આ ગ્રૂપનું હૃદય ધબકે છે આર્ટિફિશિયલ હાર્ટ પમ્પથી

Friday 10th September 2021 05:35 EDT
 
 

લંડનઃ પચાસની આસપાસના વયના લોકોનું જૂથ ઈલેક્ટ્રિક બાઈક પર કન્ટ્રીસાઈડથી જતું હોય તો સામાન્ય લોકોને એમ લાગે કે તેઓ સાઈકલિંગ કરવા નીકળ્યા છે પરંતુ, ધ ઈલેક્ટ્રિક ક્રેન્ક્સ (The Electric Cranks) ક્લબના મોટા ભાગના સભ્યોની વિશેષતા એ છે કે તેઓ હૃદયમાં કૃત્રિમ પમ્પ ધરાવે છે. ‘ધ ઈલેક્ટ્રિક ક્રેન્ક્સ’ માન્ચેસ્ટર નજીક વિધેનશો હાર્ટ એન્ડ લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર ખાતે નિયમિત મળે છે. સાત સભ્યોમાંથી એકને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે પરંતુ, પાંચ સભ્યના હૃદયમાં લેફ્ટ વેન્ટ્રિક્યુલર આસિસ્ટ ડિવાઈસીસ (LVADs) નખાયેલા છે તો એક સભ્યે વળી તે સાધન બંધ કરાવી દીધું છે.
સમગ્ર ઈંગ્લેન્ડમાં આ પ્રકારના આર્ટિફિશિયલ હાર્ટ પમ્પ ધરાવતા ૩૦૦ લોકો જીવતા હોવાનું મનાય છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે વેઈટિંગ લિસ્ટમાં હોય તેવા લોકો ઉપરાંત, હાર્ટ ફેઇલ્યોરની ગંભીર સમસ્યા ધરાવતા લોકોમાં આ જીવનરક્ષક પમ્પનો ઉપયોગ થાય છે. LVAD મહાધમની (aorta) અને બાકીના શરીરમાં લોહીને ધકેલીને કામ કરે છે. પાતળો કેબલ પમ્પને શરીરની બહાર કન્ટ્રોલરની સાથે જોડે છે, જે બેટરી પેક સાથે સંકળાયેલો હોય છે.
ધ ઈલેક્ટ્રિક ક્રેન્ક્સ સાઈકલિંગ ક્લબ પુરુષોની રિકવરી અને તેમના સ્વાસ્થ્ય બાબતે પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ક્રેન્ક્સ ગ્રૂપ ઓર્ગન ડોનેશન વિશે જાગૃતિ કેળવવાનું કાર્ય પણ કરે છે. તાજેતરમાં તેમણે ટ્રાન્સપ્લાન્ટ સપોર્ટને મદદ કરવા તેમજ આગામી વર્ષે લીડ્ઝમાં યોજાનાર બ્રિટિશ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સ માટે ભંડોળ એકત્ર કરવા સાઈકલિંગ કર્યું હતું.
ક્લબનો આરંભ જેડ હિગિન્સથી થયો હતો, જેમને ૫૩ વર્ષની વયે ૨૦૧૩માં હાર્ટ એટેક આવ્યા પછી LVAD ફીટ કરવામાં આવ્યું હતું. હિગિન્સ પહેલાં બહુ સક્રિય હતા અને તેમની રિકવરીના પ્લાન તરીકે મિત્રની સાથે સાઈકલિંગ શરૂ કર્યું હતું. હિગિન્સ કહે છે કે, ‘હું સીધા અથવા તળેટીમાં સાઈકલિંગ કરી શકું તે રીતે અમે નોર્થ ઈંગ્લેન્ડમાં રુટ્સ તૈયાર કર્યા હતા. સમયાંતરે, હું ટ્રાવેલિંગથી કંટાળી ગયો હતો કારણ કે અમે સાઈકલિંગ કરતા વધુ સમય ટ્રાવેલિંગમાં પસાર કરતા હતા. આથી, મેં ઈલેક્ટ્રિક બાઈક ખરીદી લીધી.’
સમયાંતરે હિગિન્સ પેશન્ટ સપોર્ટ ગ્રૂપના બીજા બે સભ્યોને પણ આમાં રસ લેતાં કરી શક્યા અને તેમણે ૨૦૧૮માં પ્રથમ વખત સાથે સાઈકલિંગ કર્યું હતું. આ પછી તો ધીમે ધીમે બીજા લોકો પણ જોડાતા ગયા અને જોતજોતામાં ગ્રૂપ બની ગયું. ક્રેન્ક્સ ગ્રૂપ ઘણી વખત એક સાથે ૪૦ માઈલનું અંતર સાઈકલિંગ કરીને કાપે છે.
આ ગ્રૂપના પ્રારંભિક સભ્યોમાંના એક ઈઆન વિલ્ટન ૫૪ વર્ષના હતા ત્યારે ૨૦૧૭માં વેલ્સમાં પોતાના ટીનએજર પુત્ર સાથે પર્વતારોહણ કરી રહ્યા હતા ત્યારે હાર્ટ એટેક આવ્યો હતો. પૂર્વ PE શિક્ષક વિલ્ટન સપ્તાહમાં બે વખત સ્ક્વોશ રમતા અને મોટા ભાગે વીકએન્ડ્સમાં પદયાત્રા કરતા હતા. તેમનું હૃદય ગંભીરપણે ફેઈલ થયું હતું અને બચી ગયા તે ચમત્કાર જ હતો. તેમને પણ કૃત્રિમ પમ્પ બેસાડવામાં આવ્યો હતો. તેઓ એક વર્ષ સુધી હોસ્પિટલની મુલાકાત સિવાય ઘરની બહાર નીકળ્યા ન હતા. તેમને ઈલેક્ટ્રિક બાઈક લેવામાં અને ગ્રૂપમાં સામેલ થવાના મામલે થોડો ગભરાટ પણ હતો. જોકે, તેમણે પ્રયાસ કર્યો અને સાઈકલિંગમાં રસ જાગી ગયો. આજે તેઓ સાઇકલિંગની ભરપૂર મજા માણે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter