‘રસ્તા સૂમસામ છે, ફોર્સ તૈનાત છે, ભગવાન ભરોસે છીએ’

સંજય ઘમન્ડે Thursday 26th March 2020 02:36 EDT
 
 

અમદાવાદઃ વિશ્વના મોટા ભાગના દેશોને નોવેલ કોરોના વાઇરસે (કોવિડ-૧૯) ભરડામાં લીધું છે. આમાંથી ભારત પણ બાકાત નથી. આ વૈશ્વિક મહામારીનો સામનો કરવા ભારત સરકારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ અને વીઝા પર પ્રતિબંધ ફરમાવતા ગુજરાતના અનેક વિદ્યાર્થી વિદેશમાં અટવાયા છે. ‘ગુજરાત સમાચાર’એ પરદેશમાં અટવાયેલા આ વિદ્યાર્થીઓનો સંપર્ક કરતાં જાણવા મળ્યું હતું કે તેઓ બહુ મુશ્કેલીમાં દિવસો વીતાવી રહ્યા છે. ઇટલી, સ્પેન, ફિલિપાઇન્સ સહિતના દેશોમાં અટવાયેલા આ વિદ્યાર્થીઓને લોકડાઉનના કારણે ઘરોમાં કેદ રહેવા ફરજ પડી છે.
ફિલિપાઇન્સમાં એમબીબીએસનો અભ્યાસ કરવા ગયેલો અમદાવાદનો રોમીલ હસમુખભાઈ પટેલે મનીલાથી ફોન પર જણાવ્યું હતું કે ‘અમારી ૧૯મી માર્ચની ફ્લાઇટ હતી પણ છેલ્લી ઘડીએ બધું કેન્સલ થયું અને અહીં જ અટવાઇ પડ્યા. હાલ અમે અહીં મેટ્રો મનીલા સિટીમાં ૧૫૦૦ જેટલા ભારતીય વિદ્યાર્થી છીએ. જેમાં પચાસેક યુવતીઓ સહિત ૨૦૦થી વધારે વિદ્યાર્થી ગુજરાતના છે.'
અમદાવાદનાં પૂર્વ મહિલા કાઉન્સિલર આશાબેન પટેલનો પુત્ર અને રોમીલની સાથે જ અટવાયેલો જીમીત પટેલ કહે છે કે અહીં રાત્રે આઠ વાગ્યાથી સવારના પાંચ સુધી કરફ્યુ હોય છે. દિવસે ફક્ત ખાવાની વસ્તુઓ માટે બહાર નીકળીએ છીએ. એક રૂમમાં આઠ જણાં રહીએ છીએ. સાંજે એક વખત રાંધીને જમીએ છીએ.’
રોમીલે વધુમાં કહ્યું કે કોરોના વાઇરસને પગલે ફિલિપાઇન્સ સરકારે યુનિવર્સિટી બંધ કરાવી દીધી છે. પ્રોફેસરો અને ડીન રજા પર છે. ઈન્ડિયન હાઇ કમિશનના અધિકારીઓ સંપર્કમાં રહે છે, પરંતુ ભારત સરકાર, સેવાભાવી સંસ્થાઓ કે સ્થાનિક ભારતીયો દ્વારા અમને કોઇ મદદ કે સહાય મળી નથી. જીવનરક્ષક માસ્ક અને સેનીટાઈઝરની ભારે તંગી પ્રવર્તે છે.’
આ વિદ્યાર્થીઓ આખો દિવસ રૂમમાં બેસીને ટીવી પર સમાચારો તથા ફિલ્મો જોઇને કે અભ્યાસ કરીને સમય પસાર કરે છે. વિદ્યાર્થીના ગુજરાતમાં વસતાં પરિવારજનો સતત ગુજરાત સરકારના સંપર્કમાં છે.
છેલ્લા ૧૪ વર્ષથી યુરોપમાં ઠરીઠામ થયેલા અને સ્પેનમાં આઈટી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા અમદાવાદના રવિ બોદાની કહે છે કે હું સ્પેનના બાર્સેલોનામાં રહું છું અને અહીં પરિસ્થિતિ બહુ ગંભીર છે. રસ્તાઓ સુમસામ છે, ટ્રાફિક ઓછો છે. આવી સ્થિતિ પહેલી વખત જોઇ છે. આઈટી કંપની હોવા છતાં વર્ક ફ્રોમ હોમની છૂટ ન હોવાથી ઓફિસ જવું પડે છે.
બહાર નીકળતા જ પોલીસ આકરી પૂછપરછ કરે છે. મંજૂરી વગર કોઇને પણ ઘરની બહાર નીકળવાની મનાઇ છે. મોલ, થિયેટર્સ, પબ્સ, ક્લબો, ગાર્ડન સહિતના તમામ જાહેર સ્થળો બંધ છે.’
નોંધનીય છે કે ભારતે કોરોના વાઇરસના પ્રકોપના પગલે ૩૬ દેશમાંથી આવનારા પ્રવાસીઓ પર પ્રતિબંધ મુક્યો છે. ૧૧ દેશથી આવનારાઓને ફરજિયાત અલગ રખાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર કોઇ પણ એરલાઇન્સ ઓસ્ટ્રેલિયા, બેલ્જીયમ, બલ્ગેરીયા, ક્રોએશિયા, સાયપ્રસ, ચેક રિપબ્લિક, ડેન્માર્ક, એસ્ટોનિયા, ફીનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, આઇસલેન્ડ, હંગેરી, આયરલેન્ડ, ઇટલી, લાતવીયા, લીકટેન્સ્ટીન, લીથુઆનીયા, લક્ઝમબર્ગ, માલ્ટા, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનીયા, સ્લોવેકિયા, સ્પેન, સ્વીડન, સ્વિત્ઝર્લેન્ડ, તુર્કી, અને બ્રિટનથી કોઇ પણ પ્રવાસીને ભારત નહિ લાવી શકે. આ આદેશ ૧૨મી માર્ચથી અમલમાં છે. જ્યારે ૧૭મી માર્ચથી ફિલિપાઇન્સ, મલેશિયા અને અફઘાનિસ્તાનથી પણ પ્રવાસીઓના ભારત આવવા પર પ્રતિબંધ છે.
ઈટલીના મોડેના પ્રોવિન્સના કાર્પી શહેરમાં રહેતા ગુરજીન્દર સિંહ કહે છે કે ‘બધા કોરોનાથી ખૂબ ગભરાયા છે. અહીં પરિસ્થિતિ બહુ ગંભીર છે. કારણ વગર બહાર નીકળો તો ભારે દંડ ભરવો પડે છે. માસ્ક-સેનેટાઇઝરનો સ્ટોક નથી.’ ફરારી કારના ડેશબોર્ડ બનાવતી ઓટોમોટીવ કંપનીમાં કામ કરનાર પંજાબના કપૂરથલાનો વતની ગુરજીન્દર સિંહ શહેર લોકડાઉન થયું હોવાથી ઘરમાં જ કેદ છે, પરંતુ ભારતે ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર પ્રતિબંધ લાદયો હોવાથી તે સ્વદેશ પરત ફરી શકે તેમ નથી.
કોરોનાગ્રસ્ત દેશોની યાદીમાં મોખરાનું સ્થાન ધરાવતા અમેરિકાના ન્યૂ યોર્કથી દિલીપ ચૌહાણ જણાવે છે કે કોરોનાથી બચવા સરકારની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરીએ છીએ. કોવિડ-૧૯ને પ્રસરતો અટકાવવા લોકડાઉન સહિતના પગલાં જરૂરી છે. જાતે સંભાળ લેવી જરૂરી છે. રસ્તાઓ પર ઓછો ટ્રાફિક છે.

વિદેશમાં અટવાયેલા વિદ્યાર્થીઓની મદદે વિશ્વ ગુજરાતી સમાજ

અમદાવાદઃ વિદેશથી આવનારા લોકો સાથે નોવેલ કોરોના વાઈરસ ભારતમાં ન પ્રવેશે તે માટે સરકાર સરકારે તમામ વિઝા રદ કરતાં ફિલિપાઇન્સ અને મલેશિયાથી આવતા લોકોને પણ ભારતમાં નો-એન્ટ્રી જાહેર કરી હતી. દરમિયાન ફિલિપાઇન્સ સરકારે વિદેશી નાગરિકોને બુધવારે ૭૨ કલાકમાં દેશ છોડી દેવા આદેશ કર્યો હતો. જેના પગલે ફિલિપાઇન્સમાં રહીને અભ્યાસ કરતા ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા હતા. આ વિદ્યાર્થીઓએ સોશ્યલ મીડિયા દ્વારા પોતાની મુશ્કેલી ભારત સરકાર સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. જેની જાણ વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી. કે. પટેલને થતા તરત જ તેમણે દિલ્હી ખાતે ભારત સરકારના ગૃહ પ્રધાનનો બુધવારે મોડી રાતે સંપર્ક કર્યો હતો અને ગૃહ મંત્રાલયની સૂચના બાદ ફિલિપાઇન્સ સરકારે તત્કાળ સાનુકૂળ પ્રતિસાદ આપ્યો હતો.
સી. કે. પટેલની મધ્યસ્થીને પગલે ૭૨ કલાકની સમય મર્યાદા દૂર કરાઈ હતી. જેના કારણે ફિલિપાઇન્સમાં અટવાયેલા વિદ્યાર્થીઓને રાહત મળી હતી. આ અંગે સી. કે. પટેલે જણાવ્યું હતું કે વિશ્વ ગુજરાતી સમાજે માત્ર ગુજરાતીઓ નહિ, પરંતુ તમામ ભારતીયો માટે ચિંતા કરીને તેમને સમયસર રાહત આપવા મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter