એશિયન પરિવારોને બેનિફિટ અને સેવામાં કાપની સૌથી ખરાબ અસર થશે

ઈંગ્લિશ નહિ બોલતી કે નોકરી નહિ કરતી પાકિસ્તાની મહિલાઓ સમાજના મુખ્યપ્રવાહમાં ભળી શકતી નથી

Tuesday 10th October 2017 05:25 EDT
 
 

લંડનઃ એક સ્વતંત્ર સર્વેમાં જણાવાયું છે કે બેનિફિટ અને સેવાઓમાં કાપની સૌથી ખરાબ અસર એશિયન પરિવારોને થશે. રોજગારના સ્તરે શ્વેત બ્રિટિશ અને વંશીય લઘુમતીઓ વચ્ચે અસમાનતા હોવાનું પણ કેબિનેટ ઓફિસ સર્વે જણાવે છે. આ સર્વેમાં વિવિધ પશ્ચાદભૂના લોકો સાથે હેલ્થકેર, એજ્યુકેશન, એમ્પ્લોયમેન્ટ અને ક્રિમિનલ જસ્ટિસની સુવિધા પ્રાપ્ત કરવામાં કેવો વ્યવહાર કરવામાં આવે છે તેના પર પ્રકાશ ફેંકાયો છે. યુકેના પ્રથમ ડિસપેરિટી ઓડિટના તારણો અનુસાર યુકેમાં રહેતી પાકિસ્તાની મહિલાઓ ઈંગ્લિશ બોલતી નથી અથવા નોકરી-કામ કરતી નથી, તેઓ તદ્દન ‘અલગ સમાજ’માં રહે છે. તેઓ મુખ્ય સમાજ સાથે ભળી શકતી નથી.

વિમેન્સ બજેટ ગ્રૂપ અને રુનીમીડ ટ્રસ્ટનો સ્વતંત્ર રિપોર્ટ જણાવે છે કે બેનિફિટ્સ અને જાહેર સેવાઓની પ્રાપ્તિમાં જે કાપ મૂકાયા છે તેની સૌથી ખરાબ અસર એશિયન પરિવારોને થશે. શ્વેત પરિવારોને ૨૦૨૦ના વર્ષ સુધીમાં ૬,૧૯૯ પાઉન્ડનું નુકસાન સહન કરવું પડશે તેની સરખામણીએ એશિયન પરિવારોને સમગ્રતયા ૧૧,૬૭૮ પાઉન્ડનું નુકસાન સહન કરવું પડે તેવી શક્યતા છે.

આ અગાઉ, રોજગાર સમીક્ષાના તારણો અનુસાર શ્વેત બ્રિટિશરો તેમજ અશ્વેત અને વંશીય લઘુમતીઓ વચ્ચે નોંધપાત્ર તફાવત હતો. Ethnicity Facts and Figures વેબસાઈટ પર જાહેર થનારા પરિણામો મુજબ વંશીય લઘુમતીઓની સરખામણીએ વ્હાઈટ બ્રિટિશર મકાનની માલિકી અને નોકરીની વધુ શક્યતા ધરાવે છે. જોકે, તેઓ સરકારી શાળામાં અભ્યાસ કરતા હોય તો યુનિવર્સિટીમાં જવાની ઓછી શક્યતા હોય છે. સ્કૂલ્સ, હોસ્પિટલ, એમ્પ્લોયર્સ અને કોર્ટ્સ તેમજ અન્ય સેવાના રેકોર્ડ્સના ઓડિટમાં જણાયું હતું કે ૧૦માંથી ૯ હેડટીચર્સ વ્હાઈટ બ્રિટિશ હતા.

બીજી તરફ, અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) લોકો માટે બેરોજગારી દર ૮ ટકા હતો તેની સામે પુખ્ત વ્હાઈટ બ્રિટિશર માટે આ દર ૪.૬ ટકા એટલે લગભગ અડધો હતો. ત્રણમાંથી બે વ્હાઈટ પુખ્ત વ્યક્તિ પોતાનું મકાન ધરાવતી હતી તેની સામે અન્ય કોઈ વંશીય જૂથની પાંચમાંથી માત્ર બે વ્યક્તિને પોતાનું મકાન હતું.

યુકેના સમાજમાં અન્યાયોનું નિરાકરણ લાવવાના વચન સાથે થેરેસા મેએ ગત ઓગસ્ટમાં આ ઓડિટની જાહેરાત કરી હતી. કેબિનેટ ઓડિટનો અહેવાલ જણાવે છે કે મુખ્યપ્રવાહમાં સામેલ થવાના મુદ્દે પાકિસ્તાની મહિલાઓની સ્થિતિ બદતર અને આઘાતજનક છે. અન્ય કોમ્યુનિટીઓ સારી રીતે એકીકૃત થઈ છે પરંતુ, પાકિસ્તાની મહિલાઓ અલગ જ વિશ્વમાં વસે છે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter