ક્રીમેટોરિયમ્સને મેટલ બોડી પાર્ટ્સ વેચવામાં જંગી કમાણી

Wednesday 13th March 2019 03:24 EDT
 
 

લંડનઃ હવે શરીરમાં જ્યારે પણ જોઇન્ટ્સ તૂટે છે ત્યારે મેટલની પ્લેટ્સ કે બોલની મદદથી જોડવામાં આવે છે. જોકે, માનવીના મૃત્યુ પછી શરીર પંચમહાભૂતમાં મળી જાય છે ત્યારે મેટલનાં અંગો ભઠ્ઠીમાં રહી જાય છે. બ્રિટનનાં સ્મશાનગૃહોએ આ વિશે ઘણું સંશોધન કરીને એમાંથી પણ કમાણી કરવાનું શરૂ કર્યું છે.

ની-રિપ્લેસમેન્ટ, હિપ જોઇન્ટ રિપ્લેસમેન્ટ, પેસમેકર કે અન્ય મેટલ-પ્લેટ્સ શરીરમાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યાં હોય છે. એ ટાઇટેનિયમ અને કોબાલ્ટ જેવા હાઈ ગ્રેડ મેટલનાં હોય છે. આ મેટલ ખૂબ મોંઘી અને રીસાઈકલ થઈ શકે એવી હોય છે. બ્રિટનનાં સ્મશાનગૃહોમાંથી વર્ષે લગભગ ૬૬ ટન જેટલી હાઈ ગ્રેડ મેટલનાં બોડી-પાર્ટ્સ નીકળે છે. ક્રીમેટોરિયમમાં લગભગ ૪૦૦થી ૫૦૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું તાપમાન હોવા છતાં ટાઇટેનિયમ ધાતુની સ્ક્રુ, પ્લેટ, સોનાના દાંત અને અન્ય બોડી પાર્ટ્સ વગેરે જરાય બગડતાં નથી. બ્રિટનનાં લગભગ ૨૬૦ ક્રીમેટોરિયમે મોંઘી ધાતુના રિસાઈકલીંગ માટે ખાસ યોજના શરૂ કરી છે. માનવસર્જિત સાંધાઓનું ચલણ વધી રહ્યું હોવાથી ૨૦૧૮ના વર્ષમાં તો લગભગ ૬૬ ટન જેટલી ધાતુની ચીજો એકત્ર થઈ હતી.

ઓર્થોમેટલ્સ નામની એક ડચ કંપનીએ આ ચીજોનું રીસાઇક્લિંગ કરવાનું શરૂ કર્યું છે અને વર્ષે બે વાર એ દરેક ક્રીમોટોરિયમમાંથી ધાતુનાં આવાં પાર્ટ્સ એકઠા કરી લે છે. ગયા વર્ષે એમાંથી ૧.૭ મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ ૧૬ કરોડ રૂપિયા ઊપજ્યા હતા. ઊપજેલી રકમ મેડિકલ ચેરિટી માટે ઉપયોગમાં લેવાય છે અને રિસાઈકલ થયેલી મેટલ ઓટોમોબાઈલ અને ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter