ક્વીને કોવિડના ગાળામાં કોમ્યુનિટીની સેવા કરનારા વિમલ પંડ્યાનો આભાર માન્યો

Wednesday 24th March 2021 06:31 EDT
 
 

લંડનઃ માર્ચ ૨૦૨૦માં કોરોના વાઈરસ વિકરાળ પંજો પ્રસારી રહ્યો હતો ત્યારે સાઉથ લંડનના રોધરહીથમાં કન્વીનિયન્સ સ્ટોરમાં કામ કરતા મૂળ ગુજરાતી વિમલભાઈ પંડ્યાએ કોમ્યુનિટી માટે મદદનો હાથ લંબાવ્યો હતો. તેમણે વાઈરસના હુમલાના પ્રથમ સપ્તાહથી જ ૫૦થી વધુ પરિવારોની મદદ કરવા સાથે સ્થાનિક સમુદાય માટે હીરો તરીકે ઉભરી આવ્યા હતા. ગુજરાતના વડોદરા શહેરના મૂળ નિવાસી વિમલભાઈ પંડ્યાના ઉમદા કાર્યોની ક્વીને પણ નોંધ લઈ આભાર વ્યક્ત કરતો પત્ર પાઠવ્યો હતો

ગત વર્ષે આ સમયગાળામાં પરિસ્થિતિ ગંભીર બની રહી હતી તેમજ ચોતરફ ભય અને અરાજકતાનું વાતાવરણ ફેલાયેલું હતું. તેમણે સમુદાય, વૃદ્ધો તથા જરુરિયાતમંદ લોકોને શોપિંગ, ડિલિવરી સહિત અનેક કાર્યોમાં મદદ કરી હતી. વિમલ પંડ્યા છેલ્લા ૧૦ વર્ષથી હલાઈ જનરલ સ્ટોર (બેસ્ટ-વન)માં કામ કરે છે અને સમુદાય અંગે સારી જાણકારી ધરાવે છે. વિમલભાઈ કહે છે કે ‘આ ડિલિવરીઝ માટે મને કશી ચૂકવણી થઈ નથી કે નફાની પણ વાત ન હતી. દરેક જણ સલામત અને બરાબર હોય તેની ચોકસાઈ રાખવાની વાત હતી. હું બધાને ઓળખું છું. કોને ફેમિલીનો સપોર્ટ છે, કોણ એકલું રહે છે તે બધાની મને જાણ હતી. દરેક પાસે પરિવારને, બાળકોને કે ખુદને ખવડાવવા સામગ્રી હોય તેમજ તેઓ એકલા નથી અને તેમનો કોઈ ગેરલાભ ન ઉઠાવે તેની ચોકસાઈ જરુરી હતી.’

​​​​​​​કોવિડ મહામારીના મુશ્કેલ સમયમાં કરાયેલી શ્રેષ્ઠ કામગીરી બદલ યુકેના મહારાણીએ ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ વિમલ પંડ્યાનો આભાર વ્યક્ત કરવા સાથે પ્રશંસા કરતો એક પત્ર પાઠવ્યો હતો. ક્વીન વતી સર કેનેથ ઓલિસા OBE તરફથી પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે અમે વિમલ વિશે સાંભળ્યું છે અને લંડનના રોથેરહિથમાં તેની તથા તેના દ્વારા જે સમુદાયોની મદદ કરવામાં આવી છે તેમની મુલાકાત કરી હતી.

‘જીવનને અસામાન્ય યોગદાન’ બદલ ક્વીનનો આભાર માનતો પત્ર મળવાથી તેઓ લાગણીશીલ બની ગયા હતા અને આંખમાં આંસુ ઉભરી આવ્યા હતા. તેમણે ક્વીન અને સર કેનેથનો પણ આભાર માન્યો હતો. ગત જુલાઈમાં વિમલ પંડ્યાના જન્મ દિવસ નિમિત્તે સ્થાનિક સમુદાયના ૧૦૦ લોકોએ તાળીઓ પાડી તેમને બિરદાવ્યા હતા. તેઓ આજે પણ કોમ્યુનિટીની મદદ કરી રહ્યા છે અને દરરોજ ૨૦ લોકોને મદદ કરે છે. તેઓ વાહન હંકારતા ન હોવાથી પગે ચાલીને બધી ડિલિવરી કરતા હતા અને ઘણી વખત આ કામગીરી રાતના ૧૧.૩૦ સુધી પણ ચાલતી હતી.

સ્થાનિક જનરલ સ્ટોરમાં કામ કરતા વિમલભાઈ અનેક લોકોને તેમની શોપિંગ ડિલિવરીને તેમના ઘર સુધી પહોંચાડવા, તેમના પ્રિસ્ક્રીપ્શન્સને મેળવવા તથા સુપરમાર્કેટ્સમાંથી તેમને જરૂર હોય તેવી અન્ય શોપિંગ માટે મદદ કરી રહ્યા છે. આ ઉપરાંત, કોરોના મહામારીના આ સમયમાં તેમને કોઈ મુશ્કેલી હોય તો તેને પણ દૂર કરવા કામ કરે છે. વિમલને તેમની ગર્લફ્રેન્ડ રોહિણીએ આ ઉમદા કાર્ય માટે પ્રેરણા આપી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter