જાયે તો કૈસે જાયે? બે સરકારોના રાજકારણમાં ભીંસાતી સામાન્ય પ્રજા

- જ્યોત્સના શાહ Wednesday 06th October 2021 05:02 EDT
 
 

ભારત સરકારે હવે બ્રિટનથી આવતા પ્રવાસી માટે ૧૦ દિવસના ક્વોરેન્ટાઇન તેમજ ત્રણ RT-PCR રિપોર્ટની (એક ભારતપ્રવાસના ૭૨ કલાક પહેલાં, બીજો ભારત પહોંચ્યા બાદ અને ત્રીજો, ભારતમાં ક્વોરેન્ટાઇન થયાના આઠમા દિવસે) આકરી કોરોના ગાઇડલાઇન લાગુ કરી છે. આ અંગે અભિપ્રાયો મેળવવા અમે કેટલાક ટ્રાવેલ એજન્ટોનો સંપર્ક કર્યો. અને તેમને પ્રશ્નો પૂછયાઃ • બ્રિટન સરકાર અને ભારત સરકારે લાગુ કરેલા કોરોના નિયમો અંગે તમારું શું માનવું છે? • શું આનાથી ટ્રાવેલ બિઝનેસ પર અસર પડી શકે છે? • બધું અનલોક થઇ રહ્યું છે ત્યારે આવા આકરા નિયમો કેટલા સુસંગત ગણી શકાય? વાંચો એમના પ્રતિસાદ.

ઉપરોક્ત પ્રશ્નો અમે સાઉથોલ ટ્રાવેલના શ્રી જયમિનભાઇ બોરખેતરિયાને પૂછ્યા. રીટેઇલ સેલમાં સૌથી મોટું નામ સાઉથોલ ટ્રાવેલનું છે. એમણે જણાવ્યું કે, શરૂમાં બ્રિટીશ નાગરિકોને ભારત સરકારે છૂટ આપી પરંતુ બ્રિટને ક્વોરોન્ટાઇન કાયદો તેમજ ત્રણ RT-PCR રિપોર્ટનો નિયમ લાગુ પાડી અન્યાય કર્યો તો ભારત સરકારે એના વળતા જવાબ રૂપે બ્રિટીશ નાગરિકોને એ જ નિયમ લાગુ પાડી મુશીબતમાં મૂક્યા. બે સરકારોના રાજકારણમાં સામાન્ય પ્રજા ફસાઇ ગઇ. આની અસર હજારો પેસેન્જરોને થશે. ભારત એમ્બરમાં મૂકાયા પછી અમારૂં સેલનું ટર્ન ઓવર એક જ દિવસમાં ૧.૭ મિલિયન પાઉન્ડનો આંક વટાવી ગયું. ઇન્ડીયા-યુ.કે.ના અમે સૌથી મોટા એજન્ટ છીએ.
આ નવા કાયદાથી કેટલાય પોતાની તારીખ બદલશે. જેઓએ અમારી પાસેથી ટિકિટ અને હોટેલ બુકિંગ સહિતના હોલીડે બુક કરાવ્યા હોય એમાં અમે જવાબદારી લઇએ પરંતુ માત્ર ટિકિટ લીધી હોય તેમના કેન્સલેશનની જવાબદારી જે તે એરલાઇન્સની હોય. ફ્લાઇટ ચાલુ હોય તો વળતર પણ ના મળે. લોંગ ટર્મ માટે જતા હોય એને કદાચ ક્વોરોન્ટાઇનનો વાંધો ન હોય પરંતુ માત્ર એક-બે વીક માટે જતા હોય એમને માટે તો આ માથાનો દુખાવો!
આ નિયમથી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી માટે અને પેસેન્જર્સ બે ય ને શોષવાનું છે. ભારત સરકારે તો બ્રિટન સરકારનું કોપી-પેસ્ટ કર્યું છે.
• ટ્રાવેલ પેકના સુક પટેલે જણાવ્યું કે, ઇન્ડીયા જેવું રેડ લીસ્ટમાંથી એમ્બરમાં મૂકાયું કે એકાએક અમારા સેલનો ગ્રોથ ૧૫૦ % વધી ગયો પરંતુ બ્રિટનની સરકારના પગલા સામે નમતું ના જોખી ભારત સરકારે એ જ નિયમ લાગુ પાડ્યો એ સમજી શકાય પરંતુ એનો ભોગ સામાન્ય પ્રજા બની રહી છે. ભારત સરકારની જાહેરાત બાદ ૨૮-૩૦ % ટિકિટો કેન્સલ થઇ ગઇ. હજી પેસેન્જરો અચોક્કસતા અનુભવે છે. નવા બુકિંગ ઠંડા પડી ગયા. હવે ટિકિટ બુક કરતા ચાર વાર લોકો વિચારશે.
એક બાજુ લોકડાઉન ખુલ્લું કરી નાંખ્યું અને બીજી બાજુ આ કાયદો લાગુ પાડ્યો જેને કારણે મુસાફરોમાં રોષની લાગણી અમારા પર વધી ગઇ. એમના હોલીડે બહુ મોંઘા થઇ ગયા. બે વીકના સ્ટેમાં ૧૦ દિવસ ક્વોરોન્ટાઇન કઇ રીતે પોષાય?
એરલાઇન્સ તરફથી રીફન્ડ મળતા નથી એનો ગુસ્સો લોકો અમારા પર કાઢે છે. એરલાઇન નાણાં પાછા ન આપે તો અમે શું કરીએ? અમારો બે બાજુથી મરો છે. અમારે તો એરલાઇન્સ, પેસેન્જર્સ અને સ્ટાફ બધાને સાચવવાના. અમે કશું કરી શકતા નથી.
• ટ્રાવેલ હબના શ્રી વિકાસ ગુપ્તાએ "ગુજરાત સમાચાર"ને એમનું મંતવ્ય જણાવતા ખેદ વ્યક્ત કર્યો કે, ટ્રાવેલ બીઝનેસ માટે તો આ મોટા ફટકા સમાન છે જ! પરંતુ હજારો પ્રવાસીઓએ ઓક્ટોબરમાં શરૂ થતી એક-બે વીકની હોલીડે માટે ભારત જવાની ટિકિટ બુક કરાવી હતી તેઓ માટે મોટી સમસ્યા ખડી થઇ છે. જાય તો કોરોન્ટાઇનને કારણે હોટેલમાં પૂરાઇ રહેવું પડે. અને જો ટિકિટ કેન્સલ કરાવે તો એરલાઇન એમને પૂરૂં રીફન્ડ ના આપે. પ્રવાસીઓને તો બેય બાજુ ખોટ. બે સરકાર વચ્ચે ભીંસાઇ જતા મુસાફરો હવે ભારત જવાનું જ માંડી વાળશે. ભવિષ્યના બુકિંગ પર પણ એની ઘેરી અસર વરતાશે. કદીય ના અનુભવી હોય તેવી આ તકલીફ વતન તરફ જવાનો પ્રવાસીઓનો હોંસલો ઘટાડી દેશે. હાલ તો કડક સરકારી નિયમોએ ઘા પર નમક ભભરાવવા જેવું કર્યું છે. આ પ્રશ્નનું નિરાકરણ આમ ક્યારેય ન થાય. બે સરકારોની લડાઇમાં સામાન્ય જનતાને ભાગે સંઘર્ષ વેઠવાનો આવે છે. સાથે -સાથે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને ય ભારે સહન કરવું પડશે. વેળાસર નિયમ હળવા થાય એ જ સૌના હિતમાં છે.
• સ્કાયલોર્ડસના શ્રી રાજન સેહગલે જણાવ્યું કે, અમે તો હોલસેલર્સ છીએ એટલે ૯૯% ટિકિટોનું સેલ એજન્સીથી થાય છે. ઇન્ડીયા એમ્બર લીસ્ટમાં મૂકાતા જ એની તરત અસર થઇ. લોકોને થયું કે હવે ગ્રીન થતા વાર નહિ લાગે એથી લોકો ઉત્સાહિત થઇ ફટાફટ બુકિંગ કરાવવા લાગ્યા પરંતુ અચાનક ભારત સરકારની જાહેરાતથી એની વિપરીત અસર થઇ. હવે લોકોને ફિકર થઇ ગઇ કે હવે ગવર્મેન્ટ શું કરશે? ભારત સરકારે નિયમ સરળ બનાવવા જોઇએ. બે ય બાજુથી ભારતીય મુસાફરોને જ વેઠવાનું છે. લોકોનો વિશ્વાસ વધારવા કંઇક કરવું પડશે. ઇન્ડીયન એપમાં માહિતી બ્લેક એન્ડ વ્હાઇટ બ્રિટીશ ગવર્મેન્ટ જેવી હોવી જોઇએ. ઇન્ડીયન એપ તો ખુલતી પણ નથી. ગઇકાલે દિલ્હીના એરપોર્ટ પર બ્રિટીશ પ્રવાસીઓ ઉતર્યા અને એમને સાઇડમાં રાખ્યા જેથી કલાકો સુધી હેરાન થવું પડ્યું. આખરે સામાન્ય પ્રજા અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને જ સહન કરવાનું છે.
• સીટીબોન્ડના રાજીવભાઇએ જણાવ્યું કે, ભારત સરકારની આ જાહેરાતથી નેગેટીવ ઇફેક્ટ તો થઇ છે જ! મુસાફરો કનફ્યુઝ થઇ ગયા છે. નવા બુકિંગ કરાવનારા પાછા પડે. ટૂંકા સમય માટે જવાનું અને ૧૦ દિવસ ક્વોરોન્ટાઇન રહેવાનું હોય તો શું ફાયદો? જેમ જેમ જાણ થતી જાય તેમ તેમ તારીખ બદલવા કે કેન્સલ કરવાની ઇનક્વાઇરી વધતી જાય છે. રીફન્ડ ના મળે તો લોકો નારાજ થાય પરંતુ અમારા હાથમાં એ નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter