‘ચોકીદાર ચોર હૈ’ અને ‘મૈં ભી ચોકીદાર’ના સૂત્રો વચ્ચે ગજગ્રાહ

સુશીલ પંડિત Wednesday 08th May 2019 05:17 EDT
 
 

આઝાદ ભારતના ઈતિહાસમાં વર્તમાન લોકસભા ચૂંટણી સૌથી વધુ વાણીવિલાસ અને કડવાશસભર બની રહી છે. ઘણું બધું બદલાયું છે. જૂના કટ્ટર શત્રુઓ પણ મિત્રો બની ગયા છે. જો સપાટી પર આટલું છે તો અંદર કેટલી દુશ્મનાવટ હશે તે સમજી શકાશે. તાજેતરમાં જ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમની નાગરિકતા મુદ્દે નોટિસ બજાવી છે. અરજદાર અને રાજ્યસભામાં ભાજપના સભ્ય ડો. સુબ્રમન્યન સ્વામીએ એવાં દસ્તાવેજો રજૂ કર્યા છે, જેમાં રાહુલ ગાંધીએ પોતાને બ્રિટિશ નાગરિક ગણાવ્યા છે. સ્વાભાવિક રીતે જ પ્રિયંકા ગાંધી-વાડરાએ આ વિવાદને વાહિયાત ગણાવ્યો છે.

વડા પ્રધાન વિરુદ્ધ ‘ચોકીદાર ચોર હૈ’ના આક્ષેપને સુપ્રીમ કોર્ટે પણ સમર્થન આપ્યું હોવાના દાવા સંદર્ભે કોર્ટે રાહુલ ગાંધીને ઠપકો આપ્યાના ગણતરીના કલાકોમાં જ હોમ મિનિસ્ટ્રીની નોટિસ આવી છે. રાહુલ ગાંધીએ ‘ચૂંટણીપ્રચારના આવેશમાં બોલાઈ ગયું ’ તેમ જણાવી માત્ર ખેદ વ્યક્ત કરીને છૂટી જવા પ્રયાસ કર્યો પરંતુ, સુપ્રીમ કોર્ટ તેમને છટકવા દે તેમ લાગતું નથી. તેમણે સ્પષ્ટ માફી માગવી પડશે તેવો નિર્દેશ કોર્ટે આપ્યો છે અને રાહુલના વકીલોની ફોજ આ ટાળવા ઈચ્છે છે. આના પરિણામે, વડા પ્રધાનને અંગત નિશાન બનાવતા ‘ચોકીદાર ચોર હૈ’ના સૂત્રને જે થોડી પણ વિશ્વસનીયતા મળતી જણાતી હતી તે ફાયદો કદાચ ઝૂંટવાઈ જાય તેમ લાગે છે. જોકે, એક વાત તો માનવી જ રહી કે શરૂઆતમાં આ સૂત્રે ચોંકાવનારી અસર ઉભી કરી હતી. વૈચારિક લડાઈમાં વડા પ્રધાનની છબીને મોટો ફટકો મારવામાં કોંગ્રેસને જોરદાર સૂત્ર મળી ગયું હતું, જેનાથી વડા પ્રધાને પારોઠના પગલાં ભરવા પડે. જે વ્યક્તિએ જરા પણ ખરડાયા વિના આગવી પ્રતિષ્ઠા સર્જી હતી તેની ઓળખને લક્ષ્ય બનાવવા કોંગ્રેસ ઘણી મહત્ત્વાકાંક્ષી જણાતી હતી. જોકે, વડા પ્રધાન અને સમગ્ર કેબિનેટે ‘મૈં ભી ચોકીદાર’નું અસરકારક સૂત્ર આપી રાહુલ ગાંધીના સૂત્રમાંથી થોડી હવા તો કાઢી જ નાખી છે. આ ઉપરાંત, ભાજપના હોદ્દેદારો અને સમર્થકોએ પણ સોશિયલ મીડિયામાં ‘ચોકીદાર’ ઉપનામ અપનાવી વડા પ્રધાનને સંપૂર્ણ પીઠબળ આપ્યું છે.

‘ચોકીદાર ચોર હૈ’ સૂત્રની અસર ઘટતી ગઈ ત્યારે અન્ય કદાચ શક્તિશાળી ગાજર ‘ન્યાય’ લટકાવી દેવાયું. ‘મિનિમમ ઈન્કમ ગેરન્ટી પ્રોગ્રામ સ્વરુપે તેમાં ભારતના તળિયાનાં ૨૦ ટકા લોકોને વાર્ષિક ૭૨,૦૦૦ રુપિયા સીધાં બેન્કખાતામાં ટ્રાન્સફર’ કરવાનું વચન અપાયું છે. ખેડૂતોને લોન માફ કરવાની અપાયેલી ખાતરીના કારણે ત્રણ રાજ્યોની સરકાર ગુમાવવી પડી તેનાથી ભાજપની ઉંઘ વેરણ થઈ હતી. આના સામનો કરવા અત્યાર સુધી ભાજપ સરકારે સૌથી ગરીબ ૫૦ મિલિયનથી વધુ પરિવારોને રાંધણગેસની સુવિધા આપી, કરોડો લોકોની મફતમાં એલઈડી બલ્બની વહેંચણી, ૨૦ મિલિયનથી વધુ ઘરવિહોણાં પરિવારોને ઘર, લાખો ગરીબોને આરોગ્યસંભાળ વીમો, ખેડૂતોને મફત રકમો, મધ્યમ વર્ગને ભારે કરરાહતો, સવર્ણોને નોકરીમાં ૧૦ ટકા અનામત સહિતના કાર્યોનો પ્રચાર માંડ્યો છે. આ બધાની અસર તો આખરે ૨૩ મેના પરિણામના દિવસે જ જોવાં મળશે.

જોકે, જમ્મુ અને કાશ્મીર રાજ્ય આ બધાંથી અલિપ્ત જણાય છે. કાશ્મીરમાં પ્રચારના મુદ્દાઓ અલગ છે. બારામુલ્લામાં નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર ઉકબર લોને જાહેરસભામાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા પોકાર્યા. શ્રીનગર બેઠકના ઉમેદવાર ફારુક અબ્દુલ્લાએ પ્રતિબંધિત JKLF ના નેતા અને સંખ્યાબંધ હત્યા, અપહરણો અને ત્રાસવાદને ભંડોળના ગુનાઓ માટે જેલમાં રખાયેલા યાસિન મલિકની ખુલ્લેઆમ પ્રસંશા કરી. મહેબૂબા મુફ્તી તો ઈમરાનખાનના દૂત હોય તેમ જ બોલતાં રહ્યાં છે. ભારતના બંધારણમાં આર્ટિકલ ૩૭૦ અને ૩૫ એ સાથે છેડછાડ કરાશે તો વિભાજનની ધમકી પણ તેમણે આપી દીધી. જોકે, કોંગ્રેસે પોતાના ઢંઢેરામાં આર્ટિકલ ૩૭૦ અને ૩૫ એના રક્ષણની વાત કરી હોવાથી NC અને PDP એ જમ્મુ અને ઉધમપુરની હિન્દુ બહુમતીવાળી બેઠકો પરથી ઉમેદવારી પાછી ખેંચી ૩૫ ટકા મુસ્લિમ મત તેને મળે તેવી વેતરણ કરી છે. મુસ્લિમ મતોની આવી હેરાફેરી ભાજપને નાકે દમ લાવી દેશે તે નક્કી છે.

પાકિસ્તાને ભારતના આંતરિક રાજકારણમાં ભારે રસ દર્શાવ્યો છે. તેણે પણ બંધારણમાં સુધારો નહિ કરવા ભારતને ચેતવણી આપી છે. મોદીએ સત્તા સંભાળી છે ત્યારથી ત્રાસવાદ થકી ભારતને ઊંચા જીવે રાખતા પાકિસ્તાનને તકલીફ પડવા લાગી છે. ચૂંટણીના ઉમેદવારોની માફક પાકિસ્તાનને પણ ઘણું દાવ પર લાગ્યું હોવાનું જણાય છે. ભારતમાં જ રહેલું પાકિસ્તાન સરહદ પારના પાકિસ્તાને ખુશ રાખવા ભારે પ્રયાસ કરી રહેલ છે.  (૬૫૨)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter