કવિતા કૃષ્ણમૂર્તિએ રોયલ આલ્બર્ટ હોલમાં દીવાળીના સંગીતમય સૂર રેલાવ્યાં

Tuesday 03rd November 2026 06:11 EST
 
 

લંડનઃ લેજન્ડરી ભારતીય ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિએ રવિવાર 1 નવેમ્બરે લંડનના આઈકોનિક રોયલ આલ્બર્ટ હોલમાં ‘સેલિબ્રેટિંગ દીવાળી’ ચેરિટી કોન્સર્ટમાં આસ્થા, સંસ્કૃતિ અને સંગીતનાં સૂર રેલાવ્યાં હતાં. સનાતન ઈવેન્ટ્સ અને પલાણ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત સમર્પણ, સાંસ્કૃતિક વિરાસત અને સંગીતની ઉત્કૃષ્ટતાના ચેરિટી કોન્સર્ટમાં શ્રેષ્ઠ બ્રિટિશ અને ભારતીય સંગીત પ્રતિભાઓ એક મંચ પર આવી હતી. વિશ્વખ્યાત રોયલ ફિલહાર્મોનિક કોન્સર્ટ ઓરકેસ્ટ્રા અને ભારતીય ગાયકો અને વાદ્યનિષ્ણાતોએ સાથે મળીને ભારતીય ભક્તિસંગીતની સમૃદ્ધિ, હિન્દી સિનેમાના અનંત મધુર ગીતો અને પાશ્ચાત્ય ઓરકેસ્ટ્રા પરંપરાઓ પ્રસ્તુત કરી હતી.

અંધકાર પર પ્રકાશ, અશુભ પર શુભ અને અજ્ઞાન પર જ્ઞાનના વિજયના શાશ્વત સંદેશાના ઉત્સવ દીવાળી નિમિત્તે ભગવાન ગણેશ, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ. ભગવાન શિવ અને માતા દુર્ગાને સમર્પિત સુંદર રચનાઓ સાથે ભારતીય સાંસ્કૃતિક વિરાસત સાથે સંકળાયેલા આધ્યાત્મિક મૂલ્યોની ઉજવણી કરાઈ હતી. આસ્થા, સમર્પણ અને પવિત્રતાને રજૂ કરતા રામ સીયારામ, મા શેરોંવાલી અને ઓ પાલનહારે પરફોર્મન્સ ઉપરાંત, ઘર આયા મેરા પરદેશી, ઢોલી તારો ઢોલ બાજે, ડોલા રે ડોલા અને તુ હી રે સહિત હિન્દી સિનેમાના ક્લાસિક ગીતોએ ઓડિયન્સને મંત્રમુગ્ધ બનાવ્યું હતું. સંગીતનું એરેન્જમેન્ટ કમ્પોઝર રાહુલ રાનડે દ્વારા કરવામાં આવ્યું હતું.

પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિએ કોન્સર્ટ પછી જણાવ્યું હતું કે રોયલ આલ્બર્ટ હોલ મંદિર સમાન જણાયો હતો જ્યાંસમર્પણની ભાવના પ્રવર્તી રહી હતી. ભારતીય સિનેમાના સૌથી યાદગાર ગીતો સાથે કેટલાક દાયકાઓની ભવ્ય કારકીર્દિ ધરાવતાં કવિતા કૃષ્ણમૂર્તિનું અગ્ર ગાયિકા તરીકે રોયલ આલ્બર્ટ હોલ પ્રથમ પરફોર્મન્સ હતું. તેમની સાથે કાબેલ ગાયકો શરાયુ દાતે અને ઋષિકેશ રાનડે તેમજ મ્યુઝિક ડાયરેક્ટર કમલેશ ભડકામકર અને ભારતીય સંગીતકારોનું વૃંદ જોડાયા હતા.

આ કોન્સર્ટ સાથે સનાતન ઈવેન્ટ્સના સ્થાપક નીતિન પલાણ MBEનું ભારતના આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સંગીતમય વારસાને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત સ્ટેજીસ પર લાવવાનું દીર્ઘકાલીન વિઝન સંકળાયેલું છે. દીવાળીની ભવ્ય ઉજવણીમાં પ્રતિષ્ઠિત બ્રિટિશ અને ભારતીય સંગીતકારોને સાથે લાવવાનું તેમનું સ્વપ્ન સાકાર થયું છે. પલાણ ફાઉન્ડેશનના સનાતન ઈવેન્ટ્સ થકી આ ઈનિશિયેટિવ દ્વારા સમાજને ઋણ પરત કરવાની પ્રતિબદ્ધતા, સામાજિક સંપર્કોને મજબૂત બનાવવા અને નિઃસ્વાર્થ સેવાની ભાવનાને અન્યો પ્રતિ કૃતજ્ઞતા અને ઉત્તરદાયિત્વની અભિવ્યક્તિને પ્રતિબિંબિત કરવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter