ચૂંટણીની જાહેરાત અંગે એશિયન સાંસદો અને ઉમરાવોના પ્રતિભાવ

રુપાંજના દત્તા Wednesday 19th April 2017 06:29 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન થેરેસા મેએ આઠ જૂને મધ્યસત્ર ચૂંટણી યોજવાની જાહેરાત કરી તેનાથી એશિયન કોમ્યુનિટીના સાંસદો અને ઉમરાવો તેમજ સામાન્ય નાગરિકો પણ ભારે આશ્ચર્યમાં પડી ગયા હતા. ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા તેમના પ્રતિભાવો મેળવવામાં આવ્યા હતા.

વિરેન્દ્ર શર્મા MP લેબર પાર્ટીઃ સાંસદ વિરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે લેબર પાર્ટી પાર્લામેન્ટમાં જે દબાણ સર્જી રહી છે તેના ભયથી જ વડા પ્રધાને ચૂંટણીની જાહેરાત કરી છે. હું અને લેબર પાર્ટી તત્કાળ સામાન્ય ચૂંટણીને આવકારીએ છીએ. આનાથી થેરેસા મે જે વિભાજક નીતિઓ અને હાર્ડ બ્રેક્ઝિટને અનુસરી રહ્યાં છે તેના વિશે પોતાનો અવાજ દર્શાવવાની દેશને તક સાંપડશે. આઠ જૂને પ્રજાને કરકસર અને મિલિયોનેર્સને લહાણી વચ્ચે સાચી પસંદગી કરવા મળશે. લોકોને ટોરી પાર્ટીની NHS, નોકરીઓ અને બ્રેક્ઝિટ નીતિઓ જોઈતી નથી. અમે ઈલિંગ, સાઉથોલમાં હજારો લોકોને ટોરી પોલિસીઓથી થયેલા નુકસાનની સમજ આપીશું

સીમા મલ્હોત્રા MP લેબર પાર્ટીઃ સાંસદ સીમા મલ્હોત્રાએ પ્રતિભાવમાં જણાવ્યું હતું કે,‘આ એવાં વડા પ્રધાન છે જેમણે દેશના હિતો નહિ પરંતુ માત્ર પોતાનાં હિતો પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શિક્ષણમાં અસમાનતા વધી રહી છે, બજેટમાં ધનવાનો જ લાભ મેળવે છે, NHSને ભંડોળની તાકીદની જરુરિયાત છે અને યુવાનોની સેવાઓ પર કાપ મૂકાય છે તેવા સમયે વડા પ્રધાને વિભાજન વધારવા પર નહિ, મલમ ચોપડવા પર ધ્યાન આપવું જોઈએ.’ તેમણે ટ્વીટ કરી હતી કે,‘ આપણી સહિયારી સમૃદ્ધિ, સામુદાયિક સંવાદિતા, આપણી NHS, આપણા બાળકોના સારાં શિક્ષણ માટે હું ફરીથી ફેલ્ધામ એન્ડ હેસ્ટોનના સાંસદ બનવા માટે ઉમેદવારી કરીશ.’

લોર્ડ ભીખુ પારેખ લેબર પાર્ટીઃ લોર્ડ ભીખુ પારેખે તત્કાળ ચૂંટણીની જાહેરાતના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે,‘તત્કાળ ચૂંટણી ચોક્કસ કારણોસર ટોરી પાર્ટીને પસંદ છે. તેને લેબર પાર્ટીની સમસ્યાઓનો લાભ લેવા તેમજ ભાવિ આર્થિક પતનને ટાળવા મળશે. તેનાથી દેશને કોઈ લાભ થવાનો હોવાનું મને દેખાતું નથી. દેખીતી રીતે જ વડા પ્રધાનનાં નિર્ણય પાછળ પાર્ટીને ટુંકા ગાળાના લાભની ગણતરીઓએ મોટી ભૂમિકા ભજવી હોવાનું જણાય છે. આમ થયાનો મને ખરેખર અફસોસ છે. હું આશા રાખું છું કે આ જાહેરાત લેબર પાર્ટીને પોતાના ઘરને સમું કરવા અને વર્તમાન નેતાગીરી હેઠળ એકસંપ થવાની તક આપશે.’

લોર્ડ નવનીત ધોળકિયા લિબ-ડેમ પાર્ટીના ડેપ્યુટી લીડરઃ હાલ ભારતના પ્રવાસે ગયેલા લોર્ડ નવનીત ધોળકિયાએ જણાવ્યું હતું કે,‘આઠ જૂને સામાન્ય ચૂંટણી યોજાશે તેનો મને આનંદ છે. યુરોપિયન યુનિયન અંગેના રેફરન્ડમના પરિણામોથી યુકેનું રાજકારણ વિઘટિત હોવાનું સ્પષ્ટ થયું હતું. વ્યાપક વિશ્વમાં આપણા ભવિષ્ય વિશે પ્રજામત વિભાજિત છે. આ ચૂંટણી આપણા દેશની દિશા બદલવાની તક આપશે. ગત રેફરન્ડમ પછી લિબરલ ડેમોક્રેટ્સની સભ્યસંખ્યા ઘણી વધી છે. જનરલ ઈલેક્શનની જાહેરાત પછી જ ૧,૦૦૦ સભ્ય અમારી સાથે જોડાયા છે. દેશને સ્થિર અને અર્થપૂર્ણ વિપક્ષની જરૂર છે,જે આપવામાં લેબર પાર્ટી નિષ્ફળ રહી છે. હવે મોટી સંખ્યામાં યુવાનો મત આપી શકે તેમ છે. હાર્ડ બ્રેક્ઝિટે તેમને નિરાશ કર્યા છે. લિબરલ ડેમોક્રેટ્સ જેમાં માને છે તેવા ખુલ્લા, સહિષ્ણુ અને એકસંપ વિશ્વમાં પોતાનું ભવિષ્ય ઘડવા મત આપવાની તેમની પાસે તક છે.’

પ્રીતિ પટેલ, ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરીઃ પ્રીતિ પટેલે વડા પ્રધાનની ચૂંટણી જાહેરાતને આવકારતાં કહ્યું હતું કે,‘બ્રિટનને બ્રેક્ઝિટ દરમિયાન અને તે પછી પણ મજબૂત અને સ્થિર નેતૃત્વની જરૂર છે તે હાંસલ કરવા વડા પ્રધાને જનરલ ઈલેક્શનની હાકલ કરી છે તે સર્વથા યોગ્ય છે. કન્ઝર્વેટિવ પાર્ટી બ્રિટનને મજબૂત નેતાગીરી, ચોક્કસતા અને ઈયુની બહાર સફળ ભવિષ્ય માટેની સ્પષ્ટ યોજના ઓફર કરે છે. સામાન્ય ચૂંટણી દરમિયાન હું વિથામ મતક્ષેત્રમાં પ્રચાર કરવાં ઉત્સુક છું.’

આલોક શર્મા MP અને ફોરેન કોમનવેલ્થ ઓફિસમાં મિનિસ્ટરઃ સાંસદ આલોક શર્માએ પ્રતિભાવમાં જણાવ્યું હતું કે,‘ વડા પ્રધાન થેરેસા મે ગત જુલાઈ મહિનાથી દેશને મહાન ઉદ્દેશ અને વિશિષ્ટતા સાથે આપણા દેશની નેતાગીરી સંભાળી રહ્યાં છે અને આ જનરલ ઈલેક્શન પણ બ્રેક્ઝિટ અને તે પછીના સમયગાળામાં આપણને આગળ લઈ જવા દેશને જે મજબૂત અને સ્થિર નેતૃત્વ જોઈશે તેના વિશે જ છે. રાષ્ટ્રીય હિતમાં થેરેસા મે અને કન્ઝર્વેટિવ પાર્ટી હેઠળ મજબૂત અને સ્થિર નેતૃત્વ અથવા જેરેમી કોર્બીનના વડપણમાં નબળી ગઠબંધન સરકાર, દેશ માટે પસંદગી આનાથી વધુ સ્પષ્ટ ન હોઈ શકે.’

લોર્ડ ડોલર પોપટઃ હાલ ક્યુબાના પ્રવાસે ગયેલા લોર્ડ ડોલર પોપટે જણાવ્યું હતું કે ‘બ્રેક્ઝિટ આપણા દેશનું નવઘડતર કરવા માટે સુંદર તક છે. બ્રેક્ઝિટ સમયગાળામાં દેશને આગળ લઈ જવા મજબૂત રાજકીય નેતૃત્વ આપણી પાસે હોય તે મહત્ત્વનું છે. આપણે તાજેતરના મહિનાઓમાં જોયું છે તેમ અન્ય રાજકીય પક્ષો સરકારને પડકારવા અને મહત્ત્વ ઘટાડવા તકવાદનો સહારો લેશે. આથી હું વડા પ્રધાનનાં નિર્ણયનું સમર્થન કરું છું.’

શેલૈષ વારા MP ઃ સાંસદ શૈલેષ વારાએ જણાવ્યું હતું કે,‘હું આ નિર્ણયને આવકારું છું. જે લોકોએ રેફરન્ડમમાં બ્રેક્ઝિટ તરફે મત આપ્યો તેમણે સ્પષ્ટપણે બ્રિટન માટે દિશા અને લોકોની ઈચ્છા દર્શાવી હતી. વિપક્ષ અને હાઉસ ઓફ લોર્ડ્ઝના નહિ ચૂંટાયેલા સભ્યો બ્રિટન માટે જે શ્રેષ્ઠ છે તેનો વિરોધ કરી રહ્યા છે. જનરલ ઈલેક્શનથી કન્ઝર્વેટિવ પાર્ટીને બહુમતીનું નક્કર સમર્થન સાંપડશે અને બ્રિટનની પ્રજાએ જે માગ્યું છે તે આપવામાં અમને મદદ મળશે.’

કાઉન્સિલર અમીત જોગીઆઃ બ્રિટનમાં સૌથી યુવાન કાઉન્સિલરોમાં એક અમીત જોગીઆએ જણાવ્યું હતું કે,‘હું જનરલ ઈલેક્શનના ન્યૂઝને આવકારું છું કારણકે તેનાથી બધા પક્ષોને બ્રેક્ઝિટ અંગે તેમની દરખાસ્તો આગળ મૂકવાની તક મળશે. બ્રેક્ઝિટ પછી મિસિસ મેની નેતાગીરી સ્થિરતા જાળવી રાખવા માટે મહત્ત્વની છે. ઈયુ સાથે આપણી આખરી સમજૂતી સધાય તેની સામે મત આપવા લેબર પાર્ટીએ ધમકી આપી છે, લિબરલ ડેમોક્રેટ્સે ગત રેફરેન્ડમના પરિણામોને હજુ સ્વીકાર્યા નથી અને SNP તો યુનાઈટેડ કિંગ્ડમના ભાગલા પાડવા માગે છે. આ ચૂંટણી દેશને તેનો અવાજ સંભળાવવાની તક આપશે. હું અંગતપણે કહું છુ કે બ્રેક્ઝિટને મજબૂત નેતૃત્વની જરૂર છે અને માત્ર મિસિસ મે અને કન્ઝર્વેટિવ પાર્ટી જ તે આપી શકશે.’


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter


અમારા માટે અમૂલ્ય છે આપનો અભિપ્રાય

વાચક મિત્રો,

યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલાં દિપાલી લિંબાચીયા હાલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’માં અખબાર પ્રકાશન ક્ષેત્રે કામગીરીનો અનુભવ મેળવી રહ્યા છે. તેમણે વાચકોની પસંદ-નાપસંદ, તેમને ગમતા વિષયોની જાણકારી મેળવવા એક નાનકડી પ્રશ્નોતરી તૈયાર કરી છે. આપ આપના કિંમતી સમયમાંથી થોડીક મિનિટો ફાળવીને આ પ્રશ્નોત્તરીના જવાબ આપશો તો અમે આપના આભારી થઇશું.

- પ્રશ્નોત્તરીનો ઓનલાઇન જવાબ આપવા માટે ક્લિક કરો આ વેબલિન્કઃ http://www.abplgroup.com/AAA-Assets/R-D/Dipali-Limbachia


- તંત્રી