કેન્યન એશિયનોની હિજરત અને યુકેમાં તેમનો પુનર્વસવાટ

Thursday 12th September 2019 01:33 EDT
 
 

જે પ્રણેતાઓએ પોતાના સંઘર્ષથી સિદ્ધિઓ હાંસલ કરી છે તેમને આદરાંજલિ અર્પવાના નમ્ર પ્રયાસરૂપે આ સપ્તાહે લવાજમી ગ્રાહકોને અમારા ‘કેન્યા સ્પેશિયલ’ મેગેઝિનની નકલ રવાના કરાઈ છે. આ મેગેઝિનમાં આલેખિત લેખોમાં વ્યક્તિગત પરિવારો અને યુકેના સામાજિક-આર્થિક પોતમાં તેમના પ્રદાનની માહિતી અપાઈ છે. આ વ્યક્તિઓની સફળ કથાઓને નોંધવાનો મુખ્ય હેતુ ભારતની ભૂમિ પરથી કેન્યા અને કે પછી યુકે સ્થળાંતર કરી ગયેલા આપણા વડવાના કઠોર પરિશ્રમ, ધીરજ અને નિર્ધાર વિશે આપણી ભાવિ પેઢીઓને શિક્ષિત કરવા અને પ્રેરણા આપવાનો છે. ઓશવાલ, કચ્છીઓ તેમજ અન્ય ઉદ્યોગ સાહસિક કોમ્યુનિટીઓના પ્રદાનને પૂરતો ન્યાય અમારે આપવો જોઈતો હતો પરંતુ સમયના દબાણના કારણે અમે ડાયસ્પોરાને આગળ વધારનારા પરંતુ ઓછા જાણીતા વ્યક્તિઓની કથા નોંધવા શક્તિમાન થયા નથી.
અમે મીડિયાના મુખ્ય પ્રવાહમાં ભાગ્યે જ ચર્ચાતા ઇતિહાસના પ્રકરણોને સમયબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે સ્પોટ્સ, રાજકારણ તેમજ અન્ય ક્ષેત્રોમાં કેન્યન એશિયનોના યોગદાનને સ્થાન આપી શક્યા નથી. વધુ નિરીક્ષણથી અમને જણાયું છે કે મહાત્મા ગાંધી, ડો. રાધાકૃષ્ણ અને ઈંદિરા ગાંધી જેવા પ્રભાવી ભારતીય વ્યક્તિત્વોની કેન્યાની મુલાકાત વિશેના લેખો પણ આપી શક્યા નથી. ઘણા લોકો કદાચ એ બાબતથી માહિતગાર નહીં હોય કે ભારત સરકાર દ્વારા કેન્યન આફ્રિકનોને શિક્ષણ મળે તેમજ તે પ્રદેશોમાં વિકાસ સર્જાય તે માટે સંખ્યાબંધ સ્કોલરશીપ આપવામાં આવતી હતી. અમને ખેદ છે કે આ એડિશનમાં અમે આ બધુ પ્રસિદ્ધ કરવામાં સફળ થયા નથી. પરંતુ ભવિષ્યમાં આ વિષય પર ફરીથી માહિતી આપવાની આશા રાખીએ છીએ. આ પ્રક્રિયામાં આગળ વધવા માટે અમને તમારા સપોર્ટની જરૂર છે તેમજ આ મેગેઝિન વિશે આપના પ્રતિભાવોમાં અમને સહભાગી બનાવશો. મેગેઝિનના કથાવસ્તુ કે વિચારો જે અમે સમાવી શક્યા નથી તેમ જ જેની ચર્ચામાં આગળ વધી શકાય છે તે વિશે અમને જણાવશો.
કેન્યન એશિયનોની હિજરતનો અભ્યાસ કરવાનો તેમજ યુકેમાં તેમના પુનવર્સનના વિશ્લેષણનો પ્રિન્ટ મીડિયામાં આ પ્રથમ પ્રયાસ છે. અમારી આ પહેલમાં માહિતી પૂરી પાડીને તેમજ તેમાં ભાગ લઈને એક કદમ આગળ આવનારા તમામ વ્યક્તિઓનો હું આભારી છું.
- સી. બી. પટેલ, પ્રકાશક-તંત્રી


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter