ક્વીન દ્વારા મૂળ ગુજરાતી અશોક જે. રાભેરુને અતિ પ્રતિષ્ઠિત KCVO ની નવાજેશ

Tuesday 14th June 2022 15:45 EDT
 
 

લંડનઃ ગુજરાતના સૌરાષ્ટ્રમાં પારિવારિક મૂળિયાં ધરાવતા ચેરિટી સપોર્ટર અને IT ચીફ અશોક જીવરાજ રાભેરુને ક્વીન એલિઝાબેથ દ્વિતીયના જન્મદિનના ઓનર્સ લિસ્ટ 2022માં નાઈટહૂડની નવાજેશ કરાઈ છે. ડ્યૂક ઓફ એડિનબરા યુકે (DofE UK)એવોર્ડ્સ સંબંધિત 25 વર્ષથી વધુ સમયની કામગીરીની કદરરૂપે તેમને નાઈટ કમાન્ડર ઓફ ધ રોયલ વિક્ટોરિયન ઓર્ડર (KCVO)ના બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા છે.

નાઈટહૂડ બ્રિટિશ રાજાશાહી દ્વારા છેક મધ્યકાલીન સમયથી અપાતા સૌથી સર્વોચ્ચ ઈનામ-અકરામોમાં એક છે. સરકાર, રાજકારણીઓ સહિતની માહિતીના બાહ્ય પ્રભાવ વિના ક્વીન દ્વારા જ આ બક્ષિસ જાહેર કરાય છે. KCVO ઘણું સીનિયર કક્ષાનું નાઈટહૂડ છે અને સર અશોક રાભેરુ આ સન્માન પ્રાપ્ત કરનારા પ્રથમ ભારતીય હોવાનું મનાય છે. આ સન્માન પ્રાપ્ત કરનારા પુરુષો સત્તાવારપણે ‘મિ.’ના સ્થાને ‘સર’ ટાઈટલનો ઉપયોગ કરી શકે છે.

નામદાર મહારાણીએ વર્ષ 2011માં સર અશોકને કમાન્ડર ઓફ ધ રોયલ વિક્ટોરિયન ઓર્ડર તરીકે નિયુક્ત કર્યા હતા અને એ જ વર્ષે તેમને ડેપ્યુટી લેફ્ટનન્ટ ઓફ બકિંગહામશાયર તરીકે નિયુક્તિ અપાઈ હતી. અશોક જે. રાભેરુએ વર્ષ 2000થી ડિસેમ્બર 2010 સુધી DofE UK એવોર્ડ્સના ટ્રસ્ટી તરીકે સેવા આપી હતી અને 2006માં DofE UK એવોર્ડ્સની 50મી વર્ષગાંઠે પ્લાનિંગ અને ભંડોળ એકત્રીકરણના સ્ટિઅરિંગ ગ્રૂપના અગ્રણી સભ્ય રહ્યા હતા. તેઓ 2010થી DofE UK તેમજ ઈન્ટરનેશનલ જોઈન્ટ ફંડિંગ બોર્ડના ચેરમેનના હોદ્દા પર છે. તેમણે યુવા વર્ગની ગર્ભિત ક્ષમતાને બહાર લાવવા પ્રયાસ કરનારા પ્રિન્સ ફિલિપ, ડ્યૂક ઓફ એડિનબરાની શતાબ્દી નિમિત્તે પણ અથાક મહેનત કરી હતી. સર અશોક હાલ અર્લ ઓફ વેસેક્સ, પ્રિન્સ એડવર્ડની સાથે વિશ્વમાં યુવાવર્ગ માટે અનૌપચારિક શિક્ષણ અને જ્ઞાનના મહત્ત્વ મુદ્દે જાગરૂકતા ઉભી કરવાના ત્રણ વર્ષના અભિયાન ‘ધ ફાઉન્ડર્સ 100 લિગસી ફંડ’ માટે કાર્ય કરી રહ્યા છે

સર અશોક જે રાભેરુએ જણાવ્યું હતું કે,‘હર મેજેસ્ટી પાસેથી આ અંગત એવોર્ડ મેળવતા હું ધન્યતા અનુભવી રહ્યો છું. DofE UK એવોર્ડ કાર્ય કરે અને પ્રગતિ સાધે તેના માટે ઘણા વોલન્ટીઅર્સે પ્રયાસો કર્યા છે. તેમાં ભાગ લેવો મારા માટે પ્રિવિલેજ રહ્યું છે અને મને તેમાં સતત ખુશી મળતી રહી છે.’ પ્રિન્સ ફિલિપ દ્વારા 1956માં ધ ડ્યૂક ઓફ એડિનબરા‘સ એવોર્ડ પ્રોગ્રામની સ્થાપના કરાઈ હતી જે ભારત સહિત 140થી વધુ દેશોમાં ફેલાયેલો છે

અશોક રાભેરુના પિતાનો જન્મ કેશોદમાં અને માતાનો જન્મ જૂનાગઢ જિલ્લાના બિલ્ખામાં થયો હતો. તેમના પેરન્ટ્સ ટાન્ઝાનિયામાં સ્થળાંતર કરી ગયા હતા. ટાન્ઝાનિયાના મોરોગોરો ખાતે 1952માં જન્મેલા અશોક રાભેરુએ 15 વર્ષની વયે યુકેમાં સ્થળાંતર કર્યું અને યુનિવર્સિટી કોલેજ લંડન ખાતે ફિઝીક્સમાં BScનો અભ્યાસ હાથ ધર્યો હતો. તેમણે રોયલ હોલોવે કોલેજમાંથી એપ્લાઈડ મેથેમેટિક્સ વિષયમાં M Phil કર્યું તેમજ લંડન યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પણ મેળવ્યો હતો.

સર અશોકે 1985માં માત્ર પાંચ કર્મચારી સાથે સરેમાં વર્તમાન જેનિસીસ ગ્રૂપ ઓફ IT સર્વિસીસ કંપનીની સ્થાપના કરી હતી. જેનિસીસ ગ્રૂપની ત્રણ ખંડોમાં ઓફિસો છે અને 1100થી વધુ લોકો તેમાં નોકરી કરે છે. સર અશોક હાર્ટ ઓફ બક્સ સહિતની અનેક ચેરિટીઝ, યુનિવર્સિટી કોલેજ લંડન અને ઈમ્પિરિયલ કોલેજ લંડન, કોમ્બેટ સ્ટ્રેસ અને જેવી મેડિકલ રિસર્ચ સંસ્થાઓના સક્રિય સમર્થક હોવાની સાથે જ એશિયન કોમ્યુનિટી માટે કામ કરે છે. તેઓ કચડાયેલા વર્ગના બાળકોનાં શિક્ષણ, આરોગ્ય અને તકોને સુધારવામાં મદદ કરવા સતત કાર્યરત રહે છે.

સર અશોક સ્પોર્ટ્સના ઉત્સાહી પ્રશંસક છે અને ક્રિકેટના સપોર્ટર રહેવાની સાથે જ સક્રિય ગોલ્ફર પણ છે. તેમના લગ્ન હર્ષિદાબહેન સાથે થયા છે અને તેઓ ત્રણ સંતાનો- નિકિતા, રિશિ અને શયનના ગૌરવશાળી પેરન્ટ્સ છે. તેમણે સૌપ્રથમ વખત 1990માં ભારતની મુલાકાત લઈ રાજકોટ જિલ્લાના વીરપુર મંદિરના દર્શન કર્યા હતા. તેઓ દેશ અને પરિવારલક્ષી સંસ્કૃતિના પ્રેમમાં પડી ગયા હતા અને તેમણે ભારતમાં બિઝનેસ વિસ્તારવાનો નિર્ણય લીધો હતો. આ પછી તેમણે બેંગલુરુમાં ઓફિસ ખોલી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter