ગ્રેટ બ્રિટનના લોહાણાઓની ગૌરવશાળી ગાથા

સુભાષ વી. ઠકરાર Thursday 29th November 2018 05:59 EST
 
 

લોહાણા સમાજના ઈતિહાસ સંબંધે મારા લેખ અનેક લોકોએ વાંચ્યા હશે અને તેના વિશે જાણતા પણ હશે. મારા મિત્ર હસુ માણેકની સાથે અમે આ રસપ્રદ ઈતિહાસનો અભ્યાસ કરતા રહ્યા છીએ અને આ અદ્ભૂત ઈતિહાસનો આધારભૂત રેકોર્ડ તૈયાર કરી શકાય તે માટે અમે નેધરલેન્ડ્સ યુનિવર્સિટીના પ્રોફેસર જિસ્બર્ટ ઓન્કનો નિષ્ણાત સહયોગ પણ મેળવ્યો છે.

આપણી કોમ્યુનિટીના એક વડીલ અગ્રણી દિવંગત શ્રી હરિભાઈ સામાણી સાથે અમે ચર્ચાઓ કરતા હતા તેમાંથી જ લોહાણાઓના ઈતિહાસ વિશે અમારો રસ જાગૃત થયો હતો. અમે તો તેમની સાથેની મુલાકાતો ટેપરેકર્ડ પણ કરી હતી. અમે ઓક્સફર્ડ યુનિવર્સિટીનાં ડો. કેથેરાઈન પ્રાયરની સેવા પણ લીધી હતી, જેમણે બ્રિટિશ હિસ્ટરી લાયબ્રેરીમાંથી લોહાણા સંબંધિત રેકોર્ડ્સ મેળવી આપ્યાં હતાં. અમે લોહાણાઓ વિશે ઈંગ્લિશમાં સંક્ષિપ્ત રિપોર્ટ તૈયાર કરવા માટે કેટલાક ગુજરાતી પુસ્તકોનો અનુવાદ કરવા રેડીંગ યુનિવર્સિટીના પ્રોફેસર રોહિત બારોટની પણ મદદ મેળવી હતી.

આપણા ઈતિહાસ વિશે વધુ શોધખોળ કરવામાં અમે સતત વ્યસ્ત રહ્યા છીએ. ઘણા યુવાન લોહાણાઓ અથવા લોયસ (Louis) આ સુંદર ઈતિહાસથી પરિચિત ન હોય તે સ્વાભાવિક છે. મને આશા છે કે જેના વિશે પુસ્તક તૈયાર અથવા તો ડોક્યુમેન્ટરી પણ તૈયાર કરી શકાય તેવા ઈતિહાસ વિશે નોંધપાત્ર માહિતી આ લેખથી મળી રહેશે. આજે ગ્રેટ બ્રિટનના લોહાણાઓ ભારે ગૌરવશાળી અને ઠરીઠામ કોમ્યુનિટી-સમાજ છે. તેમણે આફ્રિકા અને યુ.કે.માં અનેક કોમ્યુનિટીઓમાં વ્યાપકપણે બિઝનેસ, પોલિટિક્સ અને સખાવત સહિત વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર નેતૃત્વનું પ્રદર્શન કર્યું છે.

આ એ સમુદાય અથવા સમાજ છે, જેણે યુકેમાં ગત ૫૦ વર્ષના અસ્તિત્વમાં અપાર આર્થિક સમૃદ્ધિ સાધી છે. યુકેમાં આશરે ૬૦,૦૦૦ લોહાણા છે અને મોટા ભાગના તો યુગાન્ડામાંથી ૧૯૭૨માં કરાયેલી વ્યાપક હકાલપટ્ટીના કારણે અહીં આવ્યા છે. બ્રિટનના ઈતિહાસમાં આદર્શ ઈમિગ્રન્ટ ગ્રૂપ તરીકે આ કોમ્યુનિટીએ પાર્લામેન્ટના બંને ગૃહો દ્વારા પ્રશંસા પ્રાપ્ત કરી છે.

લોહાણા સમુદાયના લોકોએ બિઝનેસીસ સ્થાપવામાં અને વ્યાપક સફળતા હાંસલ કરવા માટે ભારે જહેમત ઉઠાવી છે. શરુઆતમાં તો આ બિઝનેસીસ દુકાન સ્વરુપે જ હતા, જે સપ્તાહના સાતેય દિવસ મોડે સુધી ખુલ્લી રહેતી હતી. ખરેખર તો, રવિવારે પણ દુકાન ખોલવાની પ્રથા આ સમુદાય દ્વારા જ શરુ કરાઈ હતી, જે આગળ જતાં વિશાળ બિઝનેસ ચેઈન્સે અપનાવી લીધી હતી. મોટી ચેઈન્સ સામે સ્પર્ધા છતાં, આ લોકોએ નાણા બનાવ્યા હતા! આ અભૂતપૂર્વ સફળતાનાં નોંધપાત્ર ઉદાહરણોમાં ધામેચા કેશ એન્ડ કેરી, વી બી એન્ડ સન્સ, પોપટ સ્ટોર્સ, એચટી ગ્રૂપના ઠકરાર, સુગંધના બિઝનેસ સાથે જટાણીઆ બ્રધર્સ, અને ટિલ્ડા રાઈસના ઠકરારનો સમાવેશ થાય છે. ઘણા લોકોએ જૂના વેપારધંધાથી અલગ ચીલો ચાતરીને પણ હરણફાળ ભરી હતી, જેમાં રમેશભાઈ સચદેવ, પોપટ પરિવાર, અને સાઈ રામ નર્સિંગ હોમ્સ એન્ડ હોટેલ્સનો સમાવેશ થાય છે. ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો, આપણી સમક્ષ લેક્સોન ગ્રૂપના નીતિન સોઢા, કેમલાઈન્સ ગ્રૂપના કારિઆઝ અને વેરમોસ ગ્રૂપના ચોટાઈ બ્રધર્સ તરી આવે છે. હોટેલ સેક્ટરમાં ભટેશા અને ચતવાણી બ્રધર્સ છે. સમગ્ર વિશ્વમાં નોંધપાત્ર હાજરી સાથે માધવાણી અને મહેતાના બિઝનેસ હાઉસીસ તો દંતકથા સમાન છે. ઘણા લોહાણાઓને શ્રેષ્ઠ શિક્ષણનો લાભ મળ્યો છે અને વિશાળ બેન્કિંગ અને પ્રોફેશનલ જૂથોનો હિસ્સો બનવા સુધીની પ્રગતિ સાધી છે. બેન્કિંગમાં લોર્ડ જિતેશ ગઢિયા અને બેરોનેસ વડેરા, કાનૂન વ્યવસાયમાં સુનીલ ગઢિયા, મેડિકલ સેક્ટરમાં પ્રોફેસર સર નિલેશ સામાણી અને ભીખુ કોટેચાનો આ નોંધપાત્ર સિદ્ધિધરોમાં સમાવેશ થાય છે. એકાઉન્ટિંગ, ડેન્ટલ, ફાર્માસ્યુટિકલ અને મેડિકલ સેક્ટર સહિત તમામ વ્યાવસાયિક ક્ષેત્રોમાં અપ્રતિમ સફળતા હાંસલ કરનારાની સંખ્યા વિશાળ છે.

ઉદાર હાથે સખાવત કરનારાઓમાં લોહાણાઓનો જોટો જડે તેમ નથી. વિવિધ સંસ્થાઓ અને મંદિરોમાં સખાવત માટે તેઓ જાણીતા છે. થોડાંક ઉદાહરણ જોઈએ તો, વેમ્બલીના સનાતન મંદિરનું નેતૃત્ત્વ કરતા નરેન્દ્રભાઈ ઠકરાર, ક્રોલીના મંદિરમાં પિયૂષ ચોટાઈ, લંડનના જલારામ મંદિરના રશ્મિ ચતવાણી, લેસ્ટર જલારામ મંદિરના પ્રમોદ ઠક્કર, નીસડન BAPS સ્વામીનારાયણ મંદિરના વિનુભાઈ ભટેશા અને નીતિન પલાણ OBE નો નામોલ્લેખ અવશ્ય કરાય. આ ઉપરાંત, દિવંગત મનુભાઈ માધવાણી, ગોપાલભાઈ પોપટ અને ધનજીભાઈ તન્ના અને જિજ્ઞાસુ સત્સંગ મંડળના રામબાપા જેવા પીઢ અગ્રણીઓ પણ છે, જેઓ સક્રિય હતા ત્યારે તેઓએ વર્ષો સુધી અનેક ચેરિટેબલ સંસ્થાઓનું નેતૃત્ત્વ સંભાળ્યું હતું. આ સાથે યુવાન વયે ઈસ્ટ આફ્રિકામાં પ્રણેતા સાહસિક અને ભારતમાં ઉદાર હાથે સખાવતનો ધોધ વહાવનારા નાનજી કાલિદાસ મહેતાને યાદ કરવા જ પડે.

રાજકીય ક્ષેત્રની વાત કરીએ તો આપણી સમક્ષ લોર્ડ ડોલર પોપટ, લોર્ડ જિતેશ ગઢિયા જેવા ધૂરંધરો તેમજ આશાસ્પદ રાજકારણીઓ કિશન દેવાણી અને રેશમા કોટેચાના નામ તરવરે છે. મનોરંજન ક્ષેત્રમાં ભારે હરણફાળ ભરી રહેલા નીતિન ગણાત્રા છે. મને લાગે છે કે નેતૃત્ત્વ, ઉદ્યોગસાહસિકતા અને સખાવતના ગુણો આજના લોહાણાઓના લોહીમાં જ વહે છે. કોઈ પણ વાતાવરણ સાથે અનુકૂળ થઈ રહેવાની તેમની ક્ષમતા તેને ભારે તાકાત બક્ષે છે. મારા મતે તેમના આ ગુણો તેમના પૂર્વ ઈતિહાસમાંથી આવ્યા છે.

આશરે ૫૦૦ વર્ષ અગાઉ, લોહાણાઓ લડવૈયા વર્ગના હતા, જેમણે પ્રાચીન ભારતના ઉત્તરના પ્રદેશો એટલે કે વર્તમાન ઉઝબેકિસ્તાન અને અફઘાનિસ્તાનનું રક્ષણ કર્યું હતું. તેમણે વિવિધ રાજ્યોનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જે આજે લોહાણાઓની ઘણી અટકથી ઓળખાતા થયા હતા. આમાં ઠક્કર, ઉનડકટ, સચદેવ, ચંદારાણા તેમજ અન્યોનો સમાવેશ થાય છે.

લોહાણાઓ અને રાજા પોરસે ગ્રીસના મહાન એલેકઝાન્ડર એટલે કે સિકંદરના આક્રમણનો સામનો કર્યો હતો. એ તો હકીકત છે કે એલેકઝાન્ડર કદી ભારત પર વિજય મેળવી શક્યો નહિ અને તેના ઘણા સૈનિકો ભારતમાં જ રહી ગયા અને લોહાણાઓ સાથે તેમનો મેળજોળ થયો. આધુનિક વૈજ્ઞાનિક પુરાવાઓ દર્શાવે છે કે લોહાણાઓ એક માત્ર ગુજરાતી સમુદાય છે જેઓ થેલેસેમિયા નામે લોહીની વિકૃતિ ધરાવે છે અને આ થેલેસેમિયાની વધુ મોટી વાહક ગ્રીક પ્રજા છે. આથી, બંને વચ્ચે લોહીનો સંબંધ હોવાની સંપૂર્ણ સંભાવના છે. અન્ય ગુજરાતીઓની સરખામણીએ લોહાણાઓ અલગ જ શારીરિક કદ-કાઠી અને ત્વચાનો રંગ ધરાવે છે. લોહાણાઓ ભાગ્યે જ મોટા જમીનદાર કે ખેતી ધરાવનારા રહ્યા છે. આનું કારણ એ છે કે લોહાણાઓ ગુજરાતમાં બહારથી આવીને વસેલા ઈમિગ્રન્ટ્સ હતા, જ્યાં તેમણે વર્તમાનકાળના ગુજરાતી બનવાનું અનુકૂલન સાધી લીધું હતું!

