કર્મઠ, ઉદાર, ઉત્સાહી હરિભાઈ હાલાઈને અલવિદા

Wednesday 06th February 2019 02:24 EST
 
 

લંડનઃ શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકે (SKLPC UK)માં ઉદારતા, સક્રિયતા અને ઉત્સાહ માટે જાણીતા હરિભાઈ મૂરજી હાલાઈનું આઠ જાન્યુઆરીએ ૬૯ વર્ષની વયે અવસાન થયું હતું. તેમની અંતિમસંસ્કાર યાત્રામાં ૩૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જે હરિભાઈના જીવનને મોટી અંજલિ જ ગણાય. SKLPC Ukના વાઈસ ચેરમેન વેલજી વેકરિયા સહિત કોમ્યુનિટીના સભ્યોએ ૧૮ જાન્યુઆરીએ તેમના પૂર્વ પ્રમુખ અને પ્રેરણાદાયી હરિભાઈ મૂરજી હાલાઈને સ્નેહ અને પ્રેમ સાથે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને હાલાઈ પરિવારને દિલસોજી વ્યક્ત કરી હતી.

કેન્યાના નાઈરોબીમાં આરંભાયેલી હરિભાઈની જીવનયાત્રાનો અંત લંડનમાં આવ્યો હતો. તેમનો જન્મ નાઈરોબીમાં ૧૯ સપ્ટેમ્બર, ૧૯૪૯માં થયો હતો. પાંચ ભાઈ અને એક બહેનના ભાઈ હરિભાઈના પિતા સ્વર્ગસ્થ મૂરજી અરજણ હાલાઈ આપબળે આગળ આવેલા સિદ્ધાંતપ્રિય માનવી હતા, જેમણે સંતાનોને પોતાના સમાજસેવાના કાર્યમાં આગળ વધવાની પ્રેરણા આપી હતી. તેમની માતા લાલબાઈ ઉષ્માપૂર્ણ અને સમર્પિત મહિલા હતાં.

બાળપણથી નેતાગીરીના ગુણ ધરાવતા હરિભાઈ અભ્યાસ સહિતના તમામ ક્ષેત્રમાં ચમકી ઉઠ્યા હતા. તેમણે ૧૯૭૩ની ૧૭ સપ્ટેમ્બરે કાન્તાબહેન સાથે લગ્ન કર્યા અને પછી લંડન સ્થળાંતર કર્યું હતું. તેઓ બે દીકરી અવનિ અને પ્રીતિ તેમજ પુત્ર નવેન્દુના માતા-પિતા બન્યાં હતાં. હરિભાઈ છ બાળકોના દાદા પણ બન્યા હતા. માતા પિતા વૃદ્ધ થયાં ત્યારે ૧૯૭૩માં જ ૨૪ વર્ષના હરિભાઈ અને તેમના પત્નીએ નાના ભાઈઓ નારણ અને અશ્વિનનો ઈંગ્લેન્ડમાં ઉછેર કરવાનું વચન આપ્યું હતું. મજબૂત અને વચનબદ્ધ હરિભાઈએ પોતાના સંતાનોથી વધુ માતાપિતા અને ભાઈઓની જવાબદારી હસતા મુખે નિભાવી હતી. ભાઈઓ માટે પિતાસમાન હરિભાઈ અને કાન્તાબહેન પોતાના બાળકોના જન્મ પછી પણ તેમનો ગાઢ પરિવાર અને દીવાદાંડી બની રહ્યા હતા. પરદેશમાં બહોળા પરિવાર સાથે જીવવાનું કષ્ટ પણ તેમણે ચહેરા પર આવવા દીધું ન હતું.

નારણભાઈ અને અશ્વિનભાઈનો અભ્યાસ પૂર્ણ થયા પછી હરિભાઈએ તેમણે ઉભા કરેલા સાહસમાં નોકરીઓ પણ આપી હતી. ભાઈઓ પોતાની કારકીર્દિ બનાવે ત્યાં સુધી તેમને નાણાકીય તકલીફો ન પડવી જોઈએ તે જ તેમનું ધ્યેય હતું. આ પછી, ત્રણે ભાઈએ ભેગા મળી ફેમિલી બિઝનેસ ઉભો કર્યો હતો. તેમણે ભાઈઓ સાથે અનેક ધંધાકીય સાહસોમાં કામ કર્યું અને છેવટે વેસ્ટ હેરોમાં કાર રીપેર વર્કશોપનો ધંધો જમાવ્યો હતા, જ્યાં આજે ત્રણ ભાઈઓના સંતાન નવેન્દુ, યતીશ અને દેવ્યન કામકાજ સંભાળે છે. હરિભાઈ એટલા નિઃસ્વાર્થ હતા કે ભાઈઓ પોતાના ઘરમાં સ્થિર થાય તેની ખાતરી થયા પછી જ તેમણે પોતાના માટે ઘર ખરીદ્યું હતું. આમ, ભાઈઓને પોતાના પગ પર ઉભાં થાય ત્યાં સુધી તેમની કાળજી રાખવા પોતાના પિતાને આપેલું વચન હરિભાઈએ સુપેરે પાર પાડ્યું હતું.

હરિભાઈએ સમૃદ્ધ બિઝનેસીસ અને જીવનના નિર્માણ પછી પણ તેમના મનમાં નાણા પાછળ દોડવાની ઘેલછા ન હતી. આ પછી, તેમણે બિઝનેસીસની ડોર પોતાના ભાઈઓને સોંપી સમાજની સેવા કરવા માટે અથાક કામગીરી આરંભી હતી. સ્વતંત્રતા અને સમાનતાના હિમાયતી હરિભાઈ નાત-જાત કે વર્ણના ભેદભાવ વિના ‘વસુધૈવ કુટુમ્બકમ’નો મંત્ર આગળ વધારતા રહ્યા હતા. તેઓ SKLPC Ukના જ નહિ અન્ય ઘણી સખાવતી સંસ્થાના સમર્પિત અને પ્રતિબદ્ધ સભ્ય હતા. તેઓ હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના સ્થાપક સભ્યોમાં એક હતા અને પ્રમુખ તથા ટ્રસ્ટી તરીકે કામગીરી બજાવી હતી. સેલ્ફ-એમ્પ્લોયડ વિમેન એસોસિયેશનના પેટ્રન હરિભાઈએ કચ્છ કલા સેવા ટ્રસ્ટના પ્રમુખ તેમજ KMC કમિટી અને SCSCમાં વિવિધ ભૂમિકા ભજવી હતી. તેઓ SSGP (UK)ના ટ્રસ્ટી હોવા ઉપરાંત, હિન્દુ સ્વયંસેવક સંઘ યુકેના સક્રિય સભ્ય અને સલાહકાર પણ હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter