અને પ.પૂ. મહંત સ્વામીએ આશીર્વચન પાઠવતા કહ્યુંઃ રાહત કેમ્પને આધ્યાત્મિક કેમ્પ બનાવો

સાધુ બ્રહ્મવિહારીદાસજી, બીએપીએસ Monday 09th May 2022 12:55 EDT
 
 

When there is a will, there is a way (મન હો તો માળવે જવાય). જેને સેવા કરવી હોય તેને કોઇ પણ પરિસ્થિતિ નડતી નથી. માત્ર કુદરતી આપત્તિ કે દુર્ઘટના જ નહીં. યુદ્ધ દરમિયાન પણ રાહત કેમ્પમાં નિર્ભયતાથી સેવા થઇ શકે છે. આ માત્ર કપોળ-કલ્પના કે વાતો જ નથી, પરંતુ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સેંકડો સ્વયંસેવકોએ નિર્ભય બનીને યૂક્રેનથી ભારતીયોના સ્થળાંતર દરમિયાન ખંતપૂર્વક સૌની સેવા કરી છે.

આ સ્વયંસેવકો અનેક પ્રકારની સેવા કરતા હતા. જેમ કે, જેમની પાસે પાસપોર્ટ નહોતા તેમના માટે પેપર્સ કરવાની સેવાથી માંડીને આવાસ, ભોજન અને સહયોગ માટેની વ્યવસ્થા થઇ હતી. સતત 24 કલાક સુધી રસોડા ખુલ્લા રહેતા હતા. સૌથી મહત્ત્વની સેવા એ હતી કે જે યુવક-યુવતીઓ ત્યાં ફસાયા હતા તેઓ પોતાના માતા-પિતાને સંદેશો નહોતા પાઠવી શક્યા. તેઓને ડેટા કાર્ડ આપીને પોતાના માતા-પિતાને ફોન કરવા માટેની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી આપી હતી.
બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની જેમ, પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ, નિરંતર સ્વયંસેવકોની સંભાળ રાખતા, તેઓની સર્વ પ્રકારે રક્ષા માટે પ્રાર્થના કરતા અને વીડિયો કોલ દ્વારા આશીર્વચન પણ પાઠવતા. એક દિવસ મહત્ત્વનો સંદેશો સૌ સ્વયંસેવકો - સ્વયંસેવિકાઓને પાઠવ્યો કે Turn relief camp into feeling camp or spiritual camp. (રાહત કેમ્પને લાગણીના કેમ્પ કે આધ્યાત્મિક કેમ્પમાં પરિવર્તિત કરી દો.) ખરા દિલથી સેવા થતી હોય ત્યાં દયા - લાગણી અને પ્રાર્થના અને સમન્વય આપોઆપ થઇ જાય છે.
આપણા કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે. સિંહને પોલેન્ડ ખાતે સ્થળાંતર માટેની જવાબદારી સોંપવામાં આવી હતી. તે સમયે તેઓને પત્રકાર દ્વારા પશ્ન કરાયો હતો કે, આપે તો અનેક વખત આવા સ્થળાંતરની પ્રક્રિયા કરાવી હતી, પરંતુ તેમાં અને આ યૂક્રેન યુદ્વ દરમિયાન વચ્ચેનો તફાવત કહેશો! ત્યારે તેમણે સહજતાથી જણાવ્યું હતું કે In earlier evacuations, I did not have BAPS volunteers, (અગાઉના સ્થળાંતરમાં મારી પાસે બીએપીએસના સ્વયંસેવકો નહોતા.)
આ રીતે પોલેન્ડની સરહદે બીએપીએસના સ્વયંસેવકો પૂર્ણ નિષ્ઠા, ખંત અને લાગણીનો ધોધ વહાવીને સેવા આપી રહ્યા હતા. દરરોજ નિયમિત ફોન દ્વારા તેઓની સાથે સંતોને વાતચીત થતી હતી. આવો જ એક ફોન આવ્યો. જેમાં તેઓએ જે પ્રસંગ વર્ણવ્યો તે જાણીને આપણને સેવા કરનાર સ્વયંસેવકો તથા ભારતીય યુવકોની નૈતિક મૂલ્યોની દૃઢતા ઉપર સહજતાથી ગર્વ થાય.
પોલેન્ડના સમય મુજબ રાત્રિના 1.30 વાગ્યાનો સમય હતો. આપણા ત્રણ સ્વયંસેવકો - અમિત, કેયૂર અને ઘનશ્યામ ત્યાં હાજર હતા. તેઓ સેવામાં ભોજન પણ ભૂલી ગયા હતા. તેઓ હજી તો ભોજન લેવા જાય ત્યાં જ એક ભારતીય યુવાન કેમ્પમાં આવે છે. તે યુદ્ધની સ્થિતિથી ખરેખર ડઘાઈ ગયો હતો. તેના હાથ પણ ધ્રુજતા હતા.
સ્વયંસેવકે પાણી આપ્યું તો પીવે નહીં, તેને બેસવા માટે ખુરશી આપી તો બેસે નહીં. સાવ સૂનમૂન અને હાથ તો ધ્રૂજ્યા જ કરે. હવે સ્વંયસેવકો પણ ગભરાયા. એટલે તેઓએ સંદેશો આપ્યો કે સ્થાનિક સ્તરે મેડિકલ સહાય હાજર રાખો. કદાચ વધુ તકલીફ થાય તો તેને પ્રાથમિક સારવાર ઉપલબ્ધ રહે. ત્યારબાદ લોકલ અધિકારીને કહેતાં તેઓએ ત્રણ નર્સને કેમ્પમાં મોકલી આપી. તેઓ પણ આ યુવાનને જોઈને સ્તબ્ધ થઈ ગઈ. કેમ કે આ યુવક Shock કહેતા કે Trauma (દુર્ઘટના, પ્રાકૃતિક આપદા કે યુદ્ધ જેવી ભયાનક ઘટના બાદની ભાવનાત્મક પ્રતિક્રિયા, જેને ‘આઘાત’ કહે છે)માં હતો. તે કોઈ જ પ્રતિક્રિયા આપતો નહોતો. એટલે એ ત્રણેય નર્સ પણ જાણે હેબતાઈ ગઈ હતી કે હવે શું કરવું?
વસ્તુસ્થિતિને જોતાં આપણા સ્વયંસેવકો કે જેઓ મેડિકલ કે સાયકોલોજીના નિષ્ણાત નહોતા, છતાં તેમની સમક્ષ ઊભી થયેલી સ્થિતિને જોતાં નવો ઉપાય અપનાવ્યો. એક સ્વયંસેવકે ત્યાં કાગળ ઉપર એક પ્રશ્ન લખ્યો. આ યુવાને પ્રથમ પ્રશ્નનો જવાબ આપવામાં અડધો કલાક કર્યો હતો. જોકે, એ યુવાનનાં પ્રત્યુત્તરથી સ્વયંસેવકોના ઉત્સાહમાં વધારો થયો. પછી એ ગભરાયેલા, આઘાત પામેલા યુવાનનાં પ્રશ્નોના ઉત્તર મળતા તેને મદદ કરવાનો ક્રમ આગળ ચાલ્યો. આ સ્વયંસેવકો અને યુવાન વચ્ચે જાણે લેખિત સંવાદ ચાલ્યો, જેનો ભાવાર્થ આ મુજબ રહ્યો.
સ્વયંસેવકે લખ્યુંઃ My name is ...... (મારું નામ છે ......)
અડધા કલાક પછી યુવાને લખ્યુંઃ Narendra (નરેન્દ્ર)
સ્વયંસેવકે લખ્યુંઃ I am from ...... (મારું ગામ છે ......)
15 મિનિટ પછી એ યુવકે જવાબમાં લખ્યું કે - Vizag (Visakhapatnam – વિશાખાપટ્ટનમ – આંધ્ર પ્રદેશ)
સ્વયંસેવકે લખ્યું કે - My favourite dish ...... (મારી ગમતી વાનગી છે ......)
એ યુવાને લખ્યું કે - Dosa (ઢોંસા)
અહીં સૌને વિચાર આવે કે જેઓએ સ્વયં રાત્રિના દોઢ વાગ્યા હોવા છતાં ભોજન લીધું નથી, છતાં સેવા કરવાના હેતુથી, બીજાએ ભોજન કર્યું કે નહીં તેની ચિંતા થતી હતી. એ સમયે સ્થાનિક સમય અનુસાર રાત્રિના અઢી વાગ્યા હતા. પછી સ્વયંસેવકોએ ઢોંસા માટેની વ્યવસ્થા પણ કરી.
હવે, લખાણનો ક્રમ આગળ ચાલે છે.
સ્વયંસેવકે લખ્યુંઃ What is your problem? (આપને શું તકલીફ છે?)
યુવાને પ્રત્યુત્તર પાઠવ્યોઃ I am in Shock. (હું આઘાતમાં સરી પડ્યો છું.)
સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવીને સ્વયંસેવકે લખ્યુંઃ What do you want to become? (આપ શું બનવા ઈચ્છો છો?)
એ યુવાને જવાબ આપ્યો કે - Paediatrician (બાળરોગ ચિકિત્સક)
અહીં પુનઃ આપણા સ્વયંસેવકોએ જાણે મનોચિકિત્સક હોય તેવા તત્કાળ લીધેલા પ્રયત્નોને દાદ આપવી પડે. યુવાનનો આ જવાબ મળતાં જ આપણા સ્વયંસેવક કેયૂરે પોતાના ઘરે, લંડન વીડિયો કોલ કર્યો અને એ યુવકની પાસે લઈ ગયો. કેયૂરને ત્રણ મહિનાનો પુત્ર છે. કેયૂરને લાગ્યું કે બાળકને જોઈને આ યુવાન કોઈ પ્રતિક્રિયા આપી શકે છે અને તે આ આઘાતમાંથી બહાર આવી શકે છે. વીડિયો કોલ લાગ્યો એટલે કેયૂરે પોતાની પત્નીને કહ્યું કે - તું આ વીડિયો કોલ પરમ પાસે લઈ જા અને તેનો ચહેરો ફોનમાં બતાવ. તેની પત્ની એ મુજબ કરવા લાગી, પરંતુ તે બાળક સૂતું હતું. એટલે કેયૂરે કહ્યું કે તું પરમને જગાડ. આ યુવક આ વીડિયો કોલ જોઈ - સાંભળી રહ્યો હતો. જેવી માતા બાળકના ગાલ ઉપર હાથ મૂકીને ઉઠાડવા જતી હતી ત્યારે તરત જ આ યુવાન બોલી ઊઠ્યો - Don’t disturb him, let him sleep. (તમે બાળકને પરેશાન ન કરો, તેને સૂવા દો.)
સૂનમૂન રહેલા યુવાનને બોલતો અને સ્વસ્થ થતો જોઈને ત્યાં ઉપસ્થિત ત્રણેય નર્સ અને સ્વયંસેવકો પણ જાણે આનંદમાં આવી ગયા. આઘાતમાં સરી પડેલા યુવાનને સ્વસ્થ કરવામાં ચાર કલાક આ સ્વયંસેવકોને લાગ્યા હતા. એટલે કે સ્થાનિક સમય અનુસાર પરોઢના 5.30 વાગ્યા હતા. યુવાનને સ્વસ્થ થયેલો જોઈને ત્રણેય નર્સો પણ ગેલમાં આવી ગઈ હતી અને લાગ્યું કે આને કોઈ દવાની જરૂર નથી.
હવે પછીના પ્રસંગ મારે મૂલ્યોમાં દૃઢતા માટે અગત્યનો હોવાથી કહેવો પડે છે કે - ત્યારબાદ એ નર્સ એ યુવક સાથે વાતચીત કરવા લાગી. એક નર્સે એ યુવકને સહેજ જુદી રીતે પૂછ્યું કે - મારી આંખનો રંગ કાળો છે, આ મારી બહેનપણીની આંખનો રંગ સોનેરી છે અને ત્રીજી બહેનપણીની આંખનો રંગ ભૂરો છે. તને કોની આંખ ગમે છે?
ત્યારે આ યુવકે એ નર્સોને જવાબ આપ્યો કે - You are my sisters. (તમે મારી બહેનો છો).
કહેવાનું એ જ કે Even in Trauma, our values become integral part of our lifestyle. (આઘાતમાં પણ આપણા મૂલ્યો આપણી જીવનશૈલીનું અભિન્ન અંગ બની જાય છે).
આ યુવકનો પ્રસંગ તો ત્યાં પૂર્ણ થયો. છતાં આપણા યુવકો એ તમામ વિદ્યાર્થીઓ, યુવક-યુવતીના સંપર્કમાં રહ્યા કે જ્યાં સુધી તેઓ પોતાના ઘરે હેમખેમ ન પહોંચી ગયા. અમે સંતોએ પણ એ યુવકના પિતા અને મોટા ભાઈ સાથે વાતચીત કરી હતી. તેના પિતા વિશાખાપટ્ટનમ્ નજીક એક મહાનાગપટ્ટમમાં ખેડૂત છે. પોતાની બધી મિલકત વેચીને આ દીકરાને યૂક્રેન ભણવા મોકલ્યો હતો. આ યુવાનને ત્યાં કુલ છ વર્ષ અભ્યાસ કરવાનો હતો. તેમાંથી માત્ર છ મહિના બાકી હતા ત્યારે યુદ્ધને કારણે તેને ભારત આવવું પડ્યું હોવાની વાત પણ કરી હતી.
આ રીતે યુદ્ધકાળમાં પણ પોતાના જીવની પરવા કર્યા વગર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના તમામ સ્વયંસેવકો - સેવિકાઓએ હૃદયપૂર્વક સેવા કરી છે. પરમાર્થે થતી સેવાના સંદર્ભમાં પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે પણ સૌને આશીર્વચન પાઠવ્યા છે કે - ‘જ્યારે હૃદયપૂર્વક સેવા કરીએ છીએ ત્યારે ભગવાન અને સત્પુરુષોના આશીર્વાદ આપણને વગર કહ્યે મળી જાય છે.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter