બર્મિંગહામઃ 165 (કેસલ બ્રોમવિચ) સ્ક્વોડ્રન દ્વારા આયોજિત વાર્ષિક પ્રેઝન્ટેશનમાં RAF એર કેડેટ્સનું બહુમાન કરવામાં આવ્યું હતું. એર કેડેટ્સને ગત વર્ષ દરમિયાન તેની સિદ્ધિઓની કદર કરવા માટે સર્ટિફિકેટ્સ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઈવેન્ટમાં સ્ક્વોડ્રનના સભ્યો, તેમના પરિવારો અને પ્રતિષ્ઠિત મહાનુભાવો એકત્ર થયા હતા.
ઈવેન્ટની સાંજ પ્રેરણા અને પ્રોત્સાહન કરવાના હેતુસર હતો જે સ્ક્વોડ્રનના મુદ્રાલેખ ‘સ્ટ્રાઈવ ટુ એક્સેલ – શ્રેષ્ઠતા હાંસલ કરવાના પ્રયાસ’ને અનુરુપ હતો.
મહાનુભાવોમાં સોલિહલ કાઉન્સિલના લીડર કાઉન્સિલર ઈઆન કોર્ટ્સ, કેસલ બ્રોમવિચ પેરિશ કાઉન્સિલના સ્પષ્ટવક્તા અને કડક મિજાજના કાઉન્સિલર પૌલિન એલન તેમજ RAF અને રોયલ નેવીના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થયો હતો. મતક્ષેત્રના સાંસદ નીલ શાસ્ત્રી-હર્સ્ટે માફી માગતો સંદેશો પાઠવ્યો હતો. તેમના ચીફ ઓફ સ્ટાફ ક્રિસ્ટિને જણાવ્યું હતું કે તેઓ આ વર્ષના બાકીના સમય માટે પણ ઘણા વ્યસ્ત છે. ટ્રેઝરર ગોર્ડન વેલ અને વોરન્ટ ઓફિસર જેરી એલ્સ્ટનને વિશેષ એવોર્ડ્ઝ એનાયત કરાયા હતા. ગોર્ડને 22 વર્ષ અને જેરીએ 47 વર્ષ RAFને સેવા આપી છે.
બર્મિંગહામ અને વોરવિકશાયરમાં 19 RAF સ્ક્વોડ્રન છે. સાંજની અભૂતપૂર્વ સફળતા માટે ફ્લાઈંગ ઓફિસર માર્ક બેરી, તેમના સ્ટાફ અને કેડેટ ટીમને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લેવામાં આવ્યા હતા. નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર પાબ્લો મેસને તેમના જોક ‘એવોર્ડ મેળવનારામાં વ્યાપક બહુમતી સ્ક્વોડ્રન લીડર (માર્ક બેરી) કરતાં વધુ ઊંચી છે’ સાથે બધાને હસાવ્યા હતા.
લાઈવ બેન્ડ ધ કવર ડક્સ દ્વારા દાયકાઓ દરમિયાનના વિવિધ રેન્જના સંગીતનું પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું.