ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિ. વિશ્વમાં પ્રથમ-દ્વિતીય ક્રમ સાથે સર્વશ્રેષ્ઠ

Thursday 07th September 2017 07:15 EDT
 
 

લંડનઃ ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીએ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ પ્રથમ અને દ્વિતીય ક્રમ હાંસલ કર્યો છે. આ બે યુનિવર્સિટીએ યુએસમાં આઈવી લીગમાં ગણાતી પ્રખ્યાત યુનિવર્સિટીઓ તેમજ એશિયા અને યુરોપની શ્રેષ્ઠ ગણાતી શિક્ષણસંસ્થાઓને પરાસ્ત કરી છે. ઓક્સફર્ડે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે કેમ્બ્રિજે ગયા વર્ષના ચોથા ક્રમેથી કુદકો મારી બીજું સ્થાન મેળવ્યું છે. યુએસની કેલિફોર્નિયા યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી, સ્ટેનફોર્ડ યુનિ. અને માસાચ્યુસેટ્સ ઈન્સ્ટિ. ઓફ ટેકનોલોજીને અનુક્રમે ત્રીજો, ચોથો અને પાંચમો ક્રમ હાંસલ થયો છે. પ્રથમ ૧૦માં યુકેની ત્રણ અને યુએસની છ અને સ્વિટ્ઝર્લેન્ડની એક યુનિવર્સિટીનો સમાવેશ થયો છે.

આંતરરાષ્ટ્રીય સન્માન ધરાવતા ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગના ૧૩ વર્ષના ઈતિહાસમાં વર્ષ ૨૦૧૮ માટે સૌપ્રથમ વખત ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ પહેલા અને બીજા સ્થાને એકસાથે આવ્યા છે. આ ગ્લોબલ યાદીમાં ઉચ્ચ સ્થાન મેળવનારી યુકેની અન્ય સંસ્થામાં ઈમ્પિરિયલ કોલેજ લંડન (૮) તેમજ યુનિવર્સિટી કોલેજ લંડન (૧૬)નો સમાવેશ થયો છે. સમગ્ર વિશ્વની ૧,૦૦૦ યુનિવર્સિટીના રેન્કિંગ કરવા શિક્ષણ, સંશોધન, પ્રશસ્તિપત્રો, આંતરરાષ્ટ્રીય અભિગમ અને ઈન્ડસ્ટ્રીની આવકના પાંચ ક્ષેત્રોમાં વહેંચાયેલા ૧૨ પાસાનો વિચાર કરવામાં આવે છે. પ્રથમ પાંચ સ્થાન માટે ભારે સ્પર્ધા હતી. ઓક્સફર્ડ-કેમ્બ્રિજની સફળતા માટે આ વર્ષે બન્ને સંસ્થાઓની કુલ સંસ્થાગત આવકમાં નોંધપાત્ર વધારો પણ જવાબદાર કારણ છે.

જોકે, યુકેની હાયર એજ્યુકેશન સિસ્ટમ ખોડંગાઈ રહી છે અને તીવ્ર રાજકીય દબાણ હેઠળ ટ્યૂશન ફીનો ભારે બોજ, બ્રેક્ઝિટ પછી સંશોધન ભંડોળ અને શૈક્ષણિક પ્રતિભાઓનો પ્રવાહ સહિતની સમસ્યાઓ જોવા મળી છે. આમ છતાં એક બાબત સ્પષ્ટ છે કે યુકેમાં વિશ્વની ઘણી શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ યુકેમાં છે, તેમ ગ્લોબલ રેન્કિંગના એડિટોરિયલ ડાયરેક્ટર ફિલ બેટીએ જણાવ્યું હતું.

યુકેની પ્રથમ ૧૦ શ્રેષ્ઠ શિક્ષણસંસ્થાઓમાં (૧) ઓક્સફર્ડ યુનિવર્સિટી, (૨) કેમ્બ્રિજ યુનિવર્સિટી, (૩) ઈમ્પિરિયલ કોલેજ લંડન, (૪) યુનિવર્સિટી કોલેજ લંડન, (૫) લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ, (૬) યુનિવર્સિટી ઓફ એડિનબરા, (૭) કિંગ્સ કોલેજ લંડન, (૮) યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર, (૯) યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલ અને (૧૦) યુનિવર્સિટી ઓફ ગ્લાસગોનો સમાવેશ થયો છે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter