આંતરરાષ્ટ્રીય વિધવા દિનઃ અલગાવ સામે વિધવાઓને સહાય

Wednesday 19th June 2019 03:54 EDT
 
 

સમગ્ર વિશ્વમાં લાખો વિધવા સ્ત્રીઓ અને તેમના સંતાનો શોષણ ઉપરાંત, દારુણ ગરીબી, સામાજિક બહિષ્કાર, હિંસા, અનારોગ્ય તેમજ કાયદા અને સામાજિક રુઢિઓના ભેદભાવનો સામનો કરી રહ્યાં છે ત્યારે યુનાઈટેડ નેશન્સ દ્વારા દર વર્ષે ૨૩ જૂનને ‘ઈન્ટરનેશનલ વિડોઝ ડે’ની ઉજવણી કરવામાં આવે છે. લોર્ડ રાજ લૂમ્બા CBE ના નેતૃત્વ હેઠળ ધ લૂમ્બા ફાઉન્ડેશન દ્વારા ભારત અને સબ-સહરા આફ્રિકા જેવા વિકાસશીલ દેશોમાં આ વિધવાઓને નાણાકીય સલામતી હાંસલ કરવામાં મદદ કરવામાં આવે છે.

લોર્ડ લૂમ્બા સ્મરણો વાગોળતા કહે છે કે,‘મારા પિતાનું અવસાન થયું ત્યારે તેઓ અમારા માટે સારો એવો નાણાસ્રોત મૂકતા ગયા હતા. મારી માતાએ તેનો ઉપયોગ મારા સહિત સાત સંતાનના શિક્ષણખર્ચ પાછળ કર્યો હતો.’

પોતાની માતા માત્ર ૩૭ વર્ષની નાની વયે વિધવા થયાં પછી તેમનાં સામાજિક અને સાંસ્કૃતિક જીવનમાં જે તદ્દન પલટો આવ્યો તેના સાક્ષી બની રહેલા રાજ લૂમ્બા વિધવાઓ પ્રત્યે રુઢિવાદી ખ્યાલો અને તેમની સાથેના વ્યવહારથી સતત જાગૃત બનતા રહ્યા. વિધવા માતાના ૧૯૯૨માં અવસાન પછી વિશ્વસ્તરે વિધવાઓ સાથે થતા અન્યાયોને નજરમાં લાવવાની પ્રતિજ્ઞા સાથે તેમણે લેડી વીણા લૂમ્બા સાથે મળી ૨૬ જૂન ૧૯૯૭ના દિવસે યુકેમાં ધ લૂમ્બા ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. આ ચેરિટીની સ્થાપનાને બે દાયકાથી વધુ સમય થયો છે. અસંખ્ય કાર્યશિબિરોના સંચાલનથી માંડી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સરકારો સાથે લોબિઈંગ કરવા સાથે ધ લૂમ્બા ફાઉન્ડેશન વિધવાઓનાં સશક્તિકરણના અભિયાનમાં અગ્રેસર રહ્યું છે.

તેઓ કહે છે કે,‘ અમે દિલ્હીમાં વિધવાઓનાં આશરે ૧૦૦ બાળકોને શિક્ષણ આપવાના નાના પ્રોજેક્ટ સાથે આરંભ કર્યો હતો અને પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ભારતના તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ કર્યું હતું. સમયાંતરે અમે સમગ્ર ભારતમાં આવાં આશરે ૧૦,૦૦૦ બાળકને શિક્ષણ આપ્યું છે.’

આ પ્રોજેક્ટ થકી લોર્ડ લૂમ્બાએ દર મહિને પ્રતિ બાળક આશરે ૫૦૦ રૂપિયા સ્કોલરશિપ તરીકે આપ્યા હતા, જેનાથી બાળક તેની સ્કૂલ ફી ભરી શકે એટલું જ નહિ, તેના અન્ય નાના-મોટા ખર્ચ પણ નીકળી શકે. જોકે, લોર્ડ લૂમ્બાને ઝડપથી સમજાઈ ગયું કે તેઓ વિધવાઓને નાણાકીય સહાય આપવાથી પણ વધુ સશક્ત બનાવવા માગે છે અને આમાંથી જ સીવણયંત્રો આપવાનો વિચાર જન્મ્યો હતો.

લોર્ડ લૂમ્બા કહે છે, ‘મારા મિત્ર મેક્સ મોંગિયાએ મારી સંસ્થાને આશરે ૨૩૦૦ પાઉન્ડ દાનમાં આપ્યા હતા અને તેણે વિધવાઓ માટે સીવણયંત્રની કિટ ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અમે આશરે આવી ૯૦ કિટ ખરીદી અને ખાસ કરીને ગ્રામ્ય વિધવાઓને તે આપી જેથી જેઓ પોતાની કોમ્યુનિટી માટે સીવણકામ કરી પોતાનો જીવનનિર્વાહ ચલાવી શકે.’

લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના તત્કાલીન પ્રમુખ બેરી પાલ્મેર સાથે જોડાણ પછી આ કાર્યક્રમ ત્રણ મહિનાના સઘન ટ્રેનિંગ વર્કશોપમાં ફેરવાયો હતો, જ્યાં આશરે ૨૬૦૦ વિધવાને સીવણ કૌશલ્યની તાલીમ અપાઈ હતી. ચેરિટીનું કામકાજ ભારતથી આગળ વધીને આફ્રિકન દેશોમાં ફેલાયું હતું, જ્યાં ના કારણે પતિઓના મોત પછી વિધવાઓને દૂર ધકેલી દેવાતી હતી. મધ્ય-પૂર્વ તેમજ ઈરાક, સીરિયા અને અફઘાનિસ્તાન જેવા મધ્ય એશિયન દેશોમાં તેમની સંસ્થાએ ‘અર્ધ વિધવાઓ’ને મદદનો હાથ લંબાવ્યો હતો. તેઓ કહે છે, ‘અર્ધ વિધવાઓ અથવા Half-widows’ એવી સ્ત્રીઓ છે જેમના પતિ કદાચ સામૂહિક કબરોમાં દફન થયા હોય અથવા પોતાના લાપતા પતિઓ વિશેની તેમને કોઈ જાણકારી જ ન હોય.’

જોકે, તેમનો તાજેતરનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ રોટરી ઈન્ડિયા’ઝ લિટરસી મિશન (RILM) સાથે ભાગીદારીનો છે, જેમાં તેઓ ભારતમાં ૩૦,૦૦૦ જેટલી વિધવાઓને હોસ્પિટાલિટી, હેર એન્ડ બ્યૂટી સહિત આઠ ચાવીરુપ સેક્ટર્સમાં સજ્જતા સાથે પ્રવેશી શકે તે રીતે તાલીમ આપી સશક્ત બનાવવા માગે છે

તેઓ સમજાવે છે કે,‘અમે રાજ્યોમાં એજન્સીઓની ઓળખ કરી છે, જેઓ ૨૦-૪૫ વયજૂથની તમામ વિધવાઓ માટે છ મહિનાની તાલીમ વર્કશોપ પૂરી પાડશે. આ માટેની આગોતરી શરત એ પણ રખાઈ છે કે ૮૦ ટકા વિધવાઓને તેઓ નોકરી શોધી શકે તે રીતે સજ્જ બનાવાશે.’

આ એજન્સીઓમાં કોલકાતાની એમ્પોરિયમ ટ્રેનિંગ એન્ડ કન્સલ્ટન્સી પ્રા. લિમિટેડ અને દિલ્હીની લોક ભારતીનો પણ સમાવેશ થાય છે. ધ લૂમ્બા ફાઉન્ડેશન હાલમાં આ પ્રોજેક્ટને આગળ વધારવા અને આગામી પાંચ વર્ષના ગાળામાં ભારતની ૩૦,૦૦૦ વિધવાને મદદ કરી શકાય તે માટે દાન-ભંડોળ મેળવવા ઈચ્છુક છે. જો આપ દાન કરવા ઈચ્છતા હો તો http://bit.ly/LoombaAV પેજની મુલાકાત લેવા વિનંતી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter