ન્યૂ યોર્કઃ અમેરિકાના ટ્વિન ટાવર પર હુમલાની ગણના વિશ્વના સૌથી મોટા આતંકવાદી હુમલાઓમાં થાય છે. સોમવારે 9/11ની ઘટનાને 22 વર્ષ પૂરા થયા છે. અમેરિકામાં ગ્રાઉન્ડ ઝીરો પર ઘંટના રણકાર અને સેંકડો લોકોની શ્રદ્ધાંજલી સાથે લોકોએ ગોઝારા આતંકી હુમલાને યાદ કર્યો હતો.
અમેરિકાની ધરતી પર થયેલા હુમલામાં લગભગ 3000 લોકો માર્યા ગયા હતા. અલ કાયદાના આતંકવાદીઓ હાઇજેક કરેલા પ્લેન ન્યૂ યોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે ટકરાવ્યા હતા. ઘટનાને પગલે વિશ્વભરમાં હાહાકાર મચી ગયો હતો. પ્રેસિડેન્ટ જો બાઈડન 9|11 સંબંધી એક શ્રદ્ધાંજલી સમારોહમાં અલાસ્કાના એન્કરેજ મિલિટરી બેઝ ખાતે જોડાયા હતા. તેમની મુલાકાત એ વાતનો પુરાવો છે કે આતંકી ઘટનાએ દેશના દરેક ખૂણાને અસર કરી હતી.
વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ ટ્રેન્ડ સેન્ટર ખાતેની સેરેમનીમાં જોડાયા હતા. જ્યારે ફર્સ્ટ લેડી જિલ બાઇડેને પેન્ટાગન ખાતેના 9/11 સ્મારક ખાતે મૃતકોને શ્રદ્ધાંજલી આપી હતી. અમેરિકામાં ન્યૂ યોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર, ન્યૂ પેન્ટાગોનથી માંડી પેન્સિલવેનિયા અને અલાસ્કા સુધીના વિસ્તારોમાં શ્રદ્ધાંજલી સમારોહનું આયોજન કરાયું હતું.
એડવર્ડ એડલમેન ગ્રાઉન્ડ ઝીરો ખાતે તેમના પરિવારના વ્યક્તિને શ્રદ્ધાંજલી આપવા આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ‘એ દિવસે જે લોકોએ પરિવારજનોને ગુમાવ્યા તેમના માટે હજુ ઘટનાની યાદ તાજી છે.બાકીની દુનિયા આગળ વધી ગઈ છે.’