અયોધ્યાઃ રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માને છે કે રામ મંદિર માત્ર રાષ્ટ્રીય મંદિર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય રામ મંદિર પણ હોવું જોઈએ. તેમનું સ્વપ્ન છે કે દરેક ક્ષેત્ર, દરેક વર્ગ અને દરેક વિચારધારાના લોકો આને સ્વીકારે, અને જ્યારે આ સ્વપ્ન સાકાર થતું જોવા મળશે, ત્યારે તે સંતોષ લાવે છે. 25 નવેમ્બર અયોધ્યા માટે એક ઐતિહાસિક દિવસ હશે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચશે અને રામ મંદિરની ટોચ પર 21 ફૂટનું ધ્વજારોહણ કરાવશે. આ દિવસ ઐતિહાસિક પણ રહેશે કારણ કે રામ મંદિર બાંધકામ પૂર્ણ થવાની જાહેરાત કરવામાં આવશે.
રામ મંદિર ધ્વજ ફરકાવવાની સાથે, પ્રધાનમંત્રી સમગ્ર વિશ્વને રામ મંદિર બાંધકામ પૂર્ણ થવાનો સંદેશ મોકલશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહામંત્રી ચંપત રાયને ધ્વજનો આકાર, રંગ અને પ્રતીક નક્કી કરવાની જવાબદારી સોંપાઇ છે. વડાપ્રધાન મોદીએ પાંચમી ઓગસ્ટ 2020ના રોજ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. 22 જાન્યુઆરી, 2024ના રોજ ભવ્ય મહેલમાં રામ લલ્લાનો રાજ્યાભિષેક થયો હતો. વડાપ્રધાન મુખ્ય યજમાન હતા. રામ લલ્લાની મૂર્તિનો અભિષેક તેમના હસ્તે કરાયો હતો. ધ્વજવંદન રામ વિવાહ પંચમીની શુભ તિથિએ થશે. ધ્વજવંદન દ્વારા મંદિરના બાંધકામ પૂર્ણ થવાનો સંદેશ વિશ્વને અપાશે. પાંચ દિવસની આ વિધિ 21 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી ચાલશે. અયોધ્યા અને કાશીના વિદ્વાનો વૈદિક આચાર્યોની હાજરીમાં આ વિધિ કરશે તેવું ટ્રસ્ટના વડાએ કહ્યું હતું.