મેં જ્યારે મારા ડીએનએ (DNA)નું પરીક્ષણ કરાવ્યું તો, રસપ્રદ બાબત એ હતી કે તેમાં આઠ ટકા હિસ્સો આફ્રિકન છે, જે મોટા ભાગની માનવજાત માટે સામાન્ય છે, પરંતુ ૨૫ ટકા હિસ્સો મેડિટેરેનિયન છે જે ગ્રીક કનેક્શન દર્શાવે છે. DNAનો બાકીનો હિસ્સો એશિયન કૂળનો છે. હું મારા વાચકોને તેમના ડીએનએ પરીક્ષણનો અને તેનું પરિણામ શું આવે છે તે અમને જણાવવાનો અનુરોધ કરું છું. લોહાણાઓ ઉત્તરથી સ્થળાંતર કરીને પાકિસ્તાનના વર્તમાન મુલતાન વિસ્તારમાં આવ્યા હતા, જ્યાં તેમણે લાહોરઘાટ નામના કિલ્લાનું રક્ષણ કર્યું હતું. આના પરિણામે તેઓ લાહોરના તરીકે ઓળખાતા થયા અને તે આગળ જતાં વર્તમાનમાં લોહાણા તરીકે ઓળખાયા. આજે પણ પાકિસ્તાનમાં લોહાણાઓ વસે અને પોતાને લુવાણા તરીકે ઓળખાવે છે. દુઃખની બાબત એ છે કે મોટા ભાગનાએ ધર્માન્તર કરી ઈસ્લામ અપનાવવાની ફરજ પડી હતી.

તમામ ખોજાઓ અને મેમણો તો લોહાણામાંથી જ ધર્માન્તર કરીને આવ્યા છે. લોહાણાઓએ તે સમયમાં પણ ઈસ્લામ ધર્મ અપનાવવાનું શા માટે પસંદ કર્યું તે હજુ મારા માટે ભારે આશ્ચર્ય જેવું છે. આનું એક નોંધપાત્ર ઉદાહરણ પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી ઝીણા ગણાવી શકાય, જેમના પરિવારે લોહાણામાંથી ખોજા તરીકે ધર્માન્તર કર્યું હતું. આનું કારણ જાણવા હું ડો. હરિ દેસાઈ, પ્રોફેસર ઓન્ક અને પ્રોફેસર પલાણ જેવા અનેક ઈતિહાસવિદોને પ્રશ્ન કરતો રહ્યો છું.

આના સંભવિત ખુલાસાઓ એ હોઈ શકે કે આશરે ૪૦૦ વર્ષ અગાઉ, ભારત પર મોગલોનું શાસન હતું. લોહાણાઓએ ઉત્તરમાં કેટલીક લડાઈઓ ગુમાવી હતી અને દક્ષિણ તરફ સ્થાળાંતર આરંભ્યું હતું. આખરે તેઓએ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટના વિસ્તારોમાં વસવાટ કર્યો હતો. લડવૈયા તરીકેનો તેમનો વ્યવસાય હવે ઉપયોગી રહ્યો ન હતો અને ઘણાએ વૈશ્ય એટલે કે વેપારી બની જવાનો નિર્ણય કર્યો હતો. કોમ્યુનિટી માટે આ સમય અતિ ગરીબીનો હતો કારણકે સૈનિકો માટે નોકરી મેળવવી સરળ ન હતી કે વેપાર શરુ કરવાની એટલી કાબેલિયત પણ ન હતી. તેમણે આર્થિક રીતે અસ્તિત્વ જાળવવું આવશ્યક હતું. આ કારણે જ તેમણે ધર્માન્તર સ્વીકાર્યું હશે, જેથી તત્કાલીન શાસકોની અમીનજર મેળવી શકાય. આ સમય એવો હતો, જ્યારે ઈમામ અથવા ગુરુના ઉપદેશો મઅને માર્ગદર્શનમાં ખાસ તફાવત ન હતો. આથી, જેમની સાથે પ્રથમ મુલાકાત થઈ અને જેમનાથી પ્રભાવિત થયા તેનું તેમણે અનુસરણ કર્યું હતું. આ પછીના વર્ષોમાં પણ ગરીબીના કારણે જ ઘણા લોહાણાઓએ આફ્રિકા જેવાં અજાણ્યા મુલકમાં જવાનું સાહસ કર્યું હતું. અહીં પણ તેઓ અનુકૂલન સાધી સ્થિર થયા અને બિઝનેસમાં સફળતા હાંસલ કરી હતી.

આ તમામ બાબત કોઈ પણ નવા વાતાવરણમાં અનુકૂલન સાધવાની લોહાણાઓની મહાન ક્ષમતાનું દર્શન કરાવે છે. આજે પણ આ નોંધપાત્ર ક્ષમતા યથાવત છે. સામાન્યપણે એ જોવાં મળ્યું છે કે જે સમાજમાં રહેતા હોઈએ તે નવા સમાજની આદતો અને આનંદ-મોજશોખ સાથે સમરસ થઈ તેને અપનાવી લેનારાઓમાં લોહાણાઓ આગળ પડતા છે. આમાં, ક્લબોમાં જોડાવા તેમજ મોંઘી કાર અને ઘરનો આનંદ માણવાનો પણ સમાવેશ થાય છે. જોકે, ચોક્ક્સપણે આ તમામ બાબતો સારી નથી કે તે વખાણવાપાત્ર પણ નથી.

રાજવી ઠાઠ કે લડાયક વર્ગની પશ્ચાદભૂ ધરાવતી કોમ્યુનિટી સ્વાભાવિકપણે વધુ ઉદાર હોય છે. આજે પણ આ ગુણો રાજવી વર્ગમાં જોવાં મળે છે. આપણે તો યુકેના સમાજમાં બ્રિટિશ ગુજરાતી લોહાણા તરીકે ગૌરવ સાથે પ્રસ્થાપિત સમુદાયના અનોખા અને દિલચસ્પ ઈતિહાસને મુગ્ધતા સાથે જ નિહાળી શકીએ.

આપણે અરસપરસ વધુ સારા પરિચિત બનીએ!

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ બ્રિટિશ એશિયનોનો અવાજ છે. ભારતીય ઉપખંડમાં મૂળિયાં ધરાવતા બ્રિટિશ એશિયનો યુકેના રહેવાસી છે અને હવે સાઉથ એશિયન તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં વર્તમાન દેશો ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ, ભૂતાન, શ્રી લંકા, નેપાળ અને માલદીવ્ઝનો સમાવેશ થાય છે. સુભાષ ઠકરારનો આ લેખ માત્ર માત્ર માહિતીપ્રદ નથી, તે પ્રેરણાદાયી પણ છે. આપણે બધા તેમના પુસ્તકમાંથી એક પાન લઈએ અને નવીન પ્રકરણ, એકબીજાને જાણવાની અને સમજવાની પહેલ આરંભીએ. તમારી કોમ્યુનિટી અને તેના ઈતિહાસ પર પ્રકાશ પાડો. આનો કોઈ ચાર્જ નથી. જેમને આમાં રસ હોય તેઓ સી.બી. પટેલનો [email protected] પર સંપર્ક કરે અને તમારા અને તમારી કોમ્યુનિટી સંબંધે નાનકડો પરિચય મોકલી આપે.

સુભાષ વી ઠકરાર

ચેરિટી ક્લેરિટીના સ્થાપક,

લંડન ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ ચેરમેન,

વિવિધ કંપનીઓ અને ચેરિટી સંસ્થાઓમાં નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter