ઈસ્ટ આફ્રિકન એશિયનો સાથે ‘બાઈ બાઈ ચાળણી’નો વ્યવહાર

સી.બી. પટેલ Wednesday 10th January 2018 06:56 EST
 
 

થાઈ એરપોર્ટ પર સાત મહિનાથી અથડાતા-કૂટાતા ઝિમ્બાબ્વેના પરિવારની કથની ખરેખર કરુણાજનક છે. ચાર પુખ્ત વ્યક્તિ અને ચાર બાળકોનો પરિવાર સસ્પેન્સ અને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. તેમની યાત્રાનો આરંભ મે મહિનામાં થયો હતો જ્યારે તેઓ ટુરિસ્ટ વિઝા પર થાઈલેન્ડ પહોંચ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર તેમણે યુરોપમાં આશ્રય મેળવવા ઘણા પ્રયાસ કર્યા પરંતુ, કોઈ પણ સ્થળોએ તેઓ આવકારપાત્ર ન હતા. જોકે, આંતરરાષ્ટ્રીય પ્રવાસની માન્યતાએ તેમને બેંગકોક એરપોર્ટ પર થોડો આશ્રય મળી શક્યો.

આખરી પરિણામ શું હશે તે કોઈ જાણતું નથી પરંતુ તેમની કથની મને હજારો ઈસ્ટ આફ્રિકન એશિયન નિર્વાસિતોની યાદ અપાવે છે. આ લોકો મુખ્યત્વે યુગાન્ડામાં, કેન્યાના હતાં, કેટલાક ઝિમ્બાબ્વે, ટાન્ઝાનિયા અને ઝામ્બિયાના હતાં તો કેટલાક પાકિસ્તાન અને ભારતથી પણ હતાં. અત્યારે યુકેમાં સ્થિર વસવાટ કરી રહેલા કેટલાય લોકોને, વિવિધ એરપોર્ટ્સ પર તથા હીથ્રો જવા અને ત્યાંથી પાછા ફરવાના, (ઘણી વખત તો આવો કટુ અનુભવ પાંચ વખત થયો હતો અને તે પણ પત્ની અને નાના બાળકો સાથે), અથડાતા-કૂટાતા રહેવાનો અત્યંત ખરાબ અનુભવ આજે પણ યાદ હશે.

બ્રિટિશ કોલોનિયલ સેક્રેટરીએ નવા આઝાદ થયેલા ટાન્ઝાનિયા, કેન્યા અને યુગાન્ડાથી યુકે સ્થળાંતર કરી રહેલા લોકો માટે ‘ઈસ્ટ આફ્રિકન એશિયન’ શબ્દ પ્રયોજ્યો હતો. આઝાદી પહેલા ધીમા પ્રવાહ સ્વરુપે તેની શરુઆત થઈ હતી. આજે ઈસ્ટ આફ્રિકન એશિયનો અને ખાસ કરીને યુગાન્ડાથી સ્થળાંતર કરી આવેલા લોકોની પ્રશંસા તેમની ઉદ્યોગસાહસિકતા તથા અન્ય ગુણો માટે કરવામાં આવે છે. શાહી પરિવાર, મીડિયા સહિત તમામ દ્વારા તેમનો ઉલ્લેખ ફર્સ્ટ ગ્રેડ ઈમિગ્રન્ટ્સ તરીકે થતો રહે છે. બે વર્ષ અગાઉ, ઈકોનોમિસ્ટ મેગેઝિન દ્વારા તેના ક્રિસમસ સ્પેશિયલ અંકમાં યુકેમાં સ્થિર થયેલા ગુજરાતી ડાયસ્પોરાની પ્રશંસા કરતા લેખ વિશે ચાર પાન ફાળવાયા હતા. પરંતુ, હું આ પશ્ચાદ્ભૂમાં થોડો વધુ ઊંડો ઉતરવા માગું છું. મુખ્યત્વે ભારતીય મૂળના એવા ઈસ્ટ આફ્રિકન એશિયન્સ પાસે બ્લુ રંગના બ્રિટિશ પાસપોર્ટ્સ તો હતા પરંતુ, તેમની ચામડીનો રંગ ઘઉંવર્ણો કે ‘બ્રાઊન’ (એ વાત પણ અલગ જ છે કે યુકે પાછળથી ઈયુનો ભાગ બન્યું ત્યારે બ્લુ પાસપોર્ટ્સ ડાર્ક બ્રાઉન રંગના બની ગયો) હતો.

 કેટલાંક અલ્પ સંખ્યાના અસહિષ્ણુ લોકોએ નવાંગતુકો વિરુદ્ધ અભિયાન છેડ્યું હતું જે લોકો જન્મે બ્રિટિશ નાગરિકો હતા. ૧૯૬૮માં તત્કાલીન ચાન્સેલર ઓફ એક્સચેકરે હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું કે ઈસ્ટ આફ્રિકન એશિયન્સ યુકેમાં ૨૫૦ મિલિયન પાઉન્ડથી વધુની બેન્ક ડિપોઝીટ્સ ધરાવે (અને તે સમયમાં બ્રિટિશ બેલેન્સ શીટને તેનાથી ખાસ મદદ મળી હતી) છે. આમ છતાં, ઈનોક પોવેલ અને તેમના કુખ્યાત ‘રીવર ઓફ બ્લડ’ પ્રવચન પછી બ્રિટિશ હોમ સેક્રેટરીએ સેટલમેન્ટ વાઉચર્સ જારી કર્યાં હતાં, જેમાં બ્રિટિશ પાસપોર્ટ્સ ધરાવતા ઈસ્ટ આફ્રિકન એશિયન્સ પણ એન્ટ્રી પરમીટ્સ વિના યુકેમાં પ્રવેશી શકતા ન હતા.

બીજી તરફ, કેટલાક ઈસ્ટ આફ્રિકન દેશોમાં એશિયનો નવી સ્વતંત્ર આફ્રિકન સરકાર દ્વારા રોજગાર અને બિઝનેસીસના ક્ષેત્રોમાં અનુચિત અને ભારે ત્રાસજનક રાજકીય દબાણોનો સામનો કરી રહ્યા હતા. તેમને અને તેમના પરિવારોએ સ્થળાંતર કરવું જ પડે તેવી હાલત સર્જાઈ હતી.

જે લોકો પાસે બ્રિટિશ પાસપોર્ટ્સ હતા તેમણે એમ વિચાર્યું કે યુકે તો તેમનું જ ઘર છે અને પરિણામે તેમના માની લીધેલાં વતન તરફ દોટ લગાવી હતી. જેમની પાસે સેટલમેન્ટ વાઉચર્સ ન હતા તેમને પ્રવેશનો ઈનકાર કરાયો હતો. સેંકડો, હજારો લોકોને તેમણે યાત્રાનો આરંભ કર્યો હતો તે સ્થળ અને યુકે વચ્ચે ભારે ઉડાઉડ કરવી પડી હતી. એ તો ભલુ થજો, એરિક લબોક (જેઓ પછી લોર્ડ એવબરી બન્યા), મેરી ડાઈન્સ જેવા પ્રબુદ્ધ બ્રિટિશરો, વિષ્ણુ શર્મા તેમજ અન્ય મહાનુભાવોનું, જેમણે ‘જોઈન્ટ કાઉન્સિલ ફોર વેલ્ફેર ઓફ ઈમિગ્રન્ટ્સ’ની સ્થાપના કરી અને ‘ઘઉંવર્ણા બ્રિટન’ની કરુણ કથનીઓને જાહેર વાચા આપી.

બહુમતી બ્રિટિશ લોકો સહિષ્ણુ છે અને આ શટલકોક ડિપ્લોમસી એટલે કે લોકોને અથડાતા-કૂટાતા કરવાના રાજકીય દાવપેચમાં તેઓ ૧૯૭૨માં યુગાન્ડાથી હાંકી કઢાયેલા વિસ્થાપિત શરણાર્થીઓની જેમ પડખે ઉભા રહ્યા હતા. તે ખરાબ, ભયાનક દિવસોની પીડા અને અનિશ્ચિતતાઓનું સ્મરણ કરવાનું પણ દુઃખદાયી છે. હું આ કથનીઓ એક પીડિત વ્યક્તિ તરીકે નથી જાણતો કારણકે હું તે અગાઉ અહીં આવ્યો હતો. પરંતુ, આ કમનસીબ લોકોને મદદરુપ બનવા ડિટેન્શન સેન્ટર્સ અને એરપોર્ટસ સહિતના સ્થળોએ સ્વયંસેવક તરીકે તેમના દુઃખ-દર્દનો સાક્ષી રહ્યો હતો. હું તેમાંના ઘણાં લોકોને જાણું છું, જેઓ આજે યુકેમાં સ્થિર વસવાટ કરી રહ્યા છે અને શ્રેષ્ઠ ઉદ્યોગસાહસિકો અને મહાન બ્રિટિશ નાગરિકો તરીકે સન્માન પામ્યા છે.

બીસીસીઆઈ ફાઈલ્સ પર ઢાંકપીછોડો શા માટે?

ગત થોડાં દાયકાથી કેબિનેટ ઓફિસ સામાન્યપણે પોતાની ફાઈલ્સ ૩૦ વર્ષના ગાળા પછી નેશનલ આર્કાઈવ્સમાં મોકલી આપે છે. વર્ષ ૧૯૯૧ અને ૧૯૯૨ના ગાળાના સંખ્યાબંધ ગુપ્ત દસ્તાવેજોની સંખ્યા આશરે ૫૦૦ જેવી થવા જાય છે તેમાંથી માત્ર ૩૦૦ ફાઈલ્સ જ આર્કાઈવ્સમાં રીલીઝ કરાઈ છે અને ડિસેમ્બર ૨૦૧૭ પછી ૨૦૦ દસ્તાવેજ પ્રેસ માધ્યમને જોવા મળી શકતા નથી.

ઈયુ એકીકરણ તરફ દોરી જતી માસ્ટ્રીટ સંધિની ફાઈલ્સ પ્રકાશિત કરાઈ છે પરંતુ, કોમન એગ્રીકલ્ચરલ પોલિસી અને સહિયારા યુરોપિયન બજેટ તેમજ યુરોપિયન કાઉન્સિલ મીટિંગ્સની મિનિટ્સની સાથોસાથ BCCI (બેન્ક ઓફ ક્રેડિટ એન્ડ કોમર્સ ઈન્ટરનેશનલ) ફાઈલ્સ પણ કેબિનેટ ઓફિસમાં દબાવી રખાઈ છે.

બેન્ક ઓફ ક્રેડિટ એન્ડ કોમર્સ ઈન્ટરનેશનલ (BCCI)નું રાતોરાત પતન ૧૯૯૦ના દાયકામાં સૌથી મોટાં કૌભાંડોમાંનું એક છે. પાકિસ્તાની બેન્કર આગા હસન આબેદીએ અબુ ધાબી સરકારના સહયોગથી BCCI ની સ્થાપના કરી હતી અને થોડા જ સમયમાં આફ્રિકાના કેટલાક વિસ્તારો, મિડલ ઈસ્ટ અને ખાસ કરીને યુકેમાં પણ તેણે મોટી બેન્ક તરીકે ભૂમિકા હાંસલ કરી લીધી હતી.

કેબિનેટ ઓફિસના કબજામાં રખાયેલી કેટલીક ફાઈલ્સ ગત થોડા દિવસોમાં રીલિઝ થવાની શક્યતા હતી પરંતુ, બીસીસીઆઈ ફાઈલ્સનું ભાવિ હજુ અનિશ્ચિત જ છે. આ દસ્તાવેજો અટકાવી રાખવા પાછળ રાષ્ટ્રીય સલામતી અને અન્ય મહત્ત્વપૂર્ણ દેશો સાથે સંબંધો પર અસર થવાનું કારણ દર્શાવાય છે. મને આશ્ચર્ય એ વાતનું છે કે બીસીસીઆઈ ફાઈલ્સમાં એવું તે શું છે કે ૩૦ વર્ષનાં વહાણા વાયા પછી અને મિડલ ઈસ્ટ અને યુકેમાં સીનારિયો બદલાઈ જવાં છતાં શા માટે આજે પણ તેના દસ્તાવેજો દબાવી રાખવાનું મહત્ત્વપૂર્ણ લેખાય છે?

બીસીસીઆઈનો સૂરજ તપતો હતો ત્યારે હજારો બ્રિટિશ એશિયનોના તેમની સાથે બેન્કિંગ સંબંધો હતા. ડિપોઝીટરો અને કરજ લેનારાની સંખ્યા પણ મોટી હતી તેમજ સેંકડો લોકોની નોકરી ત્યાં હતી. અચાનક એક રાત્રે આંચકાજનક જાહેરાત થઈ કે BCCIના પાટિયાં પાડી દેવાયાં છે. આના પરિણામે હજારો ડિપોઝીટરોએ મહા મુશ્કેલીએ કમાણી કરેલાં નાણા ગુમાવી રાતા પાણીએ રોવાનો દહાડો આવ્યો અને કર્મચારીઓએ નોકરી પણ ગુમાવી. કરજાદારો માટે પણ ભારે સમસ્યાઓ સર્જાઈ હતી. સામાન્ય બેન્કિંગ સેવા અચાનક બંધ કરી દેવાતાં ખાસ કરીને વેપાર-ધંધામાં રોકાયેલા લોકોને એવી મુશ્કેલીઓ નડી કે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી.

જોકે, બ્રિટિશ સિસ્ટમમાં ઉદારતા ઘણી છે. એક પ્રસંગે મારે બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર સર એડી જ્યોર્જને મળવાનું થયું ત્યારે મેં BCCI અને ભારતીય માલિકીની ત્રણ બેન્કો બંધ કરી દેવાયાથી સર્જાયેલી મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો, સર એડીએ મને શાંતિથી સાંભળ્યો અને તેમણે મને સુભાષ ઠકરાર, ડોલર પોપટ તેમજ ડોઝિયેર તૈયાર કરવામાં મને મદદ કરનારા બેન્કર મિ. શાહ સહિત ઐતિહાસિક બેન્ક ઓફ ઈંગ્લેન્ડમાં તેમને મળવાનું આમંત્રણ આપ્યું. સર એડીએ અમને કાળજીપૂર્વક સાંભળ્યા અને મુશ્કેલીઓ હળવી બને તે માટે વહીવટદારોને કેટલીક સ્પષ્ટ સૂચનાઓ પણ આપી હતી.

બેન્કના મુખ્ય સમર્થક અબુ ધાબીના શેખે ડિપોઝીટરોના ભંડોળોની જવાબદારીઓ લીધી હતી ત્યારે BCCIને શા માટે બંધ કરી દેવાઈ તે જાણવા માત્ર હું નહિ પરંતુ, અનેક લોકો ઉત્સુક છે. આવા તો ઘણા પ્રશ્નો છે જેનો ઉત્તર મેળવવા આપણે બધાં આતુર છીએ. BCCI કૌભાંડમાં તમામ અસરગ્રસ્તોની વહારે આવવા બદલ કિથ વાઝ MP અને અન્ય સમર્થક ગ્રૂપનો હું ખાસ આભારી છું.                                    


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter