અભિનેતા દેવ પટેલને એશિયા ગેમ ચેન્જર એવોર્ડનું સન્માન

Saturday 12th August 2017 07:53 EDT
 
 

લંડનઃ ઈન્ડો-બ્રિટિશ અભિનેતા દેવ પટેલને ‘સેલેબ્રિટીના ઉપયોગ થકી ભારતના ગરીબો પ્રત્યે ધ્યાન ખેંચવા’ બદલ એશિયા સોસાયટીના ૨૦૧૭ એશિયા ગેમ ચેન્જર એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે. ન્યુ યોર્કમાં યુનાઈટેડ નેશન્સ ખાતે પહેલી નવેમ્બરના એવોર્ડ્સ અને ડિનર કાર્યક્રમમાં આધ્યાત્મિક નેતા, આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કના સ્થાપક અને વિશ્વના સૌથી વંચિત લોકોના જીવન સુધારવા પરોપકારનો ઉપયોગ કરવા બદલ પરગજુ આગા ખાનનું ધ એશિયા ગેમ ચેન્જર લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માન કરવામાં આવશે.

એશિયા સોસાયટીએ જણાવ્યું હતું કે ડેની બોયેલની ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’માં ભૂમિકાથી પ્રકાશમાં આવેલા દેવ પટેલ સ્ટાર અભિનેતા તરીકે બહાર આવ્યા છે તેમજ વિવિધ ફિલ્મો અને ટેલિવિઝન શોઝમાં નોંધપાત્ર ભૂમિકાઓ ભજવી પ્રશંસા મેળવી છે. તેમની ભૂમિકાઓએ મનોરંજન આપવાથી પણ વિશેષ કર્યું છે. તેમના કાર્યે લગભગ સ્ટીરિયોટાઈપ બની ગયેલા ભારત દેશ અને પશ્ચિમનાં ઓડિયન્સ વચ્ચે સમજના સેતુઓનું નિર્માણ કર્યું છે.

દેવ પટેલની આગામી રીલિઝ થનારી ફિલ્મ ‘હોટેલ મુંબાઈ’ છે, જેનો વિષય ૨૦૦૮ના ત્રાસવાદી હુમલાનો છે. દેવ પટેલે પોતાનું ધ્યાન અને સ્ટાર પાવર પરોપકારિતા તરફ વાળ્યા છે. તેમના ‘લાયનહાર્ટ’ અભિયાને ભારતના ઘરવિહોણાં બાળકો માટે ૨૫૦,૦૦૦ ડોલરથી વધુ રકમ એકમ એકત્ર કરી હતી. પોતાને ‘guy from London’ તરીકે ઓળખાવતા અભિનેતાએ પૂર્વજોની ભૂમિ સાથે અતૂટ નાતો બાંધ્યો હોવાનું પણ સંસ્થાએ જણાવ્યું હતું. દેવ પટેલ ભારતના લોકો વિશે કહે છે કે ‘તેઓ મારા પર મજબૂત માલિકી ધરાવે છે, જે આવકાર કરતાં પણ વિશેષ છે.’

 આ વર્ષે સન્માનિત થનારા અન્ય મહાનુભાવો અને સંસ્થાઓમાં નોનપ્રોફિટ ઓર્ગેનાઈઝેશન સીસેમ વર્કશોપ, કંબોડિયાના પર્યાવર્ણીય કર્મશીલ લેંગ ઔચ તેમજ અફઘાની રેપર અને કર્મશીલ સોનિટા એલિઝાદેહનો સમાવેશ થાય છે. 


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter