ઓનલાઈન કૌભાંડમાં £૧૦ મિલિયનથી વધુની ઠગાઈઃ ગેન્ગને ૪૩ વર્ષની જેલ

Wednesday 15th May 2019 02:30 EDT
 
ઉપર (ડાબેથી) ઈમાન્યુએલ ચાઈક ચુકવુકા, એન્ડ્રયુ ચાઈક ચુકવુ, મોહમ્મદ રહેમાન,નીચે (ડાબેથી) નદીમ અબ્બાસી, બોનાવેન્ટુર સન્ડે ચુકવુકા, લોનૂત રેલુ મુરેસાન, મન્સૂર ઝમાન
 

લંડનઃ પોતાની ભવ્ય અને ખર્ચાળ લાઈફસ્ટાઈલ માટે ઓનલાઈન કૌભાંડ ચલાવનારી નાઈજિરિયન ગેન્ગના સભ્યોને ફ્રોડ અને મનીલોન્ડરિંગના આરોપસર ૪૩ વર્ષથી વધુની સજા બ્લેકફ્રીઆર્સ ક્રાઉન કોર્ટે ફરમાવી છે. ઈમેઈલ એકાઉન્ટ્સના હેકિંગ, વ્યક્તિઓ અને બિઝનેસીસને છેતરી તેમની પાસે નાણા ટ્રાન્સફર કરાવવા સહિત ૨૦૦થી વધુ ઠગાઈમાં આ ગેન્ગે ૧૦ મિલિયન પાઉન્ડથી વધુ રકમ પડાવી હતી. આ ઠગાઈના શિકાર લિબરલ ડેમોક્રેટ લોર્ડ રિગલ્સવર્થે ૮૮,૦૦૦ પાઉન્ડ ગુમાવ્યા હતા.

આ ઠગાઈના સૂત્રધાર બિઝનેસમેન એન્ડ્રયુ ચાઈક ચુકવુના બિઝનેસનું વાર્ષિક ટર્નઓવર માત્ર ૧૬,૦૦૦ પાઉન્ડ હતું પરંતુ, તેણે રોલેક્સ અને કાર્ટીઅર જેવી ઘડિયાળો પાછળ અઢળક નાણા ખર્ચ્યા હતા અને પોતાના બાળકોને ખાનગી શાળામાં મોકલવા ૯૦,૦૦૦ પાઉન્ડ ચૂકવ્યા હતા. તેની પત્ની અને NHS નર્સ ગ્રેસ ચુકવુને ઈમેલ્ડા માર્કોસની સરખામણી કરી શકે તેવો ખર્ચાળ બ્રાન્ડનાં વૈભવી પગરખાંનો ભારે શોખ હતો. અન્ય આરોપી ક્વીન ચુકવુકાના બેંકખાતામાંથી આ કૌભાંડના ૩૫૦,૦૦૦ પાઉન્ડની રકમ પણ મળી આવી હતી. ઠગારાઓ ઈમેઈલ એકાઉન્ટ્સ હેક કરી તેમાં મોટી રકમના વ્યવહારો શોધતા હતા. આ પછી બનાવટી ઈમેઈલ્સ મોકલી બનાવટી બેન્કખાતાઓમાં નાણા ભરવાની સૂચના આપતા હતા. આ નાણા કૌભાંડીઓના ખિસ્સામાં જતા હતા. સ્કોટલેન્ડ યાર્ડે આવા ૧૬૫થી વધુ બનાવટી ખાતા શોધી કાઢ્યા હતા.

બ્લેકફ્રીઆર્સ ક્રાઉન કોર્ટે કૌભાંડના આરોપીઓ બોનાવેન્ટુર સન્ડે ચુકવુકા (૧૧ વર્ષ), એન્ડ્રયુ ચાઈક ચુકવુ (૧૦ વર્ષ), મન્સૂર ઝમાન (૬ વર્ષ, નવ મહિના), ક્રિશ્ચિયન ચુક્વુકા (પાંચ વર્ષ, નવ મહિના), લોનૂત રેલુ મુરેસાન (૬૭ મહિના), ઈમાન્યુએલ ચાઈક ચુકવુકા (૩૨ મહિના), નદીમ અબ્બાસી (૨૭ મહિના), ક્વીન ચુકવુકાને ૩૦ દિવસ પુનર્વસન કાર્ય અને ૧૮૦ કલાક અવેતન કાર્ય સહિત બે વર્ષ માટે કોમ્યુનિટી ઓર્ડરની સજા ફરમાવી હતી. ગ્રેસ ચુકવુને બે વર્ષની શરતી ડિસ્ચાર્જ અપાયો હતો જ્યારે, મોહમ્મદ રહેમાનને સજા સંભળાવવી બાકી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter