‘મને ગર્લફ્રેન્ડના ઘરેથી કિડનેપ કરાયો, ષડયંત્રમાં બે ભારતીય પણ સામેલ હતા’

મેહુલ ચોક્સીનો દાવો છે કે તેને અપહરણ કરીને ડોમિનિકા લઇ જવાયો

Tuesday 08th June 2021 12:23 EDT
 
 

નવી દિલ્હીઃ ડોમિનિકાની જેલમાં બંધ ભાગેડુ હીરાના કારોબારી મેહુલ ચોક્સીએ સોમવારે એક આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે. તેણે એન્ટીગુઆ પોલીસ સમક્ષ કરેલી ફરિયાદમાં કહ્યું છે કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને આમાં તેની મહિલા મિત્ર બાર્બરા ઝરાબિકા ઉપરાંત નરેન્દ્ર સિંહ અને ગુરમીત સિંહ નામના બે ભારતીયો સંડોવાયેલા છે. મેહુલ રૂપિયા 13,500 કરોડના PNB કૌભાંડનો આરોપી છે.

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે આશરે ૧૩,૫૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ આચરીને નાસતાફરતા ચોક્સીએ પોલીસને આપેલી માહિતીમાં જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી તેને બાર્બરા ઝરાબિકા સાથે મિત્રતાભર્યા સંબંધ છે. ૨૩ મેના રોજ બાર્બરાએ તેના ઘરેથી પિક કરવા માટે કહ્યું. જ્યારે હું ત્યાં ગયો તો અચાનક ઘરના તમામ પ્રવેશદ્વારથી ૮-૧૦ લોકો આવ્યા અને મને ખરાબ રીતે માર માર્યો. આ તમામ લોકો પોતાને એન્ટીગુઆના પોલીસ કર્મચારી તરીકે ઓળખ આપતા હતા. ત્યારબાદ અપહરણ કરી લેવામાં આવ્યું.
ચોક્સીએ જણાવ્યું કે તમામ લોકો તેનું અપહરણ કરીને ડોમિનિકા લઈ ગયા. અહીં પહોંચી તેમણે કહ્યું કે હાઈ રેન્ક ધરાવતા એક ભારતીય રાજનેતા સાથે તેને મુલાકાત કરવા માટે લાવવામાં આવ્યો છે.

ડોમિનિકામાં ગેરકાયદે ઘુસણખોરીનો આરોપ
ડોમિનિકા પોલીસે પણ ઈસ્ટર્ન કેરેબિયન સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો છે કે તેને મેહુલ ચોક્સી ખાડીના કિનારે ટોકરી ઘાટ પાસે ૨૪ મેની રાત્રે આશરે ૧૧.૩૦ વાગે શંકાસ્પદ સ્થિતિમાં મળ્યો હતો. જ્યારે ચોક્સી પર ગેરકાયદે રીતે ડોમિનિકામાં એન્ટ્રી કરવાનો આરોપ છે, જોકે તેણે પોતાની અટકાતને હાઈ કોર્ટમાં ચેલેન્જ કરી છે. ચોક્સીએ દાવો કર્યો છે કે તેને એન્ટીગુઆ-બાર્બુડાથી અપહરણ કરીને ડોમિનિકા લાવવામાં આવ્યો હતો.

‘બાર્બરા પણ ષડયંત્રમાં સામેલ છે’
ચોક્સીએ ફરિયાદમાં દાવો કર્યો છે કે તેની મિત્ર બાર્બરા પણ અપહરણના ષડયંત્રમાં સામેલ છે. તેણે કહ્યું કે જ્યારે ૮-૧૦ લોકો તેના ઘરે મારપીટ કરી રહ્યા હતા ત્યારે બાર્બરાએ મદદ માટે કોઈ પ્રયત્ન કર્યો નહીં. તેણે બુમો પાડવા, ફોન કરવા અથવા બહાર જઈને કોઈની મદદ મેળવવાનો પ્રયત્ન કર્યો નહીં. તેનો અર્થ એવો છે કે તે પણ અપહરણના ષડયંત્રનો ભાગ હતી.
ચોક્સીના જણાવ્યા પ્રમાણે એન્ટીગુઆ પોલીસના લોકો હોવાની ઓળખ આપનારા આરોપીઓએ તેની સાથે મારઝૂડ કરી હતી. જેને લીધે ગંભીર ઈજા પહોંચી હતી. તેમણે ફોન, ઘડિયાળ તથા પર્સ પણ છીનવી લીધા હતા. મારઝૂડ બાદ આરોપીઓએ કહ્યું તેમનો ઈરાદો લૂંટ ચલાવવાનો નથી, પણ ચોક્સી નાણાં પરત કરે તેવો છે.

સારવાર માટે દેશ છોડ્યોઃ સોગંદનામું
ડોમિનિકા હાઇ કોર્ટમાં સોગંદનામામાં જણાવ્યું છે કે, ‘હું ભારતના સત્તાવાળાને ડોમિનિકા આવીને મારો ઇન્ટરવ્યૂ લઇને તેઓ મારી વિરુદ્ધ જે તપાસ કરી રહ્યા છે તે સંદર્ભમાં મને કોઇ પણ પ્રશ્ન કરવા નિમંત્રણ આપું છું. હું કાયદાનું પાલન કરી રહેલો નાગરિક છું.’ સોગંદનામામાં ૬૨ વર્ષની વયના મેહુલ ચોકસીએ એવો દાવો પણ કર્યો છે કે, તેણે તબીબી સારવાર લેવા ભારત છોડયું હતું.
‘મેં ભારતના સત્તાવાળાઓને હાથતાળી નથી આપી. અમેરિકામાં તબીબી સારવાર મેળવવા ભારત છોડયું હતું ત્યારે ભારતની કોઇ એજન્સી દ્વારા મારા વિરુદ્ધ વોરંટ ઇસ્યૂ થયેલું નહોતું.’ મેહુલ ચોકસીએ ડોમિનિકાની હાઇ કોર્ટ સમક્ષ આઠ પાનાંનું સોગંદનામું રજૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ૧૩,૫૦૦ કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડમાં મેહુલ ચોકસીનું નામ સપાટી પર આવ્યું તેના થોડા દિવસ પહેલાં જ જાન્યુઆરી ૨૦૧૮માં તે ભારતમાંથી ભાગી છૂટયો હતો.

‘હું ડોમિનિકા છોડવા માગતો નથી’
ત્રીજી જૂનના રોજ ડોમિનિકા હાઇ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં મેહુલ ચોકસીએ એમ પણ જણાવ્યું છે કે તેનો ભાગી છૂટવાનો ઇરાદો નહોતો. તેણે એમ પણ જણાવ્યું છે કે ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ તે આંતરરાષ્ટ્રીય વોરંટ નથી, પરંતુ શરણાગતિને સુલભ બનાવવા માટેની વિનંતી છે. સોગંદનામામાં તેણે જણાવ્યું છે કે, ‘ડોમિનિકાની કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીથી દૂર રહેવાનો મારો ઇરાદો નથી. રેડ કોર્નર નોટિસને કારણે વિમાન પ્રવાસ કરતાં ડરતો નથી. ભારત વતી ઇન્ટરપોલ દ્વારા મને લોકેટ કરીને પ્રત્યાર્પણની કાર્યવાહી હાથ ધરીને હું ભારત સમક્ષ શરણાગતિ સ્વીકારું તે દિશાના પગલાં લેવાની વિનંતી માત્ર છે. આ અંગેની કાર્યવાહી એન્ટીગુઆમાં શરૂ થઇ ચૂકી છે. તેથી એન્ટીગુઆ પહોંચવા માટે કોર્ટની મંજૂરી વિના હું ડોમિનિકા છોડવા નથી માંગતો.’

બાર્બરા હનીટ્રેપ હોઈ શકે છે: ચોકસીની પત્ની
કેરેબિયનની ટોચની કોર્ટે મેહુલ ચોકસી સામે તેણે એન્ટીગુઆમાંથી ડોમિનિકામાં કરેલા ગેરકાયદે પ્રવેશના ચાર્જનો સામનો કરવા જણાવી ચૂકી છે. તે અરસામાં મેહુલની પત્ની પ્રીતિએ દાવો કર્યો હતો કે, ‘બાર્બરા મેહુલને ભારત પરત લઇ જવા માટેનું છટકું હોઇ શકે છે. બાર્બરાએ ઓગસ્ટ ૨૦૨૦માં અમારા ઘરની સામે મકાન ભાડે લીધા પછી તે અમારા જીવનમાં આવી હતી. તે ચોકસીને એન્ટીગુઆથી બહાર લઇ ગઇ હતી.’

કોર્ટે ચોકસીની જામીન અરજી ફગાવી
મહિલા મેજિસ્ટ્રેટ કેન્ડીઆ કેરેટ–જ્યોર્જે કહ્યું હતું કે કેસની ગંભીરતા જાણ્યા પછી મને એવું લાગતું નથી કે કાનૂની કાર્યવાહીનો સામનો કરવા મેહુલ ચોકસીએ આ દેશમાં રહેવું જોઈએ. આમ બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી મેજિસ્ટ્રેટે ચોકસીની જામીન અરજી ફગાવી હતી અને વધુ સુનાવણી ૧૪મી જૂન સુધી મુલતવી રાખી હતી. તે દિવસે ચોકસીનાં ડોમિનિકામાં ગેરકાયદે પ્રવેશને લગતો મુદ્દો ચલાવવામાં આવશે.
ચોકસીના બીજા વકીલ વાયને નોર્ડેએ કહ્યું હતું કે ચોકસીને જામીન આપવામાં આવે પછી તે ભાગી જશે નહીં. આ માટે બે કારણો જણાવતા તેમણે કહ્યું કે ચોકસી સામે ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ છે તેમજ એન્ટીગુઆમાં તેની સામે પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે આથી તેની પાસે ભાગી જવા માટે કોઈ કારણો નથી.

તો અમારા માટે ગંભીર સમસ્યા બની શકે: એન્ટીગુઆ
એન્ટીગુઆ સરકાર ઇચ્છે છે કે ભાગેડુ ઝવેરી મેહુલ ચોકસીને ડોમિનિકામાંથી સીધો ભારતને સોંપી દેવામાં આવે એવો નિર્ણય ત્રીજી જૂને એન્ટીગુઆ કેબિનેટની બેઠકમાં કરાયો હતો. એન્ટીગુઆના વડા પ્રધાન ગેસ્ટોન બ્રાઉનની આગેવાની હેઠળની આ બેઠકમાં એકમત ઊભો થયો હતો કે મેહુલ ચોકસી હાલમાં ડોમિનિકાની સમસ્યા છે અને જો તે એન્ટિગુઆમાં પાછો ફરશે તો તે એન્ટિગુઆની ગંભીર સમસ્યા બની શકે છે. કયા સંજોગોમાં ચોકસી એન્ટિગુઆ છોડીને જતો રહ્યો છે તેની તપાસ ચાલુ રહેશે.

આવતા મહિને સુનાવણીની સંભાવના
હેબિયસ કોર્પસ અરજી તે ધરપકડ કે અટકાયતનો ભોગ બનેલી વ્યક્તિ દ્વારા તેને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે તે માટેની અરજી છે. મેહુલ ચોકસીએ ડોમિનિકા કોર્ટ સમક્ષ આ અરજી કરેલી છે. આ કેસમાં સુનાવણી આવતા મહિને થવાની સંભાવના છે. સ્થાનિક મીડિયાનું માનવું છે કે મેહુલ ચોકસી ત્યાં સુધી ડોમિનિકામાં જ રહેશે. ન્યાયમૂર્તિ બંને પક્ષોને મળ્યા પછી સુનાવણીની તારીખ નક્કી કરશે.

ચોકસીને પાછો લાવવા તમામ પ્રયાસોઃ ભારત
ભારતના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અરિન્દમ બાગચીએ કહ્યું હતું કે, મેહુલ ચોકસીને ભારત લાવવા માટે કેટલીક કાનૂની પ્રોસેસ ચાલી રહી છે. તે હાલ ડોમિનિકા સરકારની કસ્ટડીમાં છે. તેને ભારત પાછો લાવવા તમામ પ્રયાસો કરાશે. સરકારનાં સૂત્રોએ ઓળખ છુપાવતા કહ્યું હતું કે મામલો હાઈ કોર્ટમાં જાય તો કાનૂની પ્રોસેસ લાંબી ચાલી શકે છે. આવા સંજોગોમાં મેહુલ ચોકસીને ભારત લાવવાનું વિલંબમાં મુકાઈ શકે છે.

ભારતીય ટીમ ખાલી હાથે પરત
ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોકસીએ ભારત પરત લાવવા સામેની સમસ્યા હજી ખૂટી નથી. એવું લાગે છે કે હવે તેના પ્રત્યાર્પણમાં લાંબો સમય વીતી જશે. ડોમિનિકા કોર્ટે હાલમાં આ કેસની સુનાવણી મોકૂફ રાખી છે. તેવામાં મેહુલ ચોકસીને ભારત પરત લાવવા તમામ વ્યવસ્થા સાથે પહોંચેલી ભારતીય અધિકારીઓની ટીમને ખાલી હાથ પાછા ફરવું પડ્યું છે. મેહુલ ચોકસીને લાવવા ડોમિનિકા પહોંચેલું વિશેષ વિમાન ભારત પરત પહોંચી ગયું છે.
વિશેષ વિમાને ભારત તરફ પ્રવાસ શરૂ કર્યો ત્યારે મેહુલ ચોકસી હોસ્પિટલમાં પોલીસ પહેરા હેઠળ હતો. મેહુલ ચોકસીએ હેબિયસ કોર્પસ અરજી કરી છે અને હાઇ કોર્ટે તે અરજી પરની સુનાવણી મોકૂફ રાખી છે.
સીબીઆઇના ડીઆઇજી શારદા રાઉતના નેતૃત્વ હેઠળની ટીમે ચોકસીને ભારત પરત લાવવા ડોમિનિકા ખાતે લગભગ સાત દિવસ રોકાણ કર્યું હતું.

મેહુલ ચોકસીને લાવવાનો ખર્ચ
મેહુલ ચોકસીના પ્રત્યર્પણ માટે ભારત સરકાર પૂરી તાકાત લગાવી રહી છે. મેહુલ ચોકસીને ભારત લાવવા માટે બોમ્બાર્ડિયર ગ્લોબલ જેટ ૫૦૦ને મોકલવામાં આવ્યું હતું. આ વિમાન કતાર એરવેઝનું છે. તેનું એક કલાકનું અંદાજિત ભાડું રૂપિયા ૯ લાખ હતું. તે પ્લેન એન્ટિગુઆ લઇ જવાનો ખર્ચ રૂપિયા ૧.૩૫ કરોડથી ૧.૪૩ કરોડ વચ્ચે હોઇ શકે છે.

ચોક્સી વિપક્ષને પૈસા ખવડાવે છેઃ વડા પ્રધાન બ્રાઉન
ભાગેડુ મેહુલ ચોક્સી મુદ્દે એન્ટીગુઆ અને બારબુડામાં રાજકીય નિવેદનબાજી ઊગ્ર થઈ ગઈ છે. એન્ટીગુઆના વડા પ્રધાન ગાસ્ટોન બ્રાઉને ચોક્સીનું સમર્થન કરી રહેલા વિપક્ષના યુનાઈટેડ પ્રોગ્રેસિવ પાર્ટી (યુપીપી) પર વળતો હુમલો કરતાં તેમના પર ચોક્સી પાસેથી રૂપિયા લેવાનો આરોપ મૂક્યો હતો. બ્રાઉને કહ્યું હતું કે મારા તંત્ર પર મેહુલ ચોક્સીએ આશ્રય આપવાનો આરોપ મૂક્યા પછી હવે વિપક્ષ ભાગેડુ હીરા વેપારીને બચાવવા માટે અભિયાન ચલાવવા તેની પાસેથી રૂપિયાની માગણી કરી રહ્યો છે. અમે ચોક્સીની નાગરિક્તા રદ કરવા અને સાથે જ ગુનાઈત આરોપોનો સામનો કરવાના ચોક્સીનું ભારતમાં પ્રત્યાર્પણ કરવા માટે દૃઢ છીએ. તેમણે સંકેત આપ્યા કે ડોમિનિકાએ ચોક્સીનું સીધા જ ભારતમાં પ્રત્યાર્પણ કરવું જોઈએ કારણ કે એન્ટીગુઆમાં તેને બંધારણીય અધિકારોનું સંરક્ષણ મળશે. ચોક્સી એન્ટીગુઆ પાછા ફરવા માટે વિપક્ષને રૂપિયા ખવડાવી રહ્યો છે. બ્રાઉનેએ ગયા પખવાડિયે જ કહ્યું હતું કે ચોક્સી દેશ છોડીને ભાગી જશે તો તેની નાગરિક્તા રદ્દ કરી દેવાશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter