‘સર્જિકલ સ્ટ્રાઈક-૨’ઃ ઇન્ડિયન એરફોર્સે પાક.માં જઈ ૩૦૦ ત્રાસવાદીનો ખાતમો બોલાવ્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું ‘દેશ કો નહીં ઝુકને દેંગે, દેશ કો નહીં રુકને દેંગે, યહ દેશ સુરક્ષિત હાથોમેં હૈ’

- અજય ઉમટ Wednesday 27th February 2019 05:46 EST
 
 

પાકિસ્તાની ત્રાસવાદીઓ માટે મંગળવારનું મળસ્કું અમંગળ પુરવાર થયું હતું કે જ્યારે ભારતીય વાયુસેનાનાં ૧૨ મિરાજ લડાયક વિમાનોએ પાકિસ્તાનની સરહદમાં ઘૂસી જઈ માત્ર ૯૦ સેકન્ડની એર-સ્ટ્રાઈકમાં ૧,૦૦૦ કિલો બોંબનો વરસાદ વરસાવી ૩૦૦ ત્રાસવાદીઓનો ખાતમો બોલાવી એક પણ ભારતીય જવાન કે વિમાનનું નુકસાન પહોંચાડ્યા સિવાય સલામત રીતે પરત આવી ઇસ્લામાબાદનાં દાંત ખાટા કરી નાખ્યા હતા. આ એર-સ્ટ્રાઈકમાં કંદહાર ખાતે એરઇન્ડિયાના વિમાન આઈસી-૮૧૪નું અપહરણ કરનાર અને જૈશ-એ-મોહંમદનો બાલાકોટ કેમ્પ ખાતેનો ચીફ મૌલાના યુસુફ અઝહર (મસૂદ અઝહરનો સાળો) પણ માર્યો ગયો હતો.
આ ઘટનાક્રમ બાદ રાજસ્થાનનાં ચૂરુ ખાતે એક જંગી જાહેરસભાને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ‘ઈંટનો જવાબ પથ્થર’થી આપતાં હોય એ અદાથી કહ્યું હતું કે -
‘યહ દેશ કો નહીં ઝુકને દેંગે,
યહ દેશ કો નહીં રુકને દેંગે,
યહ દેશ સુરક્ષિત હાથોમેં હૈ.’
ભારતીય લશ્કર દ્વારા થયેલી આ ‘સર્જિકલ સ્ટ્રાઈક-2’ અંગે વિદેશ સચિવ ઘોંસલેએ પત્રકારોની સાથે વાતચીતમાં કહ્યું હતું કે આ નોન-મિલિટરી ઓપરેશન હતું. ગુપ્તચર વિભાગને પાક્કી બાતમી મળી હતી કે બાલાકોટ ખાતે જૈશ-એ-મોહંમદના ફિદાયીંન હુમલાખોરો ભારત પર હુમલો કરવાની યોજના ઘડી રહ્યાં છે. જેને નિવારવા આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. ભારતીય વિદેશ સચિવે યુએસએ, યુકે, રશિયા સહિતનાં વિદેશી ડિપ્લોમેટ્સને આ ઓપરેશન અંગે માહિતી આપી હતી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સાંજે ૫.૦૦ વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવીને આ ઘટનાક્રમ અંગે ચર્ચા કરી હતી.
વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ આ ‘સર્જિકલ સ્ટ્રાઈક-2’ અંગે એરફોર્સને સેલ્યુટ એ મતલબનું ટ્વિટ કર્યું હતું. સાથોસાથ કેજરીવાલથી માંડીને ઓમર અબ્દુલ્લા સહિત તમામ વિપક્ષી નેતાઓએ ભારતીય સેનાની કાર્યવાહીને બિરદાવી હતી.
ગત તા. ૧૪મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદી સંસ્થા જૈશ-એ-મોહંમદ દ્વારા જમ્મુ-કાશ્મીર ક્ષેત્રમાં આવેલા પુલવામા ખાતે ફિદાયીંન હુમલામાં સીઆરપીએફના ૪૨ જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાનની આ નાપાક હરકત સામે ભારતે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો, પરંતુ લાજવાને બદલે ગાજતાં હોય તેમ પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે ભારતે નક્કર પુરાવા આપવા જોઈએ, પાકિસ્તાન ત્રાસવાદીઓને પોતાની ધરતી પરથી આતંકવાદી પ્રવૃત્તિ કરવાની પરવાનગી આપતું નથી.
ભારતે પાકિસ્તાની સરહદે લશ્કરી કવાયત આદરી એટલે ‘મિયાંની મિંદડી’ બની ગયેલા ઇમરાન ખાને આજીજી અને કાલાવાલા કરતાં કહ્યું હતું કે અમને શાંતિ માટે એક તક આપો, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સખત વલણ અપનાવતાં કહ્યું હતું, ‘મંત્રણાનો સમય પૂર્ણ થઈ ગયો છે અને હવે ‘એક્શન’નો સમય છે’ અને આ એક્શન એટલે ‘સર્જિકલ સ્ટ્રાઈક-૨’. જેનાં ભાગરૂપે મંગળવારે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે ભારતે લાઈન ઓફ કંટ્રોલ ઓળંગીને પાકિસ્તાનની સરહદમાં ૮૦ કિલોમીટર અંદર ઘૂસી જઈને બાલાકોટ, મુઝ્ઝફરાબાદ સેક્ટરમાં ઓપરેશન પાર પાડ્યું હતું. જેનાં ભાગરૂપે ૩૦૦ ત્રાસવાદી માર્યા ગયા હતા.
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ઇન્ડિયન એરફોર્સના ૧૨ મિરાજ-૨૦૦૦ યુદ્ધ વિમાનોએ મળસકે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ગ્વાલિયર એરબેઝ પરથી ટેક ઓફ કર્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરમાં આવેલી લાઇન ઓફ કંટ્રોલ (LoC) ક્રોસ કરીને પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ નજીક આવેલા ખૈબરપખ્તુન્વા પ્રાંતના બાલાકોટ નજીક પહોંચ્યા હતા. અહીં મિરાજ વિમાનોએ નિર્ધારિત કરેલા ટાર્ગેટ ઉપર ભીષણ બોમ્બમારો કર્યો હતો. એરફોર્સના વિમાનોએ ૧૦૦૦ કિલોના લેસર ગાઇડેડ બોમ્બ ફેંક્યા હતા. એરફોર્સના સૂત્રોનું કહેવું છે કે આ ઓપરેશન ૧૦૦ ટકા સફળ રહ્યું છે.
મંગળવારે વહેલી સવારે એટલે કે ભારતીય સમય પ્રમાણે સાડા ત્રણ વાગે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આવેલા બાલાકોટ સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કેમ્પ પર ગોઝારો હુમલો કર્યો હતો. એવું માનવામાં આવે છે કે આ હુમલામાં કેમ્પ નાશ પામ્યો હતો અને ૨૦૦થી ૩૦૦ જેટલા આતંકીઓને ઢાળી દેવામાં આવ્યા હતા.
પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સામે કરેલી કાર્યવાહી અંગે વિદેશ સચિવ વિજય ગોખલેએ મીડિયાને માહિતી આપી હતી. તેમના જણાવ્યા પ્રમાણે ભારતના હુમલામાં જૈશનો કમાન્ડર અને અનેક આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો છે. ઇન્ટેલિજન્સ રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ભારતે શું કહ્યું..?

વિદેશ સચિવે જણાવ્યું હતું કે, અમને માહિતી મળી હતી કે જૈશ-એ-મોહમ્મદ દેશમાં બીજો ફિદાયીન હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે તે ફિદાયીનને તાલીમ આપી રહ્યું છે. આ માટે તેની સામે કાર્યવાહી કરવી જરૂરી હતી.
મંગળવારે વહેલી સવારે ભારતીય વાયુસેનાએ પીઓકેમાં આવેલા બાલાકોટ ખાતે જૈશના ઠેકાણા પર હુમલો કર્યો હતો. અહીં આતંકીઓને હુમલા માટે તાલીમ આપવામાં આવી રહી હતી. વાયુસેનાએ કરેલા હુમલામાં મોટી સંખ્યામાં તાલીમાર્થી આતંકીઓ, જૈશનો સિનિયર કમાન્ડર અને ફિદાયીન હુમલાખોર માર્યા
ગયા છે.
વિદેશ સચિવે એવું પણ જણાવ્યું હતું કે, વાયુસેનાના હુમલામાં કોઈ સામાન્ય નાગરિક ભોગ ન બને તે માટે ખાસ આ ઠેકાણાની પસંદગી કરવામાં આવી હતી. જૈશનું આ ઠેકાણું જંગલ વિસ્તારમાં આવેલું છે.

શું કહે છે પાકિસ્તાન...?

જોકે પાકિસ્તાની આર્મીના પ્રવક્તા મેજર જનરલ આસીફ ગફૂરે ટ્વીટ કર્યુ કે, ભારતીય વાયુસેનાએ એલઓસી ક્રોસ કરી છે. જે બાદ પાકિસ્તાની વાયુસેનાએ તુરંત જ કાર્યવાહી કરી અને ભારતીય વિમાન પરત ચાલ્યા ગયા હતા. ત્યારબાદ પાકિસ્તાની વિદેશ પ્રધાન શાહ મોહમ્મદ કુરેશીએ જણાવ્યું હતું કે ભારત દ્વારા આ સ્ટ્રાઇક ઉશ્કેરીજનક કૃત્ય છે અને પાકિસ્તાનને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. અમે સમય આવ્યે જવાબ આપીશું.

એરફોર્સે LoC ક્રોસ કરી

આ પ્રથમ વખત છે કે જ્યારે ઇન્ડિયન એરફોર્સે યુદ્ધ વગર એલઓસી પાર કરીને કોઇ ઓપરેશન હાથ ધર્યું છે. એટલું જ નહિં, કારગિલ યુદ્ધમાં પણ એરફોર્સ એલઓસી પાર કરી શકી નહોતી. હુમલામાં આતંકી સંગઠન જૈશના કેમ્પ પુરેપુરા નષ્ઠ થઇ ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, ઓપરેશન સંપૂર્ણ રીતે સફળ રહ્યું છે.

રાહુલ ગાંધીએ કહ્યું, એરફોર્સ પાઇલટ્સને સલામ

એરફોર્સે ‘સર્જિકલ સ્ટ્રાઇક-૨’ને અંજામ આપ્યો એ પછી રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે હું ઇન્ડિયન એરફોર્સના પાઇલટ્સને સલામ કરું છું.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, જો હુમલાના સમાચાર સાચા છે તો આ એક મોટી કાર્યવાહી છે, પરંતુ આપણે સરકારના ઔપચારિક નિવેદનની રાહ જોવી જોઇએ.
તેમણે જણાવ્યું હતું કે, હવે એ પણ જોવું જોઇએ કે પાકિસ્તાન આ કાર્યવાહીનો જવાબ કેવી રીતે આપે છે. ત્યાં જ કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ મંગળવારે સવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આ સ્ટ્રાઈકનો હજી સુધી કોઈ ઓફિશિયલ ખુલાસો કરવામાં તો આવ્યો નથી, પરંતુ જે પ્રમાણે પાકિસ્તાન ગભરાયેલું છે તે જોઈને લાગે છે કે આ સાચી વાત છે.

કચ્છમાં પાકિસ્તાનનું ડ્રોન તોડી પડાયું

કચ્છ જિલ્લાના અબડાસા નજીક આવેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ પર મંગળવારે સવારે સાડા છ વાગ્યાની આસપાસ એક ડ્રોન દેખાયું હતું. ભારત અને પાકિસ્તાન એકબીજાની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરે છે. મંગળવારે દેખાયેલું ડ્રોન બીએસએફ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. તેનો ભંગાર સ્થાનિક લોકોએ જોયો અને એ પછી બીએસએફ દ્વારા તેનો કબજો લઈ લેવામાં આવ્યો હતો.

(અજય ઉમટ ગુજરાતના જાણીતા રાજકીય સમીક્ષક અને અગ્રણી દૈનિક ‘નવગુજરાત સમય’ના ગ્રૂપ એડિટર છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter