જલિયાંવાલા બાગ હત્યાકાંડ માટે યુકે સરકાર પાસે માફીની માગ

Monday 13th November 2017 11:03 EST
 
 

લંડનઃ ભારતમાં ૧૯૧૯માં થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડને યોગ્ય રીતે ઉજાગર કરવા અને યુકેના વડાપ્રધાન દ્વારા આ ઘટના અંગે માફીની માગણી સાથે વીરેન્દ્ર શર્મા MPએ પિટિશન શરૂ કરી હતી. પિટિશન પર અત્યાર સુધીમાં ૫૩૭ લોકોએ હસ્તાક્ષર કર્યા છે. તે (https://petition.parliament.uk/petitions/203680) વેબસાઈટ પર મૂકાયેલી છે.

વીરેન્દ્ર શર્માએ ગુજરાત સમાચાર- એશિયન વોઈસને જણાવ્યું હતું,‘ હું શક્ય તેટલા વધુ લોકોને આ પિટિશન પર હસ્તાક્ષર કરવા વિનંતી કરું છું. જલિયાંવાલા બાગ હત્યાકાંડથી ભારતમાં બ્રિટિશ શાસનના અંતની શરૂઆત થઈ હતી અને આ ઘટના સમગ્ર વિશ્વ માટે આઘાતજનક હતી. ઈતિહાસના આ શરમજનક સમયગાળા વિશે ખૂબ ઓછા લોકો જાણતા હશે. તે ઘટનાના શતાબ્દિ વર્ષમાં આ હત્યાકાંડ વિશે ધ્યાન દોરવાનું અને તેના વિશે તમામ સ્કૂલોના બાળકોને શીખવવાનું યોગ્ય રહેશે તેમ હું માનું છું.’

પિટિશન પર હસ્તાક્ષરોની સંખ્યા ૧૦,૦૦૦ પર પહોંચશે તો સરકારને વિધિસર જવાબ આપવો પડશે અને ૧૦૦,૦૦૦ પર પહોંચશે તો સંસદમાં તેની ચર્ચા કરવી પડશે.

પિટિશનમાં જણાવાયું છે કે ‘૧૯૧૯માં થયેલા જલિયાંવાલા હત્યાકાંડ માટે બ્રિટિશ સરકાર માફી માગે.૧૯૧૯માં કર્નલ ડાયરે તેના જવાનોને ગોળીબારનો આદેશ આપતા શાંતિપૂર્વક દેખાવો કરી રહેલા અંદાજે ૧,૦૦૦ લોકો માર્યા ગયા હતા. તે વખતે વિન્સ્ટન ચર્ચિલે આ હત્યાકાંડને ‘અમાનુષી’ ગણાવ્યો હતો. બ્રિટિશ સરકારે ડાયરના પગલાને વખોડ્યું હતું પરંતુ અત્યાર સુધી કોઈ માફી માગી ન હતી. હવે માફી માગવાનો સમય છે.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter