કુદરત અને સમાજ સામે ટક્કર ઝીલીને સંતાનસુખ પામતાં અવિવાહિત પન્ના વેકરીઆ

માતૃત્વ પામવા એક કચ્છી યુવતીએ કરેલા સંઘર્ષની પ્રેરણાદાયી કહાની

એક્સક્લુઝીવ ઇન્ટરવ્યુ: કોકિલા પટેલ Tuesday 27th February 2018 10:29 EST
 
પન્ના વેકરીઆ લાડલી દિકરી ખેવના સાથે
 

આવતા વીકે 'મધરર્સ ડે'નું પર્વ આવી રહ્યું છે. માતૃવંદના કરતા આ પર્વ નિમિત્તે માતૃત્વ ઝંખતી એક યુવતીએ લગ્નના માંડવે કોઇ પુરુષ સાથે સપ્તફેરા ફર્યા વગર જ કુંવારે માતા બનવાનું પસંદ કર્યું એના પાછળના કેટલાક કારણો જાણી અમે આપણા સમાજની એ યુવતીના પગલાને અને એની હિંમતને આવકારતો આ લેખ પ્રસિધ્‍ધ કરવા પ્રેરાયા છીએ. આવો બનાવ સાંભળી કે જોઇ આપણા સમાજના કેટલાકના ભવાં ઉંચા થઇ જાય અને ટીકાટિપ્પણી કરવા લાગી જાય પણ આ યુવતી સાથે થયેલી કેટલીક રસપ્રદ વાતો જાણી આપ સૌ એના પગલાને અવશ્ય આવકારશો એટલું જ નહિ તમને માન ઉપજશે.

બ્રિટનના એક સર્વેક્ષણ મુજબ સાતે એક દંપતિ પોતાનું સંતાન પેદા કરવામાં અસમર્થ બને છે. એની પાછળ અનેક કારણો છે. કયારેક પુરુષમાં તો કયારેક સ્ત્રીમાં શારીરિક ઉણપ હોઇ ત્યારે એ દંપતિ સંતાનવિહોણાં રહે છે. આજકાલ યુવતીઓ પોતાની કારકિર્દીને વધુ મહત્વની ગણી દાંપત્યજીવનને ઝાઝુ પ્રાધાન્ય આપતી નથી એટલે કે લગ્ન મોડા કરવામાં માને છે પરંતુ એ વિચારધારા કેટલેક અંશે ગેરલાભદાયક અથવા નુકશાનકારક પૂરવાર થઇ શકે છે.

સ્ત્રીની ઉંમર વધવા સાથે એ જ્યારે ૪૫ થી ૫૫ વર્ષની વયે પહોંચે ત્યારે કુદરતી રીતે જ મેનોપોઝ શરૂ થાય છે. સ્ત્રીના ઓઇસ્ટ્રોજન (oestorogen) એટલે કે પાવરફૂલ ફીમેલ સેક્સના હોર્મોન્સ જે મેચ્યોર ઇંડા ઉત્પન્ન કરે છે એનું લેવલ નીચું જતાં મેનોપોઝની શરૂઆત થાય છે. યુ.કે.ની સરેરાશ સ્ત્રીને લગભગ ૫૧ વર્ષે મેનોપોઝ શરૂ થતો હોવાનું મનાય છે પરંતુ ૧૦૦એ એક સ્ત્રીને ૪૦ વર્ષ પહેલાં જ મેનોપોઝની શરૂઆત થઇ જતી હોય છે. સ્ત્રીનું માસિકસ્ત્રાવ ૪૫ વર્ષ પહેલાં બંધ થઇજાય તો કુદરતી રીતે જ મેનોપોઝની શરૂઆત થઇ જતી હોય છે. એ વખતે સ્ત્રીની ઓવરીમાંથી અમુક લેવલ સુધીના ઓઇસ્ટ્રોજન હોર્મોન્સનું પ્રોડકશન બંધ થઇ જાય છે. જેને પ્રિમેચ્યોર ઓવરીન ફેલીયર અથવા પ્રાઇમરી ઓવરીયન ઇનસફીશ્યન કહી શકાય. સરળ ભાષામાં કહીએ તો મેનોપોઝ દરમિયાન સ્ત્રીની ઓવરીમાં એગ્સનું પ્રોડકશન ઓછું થઇ જાય અથવા સદંતર બંધ થઇ જાય એ પછી રીપ્રોડકટીવ લાઇફ બંધ થઇ જતી હોય છે. પ્રિમેચ્યોર ઓવરીયન ફેલીયર એ કૌટુંબિક વારસાગત પણ હોઇ શકે છે.

ઉપરોક્ત સર્વેક્ષણમાં જણાવ્યા મુજબ યુ.કે.માં ૧૦૦એ એક સ્ત્રીને ૪૦ વર્ષ પહેલાં મેનોપોઝ આવી જતો હોય છે એમાં આ કુંવારી જ માતા બનેલી યુવતી પન્ના વેકરીઆનો સમાવેશ થાય છે. આ હિંમતવાન પન્ના વેકરીઆ એટલે કચ્છી પટેલની પુત્રસમોવડી દીકરી. આપણા સમાજના અગ્રગણ્ય ઉદ્યોગપતિ અને જાણીતા સમાજસેવક દિવંગત અરજનભાઇ વેકરીઆની એ દીકરી છે. બે દીકરીઓના પિતા અરજનભાઇની આ મોટી દીકરી પન્ના એટલે દીકરાની ખોટ પૂરે એવી બાહોશ. હરહંંમેશ પિતાશ્રી અરજનભાઇ સાથે ખભેખભા મિલાવી વેપારધંધા અને સમાજસેવામાં સક્રિય રહેતી પન્નાને ઘણાએ જોઇ હશે. એવી આ પન્નાને ઘણા સમય પછી વેમ્બલીસ્થિત એના માતુશ્રી જયાબહેનને ઘરે મળવાનું થયું. પાર્કરોયલની વાસ્ક્રોફટની ઓફિસમાં અરજનભાઇની સાથે સતત કાર્યરત રહેતી પન્નાના ખોળામાં નાનકડી શી રૂપાળી બાળકીને જોઇ સહજભાવે પન્નાને પૂછ્યું, “ તેં કયારે લગ્ન કર્યાં?” ત્યારે કોઇપણ હિચકિચાટ વગર પન્નાએ કહ્યું, “આ મારી દીકરી છે પણ મેં લગ્ન નથી કર્યાં?!!!” મને આ સાંભળી થોડું આશ્ચર્ય થયું સાથે વધુ જાણવાની ઉત્કંઠા જાગી. કુંવારે જ માતૃત્વ ઝંખતી પન્નાને મોંઢેથી સાંભળેલી વાતો આપણી કેટલીક મહિલાઓના જીવન ઉજાગર કરે એવી છે. લંડનની યુનિવર્સિટીમાં સ્પોર્ટસ એન્ડ એક્સરસાઇઝ સાયન્સની ડિગ્રી મેળવનાર પન્ના મળવા જેવી ખુશમિજાજ દિકરી છે.

પન્ના કહે છે, “હું પાર્ક રોયલ સ્થિત અમારા ફેમીલી બીઝનેસમાં મારા પિતાશ્રી અરજનભાઇ અને મોટા બાપા શ્રી શશીકાન્તભાઇ સાથે સક્રિય રહેતી. એ વખતે અમારે બીઝનેસ મિટીંગ હોય ત્યારે ભરશિયાળે કડકડતી ઠંડીમાં મને અચાનક ખૂબ ગરમી લાગે, પરસેવો વળે એટલે હું ટેબલ નીચે બેસી જઇ પેપરથી પંખો નાખી ટાઢક મેળવતી. આવું અવારનવાર થતાં મેં મારા પિતા અરજણભાઇ સાથે ચર્ચા કરી. તબીબી નિરીક્ષણમાં મને ૩૪ વર્ષે જ મેનોપોઝ શરૂ થતો હોવાનું જણાયું. આપણી લેડીઝ આવી બાબતે ફેમીલી સાથે વાતચીત કરતાં શરમ અનુભવે છે પણ મેં મારા પિતાજીને આ વિષે વાત કરી. મને ખબર હતી કે મેનોપોઝ પછી માતૃત્વ મેળવવું અશક્ય છે. મારા જીવનમાં કોઇ પુરુષ-પ્રેમી હતો નહિ, લગ્ન માટે મનગમતો મૂરતિયો મળવો મુશ્કેલ તો ન હતો પણ મને મનમાં એક ભય હતો કે કદાચ મારા લગ્ન થાય અને મારી કૂખે કોઇ સંતાનનો જન્મ ના થાય તો મારે સાસરીયાનાં મેણાં કે ખોફગી વેઠવી પડે. આ બધું વિચારીને મેં મારા મિત્ર જેવા મારા પિતાજી સાથે ચર્ચા કરી કોઇ સ્પર્મ ડોનર (નર વીર્ય દાતા)ના શુક્રાણુ સાથે મારા એગ્સ ફર્ટાઇલ કરાવી મારી કૂખે સંતાનને જન્મ આપવાની મંજૂરી માંગી. આ બાબતે શરૂઆતમાં ફેમીલીમાં થોડો વિરોધ થયેલો પણ મારા પિતા અડગ રહ્યા. એ વખતે કોઇ શું કહેશે એવો વિચાર કરવાનો સમય ન હતો, મારે માટે સમય હાથમાંથી સરકી જતી રેતી જેવો હતો.”

પિતાજીના અણધાર્યા અવસાનથી વ્યથિત પન્નાને એપ્ટોપીક પ્રેગનેન્સીનો કટુઅનુભવ:

 પન્ના કહે છે કે, "પિતાજીની મંજૂરી મળતાં મેં લંડનમાં હોર્મોન સ્ટીમ્યુલેટ કરવા દવા લેવા માંડી. એ દરમિયાન મારા પરમસખા અને વાત્સલ્યમૂર્તિ પિતાશ્રીનો અણધાર્યો દેહાંત થયો. મારા જીવનમાં અણધાર્યો ઝંઝાવાત આવતાં હું ખૂબ ભાંગી પડી, મારી મનોસ્થિતિ અત્યંત કફોડી બની ગઇ. એ મુશ્કેલીભર્યા સમયમાંથી બહાર નીકળી હું ધીરે ધીરે સ્વસ્થ બની. એ પછી હું સેન્ટ્રલ લંડનના એક ક્લિનિકમાં ટ્રીટમેન્ટ લેવા ગઇ. અહીં સ્પર્મ ડોનર મળતાં બબ્બેવાર ફર્ટાઇલ ટ્રીટમેન્ટ માટે ટ્રાય કર્યો. ૨૦૧૫ના ઓકટોબરમાં મને એપ્ટોપીક પ્રેગનેન્સી થઇ એટલે કે બાળક માતાના એમબ્રીયો સાથે જોડાયેલું ના હોય પણ ગર્ભાશયની બહાર સાકાર થતું હોય. એ વખતે સેન્ટ્રલ લંડનની એક વિખ્યાત હોસ્પિટલમાં કી હોલ સર્જરી કરી ડોકટરે મારી ફિલોપીન ટયૂબ કાઢી નાખી. જો એમ ના કર્યું હોત તો મારા જીવને જોખમ હતું. ઓપરેશન કરાવીને હું ઘરે આવી ત્યારે રાત્રે હું ટોયલેટમાં ગઇ એ વખતે અચાનક જ કશું ટોયલેટમાં પડ્યું હોય એમ જણાતાં હું ગભરાઇ ગઇ પણ થેંક્સ ટૂ ગૂગલ !! આઇપેડ પર ગૂગલમાં વાંચ્યું કે મીસકેરેજ પછી હ્યુમન બોડીનું વેસ્ટ પ્રોડકટ બહાર નીકળતું હોય છે. ત્યારબાદ ૨૦૧૫ના ડિસેમ્બરમાં ટ્રીટમેન્ટ લીધી પણ એમાંય સફળતા ના મળી અને ફરી મીસકેરેજ થઇ ગયું. હું બધી જ ટ્રીટમેન્ટ મારા ખર્ચે પ્રાઇવેટ કિલનિકમાં કરાવતી હતી, મેં મમ્મી પાસે પૈસોય માંગ્યો નથી.”

“એપટોપીક પ્રેગનેન્સી પછી હું ખુબ દુ:ખી રહેવા લાગી. મને મનમાં અજંપો રહેતો કે કેટલાક પોતાના બાળકોને ટોર્ચર કરતા હોય છે અને મારે સંતાન જોઇએ છે ત્યારે ભગવાન મને દેતા નથી!!.”

“આ દરમિયાન મારી બહેન ખ્યાતિની બહેનપણીએ મને લંડનમાં એક થેરાપીસ્ટ પાસેથી Arvigo થેરાપી લેવાની સલાહ આપી. એમાં ખાસ ઓઇલ દ્વારા મહિલાએ પેટ પર મસાજ કેવી રીતે કરવો એ શીખવે, ઉપરાંત માથાનો મસાજ કરે અને સ્ત્રીને ખુરસી પર બેસાડી યોનિ મારફતે સ્પેશીયલ હર્બલ સ્ટીમ આપે. દરમિયાન મારા કઝીનના લગ્ન હોવાથી હું ક્રિસ્ટલ ખરીદવા ગઇ ત્યાં ક્રિસ્ટલ થેરાપી આપતા હોવાનું જાણ થતાં મેં ક્રિસ્ટલ થેરાપી લીધી. આમ ધીરે ધીરે મારી મનોસ્થિતિ બરોબર થઇ એ દરમિયાન હું અને મારી એક ખાસ બહેનપણી સેરોગસી અને બાળક દત્તક લેવાની વાતો કરતા હતા ત્યારે તેણીએ ગૂગલ પર સ્પેનના ફર્ટીલીટી ક્લિનિકની વાત કરતાં અમે તપાસ કરી સંપર્ક કર્યો અને મને હકારાત્મક જવાબ મળ્યો. એ લોકોએ કહ્યું કે, તું તૈયાર હોય ત્યારે સ્પેન આવી જા.”

સ્પેનમાં માતૃત્વનું સ્વપ્ન સાકાર બન્યું:

“૨૦૧૬ના મે મહિનામાં હું સ્પેન ગઇ. ત્યાં હું ત્રણ દિવસ રહી. દરમિયાન ફર્ટીલીટી ક્લિનિકમાં સિરીન્જ વડે મારી ઓવરીમાંથી એગ્સ લીધાં. ત્યાર પછી ડોનરની શોધ કરી. મને એ વખતે પૂછ્યું કે તારે કેવું બાળક જોઇએ છીએ? મેં કહ્યું કે મારે કોઇ ઉંચાઇ ધરાવતો હોય એવો ડોનર જોઇએ છે. ઉપરાંત તેઓએ મારી ફેમીલીનો ફોટો માગ્યો. એ લોકો તમારી ફેમીલીના વ્યક્તિને અનુરૂપ ડોનર શોધે છે. એવો ડોનર મળ્યા પછી એના સ્પર્મ સાથે તમારા જે એગ્સ લીધા હોય એ ખાસ લેબોરેટરીમાં ફર્ટાઇલ કરે. ખાસ કરીને આઠ થી છ એગ્સને ફર્ટાઇલ કરે. એ ફર્ટાઇલ થતાં એકાદ બે વીક લાગે. એ દરમિયાન તમારા હોર્મોન્સ વધારવા દવા લેવી પડે છે. એ લોકો દવા આપે એ અંગે સતત માર્ગદર્શન આપતા રહે છે. સ્પેનિશ ક્લિનિકનું કોમ્યુનિકેશન્સ ખુબ સરસ છે. ડોનરના સ્પર્મ સાથે તમારા એગ્સ સફળતાપૂર્વક ફર્ટાઇલ થઇ જાય એટલે ફરીથી ક્લિનિકમાં બોલાવે. એ વખતે તમને તેઓ પૂછે કે તમારે ફર્ટાઇલ થયેલાં એક એગ જોઇએ કે બે એગ્સ? મારે બે જોડિયાં સંતાન જોઇતા હતાં પણ કમનસીબે એકમાં જ સફળતા સાંપડી.”

સ્પેનના ક્લિનિકમાં તમારે એગ્સ આપ્યા પછી ત્યાં રહેવું પડે ખરું? એનો પ્રત્યત્તર આપતાં પન્નાએ કહ્યું કે, “હું લંડનથી સવારે ફલાઇટ લઇ સ્પેન ક્લિનિકમાં જતી અને સાંજની ફલાઇટમાં પરત આવી જતી. પન્ના કહે છે કે જ્યારે આ ફર્ટાઇલ એગ્સ તૈયાર થયાં ત્યારે મને ફોન કરી બોલાવી હતી ત્યારે સવારે જઇ સાંજે લંડન પાછી આવી ગઇ હતી. '

અજાણ્યા ડોનરના સ્પર્મ સાથે ફર્ટાઇલ થયેલા એગ્સને કેવી રીતે ગર્ભમાં મૂકાય?

“પન્ના કહે છે કે, “જ્યારે તમારા ગર્ભાશયમાં એ ફર્ટાઇલ થયેલ એગ્સનું પ્રત્યારોપણ થાય ત્યારે એ ક્લિનિકની લેબ એકદમ સ્ટેરલાઇઝડ્ હોય. એ વખતે તમારે કોઇ મેકઅપ કે પરફયુમ કંઇજ વાપરવાનું નહિ. તમારે ન્હાઇ-ધોઇ એકદમ સ્વચ્છ બનીને લેબમાં જવાનું હોય છે. એ વખતે તમને માઇક્રોસ્કોપ સાથે જોડાયેલા કેમેરાથી બતાવે કે આ ફર્ટાઇલ થયેલાં એગ તમારામાં મૂકીએ છીએ. એ જોઇને એક ગજબનો રોમાંચ, લાગણી અનુભવાય છે. ત્યારબાદ સિરીન્જ વડે એ ફર્ટાઇલ એગ તમારી યોનિ (વજાઇનલ) માર્ગે ગર્ભાશયમાં મૂકી દેવાય છે. આ પ્રોસીઝર ચાલતી હતી એ વેળાએ હું મનમાં શ્રી હનુમાન ચાલીસાના પાઠ બોલતી હતી કારણ બબ્બેવાર હું નાસીપાસ થયા પછી દાદા મારા ઉપર અસીમકૃપા વરસાવે એ માટે.”

“પન્ના કહે છે કે, મને પોઝીટીવ પરિણામ મળતાં હું હોલીડે કરવા ગઇ અને મેના અંતમાં લંડનના હાર્લી સ્ટ્રીટના એક ક્લિનિકમાં સ્કેન કર્યું ત્યારે ગર્ભમાં બેબીને શ્વાસ લેતી સાંભળી હું ભાવવિભોર બની ગઇ. મારાં મમ્મી આદરણીય જયાબહેન આ બધાથી તદ્ન અજાણ હતાં. મને ત્રણ મહિના થયા પછી અમે બન્ને બહેનોએ મમ્મીને ક્લિનિકમાં લઇ જઇને સરપ્રાઇઝ કર્યાં હતાં. હું પ્રેગનેન્સી દરમિયાન ડાયાબેટીક હતી એટલે ખાવાપીવામાં ખૂબ જ ધ્યાન રાખતી. મારા ગર્ભમાં રહેલ મારા સંતાનને સી સેકશન અથવા સીઝેરીયન ઓપરેશન કરીને જન્મ આપવો નહતો. મારે કુદરતી રીતે સૂવાવડનું દર્દ સહન કરીને જન્મ આપવાની ઇચ્છા હતી પણ એ શક્ય બની શક્યું નહિ. ડોકટરોએ ૨૦૧૭ના એપ્રિલમાં બેબી જન્મશે એવી તારીખ આપી હતી પણ મારું બ્લડપ્રેશર ખુબ વધી જતાં અને પેશાબમાં પ્રોટીનની માત્રા વધી જતાં મારે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. એપ્રિલના અંતમાં ડ્યુ ડેટ હોવાથી મેં સૌ પ્રેગનેન્ટ મહિલાઓ બેગ તૈયાર કરે એમ નવજાત બેબી કે મારા માટે મેં કોઇ તૈયારી કરી નહોતી પણ એકાદ વીક અગાઉ મારી કઝીન બહેનોએ હઠાગ્રહ કરીને બેગ તૈયાર કરેલી એ મને કામ લાગી. મને સેન્ટ્રલ લંડનની હોસ્પિટલમાં દાખલ થવા ડોકટરે તાકીદ કરી અને નર્સો, મીડવાઇફ મને ઓપરેશન થિયેટરમાં લઇ જવાની તૈયારી જ કરતાં હતાં ત્યાં વેસ્ટમિનિસ્ટર બ્રીજ પર આતંકી હુમલો થતાં સૌ તબીબો ઘવાયેલા દર્દીઓની સારવારમાં વ્યસ્ત થઇ ગયા. “

ઇશ્વરેચ્છા અતિ બળવાન એ આનું નામ!! એપ્રિલની ડ્યુ ડેટ હતી પણ મારે માર્ચની ૨૦-૨૧ના દિવસે તાત્કાલિક દાખલ થવું પડ્યું. અંતે મારા પિતાશ્રી અરજનભાઇનો ૨૩ નવેમ્બરે દેહાંત થયેલો બરોબર એ જ તારીખે ૨૩ માર્ચે મારી કૂખે સુંદર પ્રિન્સેસ જેવી મારી દીકરીએ જન્મ લીધો. સિઝેરીયનથી ઉપાડેલી દીકરીને મીડવાઇફે સાફ કરી મારી છાતી ઉપર મૂકી ત્યારે ટગર ટગર મને જોઇ રહેલી દીકરીને જોઇ મારી આંખમાંથી દડદડ આંસુ સરી પડ્યાં. એ રાત્રે હું હોસ્પિટલના બેડ પર એકલી સૂતી હતી અને દીકરીનું મકર રાશિ પર નામ શું રાખવું એમ વિચારતી હતી ત્યારે ગૂગલમાં નામ શોધતાં સંસ્કૃતમાં મને ખેવના (Wish) નામ ખૂબ ગમ્યું એટલે મેં પરી જેવી દીકરીનું નામ ખેવના અરજની વેકરીઆ રાખ્યું છે.”

ખેવનામાં સ્નેહપૂર્વક ભારતીય સંસ્કારનું સિંચન કરતો પરિવાર:

ખેવના હવે માર્ચમાં વર્ષની થવા આવી છે. પન્ના સાથે મારો વાર્તાલાપ ચાલતો ત્યારે મોટા હોલમાં ઘૂંટણિયે ચાલતી ખેવના ખુશખુશાલ ઘડીક નાનીમા જયાબેન સાથે તો ઘડીક અમારી સાથે આવી નાનાજી અરજનભાઇની તસવીર સામે આંગળી ચિંધી એની કાલીઘેલી ભાષામાં કંઇક કહેવા મથતી હતી. બાળસહજ ખેવનાએ ચપટીમાં વીણી કશું ક મોંઢામાં મૂકયું ત્યારે પન્નાએ અસલ કચ્છી ભાષામાં બૂમ પાડી "તેં શું ખાધું? પૂછ્યું ત્યારે કાલીઘેલી ભાષામાં જવાબ આપતી ખેવના ભલભલાને વહાલી લાગે એવી દેખાતી હતી. એનું ધ્યામ બીજે વાળવા પન્નાએ મોબાઇલ ફોન પર ગુજરાતી ગરબા વગાડ્યા તો ખેવનાને તાળીઓ પાડતી જોઇ ખૂબ આનંદ આવ્યો. પન્નાએ કહ્યું કે, "હરેકૃષ્ણ મંદિરમાં હું અવારનવાર લઇને જાઉં ત્યારે પણ સૌની સાથે પલાંઠીવાળી ધૂનમાં તાળીઓ પાડતી ખુશ થાય છે. આજની મોર્ડન મમ્મીઓની જેમ પન્ના ખેવનાને સ્વીમીંગ અને કિન્ડરગાર્ડનની એકટીવીટીમાં પ્રવૃત્ત રાખે છે. આનંદી રહેતી ખેવના ઉપર મામા-મામીઓ, માસીઓ, માસાજીઓ અને નાનાજી-નાનીમા ખૂબ વહાલ વરસાવે છે. ખેવનાને ભવિષ્યમાં કોઇ સ્વાસ્થ્યની તકલીફ ઉભી થાય તો એ માટે પન્નાએ સ્ટેમ શેલ ફ્રીઝ કરાવી દીધાં છે.

ફરી માતૃત્વ મેળવવા કટીબધ્ધ પન્ના કહે છે ખેવના એકાદ વર્ષની થઇ જાય પછી હું મારી કૂખે બીજા બાળકને જન્મ આપવા માગું છું. એ માટે મેં મારા એગ્સને ફ્રીજ કરાવી રાખ્યાં છે.

પન્ના તારે શું લગ્ન કરવાની ઇચ્છા ન હતી? એનો ઉત્તર આપતાં એ કહે છે કે, “મારે લગ્ન કરવાં હતાં અને હજુ પણ લગ્ન કરવા ઉત્સુક છું. કમભાગ્યે મારું બાયોલોજીકલી કલોક ઝડપભેર ટીક ટીક કરી રહ્યું હતું અને મારે હોર્મોન્સનો પ્રોબલેમ વધતો જતો હતો એટલે મેં આ માર્ગ અપનાવ્યો હતો. ધારો કે મેં ઉતાવળે લગ્ન કરી લીધાં હોત અને હોર્મોન્સને કારણે સંતાન આપી શકી ના હોત તો સાસરીપક્ષવાળા આખી જિંદગી મને મેણાં મારત. આપણા સમાજમાં સ્ત્રીની કૂખે બાળક ના જન્મે તો તેને વાંઝણી, અપશૂકનિયાળ જેવા અપશબ્દો વડે એ સ્ત્રીનું જીવતર દોઝખ બનાવી દેવાય છે. સંતાનસુખ પ્રાપ્ત નહિ કરનાર દંપતિઓમાં સ્ત્રીઓની જેમ કેટલાક પુરુષો પણ જવાબદાર હોય છે. જેમ કેટલીક સ્ત્રીઓની ઓવરીમાં એગ્સનું પ્રોડકશન ઓછું કે થતું નથી એમ કેટલાક પુરુષોમાં પણ સ્પર્મ ઉત્પાદનની ક્ષમતા ઓછી હોય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter