરો’એ ફરી દેશને ગૌરવાન્વિત કર્યો છે.

શા માટે ભારતની આંખ?

‘કાર્ટોસેટ-૩’ એ ઉચ્ચતમ રિઝોલ્યુશન ધરાવતો સેટેલાઇટ છે. એના કેમેરામાં લગાવવામાં આવેલા લેન્સ અત્યાધુનિક છે અને એનાથી ભારત પડોશી દુશ્મન દેશ પાકિસ્તાન સહિતના દેશો પર નજર રાખી શકશે. ‘કાર્ટોસેટ-૩’ આ સિરીઝનો નવમો સેટેલાઇટ છે જે થર્ડ જનરેશનનો છે. ૫૦૯ કિલોમીટરની ઊંચાઈએથી પણ એ ધરતી પરની સ્પષ્ટ તસવીરો લઈ શકશે. આ કેમેરા ૨૫ સેન્ટિમીટરની ચીજની પણ તસવીર લઈ શકશે. પૃથ્વી પર એક ફૂટની ઊંચાઈ ધરાવતી ચીજને એ ઓળખી શકશે. સુરક્ષા દળો માટે આ કેમેરા દુશ્મન પ્રદેશ પર આંખનું કામ કરશે.

આ ઉપરાંત ‘કાર્ટોસેટ-૩’ કુદરતી આફતો વખતે પણ ઉપયોગી સાબિત થશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ, કોસ્ટલ જમીનનો ઉપયોગ અને નિયમન, રોડ નેટવર્કનું મોનિટરિંગ અને ભૌગોલિક સ્થિતિમાં આવતા બદલાવોની ઓળખ કરી શકશે.

સૌથી પડકારજનક ઉપગ્રહ

‘ઈસરો’એ જણાવ્યું હતું કે કક્ષામાં સફળતાપૂર્વક ગોઠવાયા પછી હવે એ ઉપગ્રહ બેંગાલુરુ ખાતે આવેલા કમાન્ડ નેટવર્ક સાથે સંપર્કમાં છે. ‘ઈસરો’ના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં બનાવેલા તમામ ઉપગ્રહોમાં ‘કાર્ટોસેટ-૩’ સૌથી વધુ પડકારજનક હતો. આ ઉપગ્રહનું આયુષ્ય પાંચ વર્ષનું છે. ‘ઈસરો’ના ચેરમેન કે. સિવાને જણાવ્યું હતું કે અર્બન પ્લાનિંગ તથા અન્ય કામગીરી માટે આ પ્રકારની ઈમેજીસ આપી શકે એવા ઉપગ્રહની ડિમાન્ડ વધી રહી છે. ‘કાર્ટોસેટ-૩’ એ જરૂરતને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે. આ સિરિઝના આગળના આઠેય ઉપગ્રહો કરતા આ વજનમાં બમણો છે. તેનું વજન ૧૬૨૫ કિલોગ્રામ છે.

લશ્કરી ઉપયોગ થશે?

ભવિષ્યમાં આ ઉપગ્રહનો ઉપયોગ લશ્કરી મિશનોમાં પણ થઇ શકે છે. આ અંગે ‘ઈસરો’એ સત્તાવાર રીતે કશું કહ્યું નથી, પરંતુ સરકાર આવા શક્તિશાળી ઉપગ્રહનો ઉપયોગ સરહદ પારની આતંકી છાવણીઓ, સરહદે થતી ઘૂસણખોરી વગેરે પર નજર રાખવા કરી શકે છે. અત્યારની સરકારી નીતિ પ્રમાણે એક મીટરથી ઓછું રિઝોલ્યુશન હોય એવી સેટેલાઈટ તસવીરો માત્ર સરકારના કબજામાં રહે છે, સામાન્ય વ્યક્તિઓને એ તસવીરો મળી શકતી નથી.

પરદેશી ઉપગ્રહ લોન્ચિંગની ત્રેવડી સદી

‘ઈસરો’એ ‘કાર્ટોસેટ-૩’ સાથે ૧૩ પરદેશી ઉપગ્રહો લોન્ચ કર્યા છે. આ સાથે જ તેણે પરદેશી સેટેલાઈટ લોન્ચિંગની ત્રેવડી સદી નોંધાવી છે. ‘ઈસરો’એ હવે કુલ ૩૧૦ પરદેશી સેટેલાઈટ લોન્ચ કર્યા છે. બરાબર ૨૦ વર્ષ પહેલા ૧૯૯૯માં ‘ઈસરો’એ પ્રથમ પરદેશી ઉપગ્રહ લોન્ચ કર્યો હતો. એ ઉપગ્રહ જર્મનીનો હતો. ત્યારથી આજ સુધીમાં વિવિધ દેશોના ઉપગ્રહો ભારતે સફળતાપૂર્વક લોન્ચ કરી દેખાડયા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter