કિથ વાઝે લેસ્ટર ઈસ્ટના સાંસદપદેથી નિવૃત્તિ જાહેર કરી

કિથ સૌપ્રથમ ૧૯૮૭ની ચૂંટણીમાં લેસ્ટર ઈસ્ટના સાંસદ બન્યા હતાઃ કિથ અત્યાર સુધીમાં બ્રિટિશ પાર્લામેન્ટમાં સૌથી લાંબા સમય સુધી રહેલા બ્રિટિશ એશિયન સાંસદ

Wednesday 13th November 2019 02:36 EST
 
 

લંડનઃ યુકેના અગ્રણી બ્રિટિશ એશિયન રાજકીય અગ્રણીઓ પૈકી એક કિથ વાઝે લેસ્ટર ઈસ્ટના સાંસદપદેથી પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. માત્ર ૨૫ વર્ષની વયે સરેના રિચમન્ડના સાંસદ પદના ઉમેદવાર બનેલા કિથ વાઝ લગભગ ૪૦ વર્ષથી સક્રિય રાજકારણમાં રહ્યા છે. લેસ્ટરમાં કિથ સૌ પ્રથમ વખત ૧૯૮૫માં આવ્યા હતા. ૧૯૮૭ની ચૂંટણીમાં તેમણે તત્કાલીન કન્ઝર્વેટિવ સાંસદ પીટર બ્રુનવેલ્સને ૧,૦૨૪ મતની સરસાઈથી હરાવીને પ્રથમ વખત લેસ્ટર ઈસ્ટના સાંસદ બન્યા હતા.

આ ચૂંટણી સીમાચિહ્ન હતી કારણ કે ૧૯૨૪થી હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાયેલા પ્રથમ ચાર BAME સાસંદો પૈકી એક હતા. અન્ય ત્રણમાં ડાયન એબોટ, પોલ બોટેંગ અને બેરી ગ્રાન્ટનો સમાવેશ થતો હતો. કિથ અત્યાર સુધીમાં બ્રિટિશ પાર્લામેન્ટમાં સૌથી લાંબા સમય સુધી રહેલા બ્રિટિશ એશિયન સાંસદ હોવા ઉપરાંત ૫૦ કરતાં વધુ વર્ષમાં પ્રથમ એશિયન સાંસદ છે.

૧૯૯૭માં કિથ વાઝની પ્રથમ વખત સરકારી હોદ્દા પર નિમણુંક થઈ હતી. ટોની બ્લેરની સરકારમાં તેઓ એટર્ની જનરલ અને સોસિલિસટર જનરલના પાર્લામેન્ટરી પ્રાઈવેટ સેક્રેટરી નીમાયા હતા. ૧૯૯૯ના ઓક્ટોબરમાં તેમને મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર યુરોપ બનાવવામાં આવ્યા તે અગાઉ મે મહિનામાં પાર્લામેન્ટરી સેક્રેટરી (મિનિસ્ટર) ટુ લોર્ડ ચાન્સેલર તરીકે તેમને પ્રમોશન અપાયું હતું. તેઓ યુકેના એશિયન મૂળના પ્રથમ મિનિસ્ટર બન્યા હતા.

સંસદમાં તેમણે ૨૦૦૭થી ૨૦૧૬ સુધી હોમ અફેર્સ સિલેક્ટ કમિટીના ચેર તરીકે ફરજ બજાવી હતી. બ્રિટિશ સિક્યુરિટી, પોલિસિંગ અને ઈમિગ્રેશન જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં સરકારની નીતિની ચકાસણીની કામગીરી સંભાળી હતી. ચેર ઓફ કમિટીની તેમની સિદ્ધિ અન્યને પ્રેરણા પૂરી પાડનારી હતી. તેમણે જ દિવાલી એટ વેસ્ટમિન્સ્ટર વીથ, ધ વેસ્ટમિન્સ્ટર ચીલ્ડ્રન્સ પાર્ટી અને એન્યુઅલ ટિફિન કપ કરી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો.

જોકે, તેમણે લેસ્ટરમાં જે કાર્યો કર્યા તેને તેઓ તેમની સૌથી મોટી સિદ્ધિઓ ગણાવશે. લેસ્ટર સિટી ફૂટબોલ ક્લબના સમર્થક કિથ વાઝે ડાયાબિટીસ ચેરિટી સિલ્વર સ્ટારની સ્થાપના કરી અને લેસ્ટરમાં અમિતાભ બચ્ચન, શિલ્પા શેટ્ટી અને કપિલ દેવ સહિત સેલિબ્રિટિઝને લાવ્યા હતા. BCCI નબળી પડી અને લાખો લોકો નાણાં અને જોબ વગરના થઈ ગયા ત્યારે તે પીડિતો માટેના કેમ્પેઈનના કો-ઓર્ડિનેટર તરીકે તેમણે કામ કર્યું હતું.

૧૯૯૪માં હેર ક્રૃષ્ણા મંદિરમાં પૂજા કરવા પર પ્રતિબંધ મૂકાયો તેના વિરોધમાં હરે કૃષ્ણાના હજારો ભક્તોએ લંડનની સ્ટ્રીટ્સમાં કૂચ યોજી હતી. કિથ વાઝે ૨૪ કલાકના ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરીને આ વિરોધને પોતાનું સમર્થન આપ્યું હતું.

ઓલ પાર્ટી ગ્રૂપ્સ ફોર ડાયાબિટીસ, યમન અને વિઝા એન્ડ ઈમિગ્રેશનના ચેરમેન તરીકે તેમણે સંખ્યાબંધ મુદ્દા પર કેમ્પેઈન ચલાવ્યું હતું. તેમની માતા મર્લિન લેસ્ટરના પ્રથમ એશિયન મહિલા કાઉન્સિલર બન્યા અને તેમની બહેન વેલેરી હાલ પણ વોલસોલ સાઉથના લેબર સાંસદ તરીકે સેવા આપી રહ્યા છે અને શેડો કેબિનેટના મેમ્બર છે. તેમના બીજા બહેન પેની લેસ્ટરમાં વકીલ તરીકે કામ કરે છે.

BAME કોમ્યુનિટીઝની કપરી પરિસ્થિતિ જ કિથ વાઝનું ચાલક બળ હતું. ૨૦૦૭થી તેઓ લેબરની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીના BAME પ્રતિનિધિ છે અને લેબરના એથનીક માઈનોરીટી ટાસ્કફોર્સના ચેરમેન તરીકે પણ સેવા આપી છે.

ભારત-યુકેના સંબંધોમાં કિથે મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને બ્રિટનની મુલાકાતે આવતા ઘણાં મિનિસ્ટર અને સાંસદોની યજમાની કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વેસ્ટમિન્સ્ટરની સત્તાવાર મુલાકાતે આવ્યા ત્યારે તેમનું સ્વાગત કરવા માટે કિથ વાઝને પસંદ કરાયા હતા.

૨૦૧૬માં એક ઘટનાને પગલે તેમની સામે સ્ટાન્ડર્ડ કમિટી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. ટોરી સાંસદ એન્ડ્રયુ બ્રીજેને તેમની સામે ફરિયાદ કરી હતી. તેમની ઓફિસના સૂત્રો મુજબ કિથની તબિયત થોડા સમય માટે બગડી હતી.

પોતાની વેબસાઈટ પર પોસ્ટ કરેલા નિવેદનમાં મૂળ ગોવાના ૬૨ વર્ષીય સાંસદ કિથ વાઝે જણાવ્યું,‘ લેસ્ટર ઈસ્ટના સાંસદ તરીકે ૩૨ વર્ષ પૂરા કર્યા બાદ મેં નિવૃત્ત થવાનો નિર્ણય લીધો છે. તે સમયે હું આઠ જનરલ ઈલેક્શન જીત્યો હતો. હું ૧૯૮૫માં લેસ્ટર આવ્યો ત્યારથી મારા મતવિસ્તારની સેવા કરવી મારા માટે માન અને સદભાગ્ય રહ્યું છે. લેસ્ટર ઈસ્ટના લોકોએ મારા પ્રત્યે દર્શાવેલી વફાદારી અને સમર્થન બદલ હું તેમનો આભાર માનું છું. લેસ્ટર અને ખાસ કરીને લેસ્ટર ઈસ્ટના લોકો હંમેશા મારા દિલમાં વસેલા રહેશે.’

સંસદ અને પોતાના મતવિસ્તારને આપેલા શ્રેષ્ઠ યોગદાન વિશે લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને જણાવ્યું હતું,‘ રાજકારણમાં BAME લોકો વધુ સંકળાય તે માટેનો માર્ગ મોકળો કરવામાં તેમણે મદદ કરી છે. પાર્લામેન્ટમાં તેમની કામગીરી અનુકરણીય રહી છે. બ્રિટનના પ્રથમ મૂળ એશિયન મિનિસ્ટર તરીકે, ચેર ઓફ ધ હોમ અફેર્સ સિલેક્ટ કમિટી, ડાયાબિટીસની સમસ્યાઓના મુદ્દે કેમ્પેનર તરીકે અને છેલ્લે યમનમાં શાંતિ પ્રક્રિયામાં મદદરૂપ થવાના પ્રયાસમાં તેમની કામગીરી સારી રહી છે.

પાર્લામેન્ટમાં આયોજિત સમારોહમાં કિથના લગ્ન મારિયા ફર્નાન્ડિઝ સાથે થયા હતા. તેમને બે સંતાનો લ્યુક અને અંજલિ છે. બન્ને કેમ્બ્રીજ ગ્રેજ્યુએટ્સ છે અને હાલ ટ્રેઈની લોયર છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter