ટેકઅવે શોપના માલિકે ગરીબો પાસે ગુલામી કરાવીઃ સાડા આઠ વર્ષની જેલ

Wednesday 11th July 2018 02:14 EDT
 
 

લંડનઃ નોર્થ ઈસ્ટ ઈંગ્લેન્ડમાં નોર્ધમ્બરલેન્ડમાં ફાસ્ટ ફૂડ ટેકઅવે શોપના ૪૬ વર્ષના માલિક હરજિત બરિયાણાને ગરીબ લોકો પાસે મફતમાં કામ કરાવી શોષણ કરવા તેમજ તેમને ડ્રગ્સ અને આલ્કોહોલના વ્યસન માટે પ્રોત્સાહિત કરવાના ગુનામાં ન્યૂકેસલ ક્રાઉન કોર્ટ દ્વારા સાડા આઠ વર્ષ એટલે કે ૧૦૨ મહિનાની જેલની સજા ફરમાવાઈ છે.

હરજિત બરિયાણા સેન્ટ્રલ બ્લિથ, નોર્ધમ્બરલેન્ડમાં સંપત્તિઓ ધરાવે છે, જ્યાં તે ભાડૂતોને રાખતો હતો. તેણે પોતાના ભાડૂતો સાથે લગભગ ગુલામ જેવો જ વ્યવહાર કર્યો હતો અને તેમને વધ્યું ઘટ્યું ખાવાનું આપતો અને બ્લિથ અને સન્ડરલેન્ડની દુકાનોમાં મફતમાં કામ કરાવતો હતો. તે તેમને આલ્કોહોલ અને ડ્રગ્સ પણ આપતો હતો. આરોપી બરિયાણા ધાકધમકી અને હિંસાના આચરણનો દોષી હતો. બરિયાણાને અગાઉ અપ્રામાણિકતા, ગેરકાયદે નાણા ધીરધાર, બનાવટી માલસામાનના વેચાણ તેમજ ધાકધમકી આપવા બદલ સજાઓ કરવામાં આવેલી છે.

ગયા મહિને ક્રાઉન કોર્ટમાં તેની સામે ટ્રાયલ ચાલ્યા પછી ચાર લોકો પાસે ગુલામી કરાવી હોવાના છ આરોપ તેમજ તેમને ક્લાસી સી ડ્રગ ડાયાઝેપામ પૂરી પાડવાના આરોપ બદલ દોષી ઠરાવાયો હતો. કોર્ટ સમક્ષ રજૂઆતો થઈ હતી કે બરિયાણાની માગણીઓને તાબે ન થવાય તો તેઓ ઘરવિહોણા બની જશે તેવો ભય ભાડૂતોને હતો. બરિયાણા હાઉસિંગ બેનિફિટના લાભ મેળવતો હતો, પરંતુ પોતાના ભાડૂતો પાસેથી ગેસ અને ઈલેક્ટ્રિસિટીના નાણા પડાવતો હતો. એક વ્યક્તિ પાસે મોજાં પહેર્યા વિના સુએજ પાઈપ સાફ કરાવાઈ હતી, જ્યારે બીજી વ્યક્તિને બૂટ પહેર્યા વિના કામે જવાની ફરજ પડાઈ હતી. મફત કામ કરાવ્યા પછી લોકોને વધ્યુંઘટ્યું ખાવાનું અને સોફ્ટ ડ્રિન્ક્સ અપાતા હતા.

જજ સારાહ મેલેટે સજા સંભળાવતા બરિયાણાને કહ્યું હતું કે‘ મારી નજરમાં આ વ્યાપારી શોષણ જ છે. તારું બિઝનેસ મોડેલ મફત મજૂરી અને બિઝનેસમાં ઓછામાં ઓછાં ખર્ચ અને વધુમાં વધુ નફા પર આધારિત હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter