ક્રિમિનલ રિસ્પોન્સિબિલિટી માટે વય વધારવા લોર્ડ ધોળકિયાની હિમાયત

Tuesday 12th September 2017 11:28 EDT
 
 

લંડનઃ ક્રિમિનલ રિસ્પોન્સિબિલિટીની વય વધારવા માટે લોર્ડ નવનીત ધોળકિયાના બિલ પર હાઉસ ઓફ લોર્ડ્સમાં શુક્રવારે ચર્ચા હાથ ધરાઈ હતી. આ બિલ હવે ચકાસણી માટે કમિટી સમક્ષ જશે. લોર્ડ ધોળકિયાના બિલનો હેતુ ગુનાઈત જવાબદારી માટેની વય ૧૦ વર્ષથી વધારી ૧૨ વર્ષ કરવાનો છે, જેથી ઈંગ્લેન્ડ અને વેલ્સના કાયદા અન્ય યુરોપીય દેશોની સુસંગત બની રહે. અત્યારે સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ માટે પણ નાના ગણાતા બાળકો સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે અને તેમનો ગુનાખોરીનો રેકોર્ડ તૈયાર થાય છે. ૧૦ વર્ષનો બાળક ગંભીર હિંસક અને સેક્સ્યુઅલ ગુના તેમજ ઘરફોડ ચોરી સહિતના ‘ગંભીર ગુના’ આચરે તેની સામે પુખ્ત વય માટેની ક્રાઉન કોર્ટમાં કાર્યવાહી થાય છે.

ગુનાઈત જવાબદારીની વય વધારવા અથાક અભિયાન ચલાવી રહેલા લોર્ડ ધોળકિયાએ ચર્ચા દરમિયાન યુરોપના અન્ય દેશોમાં વયમર્યાદાનો ઉલ્લેખ કરતા ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર તેની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ નિભાવી રહી નથી. યુનાઈટેડ નેશન્સની રાઈટ્સ ઓફ ચાઈલ્ડ કમિટીએ પણ વારંવાર જણાવ્યું છે કે ગુનાઈત જવાબદારી માટેની આપણી લઘુતમ વયમર્યાદા આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસારની નથી. ગયા વર્ષે પણ યુકેએ આ મુદ્દે લઘુતમ વય વધારવી જોઈએ તેવી ટકોર કરાઈ હતી.

લોર્ડ ધોળકિયાએ કહ્યું હતું કે નાની વયે ક્રિમિનલ પ્રક્રિયાનો હિસ્સો બનવાથી બાળકોએ આઘાતમાંથી પસાર થવું પડે છે. આવા બાળકો મુખ્યત્વે નબળા ઉછેર, શારીરિક કે સેક્સ્યુઅલ શોષણ, પરિવારોમાં સંઘર્ષ કે માનસિક આરોગ્યની સમસ્યાઓનો શિકાર બન્યાં હોય છે. ક્રિમિનલ રેકોર્ડ ઉભો થવાથી તેમનું ભવિષ્ય બગડે છે અને રોજગારી મેળવવામાં મુશ્કેલી નડે છે. બાળકોને અપરાધ આચરે તેમાંથી બચાવવા કલ્યાણકારી હસ્તક્ષેપ કરવા જોઈએ.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter